અમાસના તારા/વાઇસરૉય માપ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વાઇસરૉય માપ

એક વખત અમારા મહારાજાએ વાઇસરૉય લોર્ડ લિનલિથગોને વાઘના શિકાર માટે ખાસ આમંત્રણ આપીને બોલાવેલા. વાઇસરૉયના સ્વાગત, નિવાસ, સહવાસ, આનંદ અને વિદાય માટે ભયંકર તૈયારીઓ કરેલી. ઘણા માણસ કામે લાગેલા. ઘણા તો રાતોની રાતો સુધી ઊંઘેલા નહિ. પૈસાની અને પરસેવાની તો રેલમછેલ. વાઘની શોધ માટે પણ અનેક જંગલી, જંગલના જાણકાર અને શિકારના નિષ્ણાતો એમ જાતજાતના માણસો કામે લાગી ગયેલા. મહારાજાસાહેબની ઇચ્છા એવી હતી કે બને તો વાઇસરૉયને મોટામાં મોટા વાઘનો શિકાર કરાવવો. અત્યાર સુધીમાં મોટામાં મોટો અગિયાર ફૂટ ને પાંચ ઇંચનો વાઘ ધોળપુરના મહારાજાએ મારેલો અને હિંદુસ્તાનમાં તો એણે એક નવો રેકૉર્ડ ઊભો કરેલો. એટલે વાઇસરૉયના મનમાં પણ અભિલાષા તો આ રેકૉર્ડ તોડવાની હશે. વાઇસરૉય આવ્યા. અમારું દિવસે ઊંઘતું અને રાતે જાગતું ગામ ચોવીસ કલાક જાગતું અને જીવતું થઈ ગયું. સાફ ન થયેલા રસ્તા સાફ થઈ ગયા. વર્ષોથી દુરસ્તી માગતાં મકાનો અને રસ્તાઓ સમારાઈ ગયાં. મુખ્ય મકાનો જે લગ્નમાં ન રંગાય તે પણ રંગરોગાન પામ્યાં. એ. ડી. સી.ને નવા ડ્રેસ મળ્યા. અંગત સેવકોને નવા સાફા મળ્યા. બે નવી મોટરો ખરીદાઈ. મુંબઈથી રોજ ફળફળાદિ, માછલી અને અલ્હાબાદથી બરફ આવે એની ચોક્કસ વ્યવસ્થા થઈ. પ્રાઇવેટ સેક્રેટરી ખાસ મુંબઈ જઈને જાતજાતનો કીમતી શરાબ લઈ આવ્યા. એક ખાસ નિપુણ માણસ ગાનારીઓ અને નૃત્યરાણીઓને ભેગી કરી લાવ્યો. વાઇસરૉયને માટે નવી બિછાતો, ગાલીચા, વીજળીના પંખા, દીવા, ફર્નિચર બધું જ નવેસરથી તૈયાર થયું. જલસો અદ્ભુત જાશે એવી મારી પણ ધારણા થઈ, જે રીતે અને જેટલી સંખ્યામાં રૂપિયા ખર્ચાતા હતા એ ઉપરથી મને એમ પણ લાગ્યું કે વાઇસરૉય ખુશ તો થવા જોઈએ. આ તો બધી આનંદપ્રમોદની વાતો થઈ. પણ જાહેરાતની દૃષ્ટિએ પણ કંઈક કામ થવું જોઈએ ને! એટલે એક જાહેર ઇસ્પિતાલનો પાયો નંખાવવાનું ઠર્યું. (આ ઇસ્પિતાલ હજી બંધાઈ નથી.) જે ટેલિફોન ઘણાં વર્ષો પહેલાં શરૂ થયેલો તેનું ફરીથી નવેસરથી ઉદ્ઘાટન કરવાનું ઠર્યું. દીવાનને માટે નવો બંગલો બાંધેલો તેને તાત્કાલિક છોકરીઓની નિશાળનું મકાન ગણીને એ ઉઘાડાવવાની વ્યવસ્થા પણ થઈ. શિકાર જ્યાં થવાનો હતો ત્યાં તો જંગલમાં મંગલ થઈ ગયું. હાકાનો શિકાર હતો. એટલે લગભગ હજારેક જંગલીઓ ત્રણ બાજુએથી હાકો કરવા રોક્યા હતા. એ ઉપરાંત કૅમ્પની વ્યવસ્થામાં ત્રણસો માણસો રોકાયા હતા. શિકારનો કૅમ્પ અને પાટનગર વચ્ચે રોજ મોટરો અને મોટરટ્રકો દોડાદોડ કરી રહી હતી. દીવાનથી દરવાન સુધીના સૌ માણસો વાઇસરૉયને માટે મરી ફીટીને પણ મહારાજા તરફથી પોતાની વફાદારી અને પ્રીતિ સિદ્ધ કરવાની અને સંપાદન કરવાની હરીફાઈમાં પડ્યા હતા. છેલ્લાં પચાસ વર્ષમાં આવો ઉત્સાહ, આ તૈયારી, આ રમઝટ થયાં નહોતાં એમ વૃદ્ધો કહેતાં.

