અમૃતા/દ્વિતીય સર્ગ - પ્રતિભાવ/પાંચ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પાંચ


સાંજનો અને ઉદયનની હાજરી વિનાનો સમય વીતી રહ્યો. હજી કેમ ન આવ્યો? શહેરમાં આંટા લગાવવા ગયો છે. નિરુદ્દેશે ભ્રમણ કરવા ગયો છે પણ ‘મુગ્ધ ભ્રમણ’ કરવા નહીં. દોઢેક કલાક થયો. હજી આવ્યો નથી તેથી એની વાત નીકળી:

‘મુંબઈમાં તોફાનો થયાં ત્યારે એક ટોળામાંથી ઉદયન મને બહાર લાવ્યો હતો એ લોકો મારી પાસે કબૂલ કરાવવા માગતા હતા કે મુંબઈ એમનું છે. હું કહેતો હતો કે જે રહે છે અથવા જે રહેવા આવશે તે સહુનું મુંબઈ છે. મારી પાસે તમે પોતાની ઇચ્છા પ્રામાણે કબૂલ કરાવશો તેથી કંઈ ફેર નહીં પડે. એ લોકો મને છોડવા માગતા ન હતા. હું એમની સાથે લડવા માગતો ન હતો. એટલામાં ઉદયન આવ્યો. એણે ટોળાની માતૃભાષામાં વાત શરૂ કરી અને સમજાવ્યું કે મુંબઈ તો શું, આખો દેશ તમારો છે એમ અમે બંને માનીએ છીએ. જાઓ, પ્રચાર કરો.’

‘મારી મમ્મીને ઉદયન વિશે સારો ખ્યાલ હતો.’

‘એ તો સારું કહેવાય.’

‘એમનું એમ માનવું હતું કે ઉદયનની મદદ છે માટે જ હું પરીક્ષામાં સારા ગુણ મેળવું છું. ટયુશન આપનાર શિક્ષકોથી બાળકોને કશો લાભ થતો નથી, ફકત એમની સાથે હરવા-ફરવાનું જ વધે છે. અમારા પરિવારમાં અભ્યાસ અંગે દરેક જણ સરખું પરિણામ લાવતું. મને અભ્યાસમાં રસ છે, તેનું કારણ ઉદયન છે એવું મારાં મમ્મી સમજતાં. એ એમની અદબ જાળવતો…. પણ તમે જાણો છો કે એ એના પિતાજીને તો અવગણતો જ રહ્યો.’

‘એ હું નથી જાણતો.’

‘ગયા વરસે એ મરણ પામ્યા.’

‘એ તો હું જાણું છું.’

‘મરણના સમાચાર જાણીને એ ઘેર ગયો. એને જાણવા મળ્યું કે એક ભીલ છોકરીએ એમના માથામાં પથ્થર માર્યો હતો. મૃત્યુ પછીની વિધિ પતાવ્યા વિના એ પાછો આવ્યો. હમણાં જઈને બધું વેચી આવ્યો છે. એક મકાન રહેવા દીધું છે. વચ્ચે કંટાળ્યો ત્યારે ત્યાં – ભિલોડા જઈને રહેવાની વાત કરતો હતો.’

અનિકેત ઊભો થયો. બારી બહાર જોયું. એના જોવાનો અર્થ એ હતો કે ઉદયને હવે આવવું જોઈએ. કેમ ન આવ્યો તેનાં કારણ તો અનેક હોઈ શકે અથવા કશુંય કારણ ન હોય. સંભવ છે કોઈ બાગમાં બેઠો હોય અને પાંદડાં ફરકાવીને આવતા પવનના સ્પર્શથી ઊંઘી ગયો હોય અથવા સ્ટેશનરોડની કોઈ નાની હોટલના બાંકડે બેસીને એક પછી એક સિગારેટ ફૂંકતો હોય અને કોઈ મળ્યું હોય તો એની સાથે અલકમલકની વાતો કરતો હોય.

