અમાસના તારા/વ્યક્તિ અને વિભૂતિ
દશેરાનો દિવસ. વડોદરામાં દશેરા એટલે ઉત્સવનું મહાપર્વ. દશેરાની સવારી નીકળે. એ આકર્ષણને કારણે પચીસપચાસ માઈલથી લોકો વહી આવે. એ દિવસે વડોદરા યાત્રાનું ધામ બની જાય. જીવનની ઉજાણી કરવાના અનેક પ્રયોગો થાય. અનેક લોકો એમાં ઉત્સાહ અને ઉત્સુકતાથી ભાગ લે. આસપાસ ચોમાસું સારું ઊતર્યું હોય, વરસાદે મહેર કરી હોય તો ગામડાંના લોકો મોટી સંખ્યામાં આવી પહોંચે. શહેરમાં એવો તો માનવમેળો જામે કે મૂંજી માણસમાં પણ જિંદગી જાગે.
બીજે દિવસે કરનો ઉત્સવ. તે દિવસે સોનું આપવાનો રિવાજ. આખા વરસના અબોલા હોય તો પણ તે દિવસે તૂટે. નાનાઓ વડીલોને સોનું આપીને આશીર્વાદ પામે. આ સોનું એટલે શમીનાં પાન. સોનાનું એક પ્રતીક. સાથે સાથે માણસની નમ્રતાનું નિશાન પણ ખરું. પરંતુ મને આ પર્વ બહુ ગમે અને એનું કારણ સાવ જુદું. તે દિવસે અગડમાં મેદાની અને મર્દાની ખેલો થાય. ઘોડા અને હાથીની દાગદારી થાય. જાણીતા મલ્લોની કુસ્તી થાય. વજ્રમુષ્ટિઓની જીવનમરણની હરીફાઈ થાય. મેં આ અગડના ખેલો વિષે નાનપણમાં ઘણી રોમાંચક અને રંગદર્શી વાતો સાંભળેલી. બેત્રણ વખત મેં બાપુજીને વાત પણ કરેલી કે અગડના ખેલો જોવાની મારી બહુ ઇચ્છા છે. બાપુજીને એમાં બિલકુલ રસ નહીં. પરંતુ મારા આગ્રહને વશ થઈને એમણે એક વરસે મને અમારા ઓળખીતા નીલકંઠરાવની સાથે આ ખેલો જોવા મોકલ્યો. નીલકંઠરાવ રાજમહેલમાં દસ્તુરાત ખાતામાં નોકરી કરે. એટલે એ વખતે મને રાજકુટુંબથી થોડે છેટે, જ્યાં આ કુસ્તીઓ થાય ત્યાં, અખાડાને કિનારે જ જગ્યા મળી. મારા આનંદનો પાર નહીં.
અગડમાં જોનારાઓની ઠઠ્ઠ જામે. દૂરદૂરનાં ઝાડ અને છાપરાંઓ ઉપર પણ માણસો બેઠા હોય. પહેલી વખત હાથીઘોડાની દાગદારી જોઈને મારું તો હૈયું થરથરી ગયું. અગડના મેદાનમાં એક હાથીને છૂટો મૂકવામાં આવ્યો. હાથી પર માવત નહીં. મેં તો જિંદગીમાં પહેલી વાર માવત વિનાનો હાથી જોયો. અહા! શું મુક્ત અને મનોહરી એની ચાલ! ખાસ કલાકારોએ ચિત્રામણોથી એને રંગેલો. જ્યાં એ ડોલતો ડોલતો મેદાનમાં આવ્યો ત્યાં જ બાજુનાં દરવાજામાંથી એક ઘોડેસવાર નીકળ્યો. તેજસ્વી અને ચપળ ઘોડો. વધારે ચકોર અને બહાદુર ઘોડેસવાર. સવારના હાથમાં લાંબો ચાબુક. ઘોડો