અમાસના તારા/એને ક્યાં જવું હતું?

From Ekatra Wiki
Jump to navigation Jump to search


એને ક્યાં જવું હતું?

ચઢી આવેલી ઘનઘોર વાદળીઓ વરસતી નહોતી. વાતાવરણ સ્તબ્ધ હતું. પવન પડી ગયો હતો. સામે દૂર દૂર સુધી દેખાતાં લવંગિનાં વૃક્ષો સૂમસામ ઊભાં હતાં. ઝાંઝીબારના હવાઈમથકે અમે દારેસ્સલામથી આવતા વિમાનની વાટ જોતા હતા. એટલે બહારના વાતાવરણની અસરથી મારું તો અંતર ઉદાસ થઈ ગયું. માણસ અને કુદરત વચ્ચે કેવી મૂંગી આપલે હોય છે! પરંતુ મારી ઉદાસી ઝાઝી વાર ટકી નહીં. ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો. વર્ષા વરસી એટલે એની સાથે રમતી પવનની લહેરો આવી. લહેરો લવંગિની સુગંધ વહી લાવી. પળ વાર પહેલાંના સૂનમૂન વાતાવરણમાં જિંદગી જાગી ઊઠી. વાદળીઓ વરસતી જાય ને ચાલતી થાય. એટલામાં સાગર ભણીથી ઘનશ્યામ વાદળીઓનું એક જૂથ આવ્યું. શી એની ગતિશીલતા! એમની ગતિમાં છંદ હતો. છંદમાં છટા હતી. સંપ કરીને આવી હતી. સંપથી વરસવા માંડ્યું. ઘનશ્યામ રંગ નિચોવાઈ રહ્યો. થોડી વારમાં વર્ષા ઓછી થઈ ગઈ. વાતાવરણમાં કંઈક ઉજાસ આવ્યો. ઉપર દૃષ્ટિ કરી ત્યાં તો પેલું જૂથ વરસી રહી, હળવું થઈ, જેમ આવ્યું હતું તેમ ચાલ્યું ગયું. વરસાદ બંધ થઈ ગયો. લવંગિના વનમાંથી સુવાસને સાથે લઈ આવીને હવાએ વાતાવરણને મહેક મહેક કરી મૂક્યું. ઉદાસીને ઠેકાણે અપેક્ષાનો આનંદ ઊગ્યો. અંતર અને આંખો બન્નેએ અણસારા કરી દીધા.

અમે વાટ જોતા હતા તે વિમાન દેખાયું. વનના વનમાળી જેવું એ આત્મવિશ્વાસથી ધરતી પર ઊતર્યું. હવાઈમથકે આવ્યા ત્યારે ઉદાસ હતા. ઊડ્યા ત્યારે આનંદિત. એ આનંદમાં ને આનંદમાં દૃષ્ટિ પેલા અદૃશ્ય થતા લવંગિનાં લીલમલીલાં વૃક્ષોને બસ જોઈ રહી તે જોઈ જ રહી. ઝાંઝીબાર અને પેમ્બાના ટાપુઓની વચ્ચેથી માર્ગ કરીને વિમાન સામો કિનારો પકડવા ધસી રહ્યું હતું. મારા મનમાં રંગ હતો. અંતરમાં ઉમંગ હતો. અવસ્થા સપનાની હતી. પેલા વલંગિનું વન પીછો છોડતું નહોતું. મનનો મોરલો અસ્તિત્વની ધરતી ઉપર કલા કરી રહ્યો હતો. ત્યાં ધબ દઈને આંચકો આવ્યો. હવાના દબાણથી વિમાન ગભરાઈ ગયું. એણે દિશા બદલી. સરરરર દઈને વધુ ઊંચું ચઢ્યું. સ્વસ્થતા ધારણ કરી. પાછળ જોયું તો ઝાંઝીબાર ને પેમ્બાના ટાપુઓ ધ્યાનસ્થ યોગીની જેમ આસન વાળીને બેઠા હતા. દૃષ્ટિ પાછી વળીને કિનારે આવી ત્યાં તો એક અપૂર્વ કૌતુક જોયું. વરસતાં પહેલાં ડૂમા ભરાયલા ભારે હૈયા જેવી ઘનશ્યામ વાદળીઓ જોઈ હતી. વરસતી, વરસીને હળવી થતી, હળવી થઈને વીખરાતી વિમળ વાદળીઓ પણ જોયેલી. પણ આ તો કદી ન જોયેલું દૃશ્ય જોયું! નિર્મળી, નિર્ભ્રાન્ત, નિર્મમ, નિસ્તેજ વાદળીઓ સાગરના નીલાભૂરા અગાધ જલરાશિ પર ઊતરે છે. પાણી પર પથરાઈ જાય છે. જાતને ઝબકોળે છે. ઊંડાં વારિમાં ડૂબકી મારે છે; અને શ્યામ રંગ ધારણ કરીને બહાર નીકળે છે. નવા જીવનની અપેક્ષાથી પોતાનું અંતર ભરીને ભારે હૈયે એ શ્યામા ગગનવિહારે નીકળે છે. રસ્તે સખીઓનો સાથ કરે છે. મનસૂબા કરે છે. અપેક્ષાથી ઓપતી, જીવનથી લચી પડતી લાવણ્યમયી એ ઘનશ્યામ અંતર્વત્નીઓનાં જૂથને જતું જોઈ, મારા અંતરે પુલકિત થઈને મને જ બાથ ભરી દીધી.