અમૃતા અને અનિકેત હજી ઉદયન અંગે વાત કરવા ઈચ્છતાં હતાં. ઉદયન વિશે કલાકો સુધી વાત કરી શકાય. પરંતુ એની વાત કરતાં કરતાં ક્યારે પોતાની વાત શરૂ થઈ જાય એ કહેવું મુશ્કેલ હતું.

પુસ્તક લઈને બેસવું એ તો કેવળ બનાવટ બની જાય એમ હતું. ગીત ગાવા માટે અત્યારે અવાજ ન હતો. અમૃતા અનિકેતના સામું જોઈ શકતી ન હતી અને અનિકેત હવે જે દૃષ્ટિથી અમૃતાને જોવા ઈચ્છે તે દૃષ્ટિ એ હજી કેળવી શક્યો ન હતો. વાત ન કરવાની સ્થિતિમાં બંને જણ એકબીજાની હાજરીથી અતિ સભાન થઈ જતાં. ત્યારે અમૃતા પોતાની અનામિકા પરથી મુદ્રિકા કાઢીને જોઈ રહેતી, પહેરી લેતી, ફરી કાઢતી, જોઈ રહેતી. અનિકેત ઘડિયાળના સેકંડ કાંટા પર દૃષ્ટિ મૂકીને બેસી રહેતો. એની દૃષ્ટિ એ કાંટાની સાથે ખચકા અનુભવતી ગોળગોળ ફર્યા કરતી. પૂર્વઘટિત ઘટનાઓના સ્મરણનો ભાર એમનાથી ઝીલી શકાય એમ નહીં હોય કે પછી બીજું કોઈ કારણ હશે પણ કોઈ અન્યની હાજરી એ વાંછતાં હતાં.

એ બોલવું ન પડે એમ ઈચ્છતાં હતાં. બોલવાનું ન બોલવાથી સહન કરવું પડતું આંતરિક દબાણ એમણે સહન કરી લેવા નિરધાર કર્યો હોય એમ લાગે છે. કારણ કે એ જાણતાં હશે કે એમની વાત શરૂ થાય પછી એને યતિ નથી. અને એ વાત માનો કે પૂરી થાય તોપણ પૂરી થઈ જાય તે પછી પણ ભીતરને મોકળાશનો અનુભવ થશે તેવી ખાતરી નથી.

ઉદયન નથી આવ્યો.

શું ઉદયન નથી આવતો?

તો શું કરવું? અનિકેત બાજુના રૂમમાં જઈને આંટા લગાવવા લાગ્યો. પછી એને પાછો આવતો જોઈને અમૃતાને એકાએક બોલવાનું સૂઝયું

‘તમારા મકાનનું મારે ભાડું આપવાનું છે.’

‘આપવું જોઈએ મારે તમને, હા, એને ભાડું ન કહેવાય.’

‘હું સમજી નહીં.’

‘મારું મકાન અત્યારે તમારા સંરક્ષણમાં હોવાથી, તમે એના પર સાર્વભૌમત્વ ભોગવો છો તેથી મારે તમને ખંડણી ભરવી જોઈએ.’

બોલતાં બોલતાં અનિકેતને લાગ્યું કે સવારે નકકી કર્યું હતું તેથી ભિન્ન કક્ષાએ જ ભાષાનો ઉપયોગ થયો. કેમ એની સાથેની વાતમાં શબ્દે શબ્દમાં સ્પૃહા જન્મી આવે છે?

અમૃતાએ હીંચકાનો સળિયો પકડતાં કહ્યું —

‘આજે ઈચ્છા થઈ આવી છે કે સ્વજનો સાથે રહેવા ચાલી જાઉં. મારે સ્વાતંત્ર્ય નથી જોઈતું, સંવાદિતા જોઈએ છે, સ્નેહ જોઈએ છે.’

