અમાસના તારા/મોટાભાઈ, કેદારો કરો
દરેક અગિયારસે અને પૂનમે હું પિતાજી સાથે ગુરુદ્વારે ભજનમાં જતો. મારી ઉંમર ત્યારે ચૌદપંદર વરસની હશે. ભજનમાં ગુરુમહારાજ પોતે મૃદંગ બજાવતા. પિતાજી કરતાલ બજાવતા અને ગિરિધરકાકા ઝાંઝ બજાવવામાં એક્કા હતા. પિતાજીનો અવાજ બુલંદ હતો પણ ગિરિધરકાકાના સૂરની મધુરતા તો અજોડ હતી. ભજનની અધવચ્ચે જ્યારે શબ્દો અદૃશ્ય થતા અને ઝાંઝ, કરતાલ અને મૃદંગની રમઝટની સાથે માત્ર સૂર જ રમણે ચઢતો ત્યારે પિતાજી પોતાના બુલંદ અવાજનો હવાલો ગિરિધરકાકાને સોંપીને કરતાલમાં જ મસ્ત થઈ જતા. અને પછી એ ભક્ત ગિરિધરનો અવાજ જે લીલાવિસ્તાર કરતો તેની અપૂર્વતા મારી સ્મૃતિમાં હજી એટલી જ સજીવન છે.
પછી અગિયાર સાડાઅગિયારે ગુરુમહારાજ મૃદંગને ખોળામાંથી નીચે મૂકી મંદિરમાં દીવા સંકોરવા જતા. થોડો વિરામ પડતો, અને વિરામ પછી એમની આજ્ઞાથી મૃદંગનો કબજો મને સોંપાતો. સુકાઈ ગયેલો કઠણ લોટ જો બદલવાનો થયો હોય તો હું એ બદલી લેતો. થાપ દેતાં દેતાં લોટની સપ્રમાણતા જ્યારે બરાબર થતી ત્યારે ગુરુમહારાજનું ડોકું આપમેળે હાલી ઊઠતું. હું એને સબસલામતની સંજ્ઞા માનીને મૃદંગને બરાબર ખોળામાં ગોઠવતો. સાખી શરૂ થતી, અને પછી ગિરિધરકાકાનો મીઠો ટહુકાર થતો : “મોટાભાઈ, કેદારો કરો.” પિતાજી કેદારાની સાખી લલકારતા. સાખી પછી કેદારો પોતે વાતાવરણમાં ઘૂમી રહેતો. પિતાજીના બુલંદ અને સભર અવાજે ગવાતા એ કેદાર વખતે મૃદંગ બજાવવાના મારા સુભાગ્યને હું એ વખતે જીવનની મોટામાં મોટી બક્ષિસ માનતો. મારું ગભરુ અંત:કરણ પ્રફુલ્લતાથી પાંગરી ઊઠતું અને ક્યારેક તો એ ગદ્ગદ પણ થઈ જતું.
મધરાત પછી જ્યારે અમે ઘેર પાછા ફરતા ત્યારે પિતાજી મારી બાને પહેલા શુભ સમાચાર આપતા : “આજે તમારા દીકરાએ રંગ રાખ્યો. એનો હાથ સુધરતો જાય છે.” અને હું એ કદરનું ઇનામ પામીને સુખની નિદ્રા લેતો.
ગિરિધરકાકા જાતે તંબોળી હતા. એ અને એમનાં વહુ રૂક્ષ્મણી સવારે દસ વાગે જમીને વાડીએ ચાલ્યાં જતાં. સાંજે છ વાગે પાછાં ઘેર આવતાં. ગિરિધરકાકા રોજ રાતે જમીને થોડુંક શાક લઈને અમારે ત્યાં આવતા. બાપુજી સાથે બેચાર ભજન ગાતા, થોડી વાતો કરતા અને અગિયારેક વાગે ચાલ્યા જતા. સવારે પાંચ વાગે ઊઠીને શાકમારકીટમાં રાતે વાડીમાંથી આણેલું શાક વેચીને આઠ વાગે તો ઘેર આવી જતા. નાહીધોઈ, જમીને પાછા દસ વાગે વાડીએ. એમને સંતાનમાં માત્ર એક દીકરી હતી રેવા. રેવાને પરણાવી દીધી હતી. એટલે પતિપત્ની બન્ને ગુજરાન માટે પરસેવો પાડીને બાકીનો વખત ઈશ્વરભજનમાં ગાળતાં.