આ સૌન્દર્યમૂર્ચ્છા વળી ત્યારે વિમાન એકીશ્વાસે મોમ્બાસા ભણી ધસતું હતું. એક બાજુ હિંદી મહાસાગરનો અપાર જલરાશિ, બીજી બાજુ આફ્રિકા ખંડનો વિસ્તરેલો ધરતીનો પટ; અને ઉપર અનંત આકાશ! પ્રકૃતિનાં મહાસત્ત્વોનો કેવો નિરુપમ સંગમ! ત્રણેયની વિભૂતિ અલગ. છતાં ઐક્યની કેવી અદ્ભુત રમણા!

દૂરથી મોમ્બાસા દેખાયું. પૂર્વઆફ્રિકાનું એ પ્રથમ મુખદ્વાર. સાગરની સાંકડી ખાડી મોમ્બાસાને વંટિળાઈ વળી છે. એટલે ધરતીના અંદરના ભાગમાં જતી આગગાડીને પણ પુલ પર થઈને જવું પડે છે. વિમાનમાંથી મોમ્બાસા મધ્યમવર્ગના સુઘડ કુટુમ્બ જેવું રમણીય લાગ્યું. સ્ટીમરમાંથી જોયેલું ત્યારે પુરાતન નાના બંદર જેવું અનાકર્ષક લાગેલું. નિવાસ કરીને જોયું ત્યારે એનો અનુભવ સામાન્ય જન જેવો તેજહીન થયો.

પંદરેક દિવસ ત્યાં રહેવાનું થયું. એક રાતે એક મિત્રે એક હોટલમાં ખાણાની મિજબાની આપી. આ કોલોનીમાં અંગ્રેજોના પ્રભાવને કારણે અને આરબ તથા આફ્રિકનોની ગુલામીને કારણે હિંદીઓ પણ ત્યાં પ્રવર્તતી સાહેબશાહી સંસ્કૃતિના ભક્તો બની ગયા છે. એટલે અમારી મિજબાનીમાં શરાબની રેલમછેલ હતી. જમણને અંતે અમે છૂટા પડ્યા ત્યારે મારા મિત્રની અવસ્થા નાજુક હતી. સૌના ગયા પછી એમણે પાછળથી થોડો વધુ શરાબ લીધો. મારી વિનંતી અને સલાહ બન્ને એમણે ન માન્યાં. લગભગ મધરાતે અમે બન્ને જણ એમની મોટરમાં નીકળ્યા. હાંકનાર હતો નહીં. એઓ પોતે જ હાંકતા હતા. મોટરમાં બેસીને એમણે કહ્યું : “મારે મારી એક આરબ છોકરીને ત્યાં જવું છે. આમ તો એ બજારમાં બેસે છે. પણ મારી જૂની ઓળખાણ છે. અત્યારે એ જરૂર બારણું ઉઘાડશે!”