સ્વાભાવિક રીતે જ હાથીથી ડરે. અસવાર હાથીની છેક પાસે ઘોડાને લઈ જાય. પાસે જતાં જતાં તો ઘોડો નવ નેજાં પાણી ઉતારે. પાસે જઈને અસવાર ચાબુકથી હાથીને અડકે. હાથી ચિઢાય. ઘોડાનો પીછો પકડે. અસવાર ચિઢાયેલા હાથીથી પોતાને બચાવે, અને પાછો હલ્લો કરે. આ દાગદારીમાં હાથીનું બળ અને અસવારની બહાદુરીનો સુમેળ. માણસની દક્ષતા અને ચતુરાઈ જનાવરના બળ ઉપર કેવી રીતે વિજય મેળવે તેનું આ દાગદારી અદ્ભુત ઉદાહરણ. પણ જોતાં જોતાં જોનારનું દિલ હચમચી ઊઠે એવી પરિસ્થિતિ આવે. અસવારના દિલની તો વાત જ શી કરવી! હાથી બેકાબૂ બનીને ચિઢાય અને ઘોડાનો પીછો જ પકડે ત્યારે અસવાર મેદાનમાંથી વિદાય લે. વીસપચીસ માણસો મોટા મોટા ચીપિયા અને દારૂખાનાથી ભરેલાં બાણ લઈને હાથીને વશમાં લે. માવત અતિશય વહાલથી મનાવીને એને જ્યારે મેદાનમાંથી બહાર લઈ જાય ત્યારે જોનારાઓના જીવમાં જીવ આવે.
પછી વજ્રમુષ્ટિઓ જીવસટોસટની સ્પર્ધામાં ઊતરે. કુસ્તીમાં માણસ ચારે ખૂણે ચીત થઈને ચતોપાટ પડે ત્યારે હાર્યો ગણાય. વજ્રમુષ્ટિઓની સ્પર્ધામાં માણસ ઊંધો પડે તો હાર્યો ગણાય એવી પરંપરા. વજ્રમુષ્ટિઓનાં કુટુંબો, જ્યાં સુધી પોતાનો ઘરનો માણસ સ્પર્ધામાંથી જીવતો પાછો ફરે નહીં ત્યાં સુધી એમનાં મન હેઠાં બેસે નહીં. ઘરની સ્ત્રી તો બિચારી ચૂડીઓ ઉતારીને બેસે એવો રિવાજ. પોતાનો પતિ અગડની સ્પર્ધામાંથી પાછો ઘેર આવે ત્યારે જ ચૂડીઓ પહેરે. ત્યાં સુધી માતાની આગળ અખંડ દીવો બાળીને પ્રાર્થના કરતી બેસી રહે. આ વજ્રમુષ્ટિઓની સ્પર્ધા ભયંકર અને જીવલેણ હરીફાઈ કહેવાય. એ કુસ્તીનો જ એક પ્રકાર. એમાં પહેલવાનો જમણે હાથે લોખંડના અણીદાર ચકચકતા નખ બાંધે. ડાબા હાથ વડે કલા અને ચતુરાઈથી સામા માણસની નજર ચૂકવીને એને પેલા નખથી ઊઝરડી નાંખે. એમાં ટાંગનો ઉપયોગ થાય. એક હાથે થાપનો કીમિયો પણ અજમાવી શકાય. પરંતુ દૃષ્ટિની રમત ઉપર જ આખી સ્પર્ધાના જયપરાજયનો આધાર. એમાં માણસ ચતો પડે પણ ઊંધો તો ન જ પડે. જો ઊંધો પડ્યો અને ઉપરવાળાએ ગળાના પાછલા ભાગમાં પેલા નખ ઉતારી દીધા તો એનો પરાજય થયો ગણાય. આ સ્પર્ધામાં બેત્રણ વરસે, ચાર વરસે એકાદ વજ્રમુષ્ટિ ગંભીર રીતે ઘવાય અથવા ઘવાઈને મૃત્યુ પામે. એટલે આ સ્પર્ધા જેટલી ભયંકર