અમાસના તારા/પ્રશ્ન અને ઉત્તર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રશ્ન અને ઉત્તર

પૂર્વ આફ્રિકા અને દક્ષિણ આફ્રિકાથી આવનારા મારા ઘણા મિત્રોને હું ત્યાંના આદિવાસી આફ્રિકનો વિષે કુતૂહલભર્યા સવાલો પૂછતો. એમની રહેણીકરણી, ટેવો, રીતભાત, વિચારસરણી, લાગણીની ભાત અને એની ગહનતા એમ અનેક પ્રશ્નો એમને કરતો. પણ એમાંથી કોઈ મિત્રે પોતાના અનુભવની એક્કેય સંતોષજનક વાત નહોતી કહી. અને પછી પૂછતાં પૂછતાં આખર ખબર પડી કે એમાંના ઘણાખરાને તો એનો અનુભવ જ નહોતો કારણ કે એમને એમાં રસ નહોતો. એકબે મિત્રોએ થોડીઘણી જે વાતો કરેલી તેને કારણે એ આદિવાસીઓને જાતે જોવાની અને મળવાની મને તીવ્ર ઇચ્છા રહેલી. બધી તીવ્ર ઇચ્છાઓ કંઈ ફળે છે એવું નથી હોતું. પણ આ તો ફળી. પૂર્વ આફ્રિકામાં રખડતાં-રખડતાં ત્યાં વસતી ઘણી મૂળ જતિઓને જાણીજોઈને હેતુપુર:સર મળ્યો. મારી મહત્ત્વાકાંક્ષા તો એવી હતી કે માનવચેતનાની સમુત્ક્રાંતિના દૃષ્ટિબિંદુથી એમને સાક્ષાત્ કરું. પણ એટલો બધો વખત એમની સાથે ગાળવાનો મને ન મળ્યો. પણ વૈજ્ઞાનિક દૃષ્ટિથી એનો અભ્યાસ કરનાર એક અંગ્રેજનો ભેટો થઈ ગયો. એ અંગ્રેજ તો ડો. લીકી, જેઓ નૈરોબીના મ્યૂઝિયમના ક્યૂરેટર છે. એમની સાથે કલાકોના કલાકો ગાળી, એમની સાથે કિકુયુ આદિવાસીઓનાં સ્થાનમાં ફરીને વિચારોની આપલે કરવાની જે તક મળી એનો મને ખૂબ આનંદ થયો. એ રીતે એમની દૃષ્ટિ સમજવાનો મોકો પણ મને મળ્યો.

ઓગસ્ટના બીજા અઠવાડિયામાં હું નૈરોબીથી નીકળી મોમ્બાસા પહોંચવાનો વિચાર કરતો હતો ત્યારે મારા એક મિત્રે કહ્યું કે તમે વાખામ્બા તો જોયા જ નહીં. વાખામ્બા વિશે જ્યારથી મેં એ મિત્ર પાસે સાંભળ્યું હતું ત્યારથી મને એ લોકોને જોવાની અને મળવાની ખૂબ ઇચ્છા હતી. થોડાંક જ વર્ષો પૂર્વે જ્યારે એમનાં જંગલોમાંથી એમનાં ઢોરની મોટી ટકાવારી કસાઈખાને ફરજિયાત મોકલવાનો હુકમ સરકારે કર્યો હતો ત્યારે એમણે અહંસિક સત્યાગ્રહ કર્યો હતો. લગભગ ચારપાંચ હજાર વખામ્બા સ્ત્રીપુરુષો બાળબચ્ચાં સહિત દિવસોના દિવસો નૈરોબીમાં ધામા નાંખીને પડ્યાં હતાં અને એમના એ અહંસિક સત્યાગ્રહને પરિણામે સમાધાન થયું હતું પણ એમના મુખી સૅમ્યુઅલ મોહિદીને દૂર દરિયાકિનારે હદપાર કરવામાં આવ્યો હતો. આ હસમુખા, સાદા અને ભોળા ખેડૂતને મળવાની વાત નીકળતાં અમે બીજે દિવસે જ બપોરે જમીને બે મોટરોમાં નૈરોબીથી પચાસ માઈલ દૂર મચાકોસ તરફ જવા નીકળ્યા. મચાકોસની પર્વતમાળા એ જ વાખામ્બાનું નિવાસસ્થળ હતું. નૈરોબીથી પચ્ચીસ માઈલ દૂર આથી નદી પાર કરીને અમે જતા હતા ત્યારે રસ્તામાં સંહિ વિનાનાં લગભગ બધાં જ જનાવરોનાં ઝુંડ અમને જોવા મળ્યાં. ઝીરાફ, જિબ્રા અને હરણો. આ આથી નદીનો આખો વિશાળ પ્રદેશ એ આ જનાવરોનું નિવાસસ્થાન છે. મચાકોસ ગામમાં અમારી મોટરો મૂકીને ત્યાંના હિંદીભાઈઓએ અમારે માટે એક ભારે બસ આપી તેમાં અમે પહાડી ચઢ્યા. અમારી સાથે એ પહાડીનો જાણીતો અને એ પહાડમાં વસનારા વાખામ્બાનો આગેવાન ફિલીપ પણ હતો. એની સહાયથી અમે ઘણાં ભાઈ-બહેનોને મળ્યાં. મારે પૂછવાના સવાલો પણ હું ફિલીપ મારફત પૂછતો. કારણ કે ફિલીપને સ્વાહિલી આવડતું હતું અને મારી સાથેના મારા મિત્ર સ્વાહિલી સરસ જાણતા હતા. એટલે હું ગુજરાતીમાં બોલું, તેનું એ સ્વાહીલી કરે અને પછી ફિલીપ એને પોતાની ભાષામાં સમજાવે – આ પ્રકાર બહુ જ રમૂજી નીવડ્યો. આમ, વાખામ્બાને મળતા મળતા અમને ફિલીપ એને પોતાને ઘેર એક ઊંચી પહાડી પર લઈ ગયો. રસ્તો ખરાબ હતો અને દિવસ છતાં એ પહાડી ચઢાઈ જાય તો સારું એ હિસાબે બસ પણ એના સ્પેશિયલ ગિયરમાં જ રખાઈને એવી હંકાઈ કે અમે સૂર્યાસ્ત પહેલાં ફિલીપને ઘેર પહોંચી ગયા અને પહોંચી ગયા એ સારું જ કર્યું.

