અમાસના તારા/કલાકારની દિલાવરી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કલાકારની દિલાવરી

ઈ. સ. ૧૯૩૮ના ડિસેમ્બરમાં અમે કલકત્તામાં હતા. કલકત્તામાં ડિસેમ્બર મહિનો ગુલાબી આબોહવા અને રંગીન વાતાવરણ માટે મશહૂર છે. એ વખતે હિંદના વડાહાકેમ–વાઇસરોયનો મુકામ ત્યાં હતો. એટલે ઘણા રાજામહારાજાઓ કલકત્તામાં એકત્ર થયા હતા. હું પણ મારા દરબાર સાથે ગ્રેટ ઈસ્ટર્ન હોટલમાં રહ્યો હતો. અમારા મહારાજાને સંગીતનો સાચો શાખ હતો. એટલે ઘણી વખત જુદી જુદી ગાનારી અને ગવૈયા આવતાં. શ્રી સચીન દેવબર્મન અને અખ્તરી ફૈઝાબાદીને મળવાનો અને સાંભળવાનો પ્રસંગ પહેલાં મને ત્યારે જ મળ્યો હતો. અખ્તરીબાઈ તો અવારનવાર અમારી હોટલના આવાસમાં પણ આવીને સંગીતની ભેટ આપી જતી. ગઝલ અને કવાલીની ગાયકીમાં આજની ગાનારીઓમાં એનું સ્થાન મોખરે છે. એના અવાજમાં એક એવું દર્દ ભર્યું છે કે જ્યારે આરજૂની કોઈ ગઝલ કે કવાલી એ ઉપાડે ત્યારે ગમે તેવો કુંદ લાગણીવાળો માણસ પણ રોમાંચ અનુભવે એવું એનું જીવતું સંગીત હતું. હું મળ્યો ત્યારે તે રૂપ અને યૌવન પણ એનાં હતાં. ચહેરાનો નકશો ઉઠાવદાર, નમણી અને નર્તંતી આંખો અને મીઠો પણ મૂંગો અને મારકણો વિલાસ વિસ્તારવાની એની અજબ તાકાતને કારણે એ બહુ મોહક અને મોંઘી ગાનારી હતી. રીતભાત અને વાતચીતમાં એની સંસ્કારિતા એની ગાયકીની જેમ મૌલિક હતી. રીતરસમે બહુ મનોહર અને વાતચીતે ગજબની મીઠડી. પણ એવી કુશળ અને કલાધર કે મર્યાદા કદી ન વટાવે અને કોઈ વટાવવા જાય તો એને બહુ જ સમયસૂચકતા અને ચકોરતાથી રોકે. અને એ જ એનું અજબ આકર્ષણ હતું.

અમે અનેક વાર મળ્યાં હતાં. મજલિસમાં અને મહારાજાસાહેબની હાજરીમાં પણ. પરંતુ અમારે સાધારણ બોલવા-ચાલવા સિવાય બીજો સંબંધ નહોતો. મજલિસમાં એક ખૂણામાં બેસીને હું એને બહુ જ ધ્યાનથી અને સમજવાની આતુરતાથી સાંભળતો એ એની ચકોર આંખો જોઈ ગઈ હતી અને જાણતી હતી. હજારો રૂપિયા મારે હાથે એણે લીધા હતા. એક વખત એના દિલમાં કંઈક દિલાવરી ઊગી. હોટલમાંથી જતી વખતે એણે માગણી કરી કે મારે એને નીચે મોટર સુધી મૂકવા જવું. એની કલાનો હું કદરદાન હતો એટલે મેં હા પાડી અને હું સાથે ગયો. નીચે એણે મને વિનંતી કરી કે એક વખત મારે એને ઘેર જઈને એનું સંગીત સાંભળવું. એને એમાં ખબ ખુશી થશે. મેં હા પાડી. દિવસ નક્કી થયો. એ દિવસે રાતે નવેક વાગે હું એના મકાને પહોંચ્યો. એને સાચે જ બહુ આનંદ થયો. પોતાના સાજિંદાઓને તૈયાર થવાની આજ્ઞા