તેટલી જ બળ અને બહાદુરીસૂચક પણ ગણાય. જ્યારે એનો પ્રારંભ થયો ત્યારે શરૂઆત તો બહુ જ રંગીન અને રોમાંચકારી લાગી. વજ્રમુષ્ટિઓના ઘાટીલા, સુંદર અને કદાવર દેહ પર કેસરચંદનનો લેપ થયો છે. એમને ઘેરથી શરણાઈનાં વાજાં એમને અગડ સુધી માનપૂર્વક લઈ આવ્યાં. કુસ્તીની સ્પર્ધા શરૂ થઈ ત્યારે પણ શરણાઈ ઢોલે મારુ રાગની રમઝટ જમાવી. પણ જેમ જેમ એ સ્પર્ધામાં ઉગ્રતા આવતી ગઈ તેમ તેમ મારું દિલ ડરતું ગયું. કુસ્તીબાજોના શરીરમાંથી નીકળતું લોહી જોઈને મારું બાલ મન લગભગ ઘેલું થઈ ગયું. પરંતુ એ જ સ્પર્ધાની અપૂર્વ બહાદુરીનું આકર્ષણ અજાણ્યે હૈયામાં એવી રીતે રોપાયું કે દેહને સ્વસ્થ, બળવાન અને મનને મસ્ત અને બહાદુર કરવાની પ્રેરણા મળી.
ત્યાર પછી આવ્યો પહેલવાનોનો વારો. પહેલાં જુવાનોની કુસ્તી થઈ ગઈ. સામસામા અખાડાના જાણીતા ગુરુઓના શિષ્યો પણ લડી ચૂક્યા. પછી આવ્યા જાણીતા પહેલવાનો. દસ મણની કાયાના સ્વામી દુર્ગા પહેલવાનને ચાર મણના દેહધારી રામનારાયણે જ્યારે સિફતથી અને સહજ રીતે ગુલાંટ ખવડાવી ચીત કરી દીધો ત્યારે તો સયાજીરાવ મહારાજ પણ ખુરશીમાંથી ઊભા થઈ ગયા. રામનારાયણની ચપળતા અને ચતુરાઈ આગળ દુર્ગાની જડતા અને બળ બન્ને શેહ ખાઈ ગયાં.
પણ જે છેલ્લી કુસ્તી થઈ તેણે મારા હૃદયમાં આત્મશ્રદ્ધાનો છોડ રોપ્યો. એ કુસ્તીમાં વજ્રમુષ્ટિ અખાડાના ગુરુ કૃષ્ણાપ્પા અને પાણીદરવાજાના ભદ્રના અખાડાના આગેવાન રમઝુ પહેલવાનની કુસ્તી હતી. રમઝુની કદાવર કાયા જોઈને બીક લાગે! શી એની આકૃતિ! છ ફૂટ અને બે ઇંચની ઊંચાઈ. બાર સાડાબાર મણનું વજન. પળવાર હાથીને પણ ડારે એવી બહાદુરી. એના ઝનૂનથી ઘોડા ડરે. માણસોની તો વાત જ શી! રમઝુ ફરવા નીકળે ત્યારે એ જોવાની વસ્તુ હોય એમ માણસો એને જોવા ટોળે મળે. એની હાકથી ટોળું થરે થરે! એના નામથી રડતાં બાળકો છાનાં રહી જાય!
અને જુવાન કૃષ્ણાપ્પા! ઊજળો મહેકતો વાન. મીઠડો મહોરદાર ચહેરો. ઘાટીલો. તંદુરસ્તી ઝરતો દેહ, નમણી, નેહભરી આંખો. વહાલ આમંત્રે એવી આકર્ષક આકૃતિ, પાંચ ફૂટ આઠ ઇંચની ઊંચાઈ અને એને બંધ બેસે એવું જ પાંચ મણ વજન. મૂછોની નીચે મરકતા હોઠ પૌરુષની ચાડી ખાય. કૃષ્ણાપ્પાને જોતાં જ હૈયું પ્રસન્ન પ્રસન્ન થઈ ગયું. મન મહોરી ઊઠ્યું.