વાઇસરૉય આવ્યા તેને બીજે જ દિવસે શિકાર હતો અને એ જ મુખ્ય કાર્યક્રમ હતો. એટલે એને કેન્દ્ર બનાવીને આસપાસ બસ કાર્યક્રમોની એવી બોલબાલા હતી કે ના પૂછો વાત. વાઇસરૉય આવ્યા તે જ સાંજે વાઘના ખબર આવ્યા. બે વાઘ તૈયાર છે, એક છે આઠ ફૂટ અને દસ ઇંચનો અને બીજો છે દસ ફૂટ પાંચ ઇંચનો. મહારાજા કંઈક પ્રસન્ન અને કંઈક ગમગીન થયા. એમની ઇચ્છા તો એક નાસતાફરતા સાડા અગિયાર ફૂટના વાઘને સંડોવવાની હતી. શિકારને સ્થળે માંચડાઓની તૈયારી સંપૂર્ણ હતી. સૂચનાઓ, સંદેશા અને વ્યવસ્થા વધુ સંપૂર્ણ હતું. બપોરે બે વાગે તદ્દન શાંતિપૂર્વક આવીને વાઇસરૉય પોતાના ખાસ માંચડા ઉપર બિરાજી ગયા. સાથે મહારાજાસાહેબ, એમના નાના ભાઈ, વાઇસરૉયના એ. ડી. સી. અને નિષ્ણાત શિકારબાજ બેઠા હતા. આ ઉપરાંત બીજા ત્રણ માંચડા ઉપર મંડળી વહેંચાઈ ગઈ હતી. બપોરનો સમસમતો સૂનકાર હતો. એક શબ્દનો પણ અવાજ ના થવો જોઈએ એવી આજ્ઞા હતી અને આવશ્યક્તા પણ હતી. તરત જ લાલ ઝંડી ફરકી એટલે ખાતરી થઈ ગઈ કે વાઇસરૉય પોતાના માંચડા પર બેસી ગયા અને હવે કોઈ નીચે નથી. એટેલ બીજી ઝંડી આગળ ફરકી અને એ સંદેશો બરાબર ઠેઠ હાકાના સરદાર પાસે પહોંચી ગયો અને થોડી વારમાં જ હાકો શરૂ થયો. બપોર હતો એટલે વાઘ આરામ કરતો હતો. હાકોનો અવાજ ઘૂમરાઈને, ઘેરાઈને જેમ જેમ સંગઠિત થઈને એની ગુફા સુધી પહોંચતો ગયો તેમ તેમ અમારા અંતરમાં આશાનિરાશાઓનું યુદ્ધ મચ્યું. ભય, આશા, નિરાશા, કંઈક અપેક્ષા એમ વિધવિધ લાગણીઓનાં પૂર ઊલટતાં અને શમતાં. હવે હાકોનો અવાજ બરાબર ઘેરો થયો અને અકસ્માત વાઘની ગર્જના સંભળાઈ. અમને સૌને લાગ્યું કે વાઘ જાગ્રત થયો. હાકોનો અવાજ વધારે પાસે આવતો ગયો અને સ્પષ્ટ બનીને ઉગ્ર થતો ગયો. વાઘે ભયંકર ગર્જના કરીને સામે પડકાર ફેંક્યો. અમારા માંચડા પર બેઠેલા એક સજ્જન ધ્રૂજી ઊઠ્યા. પરસેવો છૂટી ગયો. બહુ સંભાળથી અને સિફતથી એમને મૂંગું આશ્વાસન આપીને સુવાડી દીધા.