કરીને એણે પાન બનાવ્યું. પાન તો હું જિંદગીમાં ખાતો નથી એટલે એના આશ્ચર્ય વચ્ચે મેં એ વાત પાછી ઠેલી. સાથીદારોએ સાજ મિલાવ્યા અને અખ્તરીએ ગળું ખંખાર્યું. એક આલાપ લીધો ત્યાં નીચેથી માણસ ખબર લાવ્યો કે નીલમનગરના મહારાજા સાહેબ પધાર્યા છે. મને અને એને બન્નેએ સંકોચની સહજ લાગણી થઈ. ગમે તેમ તોય હું એ મહારાજાનો મંત્રી એટલે મને એમ થયું કે આ નાહકની નકામી ગેરસમજણ થશે. એનો એ બાઈએ તાત્કાલિક તોડ કાઢ્યો કે મારે એના સૂવાના ઓરડામાં થોડી વાર બેસવું, ત્યાં એ મહારાજાને વાતચીત કરી પાતાવી દેશે. હું એના સૂવાના ઓરડામાં આવીને એક આરામખુરશી પર બેઠો. બાઈનો હું મહેમાન હતો. એની સ્થિતિને અનુકૂલ મારે થવાનું હતું. હું અંદર બેઠો બેઠો આ વિવશતાનો વિચાર કરતો હતો ત્યાં માણસે ઉપર આવીને ફરીથી જાહેર કર્યું કે પ્રતાપગઢના મહારાજા સાહેબ નીચે આવ્યા છે અને ઉપર આવવાની ઇચ્છા બતાવી છે. નીલમનગરના મહારાજાની સ્થિતિ કફોડી બની ગઈ. એમને અહીં બીજું કોઈ જોઈ જાય એ ભયથી એમણે અખ્તરીને કહ્યું : “હું બીજા ઓરડામાં બેસું છું, એમને પતાવી લે.” અને અખ્તરી જવાબ આપે તે પહેલાં તો એ સૂવાના ઓરડાનું ખાલી બારણું ધકેલીને અંદર આવ્યા. આરામખુરશી પરથી ઊભા થઈને મેં નમસ્કાર કર્યા! વાણીને બદલે માત્ર મૌને આંખો વડે જ વાતચીત કરી લીધી. થોડી વારમાં તો અખ્તરી આવીને અમને બન્નેને બહાર લઈ ગઈ અને પછી એણે નિરાંતે ગાવાનું શરૂ કર્યું. એક પછી એક એમ એણે મધરાત સુધી ગાવાની મહેફિલ જમાવી. જ્યારે ગાનના ફુવારા શમ્યા ત્યારે અમને સાંભળવાનો સંતોષ થયો તેના કરતાં એને ગાવાની વધુ સંતૃપ્તિ થઈ. એણે બહુ તમીજથી મહારાજાને કહ્યું કે એક વખત એની પોતાની ઇચ્છા મને કંઈક નિરાંતે સંભળાવવાની હતી તે આજે પૂરી થઈ. મહારાજાએ મને કહ્યું કે એને પાંચસો રૂપિયા આપો. મેં ધર્યા, પણ બાઈએ ના પાડી. એણે કહ્યું : “આ તો એક કદરદાન સજ્જનને સંગીતકલાના ઉપાસકની એક નાચીજ ભેટ છે.” મહારાજા પણ માણસ તો હતા જ ને! વાતનો મરમ સમજ્યા. વાતચીત પછી અમે ઊઠ્યા. જતી વખતે મેં અખ્તરીને માથું જરા નમાવીને સ્વાભાવિક રીતે જ નમસ્કાર કર્યા; અને દિલની ઝૂકેલી અહેસાનમંદી પ્રગટ કરી. હજારો રૂપિયા લઈને પણ અહેસાન કરતી આંખોમાં કૃતાર્થતા છલકાવીને એણે સામી સલામ ભરી મારા પ્રણામને ઝીલી લીધા. મહારાજાને પણ ન નમેલું માથું કલાકારને નમતું જોઈને એ જોઈ જ રહ્યા. પણ ત્યાર પછી અમે મહારાજા અને મંત્રી મટીને મિત્રો બની રહ્યા.