રમઝુ અને કૃષ્ણાપ્પા પહેલી વાર અખાડામાં ઊતર્યા હતા. સૌ પોતપોતાની જગાએ સાવધાન થઈ ગયા. સૌને એક જ આશા હતી કે રમઝુ જીતશે. સૌને શ્રદ્ધા હતી કે કૃષ્ણાપ્પા હારશે. પરંતુ સૌની ઇચ્છા એવી હતી કે રમઝુ કૃષ્ણાપ્પાને કશું નુકસાન ન કરે તો સારું. મારા જેવા કેટલાયની એવી પણ છૂપી આકાંક્ષા હશે કે અકસ્માત થાય ને કૃષ્ણાપ્પા જીતે તો ઇતિહાસ રચાઈ જાય!
કુસ્તી શરૂ થઈ. સલામી લેતાં જ રમઝુની ખેંચથી કૃષ્ણાપ્પા છ ફૂટ ખેંચાઈ ગયા. પણ ત્યાંથી જ સિંહની જેમ લપક્યા. રમઝુ વિચાર કરે ત્યાં તો એનું માથું કૃષ્ણાપ્પાના બે પગની વચ્ચે, અને અમે જોઈએ ન જોઈએ ત્યાં તો એ બાર મણની કાયા ઊથલીને ચારેખૂણે ચીત થઈ પડી. જોનારાઓમાં આશ્ચર્ય ઊભરાઈ ગયું. મહારાજાએ કૃષ્ણાપ્પા માટે પુષ્પહાર મોકલ્યો અને એમને માટે હજાર રૂપિયા ઇનામ જાહેર કર્યું.
મારા હૈયામાં કૃષ્ણાપ્પાની મૂર્તિ બેસી ગઈ.
બાપુજીના એક મિત્ર હતા. એમનું નામ ડૉ. રાજારામ ખોત. ડૉ. ખોતને ત્યાં કૃષ્ણાપ્પા આવે જાય. એમની બન્ને વચ્ચે કુટુંબ જેવો સ્નેહસંબંધ. ડૉ. ખોત એક રીતે અમારા પાડોશી પણ ખરા. બરાબર એ જ વખતે વડોદરામાં પ્લૅગનો રોગ ફાટી નીકળ્યો. કૃષ્ણાપ્પા આવીને ડૉ. ખોતને વારસિયામાં પોતાના અખાડાને મેડે રહેવા લઈ ગયા. ડૉ. ખોત રોજ દવાખાને આવે. અમારા ફળિયામાં જ્યારે આ રોગે પોતાનો ચાબખો ફેરવ્યો ત્યારે હાહાકાર વરતી ગયો હતો. ખોત દાક્તરે દવાખાને આવવાનું બંધ કરી દીધું હતું. નનામી ઊંચકવા માણસો મળતા નહોતા. એ વખતે મુડદાં લઈ જવા માટે હાથગાડીઓનો ઉપયોગ શરૂ થયો. હાથગાડી ખેંચવા માટે નાતજાતના કે ઓળખાણ ને વગવસીલાના માણસો પણ મળવા મુશ્કેલ થઈ પડ્યા ત્યારે કૃષ્ણાપ્પાના અખાડાના પહેલવાનો મેદાને પડ્યા. સંખ્યાબંધ શબોને અંત્યેષ્ટિ-ક્રિયા માટે ઘસડીને લઈ જનારા આ પહેલવાનો સવારથી સાંજ સુધી કાળી મજૂરી કરતા. કૃષ્ણાપ્પા અમારા લત્તામાં આ કામ સંભાળતા હતા. એ સમયે કૃષ્ણાપ્પા ઘણાં કુટુંબોની આશા-અભિલાષા જેવા લાડીલા બની ગયા હતા. એ એકલા જ શબની ગાડી ખેંચીને સ્મશાને પહોંચાડતા અને એવાં તો કેટલાંય શબ આખા દિવસમાં એ અગ્નિસંસ્કાર કે દાટવા માટે લઈ જતા. અમારા એ વિભાગનું કૃષ્ણાપ્પાનું નામ ગરીબનવાજ જેવું ગરવું બની રહ્યું. અને આ જ પ્લેગના રોગમાં એમના અખાડાના ઊડીને આંખોએ વળગે એવા બે રૂપાળા નવજવાનો પણ મરણને ભેટ્યા.