‘મેં પહેલાં જાણ્યું હોત તો તમને ઘર છોડવા ના પાડત. અને હવે તમે ત્યાં રહેવા જાઓ તે બરોબર થશે એમ કહી નહીં શકું. હવે તમે ‘છાયા’ માં રહેવા જાઓ તો તમે ઘર છોડ્યું તે દિવસ અને પાછાં જાઓ તે દિવસ વચ્ચેનો ગાળો મોટો ન હોવા છતાં જલદી પુરાય નહીં. કદાચ તમને ફાવે પણ નહીં. કદાચ પરાજિત થઈને પાછાં ગયાની તમને લાગણી થાય. આ તો મને જે પ્રાથમિક વિચાર આવ્યા તે કહ્યાં. વધુ વિચાર કરતાં કંઈક બીજુ પણ લાગે. છેવટે તો તમને લાગે એ સાચું. તમને લાગે એ જ સાચું.’

‘એ તો મનેય લાગે છે કે ત્યાં હવે રહેવા જઈશ તો સહુની સાથે વિચ્છેદ અનુભવીશ.’

‘છો ત્યાં નહીં ફાવે?’

‘ત્યાં પણ ચારેકોર અવકાશ છે. હવે તો લાગે છે કે જ્યાં જઈશ ત્યાં ચારેકોરના અવકાશને મારે વહેવો પડશે.’

‘એક જ માર્ગ છે. અને એ એ કે તમારો અવકાશ બીજા કોઈને અર્પી દેવામાં આવે અને પછી એ બીજા કોઈના સજીવ સ્પર્શથી એ અવકાશ સભરતામાં પરિણમે.’

‘આજે તો હું એટલી આશાવાદી બની શકતી -નથી.’

શું કહેવું તે ન સૂઝતાં થોડો સમય નિરુપાય શાંતિ સહન કર્યા પછી અમૃતાની અનુમતિ લઈ અનિકેત ઉદયનને શોધવા નીકળ્યો.

સ્ટેશન તરફ વળ્યો. દરવાજા બહાર નીકળતાં એને વિચાર આવ્યો કે તળાવ તરફ પણ એ ગયો હોય. માનસરોવર! ખરું નામ છે નાનકડા તળાવનું! ત્યાંની નિર્જન શાંતિ એને સદી હોય તો કદાચ ત્યાં જ બેસી રહ્યો હોય. એના માટે નિર્જનતા અસહ્યા નથી.

ત્યાં બેઠેલો એ પકડાઈ જશે તો કહેશે શૂન્યના સંગે જીવતો હતો! પણ તળાવ તો છે જ. અંધકાર હશે. અંધકારભરી હવા હશે. હવાભર્યો તળાવનો કાંઠો હશે. પછી એનું રિકત શૂન્ય એને કેવા રૂપે વરતાશે? નિ:શેષ રિક્તને એ કેમ કરીને અનુભવી શકતો હશે? નિ:શેષ રિકત કેમ કરીને સંભવે? એ પોતે તો હશે જ ને! અને માણસ એકલો પણ હોય તો એ કંઈ નાનીસૂની વાત છે? પછી રિકતતા શેની?…આ ઉદયનની મન:સ્થિતિ છે કે મારી?

સિગારેટ સળગાવીને ખાલી ખોખું હાથમાં મસળીને એક તરફ ફેંકી દેનાર આકૃતિ જોઈને અનિકેત થંભ્યો. ધારણા સાચી નીકળી. અનિકેત વાત સાંભળી શકે એટલો નજીક પહોંચતાં જ એ બોલ્યો —

‘આ દુનિયા ઝાઝી નહીં ચાલે.’

‘તારી વાત સાચી છે. જ્યાં સુધી આપણે છીએ ત્યાં સુધી જ દુનિયા આપણા માટે છે, અને આપણે ઝાઝા ટકવાના નથી.’