મચાકોસની એ પહાડી ઉપરથી અમે જે સૂર્યાસ્ત જોયો, એવો કરુણ અને કાવ્યભર્યો સૂર્યાસ્ત આફ્રિકામાં તો પ્રથમ વાર નીરખ્યો. મારા મિત્ર તો એવા મુગ્ધ બની ગયા કે એમણે ગાયત્રીનો મંત્ર ઉચ્ચાર્યો. ફિલીપે એની બન્ને પત્નીઓને માણસ મોકલી ખેતરોમાંથી બોલાવી. પશ્ચિમની ક્ષિતિજે આકાશ રંગોનું ક્રીડાંગણ થઈ ગયું. ચમકારા મારતા તેજસ્વી રંગો ધીરે ધીરે ઝાંખા થયા અને ભૂરા આકાશી રંગો વધારે સઘન થવા માંડ્યા. અંધારું ઊતર્યું નહોતું, હજી ઊતરવાનું હતું. એ તેજછાયાને અજવાળે-અંધારે ફિલીપની બન્ને પત્નીઓ બરડા ઉપર અનાજના ભાર વહી લાવીને જે રીતે પહાડી ચઢતી હતી એ આખુંય ચિત્ર મારા મનમાં કોરાઈ રહ્યું છે. સમસ્ત કચડાયલી માનવજાતનો પરસેવો થીજીને જાણે આ બે આકૃતિઓ બની ગઈ હોય એમ એ ધીરે ધીરે શ્વાસને આધારે આધારે ચાલી આવતી હતી. ચાલમાં જે ધીરપ હતી, જે ધીરજ હતી અને શરીરનો જે વળાંક હતો એનું કારુણ્ય પ્રગટ કરવાની મારી શક્તિ નથી. એ બન્ને જ્યારે ઉપર આવી ત્યારે અંધારું ઊતરતું હતું. એમને ઘેર આટલા બધા મહેમાનો જોઈને તો એ બિચારી આભી બની ગઈ. પરંતુ એમને સંતોષ અને આનંદ પણ ઘણો થયો.