અમારા માંચડા પરથી વાઘના આવવાની પગદંડી સાફ દેખાતી હતી. જંગલના એ બાદશાહને એના પોતાના સામ્રાજ્યમાં આઝાદ જોવો એ પણ એક અદ્ભુત દૃશ્ય હતું. હાકોના અવાજને પાછળ મૂકીને એ પ્રાણી અવાજની ઊલટી દિશામાં સાવધાનીથી, આસપાસ ચકોર દૃષ્ટિ નાંખતો ચાલતો હતો. એને આજે આ જંગલ નવું લાગતું હતું. એમાંથી માણસોની દુર્ગંધ એને આવતી હતી. માનવીના કાવતરાની એની લાગણી સ્પષ્ટ થતી જતી હતી. જ્યાં એ બરાબર વાઇસરૉયના માંચડાની સામે આવ્યો કે ધાંય ધાંય કરતીને ગોળીઓ છૂટી. દસેક ફૂટ ઊછળીને એ વીર પ્રાણી પૃથ્વી પર પછડાયું! નિશાન આબાદ હતું. કોની ગોળી વાગી એ ભગવાન જાણે, પણ નિયમ પ્રમાણે પહેલી ગોળી મહેમાનની એટલે એમની જ વાગે. બીજી તો માત્ર સલામતીને ખાતર છોડવી જોઈએ કે અચૂક જાન લઈ લે. ફરીથી લાલ ઝંડી ઊંચી થઈ એટલે વાઘ મર્યો એની ખાતરી થઈ. સૌ નીચે ઊતર્યા. વાઇસરૉય પોતાના શિકારને નિહાળવા મહારાજાની સાથે આવ્યા. શિકારના અફસરે તરત જ મરેલા વાઘનું વાઇસરૉયના દેખતાં જ માપ લીધું. વાઘ બરાબર નવ ફૂટ અને દસ ઈંચનો થયો. પહેલા વર્ગનો શિકાર સિદ્ધ થયો. જલસો ખતમ, વાઇસરૉય ચાલ્યા ગયા. હું પાસે જ ઊભો હતો. શિકારી માપવાની ટેપ મને આપીને વાઘની વ્યવસ્થા માટે કોઈને બોલાવવા દોડ્યો. સહજ રીતે જ વાઘ મને નાનો લાગ્યો એટલે મેં એક દરવાનની મદદથી ફરીથી માપ્યો પણ માપ બરાબર નવ ફૂટ ને દસ ઇંચ હતું અને છતાં વાઘ મને નાનો લાગતો જ હતો. એટલામાં અમારા શિકારના મુખ્ય અફસર આવી પહોંચ્યા. મેં મારી મૂંઝવણ કહી. એ જરા મૂછમાં હસ્યા. એના હસવાનો અર્થ હતો કે કોઈ વાત એવી છે જે હું નથી સમજતો. એમણે મારા હાથમાંથી માપવાની ટેપ લઈને બરાબર ધ્યાનથી મને જોવાનું કહ્યું. મેં જરા ચીવટાઈથી જોયું તો શરૂઆતના પહેલા ફૂટની લંબાઈ જ કાપી નાંખેલી. બેના આંકડાથી પટ્ટી શરૂ થાય. એટલે વાઘ ખરી રીતે તો આઠ ફૂટ અને દસ ઇંચનો જ હતો. પણ આ કારીગરીથી એ એક ફૂટ મોટો થઈ ગયો. આ માયા કેમ જન્મી એ વિષે મેં જ્યારે પૂછ્યું ત્યારે અફસરે કહ્યું: એ તો સાહેબ વાઇસરૉય માપ છે. હવે કોઈ બીજા મોટા વાઘને મારી એનું ચામડું વાઇસરૉય સાહેબને મોકલી આપીશું. આવાં વાઇસરૉય માપ જેવી તો કેટકેટલી વાતો હિંદુસ્તાનને માથે પડી હતી, રામ જાણે!