‘આ ફિલોસૉફી તો મારા ગામનો દરેક ભગત જાણે છે. હું કંઈક બીજું કહેતો હતો. એ મારે તને સવિસ્તર સમજાવવું પડશે. સાંભળ — આ જે એક ગોળો છે ને, જેને આપણી પૃથ્વીના નામે ઓળખીએ છીએ, તેમાં હવે ઘણી તરડો પડી ગઈ હોવી જોઈએ. એની સપાટી પર ફરનારાઓનાં અનેક ઝેર ઊંડે ઊતરી ગયાં હશે એ અસર કર્યા વિના નહીં રહે. માણસનો દુરાશય મને લાગે છે કે ઉગ્રતમ ઝેર છે. મને કોઈએ કહ્યું હતું તે ગપ્પું હોય તોપણ સાચું માનીને તને કહું છું કે એક એવું ઝેર આવે છે જે શરીરમાં પ્રવેશ કરે કે તુરત જ માણસ ગાંડિયા ટેટાની જેમ ફૂટી જાય. માણસના દુરાશય અને આત્મઘાતનું ઝેર પૃથ્વીના કેન્દ્રમાં પૂરતું એકઠું થઈ ચૂક્યું છે. એનો હવે પરમાણુ બોમ્બની જેમ વિસ્ફોટ થશે. થશે જ, અને ત્યારે સૂર્ય પણ એનો ચિત્કાર નહીં સાંભળે.’

‘તું જે ઘટનાનો ઉપસંહાર કરી રહ્યો છે તે ઘટના વિશે હવે મારામાં જિજ્ઞાસા જાગી ચૂકી છે. એનું સવિસ્તર વર્ણન કર જેથી રસ્તો ટૂંકો થાય.’

‘હું સ્ટેશન નજીક ફરતો હતો અથવા ઊભો હતો. ત્યાં જાણ્યું કે પોલીસે એક યુગલને પકડ્યું છે. સમાચાર લાવનાર અને સાંભળનારના કુતૂહલ અને આનંદનો પાર ન હતો. કેટલાંક તો વાત કરતાં કરતાં તાલીઓ આપવા લાગ્યાં. ‘આબુ ગયાં હતાં! હનીમૂન કરવા! હવે ખબર પડશે! આવા તેવા ઉદ્ગારો સાંભળીને હું બેચેન બની ગયો. પેલાં બે જણના સુખ તરફ આટલા બધા માણસો કેમ ઈર્ષા અનુભવતા હશે? મેં એ પ્રશ્નમાં સક્રિય રસ લેવાનું નક્કી કર્યું.

પોલીસને આ સમાચાર છોકરીના બાપે આપ્યા હતા. આ ગાડીમાં એ લોકો અમદાવાદ જઈ રહ્યાં છે. અહીં જ એમને છૂટાં પાડીને છોકરીનો કબજો લઈ લેવાય એવી માગણી એણે કરી હશે. ભીડ જામી ગઈ હતી. છોકરી તો મોં નીચું કરીને ઊભી હતી પણ છોકરો હોશિયાર હતો. એણે પોલીસને સાફ સાફ કહી દીધું કે અમે સિવિલ મૅરેજ કરેલાં છે. અમને આ રીતે રોકી શકાય નહીં. પણ સાંભળે તો જમાદાર શેના? એમણે કાગળિયાં જોવામાં પણ સમય ન બગાડ્યો. ગજવા ભેગાં કરી દીધાં અને બંનેને બહાર લાવીને જીપમાં બેસાડી દીધાં. છોકરાના ચહેરા પર રોષ હતો. ઓ, સૉરી મારે એને ‘છોકરો’ નહીં, ‘યુવક’ કહેવો જોઈએ. હાં, તો યુવકના ચહેરા પર રોષ હતો. એ જોઈને મને આનંદ થયો. જીપ ઊપડી. ઘોડાગાડી કરીને હું પાછળ પાછળ ગયો.

પહોંચીને જોઉં છું તો પેલા યુવકની દલીલનો ઉત્તર તમાચાથી આપવામાં આવી રહ્યો છે. મને થયું – જોઉં, એ કેટલા તમાચા ખાઈ શકે છે. પોતાની પ્રેયસીના, બલ્કે પત્નીની હાજરીમાં પેલાથી આ અપમાનજનક ત્રાસ સહન થતો ન હતો પણ એ પોતાની સ્થિતિ સમજી ગયો હતો. લાલ ચહેરે ઊભો હતો. બોલ્યો —

‘સારું, હું એને સોંપીને જાઉં છું, મને પેલાં કાગળિયાં આપો.’