અંધારું સઘન બને તે પહેલાં એ પહાડી ઊતરવા માંડી. ફિલીપને પણ અમે સાથે લીધો. અમે લગભગ તળેટીમાં પહોંચ્યા ત્યારે અમારા બસ હાંકનાર હિંદી જવાને કહ્યું કે અહીં જંગલમાં વાખામ્બાની સાથે જ એમના જેવો જ બનીને એક હિંદી રહે છે. એનું નામ પૂરણ. એનો ખોરાક પણ એવો જ છે. ભાષા પણ એમની જ બોલે છે. પચાસેક વર્ષથી અહીં વસે છે. ગામમાં ક્યારેક ખાંડ કે મીઠા માટે આવે છે. મને જિજ્ઞાસા થઈ. મેં વિનંતી કરી કે ચાલો પૂરણને મળીએ.બસ એના આંગણામાં પહોંચી. બરાબર આફ્રિકન આદિવાસીનો હોય એવો જ નાનો ઝુમ્બો (ઝૂંપડું) હતો. અને એ ઝુમ્બામાં જ એની સાથે એની એક વહાલી ગાય અને બે બકરીઓ પણ રહેતાં હતાં. પૂરણની જબાન હિંદી હતી એ તો હું તરત જ કળી ગયો. પણ હિંદી બોલવાની એની તબિયત નહોતી. જાણે હિંદી બોલવાથી એની ગઈ કાલ તાજી થતી હોય તેમ આ માણસ વાખામ્બાની બોલી જ બોલતો હતો, પણ મેં એને હિંદીને રસ્તે ખેંચ્યો. ડોસો ખુશ થયો. એ જેવો હિંદી બોલ્યો તેવો હું એને ભેટી પડ્યો. એને લાગ્યું કે હું કંઈ સાહેબ અથવા તો અલફાઉ મુસાફર નથી. એની ભાઈબંધી કરી શકે એવો ભેરુબંધ છું, ત્યારે એ ખીલ્યો. વીસ-પચીસ વરસની ઉંમરે એ આવ્યો હતો. ભૂતકાળ તો એને આડે આવતો નથી. ભવિષ્યની એને પડી નથી. એની ઉંમર એંસીની કે કદાચ એથી વધારે હશે, કોણ જાણે. દુનિયાની પ્રગતિની એને ખબર નહોતી. પણ મીઠું કે ખાંડ લેવા જ્યારે એ મચાકોસ ગામમાં જતો ત્યારે હિન્દુસ્તાન અને વિલાયત જઈ આવેલા માણસો એને મળતા. એમને મળીને એને પોતાની જિંદગી વિશે વધારે ખુશી થતી. બાહ્ય દૃષ્ટિએ આ માણસ પ્રગતિશીલ ના લાગે એટલું જ નહીં, પણ અધોગતિ તરફ ધસતો જ લાગે. પણ એની વાતોમાં મને રસ રડ્યો. એની આકૃતિ મને ગમી ગઈ. એંસી-નેવું વર્ષનો આ વૃદ્ધ, બાળક જેવો ભલો અને નિર્દોષ લાગતો હતો. સ્વચ્છ કે સાહેબશાહી કપડાં પહેરેલા વેરાન જેવા દિલવાળા માણસ જેવો એ ખાલી અને અબૂજ નહોતો લાગતો. મેલાં અને તેય નામનાં કપડાંમાં, જંગલમાં ઊગી નીકળેલા કોઈ ફૂલછોડ જેવી દાઢીમાં કદરૂપતા દેખાડતો આ માણસ અંદરથી ભરેલો અને ભયરહિત લાગ્યો. મેં એને પૂછ્યું કે આ વિમાની વેગે આગળ વધતા જમાનામાં એને અહીં સંતોષ છે? એના જવાબમાં એણે મને એક વાર્તા કહી. એણે કહ્યું : એક દિવસ સમીસાંજે આ પાસેની નદી આગળથી એ નીકળ્યો. રોજ ઓળંગતો હતો એ જ રીતે એણે નદી ઓળંગવા માંડી. પહાડી ઉપર વરસાદ થયેલો તેની એને ખબર નહોતી. નદીમાં વહેણ જોરનું હતું. એ જ્યારે લગભગ વચ્ચે પહોંચ્યો ત્યારે કેડ સમાણાં પાણી થઈ ગયાં અને વહેણનો વેગ અસહ્ય થઈ પડ્યો. આગળ જવાની વાત તો બાજુએ રહી પણ ત્યાં ઊભા રહેવું એ પણ કઠણ સવાલ થઈ પડ્યો. પાછું જવાય એવું પણ નહોતું. પાછું જવું પણ નહોતું. જવું તો આગળ હતું. એટલે આખી રાત બે મધ્યવહેણે ઊભો રહ્યો. આખી રાત પોતે એ વહેણમાં તણાઈ ના જાય તેવો પુરુષાર્થ કરતો રહ્યો. સવારમાં મોડેથી જ્યારે વહેણનું જોર નરમ પડ્યું ત્યારે એ સામે કિનારે પહોંચી ગયો.

થોડી વાર શાંત રહીને એણે કહ્યું : “આ દુનિયાના અજ્ઞાનના વહેણનું જોર અસહ્ય થયું છે. હમણાં તો એ મને તાણી ન જાય એ માટે પુરુષાર્થ કરું છું. એનું જોર નરમ પડશે ત્યારે સામે પાર જઈશ. ગમે ત્યાં તણાઈ નથી જવું, મારે તો સામે પાર જવું છે.”

ત્યાં તો એની બકરી બોલી. ગાયે પણ જાણે એને બોલાવ્યો એટલે અમારી રજા માગ્યા વિના એ અમારી પરવા કર્યા વિના એ ચાલ્યો ગયો. અંધારામાં એને જતો હું જોઈ રહ્યો. મને થયું કે માણસ આજે ગમે ત્યાં જવું અથવા પોતાની જગ્યાએ જ ફેરફૂદડી ફર્યા કરવી તેને તો વિકાસ નથી માનતો ને? પૂરણ પ્રશ્ન હતો, પરંતુ એ પોતાનો ઉત્તર પણ હતો.