ત્યારથી કૃષ્ણાપ્પા મારા અંતરમાં અભિલાષા અને આસ્થા બનીને વિરાજ્યા. એમની નિ:સ્વાર્થ સેવાની તમન્નાને એમના તંદુરસ્ત અને તાકાતવાન શરીરે જે રીતે સાર્થક કરી હતી તેની મારા ઉપર ઘણી ઊંડી અસર થઈ. પ્લૅગનો રોગ શમ્યો ત્યારે અમારા કુટુંબમાંથી બાપુજી અને મોટી બહેન સ્વર્ગે સંચર્યાં હતાં. પુરાણીના અખાડામાં જવાનો કાર્યક્રમ હું શિસ્ત અને સંનિષ્ઠાથી પાળતો હતો. દેહ, મન અને અંત:કરણ ઉપર શ્રી અંબુભાઈ પુરાણી અને તે સમયના વડીલ બંધુઓના જીવનની અસર ઘેરી બનતી જતી હતી. પુરાણી ભાઈઓનો બાજવાડાનો અખાડો એટલે માત્ર દેહ ઘડવાનો પ્રયોગ જ નહોતો. એ તો જીવનઘડતરનો એક અપૂર્વ પુરુષાર્થ હતો. રાષ્ટ્રીયતા અમારો ધર્મ હતો. ક્રાંતિ અમારો મંત્ર હતો. માતાની મુક્તિ અમારો આદર્શ હતો. આ આદર્શને ખાતર સુદૃઢ શરીર, ઉજ્જ્વળ મન અને ઉદાત્ત અંત:કરણ દ્વારા સમન્વય વડે રાજ્ય કરતો પરાક્રમી આત્મા એ અમારો પુરુષાર્થ હતો. માત્ર દેહનો જ નહીં, ચેતનાનો પણ કાયાકલ્પ કરવાની આ ઉપાસના હતી.
ધીરે ધીરે બીજા એ સમયના વડીલ બંધુઓ પોતપોતાના જીવનવ્યવહારમાં પડી ગયા. અંબુભાઈ શ્રી અરવિંદના પૂર્ણયોગની સાધના સ્વીકારી પોંડિચેરી ચાલ્યા ગયા. છતાંય પાછળ મૂકેલી અખંડિત બંધુતાથી રસાયલું સંગઠન સજીવન હતું. એની સહાય અને શક્તિ વડે અખાડો સરસ ચાલતો હતો. હિંદવિજય જીમખાનાની મેદાની અને મર્દાની રમતો વખતે કુસ્તી માટે દૂરદૂરથી પણ સારા કુસ્તીબાજ જુવાનો આવતા. અમારા અખાડામાંથી પણ જુવાનો ભાગ લેતા. એ વખતે કુસ્તીમાં કેટલાક નવા દાવ પણ આપણે અજમાવવા જોઈએ એવી પણ એક માન્યતા અસ્તિત્વમાં આવી. આને કારણે કૃષ્ણાપ્પાનું જૂનું ઓળખાણ કાઢીને કુસ્તીના નવા દાવ શીખવા માટે મેં વજ્રમુષ્ટિના અખાડામાં જવા માંડ્યું. બસ ત્યારથી કૃષ્ણાપ્પાનો વધારે નિકટનો ગાઢ પરિચય થવા માંડ્યો. પંદરસો, બેહજાર દંડ આસાનીથી કાઢતા અને રામરામૈયાની ધૂન સાથે પ્રસન્નતાથી પરસેવાની આકૃતિ પાડતા કૃષ્ણાપ્પા, પહેલવાન કરતાં જીવનના પરમ પુરુષાર્થી વધારે લાગતા. એમની નિ:સ્વાર્થી સેવાભાવના અને બાલસહજ નિર્દોષતા પૂજ્યભાવ જગાડે એટલી સ્વાભાવિક હતી. એટલે કૃષ્ણાપ્પા જીવનમાંથી પરાક્રમનો જે પ્રસાદ મળ્યો એણે મારા ઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. સવારી, ઊલટી, ઉખાડ, પાંજરાપોળ અને ઉડ્ડીના દાવો નવા પેચ અને પેંતરા સાથે શીખીને હું પાછો મૂળ અખાડામાં આવી ગયો.