એક તરફ બે પોલીસ પેલી બાઈની ચોકી કરતા ઊભા હતા. વારંવાર એના તરફ જોઈને ખાતરી કરી લેતા હતા કે એ છે. અને એ છે એમ લાગતાં એના તરફ જોઈ રહેતા હતા. કદાચ એની સ્થિતિ દુ:સહ હતી.

યુવકે જમાદાર ઓછું સાંભળતા હશે એમ માનીને ઊંચા અવાજે ફરીથી કાગળિયાં માગ્યાં.

‘એ નહીં મળે તારે જવું હોય તો જા. તને જવા દઉં છું એટલું ઓછું છે કે પાછો કાગળિયાં માગે છે?’

‘નહીં મળે.? સારું, હું જોઈ લઈશ.’

‘શું જોઈ લેવાનો હતો તું?’

યુવકની પીઠ પર દંડો પડ્યો. એથી અવાજ થયો.

હું બીજા એકબે પ્રેક્ષકોનો સાથ છોડીને ઝડપથી પગાથિયાં ચડીને અંદર ઘૂસી ગયો. મારા આગમાનની નોંધ લેવાય તે પહેલાં જ મેં અલાઉદ્દીનના સ્વરમાં કહ્યું —

‘એ પશુ, આ કંઈ જંગલ છે કે મરજી પ્રમાણે વર્તે છે? તું તે જમાદાર છે કે ગુંડો? કાયદોબાયદો કંઈ જાણે છે? આવા કેસમાં દંડો વાપરતાં વિચાર પણ નથી કરતો?’

જમાદારના સહુથી મોટા મદદનીશનો અધિકાર ભોગવતો હોય એ રીતે એક પોલીસ મને સાંભળીને એના સાહેબના હાથમાંથી દંડો લેવા ગયો. મેં એને શાંતિથી કહ્યું —

‘જો તારી કેડ પર જાડા ચામડાનો પટ્ટો છે ને, તેમાં એ દંડાને લટકાવી રાખવાની વ્યવસ્થા છે. મને બતાવવાની જરૂર નથી. એ દોઢફૂટનો દંડો જોઈને હું નહીં ડરું, મેં મોટાં મોટાં ઝાડ જોયાં છે.’

પછી એ પોલીસ તરફ પીઠ કરીને જમાદારના ટેબલ સામે પડેલી ખુરશી પર હું બેઠો, અને બોલ્યો —

‘જુઓ જમાદારસાહેબ, આમ તો હું તમારા માટે એકવચન વાપરત પણ કેટલાક પોલીસ સારા હોય છે તેથી એમના માનને ખાતર તમારા માટે બહુવચન વાપરું છું. તમે કાયદાનો ભંગ કર્યો છે અને ગંભીર ગુનો કર્યો છે. આજ સુધીમાં પૂરતું કમાઈ લીધું ન હોય અને હજુ નોકરી કરવી હોય તો પેલા કાગળ આપી દો અને એ લોકોને માનપૂર્વક વિદાય આપો. આ યુવકની હિંમત જોઈને જ તમને લાગવું જોઈએ કે કાયદો એની સાથે છે. એણે તમને કાગળ આપ્યા છે તે મેં જોયા છે, કોઈ બહાનું કાઢીને તમે બચી નહીં શકો.’

જમાદારસાહેબ બે ત્રણ વાર ‘ગેટ આઉટ, ગેટ આઉટ’ બોલ્યા. પછી મેં એમને થોડુંક અંગ્રેજી સંભળાવ્યું. અને યુવકને કહ્યું કે જા, મોટા થાણે જા અને કહે કે વાર્તાકાર અને પત્રકાર ઉદયન બોલાવે છે. ત્યાં કોઈ ન સાંભળે તો કલેકટરને મળજે. એ મને ઓળખે છે. ચિંતા કર્યા વિના જા, તારી પત્નીનું હું રક્ષણ કરીશ.’