ગુરુપૂણિર્માનો દિવસ હતો. ગુરુદ્વારે તે રાતે ભજનનો બહુ ઠાઠ હતો. આસોપાલવ અને ફૂલોના શણગાર હતા. બિછાયત નવી હતી. ગુરુમહારાજનાં ગાદી-તકિયા નવાં હતાં. બિછાયત ઉપર દૂધ જેવી સફેદ ચાદર પાથરેલી હતી. મંદિરમાં રામ, લક્ષ્મણ અને સીતાની આરસની રૂપાળી મૂતિર્ઓનાં વેશપરિધાન પણ આજે બહુ જ શોભાભર્યાં હતાં. નીચેની ગાદી ઉપર સદ્ગત ગુરુદેવની છબી હતી અને આસપાસ ઘીના દીવા બળતા હતા.
ગુરુમહારાજનો હાથ મૃદંગ ઉપર પડ્યો. કરતાલ ખડખડી. ઝાંઝ રણકી અને પિતાજીએ સાખી લલકારી :
ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગું પાય?
બલિહારી ગુરુદેવકી, જિન્હે ગોવંદિ દિયો બતાય.
અને સિયાવર રામચંદ્રની જય બોલાઈ, ભજન શરૂ થયાં. આજે ગિરિધરકાકાના અવાજમાં સહજ મીઠાશ ઉપરાંત ભક્તિથી ગદ્ગદ થયેલા અંતરનું દર્દ પણ ભળ્યું હતું. પિતાજીનો બુલંદ અવાજ પણ ક્યારેક ભક્તિની ધ્રુજારીથી અંતરમાં ઊંડો ઊતરી જતો. આજે કરતાલની રમઝટમાં, ઝાંઝના રણકારમાં અને મૃદંગના તાલમાં જાણે નવી ખુમારી આવી ન હોય!
અગિયાર સાડાઅગિયાર થયા. ગુરુમહારાજ મંદિરમાં ઘીના દીવા સંકોરવા ઊઠ્યા. વિરામ જાહેર થયો. થોડી વારે મેં મૃદંગને હાથમાં લીધી. લોટ જોયો. કઠણ લોટ ઉખાડીને મેં ફરીથી તાજો લોટ મૃદંગને બાંધ્યો. બરાબર થાપ વાગી ત્યાં ગુરુમહારાજની અનુજ્ઞાની આંખ ફરકી રહી.
ભક્તો અને ભજનિકોએ પોતપોતાની જગ્યા લીધી. ગિરિધરકાકા હંમેશાં પિતાજીની બાજુમાં જ બેસતા. વર્ષો સુધી મેં એમને બાપુજીની પડખે જ બેસતા જોયા છે. ગુરુમહારાજે પોતે સાખી બોલીને ભજનનો પ્રારંભ કર્યો.
ગિરિધરકાકાએ હંમેશના સ્વભાવ પ્રમાણે પોતાના મધુર અવાજે હોઠો પર સ્મિત લાવીને પિતાજીને કહ્યું : “મોટાભાઈ, કેદારો કરો.” પિતાજીનો ચહેરો જરાક ઊતરી ગયો. એમણે ધીરજ અને ગંભીરતાથી ધીરે રહીને કહ્યું : “ગિરિધરભાઈ, આજે તમે કેદારો કરો.” ગિરિધરકાકા આ વચન સાંભળીને નવાઈ પામ્યા. પરંતુ પિતાજીમાં એમની એવી ઊંડી શ્રદ્ધા કે એમની સામે શંકા પણ ન ઉઠાવાય એટલે કાકાએ કેદારો કર્યો. પહેલાં સાખી ઉપાડી અને પછી કેદારાને વહેતો મૂક્યો. ધીરે ધીરે કેદારો રમણે ચઢ્યો. શબ્દો અદૃશ્ય થઈ ગયા. ગિરિધરકાકાનો આરોહ ઊંચે ચઢ્યો. કરતાલ ઝૂઝી રહી, કાકાની પોતાની ઝાંઝનો રણકાર ઘૂમી રહ્યો અને મારામાં હતી એવી શક્તિ સાથે મેં મૃદંગનો તાલ સાચવ્યો. કેદારો પૂરો થયો. પિતાજીએ ગિરિધરકાકાનો વાંસો થાબડ્યો. ગુરુમહારાજે મારા ખભા પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. આરતી થઈ. પ્રસાદ વહેંચાયો. ચરણસ્પર્શ થયા. ભજન પૂરાં થયાં. ગુરુપૂણિર્માનો ઉત્સવ ઊજવાઈ ગયો.
ઘેર આવીને પિતાજીએ બાને આજે ઉત્સાહભર્યા સ્વરે કહ્યું : “આજે તો તમારા છોકરાએ કમાલ કરી. કેદારાનો તાલ બરાબર અચૂક સાચવ્યો. એનો હાથ હવે જામી ગયો છે.” બાએ છાતીસરસો ચાંપીને દુ:ખડાં લીધાં. બન્નેની ચરણરજ લઈને હું તો સૂઈ ગયો.