પછી જીવનવ્યવહાર વધારે દુન્યવી થતાં અને સંઘર્ષની ઉત્કટા વધતાં અખાડો ધીરે ધીરે છૂટતો ગયો. કૃષ્ણાપ્પાને મળવા પણ હું અવારનવાર વારસિયાના વજ્રમુષ્ટિના અખાડામાં જતોઆવતો અને જ્યારે અમે મળતા ત્યારે એમના નિષ્કલંક સ્મિત પાસેથી હું હંમેશાં જીવનની તાજગી પામતો. એમ કરતાં કરતાં ઈ. સ. 1932માં વડોદરા છોડ્યું. ઈ. સ. 1941માં પાછો આવ્યો ત્યારે વડોદરામાં અખાડાઓની આખી પ્રવૃત્તિઓમાં ઓટ આવી હતી. કૃષ્ણાપ્પાનો અખાડો પણ ડગુમગુ ચાલતો હતો. એમનો મધ્યાહ્ન પૂરો થયો હતો. સંધ્યા ઊતરવાની તૈયારી હતી.
એક દિવસ અચાનક ખબર પડી કે કૃષ્ણાપ્પા બીમાર છે. જઈને જોયું તો વાતાવરણ સાવ બદલાયેલું. પહાડ જેવો માણસ તરણા જેવો અશક્ત બનીને સૂતો હતો. બીમારીમાં સારવાર કરનાર માણસોની પણ તૂટ હતી. દવાદારૂની વ્યવસ્થા નહોતી. આ બધી વ્યવસ્થા કરી કરાવીને અમે પાછા ફર્યા. રોજ તો ખબર કઢાતી નહોતી પરંતુ અવારનવાર ખબરઅંતર જરૂર નીકળતી. એક સવારે માણસ હાંફતો હાંફતો આવીને સમાચાર આપી ગયો કે કૃષ્ણાપ્પા ગયા.
બધું કામકાજ પડતું મૂકીને દોડ્યો વારસિયા. કૃષ્ણાપ્પા અંતિમ નિદ્રામાં સૂતા હતા. મુખ પર એ જ સ્મિત હતું – નિષ્કલંક અને નમણું. પરંતુ પરિસ્થિતિ કરુણ હતી. નનામી ઊંચકનારા પૂરા માણસો નહોતા. જે વિશાળકાય પુરુષ અસંખ્ય શબોને એકલે હાથે સ્મશાનમાં લઈ જઈને અંત્યેષ્ટિ સંસ્કાર કર્યા હતા તેના જ શબને ઉઠાવનાર આજે પૂરા ચાર માણસો નહોતા! પાછો શહેરમાં આવીને બેત્રણ મિત્રોને તેડી ગયો. સ્મશાનમાં જ્યારે એમના શબને અગ્નિસંસ્કાર થતા હતા ત્યારે અંતરમાં સમસ્યાઓના ગૂંચળાં વળ ખાતાં હતાં. કૃષ્ણાપ્પાના અખાડામાં દેહનો કાયાકલ્પ કરવાનો પુરુષાર્થ થયો હતો અને ત્યાં જ એના કીમિયાગરનું કરુણ મૃત્યુ થયું.
દેહનો કાયાકલ્પ વ્યક્તિ ઘડે છે. ચેતનાનો કાયાકલ્પ વિભૂતિ સરજે છે. એક હોય તે વ્યક્તિ. એ સર્વમાં ઊતરે ત્યારે વિભૂતિ. આમ વ્યક્તિ અને વિભૂતિના ભેદવિભેદ પણ સાક્ષાત્ થયા.