‘જુઓ સાહેબ, તમે આખો કેસ જાણતા નથી. આ છોકરીની બીજે સગાઈ થઈ હતી અને આ માણસ ઉઠાંતરી કરી ગયો છે. પણ તમે સાક્ષી થતા હો તો છોડી મૂકું.’

‘તમારી ગરજે છોડશો. હું તો તમે જે વર્તન કર્યું છે તેનો સાક્ષી છું. બોલો, કેટલી આવક થઈ છે આ કેસમાં?’

‘તમે કેવી વાત કરો છો? એવું તે થતું હશે? અમારે તો ફરિયાદ સાંભળવાની.’

‘ફરિયાદનાં કાગળિયાં ક્યાં છે?’

‘અરે સાહેબ, છોડો ને એ બધી લપ ! તમારો સમય શા માટે બગાડો છો? ચાલો, આમને છોડી મૂકું છું.’

એ લોકોને હું સ્ટેશન સુધી મૂકી આવ્યો. રસ્તામાં છોકરીએ કહ્યું કે એના બાપા એક પ્રૌઢ શ્રીમંત સાથે કરાર કરી ચૂક્યા હતા. ત્રણ હજાર તો લઈ પણ લીધા હતા. બે હજાર એને પરણાવ્યા પછી મળવાના હતા.

સાંભળીને મારી વિચારશક્તિ બહેર મારી ગઈ. આજે આ સ્વાતંત્ર્યયુગમાં પણ માણસો આ કક્ષાએ જીવે છે!’

‘જમાદાર સાથે તું ઘણી છૂટથી વર્ત્યો.’

‘એ ન માનત તો એથી પણ વધુ છૂટ લેત.’

‘પણ માની લે કે કાયદો એના પક્ષે હોત તો?’

‘જો, આમાં પણ પાછો ગણતરી કરવા બેઠો? કાયદો એના પક્ષે હોત તો હું કાયદાને ખોટો સાબિત કરત. તું કેમ ભૂલી ગયો — હું એલએલ.બી. થયેલો છું તે! વકીલાત એટલા માટે ન કરી કે કોર્ટમાં બધા કાયદાઓ ખોટા પાડી શકે એવા સમર્થ વકીલો છે. આપણે તો ફક્ત ખોટી વસ્તુને જ ખોટી પાડી શકીએ, અને એ તો સામાન્ય માણસ પણ કરી શકે. પછી વકીલ થવાનો શો અર્થ?’

‘હં.’

‘શું? કેમ બોલ્યો નહીં?’

‘વિચાર કરું છું.’

‘એ વળી ક્યારથી શરૂ કર્યું?’

‘તે બંધ કર્યું ત્યારથી.’

‘તો તું વિચાર્યા કર, હું ધમાલ કર્યા કરીશ.’

‘હું તારી ધમાલ અંગે જ વિચારું છું.’

‘કહે.’

‘તું મુંબઈમાં રોકાઈ જા. એક સમાચાર-પત્ર શરૂ કર. પાંચેક વરસ એની પાછળ લાગ્યો રહેશે તો સ્થિર થઈ જશે. મૂડીરોકાણની અને ખાધ ન આવે તેની વ્યવસ્થા હું સંભાળીશ. મેં પિતાજીને વચન આપ્યું છે કે જરૂર ઊભી થતાં પૈસા લઈશ. એમણે પ્રયોગશાળા શરૂ કરવા મને સૂચવેલું, પણ મેં કહ્યું વાર છે. તું જાણે છે કે એમની ઈચ્છા દાનવીર થવાની નથી. તેથી આવી પ્રવૃત્તિમાં તારા જેવા દ્વારા પૈસા વેડફાય તો તે એમને ગમશે. હમણાં પચીસ-ત્રીસ લાખથી કામ શરૂ કરીએ.’