બહુ જ આગ્રહથી મેં એમને વાર્યા. કહ્યું કે આપણે સીધા ઘેર જ જઈએ. પણ એ તો એકના બે ન થયા. મારી મૂંઝવણનો પાર નહીં. એમને મૂકીને ચાલ્યા જવું? હું અજાણ્યો! અને આવી હાલતમાં મિત્રને એકલા પણ કેમ મુકાય! ત્યાં તો મોટર ચાલી. મોટર જે રીતે ચાલતી હતી તે રીતે મને બીક લાગી કે કોઈ ઠેકાણે એ અથડાય કે ઊંધી ન વળે તો સારું.

પણ મારા આશ્ચર્ય વચ્ચે મોટર આવીને મિત્રને ઘેર જ ઊભી રહી. પોતાનું ઘર જોઈને એમને પોતાને પણ નવાઈનો આંચકો લાગ્યો! એમને તો પેલી આરબ બાઈને ઘેર જવું હતું. મોટર લીધી પાછી. પાછા આવ્યા હોટલે. હોટલ જોઈને પાછું તેમને અચરજ થયું કે આ તો હોટલ છે. ત્યાંથી મોટર પાછી હંકારી. પેલી બાઈને ઘેર જવું’તું ને! મોટર સડસડાટ ચાલી. મારો જીવ અધ્ધર હતો. આજે અવશ્ય કોઈ અકસ્માત થવાનો. થોડી વારે મોટર આવીને પાછી મિત્રને ઘેર જ ઊભી રહી. જોયું તો એ પોતાનું જ ઘર. હું પણ આભો બની ગયો. પણ મને થયું કે એમને સદ્બુદ્ધિ સૂઝી હશે. ઘેર સલામત પહોંચી ગયા. હું ઊતરવા જાઉં ત્યાં તો ગુસ્સો કરીને એમણે મોટર પાછી વાળી. ભયંકર ગતિથી અમે પાછા હોટલ પર આવી ઊભા. મિત્રના ગુસ્સાનો પાર નહોતો. શરાબનો નશો હજી ઉત્કટ હતો. છતાં મેં આજીજી કરી. આપણે ઘેર જઈએ. તમારી તબિયત સારી નથી. આપણે ભયમાં છીએ. આપણું બૂરું થશે. પણ કોણ માને! મોટર તરત જ ચાલી. મિત્રે કહ્યું કે મરી જઈશ પણ જઈશ તો એને ત્યાં જ. અને મોટરની ગતિ વધી. મહા મુશ્કેલીએ અકસ્માતોથી બચતા આવીને પાછા ઊભા મિત્રને ઘેર! હવે મારી ધીરજ ખૂટી. હું ઊતરી જ પડ્યો. બળ કરીને એમને ઉતાર્યા. મોટરને આંગણામાં મૂકી દીધી. ઘર ઉઘડાવીને એમને સોંપ્યાં એમની પત્નીને. મારા ઓરડામાં જઈને હું સૂઈ ગયો.

સવારે મિત્રપત્નીએ કહ્યું ત્યારે જાણ્યું કે જેટલી વખત મોટર આવીને ઊભી તેટલી વખત જાગીને એ બારણું ઉઘાડવા આવેલાં. બારણું ઉઘાડીને જુએ ત્યાં મોટર રવાના! મેં એમને સાંત્વના આપી. પણ બાઈનું મન માન્યું નહીં.

ચિત્ત તો મારુંય ચકડોળે ચઢ્યું હતું. માણસ શરાબમાં તરબતર. જવું વેશ્યાને ત્યાં. જાય પોતાને ઘેર. કરવું કંઈ. થાય કંઈ. આ પરવશતા કેમ? આ લાઇલાજી શાની?

અંતરને એક વાતની ગમ પડતી હતી. શ્રદ્ધાના દીવાનું અજવાળું સતેજ થતું હતું. માણસ બુનિયાદે સાચો છે. બુદ્ધિ એને ખરાબ કરે છે. કામનાઓ એને જકડે છે. સ્વાર્થ એને અંધ બનાવે છે. પરમ અંશ પામર બની જાય છે. માનવી છે સાચો. ખોટો બને છે.