બીજે દિવસે સવારે ગિરિધરકાકા બજારમાં શાક વેચીને સીધા અમારે ત્યાં આવ્યા. આમ રોજ તો એ રાતે જ આવતા. સવારે તો એ ત્યારે જ આવતા જ્યારે કંઈક મહત્ત્વનું કામ હોય. એ આવ્યા ત્યારે પિતાજી સ્નાન કરતા હતા. બાની સાથે પણ કાકાને બહુ જ માયા હતી. મોટાંભાભીને એઓ માતા કરતાં પણ વધારે સન્માન અને સ્નેહથી રાખતા. અને બા પણ ‘ગિરિધરભાઈ’ને સંકોચ વિના કુટુંબની વારતા કહેતા. એ જાણતા કે બન્ને ભાઈઓ વચ્ચે અતિશય નિખાલસ સ્નેહભર્યો સંબંધ છે. ભાઈ કરતાં પણ ભાઈબંધ વધારે એ હકીકતને એ આ મૈત્રીમાં ચરિતાર્થ થયેલી જોતા.
પિતાજી સ્નાન કરીને આવ્યા ત્યારે ગિરિધરકાકાને જોઈને એમને આશ્ચર્ય થયું. એ આશ્ચર્ય છુપાવીને તેઓ બોલ્યા : “કેમ ગિરિધરભાઈ, આજે સવારે સવારે?” ગિરિધરકાકા થોડી વાર ચૂપ રહ્યા. પિતાજી જાણે કંઈક સમજી ગયા. બાને એમણે દૂધ બનાવી લાવવાનું કહ્યું, ગિરિધરકાકા માટે નાસ્તો તૈયાર કરવાની પણ આજ્ઞા કરી. બા ગયાં એટલે ગિરિધરકાકાએ દબાયેલે સ્વરે પૂછ્યું : “મોટાભાઈ, કાલે કેદારો કેમ ન કર્યો? મને સાચું ન કહો તો નાનાભાઈના સોગંદ!”
“ગિરિધરભાઈ, સોગંદ નહીં દો તોય સાચું કહીશ. અમારા ગામના મોરારભાઈ હમણાં આવ્યા હતા. અમારી પાસે પાંચસોક રૂપિયા માગે છે. મેં કહ્યું આવતે વરસે આપીશું. એમણે કહ્યું : ‘આવતે વરસે આપશો જ ને?’ એટલે મેં કહ્યું કે રૂપિયા નહીં આપું ત્યાં સુધી કેદારો નહીં ગાઉં. બસ, આટલી વાત છે.” પિતાજીએ નિખાલસતાથી અંતરની વાત કહી દીધી. ગિરિધરકાકાના ચહેરા પર પ્રસન્નતા ઊપસી આવી.
પછી તો બન્ને મિત્રોએ થોડીઘણી બીજી વાતો કરી. ગિરિધરકાકાએ ઘેર જઈને અમારે ગામ પત્ર લખીને મોરારભાઈને તેડાવ્યા. પોતાને ઘેર જ સીધા ઉતાર્યા. ત્યાં એમને પાંચસો રૂપિયા આપી દીધા અને પાવતી લખાવી લીધી. પછી ગિરિધરકાકા મોરારભાઈને લઈને અમારે ઘેર આવ્યા. મોરારભાઈએ જ પિતાજીને બધી વાત કરી. તે રાતે અમારે ત્યાં ભજનની ખૂબ મઝા આવી.
અગિયારસ હતી. ગુરુદ્વારે ભજન શરૂ થયાં. અગિયાર સાડાઅગિયારે રાબેતા મુજબ ગુરુમહારાજ મંદિરમાં દીવા સંકોરવા ઊઠ્યા. વિરામ પછી મૃદંગને મેં સંભાળી. છાપ આપી ત્યાં જ ગિરિધરકાકાએ એમના મીઠા અવાજે એ જ સહજ સ્મિતથી કહ્યું : “મોટાભાઈ, કેદારો કરો.” અને પિતાજીએ કેદારાની સાખી લલકારી. કેદારો પછી પાછો રમણે ચઢ્યો. એ જ કરતાલની રમઝટ, એ જ ઝાંઝનો રણકાર અને ગિરિધરકાકાના એ જ મોહક મીઠા પંચમના સૂરને પિતાજીના બુલંદ અવાજે આપેલો હવાલો. તે વખતે તો એમ લાગ્યું હતું કે બન્ને અવાજમાં પણ કેટલો મેળ છે? મિત્રતા અવાજમાં પણ કેવો સાથ દે છે?
આ અવાજ સાંભરે છે. ખૂબ સાંભરે છે. આજે એ અવાજ નથી. પરંતુ એ અવાજનો આધાર મારી પાસે છે.