‘જેમ તેં એમને કહ્યું ને કે વાર છે, એમ મારા માટે પણ વાર છે. અને તારા સમ, હું એવી મોટી જવાબદારી સંભાળવા યોગ્ય પોતાને માનતો નથી. હમણાં તો રખડી લેવાની ઇચ્છા છે. આ મળે છે એ નોકરી ફાવે એવી છે. સ્વીકારી લઈશ. હમણાં અનુભવાર્થી રહેવું ઠીક છે.’

‘તું મુંબઈ રહે તો વધારે સારું.’

‘તું તારી રણયાત્રા પૂરી કરી લે. પછી હું પણ આવી જઈશ. નોકરી ચાલુ રહેશે તોપણ ત્રણ વરશથી વધુ તો હું એમાં નહીં જ રહી શકું. એક નોકરી હું વધુમાં વધુ કેટલો સમય નિભાવી શકું છું તે તું જાણે છે.’

‘હું તને સ્થિર થવાની વાત કરું છું અને તું બેપરવાહીથી હસી કાઢે છે.’

‘હા ભાઈ, મને સ્થિરતા ગમતી નથી.થોડાક ધક્કા ન હોય, થોડીક ઉત્તેજનાઓ ન હોય, આઘાત-પ્રત્યાઘાતનાં આંદોલન ન હોય તો પછી જીવવાનું શું? આપણી આબોહવા સદા સ્પંદનશીલ રહેવી જોઈએ, છાતી ધબકતી રહેવી જોઈએ, લોહી લયાન્વિત રહેવું જોઈએ. અનિકેત, સ્થિરતા તો કેવળ શૂન્ય અવકાશમાં જ સંભવે. હું તો પૃથ્વી સાથે અર્હનિશ ગુરુત્વાકર્ષણ અનુભવતો રહું છું.’

બોલી રહીને એણે અનિકેતના ખભા પર હાથ મૂક્યો. એને હચમચાવી મૂકવાનો બળવાન પ્રયત્ન કરી જોયો. પણ અનિકેતની દૃઢ ગતિ ડોલી નહીં. એણે ઉદયનના સામું પણ ન જોયું.

આગગાડીનો પ્રથમ વર્ગનો ડબ્બો.

બારી બહારનું સ્થળ, મહેસાણાથી આંબલિયાસણ તરફનું. કલાકના ત્રીસેક માઈલની ગતિએ બહારની સૃષ્ટિ પાછળ સરકતી હતી. ખેતરો, ખેતરો ને વાડ, વાડમાં ખૂણે અને ક્યાંય ક્યાંક ખેતરો વચ્ચે વૃક્ષો, બાજરી, નીઘલી હતી. ખેતરો પાંચ-પાંચ છ-છ ફૂટ ઊંચાઈ પામ્યાં હતાં. વચ્ચે વચ્ચે પડતર જમીન આવે. જે કંઈ આવે તે બધું પાછળ સરકી જાય. નજીકનું જલદી સરકી જાય, દૂરનું આંખમાં સમાવી શકાય.

મધ્યમ વાતાવરણ.

ઉદયને પણ વાંચવાનું બંધ કર્યું.

‘મને એમ હતું કે કદાચ તું મારી સાથે નહીં આવે.’

‘તારી વાત સાચી છે. હું તારી સાથે નથી આવતી.’

‘તો શું, મારી સામે છે એ કોઈનો પડછાયો છે? અમૃતા નથી?’

‘હું છું. તું ઈચ્છે તે રીતે ઓળખી શકે. હું અમદાવાદ રોકાવાની છું તેથી કહું છું કે તારી સાથે નથી આવતી.’

‘મારી સાથે ન આવવા માટે તું અમદાવાદ રોકાતી હોય તો હું પાછો જાઉં. તું જા.’

‘અમદાવાદમાં એક હસ્તપ્રત ઉપર કામ કરવાનું છે. અમારા નિયામકશ્રીએ કહ્યું છે કે એ તરફ જાઓ છો તો આટલું કામ કરી લાવવું.’

‘ક્યાં રોકાવાની?’

‘હું ક્યાં રોકાવાની છું તેની પણ તારે નોંધ રાખવાની છે?’

‘હા, એટલા માટે કે નથી ને તું એકાએક યાદ આવે તો તને તારા સરનામા સાથે કલ્પી શકું ને? વિશિષ્ટ સ્થળ-કાળ સાથે કલ્પેલું ચિત્તમાં વધુ ટકી રહે છે.’

‘કલ્પવી જ પડે તો મને એકલી જ કલ્પવી.’

‘કેમ, અત્યારે આ ડબ્બામાં કોઈ નથી?’

‘તને ઓછું લાગતું લાગે છે. હું તો છું.’

‘હું તારી સામે જોતો નથી, બાકી જોઉં તો જરૂર લાગે કે તું છે.’

‘ઉદયન, આ પૃથ્વી પર કેટલા બધા માણસો છે? અથવા એમ કહેવું જોઈએ કે કેટલા બધા હશે?’

‘વસ્તીગણતરી થઈ શકતી નથી કારણ કે એ આંકડો બોલી રહીએ ત્યાં સુધીમાં તો બદલાઈ જાય.’

‘આ સૃષ્ટિના આદિ અને અંત વિશે તને વિચારો આવે છે?’

‘અંત વિશે વિચારો આવે છે. એના આદિ વિશે તો ઈતિહાસની બાળપોથીમાં લખેલું જ છે ને! પણ તે વિશે વિચાર આવે કે ન આવે, બધું સરખું છે. આપણા જન્મ અને મૃત્યુની જેમ એ આકસ્મિક છે.’

‘કશુંય આકસ્મિક નથી, બધું ક્રમિક છે.’

‘તો હું તને ઉપાડીને બહાર ફેંકી દઉં?’

‘સરસ્વતી નદી તો ગઈ. હવે સાબરમતી આવે એટલે ફેંકી દેજે.’

‘પછી અનિકેત પૂછે તો હું શો જવાબ આપું?’

‘મને વિશ્વાસ છે કે હવે મારા વિશે એ તને કશુંય નહીં પૂછે.’

‘સીધું તને જ પૂછતો રહેશે?’

‘ઉદયન! તું મને અત્યારે બહાર ફેંકી દઈશ તો આભારી થઈશ. થોડોક સમય તો મને મારા હાલ પર છોડી દે!’

ઉદયને ફરીથી વાંચવાનું શરૂ કરી દીધું.

સ્ટેશન આવ્યું.

અનેક કંઠ ગરમ ચાની જાહેરાત કરી રહ્યા હતા. માટીના પ્યાલામાં ચા મળે છે તે જોઈને ઉદયનને પીવાની ઇચ્છા થઈ. એ નાનો હતો ત્યારે એક વાર તરત પાણી ભરવામાં આવેલા કોરા મોરિયાના કાના ખાઈ ગયેલો. ગરમ ચા સાથે કોરા પ્યાલાની સુગંધ પીવાની એને ઈચ્છા થઈ.

‘ચાવાળાએ ઉત્સાહપૂર્વક બે પ્યાલા ભરી આપ્યા. બીજો પ્યાલો હાથમાં લેતાં એ બોલ્યો —

‘એ નહીં પીએ, એને એના હાલ પર છોડી દો.’

આ લોકો સિનેમાની ભાષામાં વાત કરે છે એવું માનીને ચાવાળો પોતાના એક સહકાર્યકરને બોલાવી લાવ્યો. કઈ અભિનેત્રી છે એ અંગે એ લોકો નામ યાદ કરી રહ્યા હતા. ઉદયન એમની વિમાસણ સમજી ગયો.

‘અભિનેત્રી તો નથી પણ અભિનય જાણે છે.’

અમૃતા ખિજાવા ગઈ પણ હસી પડી. ઉદયને એની સામે ચાનો પ્યાલો ધર્યો.

‘ગરમ છે?’

‘હા, ગરમ છે, પીવા યોગ્ય પાણી જેટલી.’

ગાડી ઊપડી. ‘પૈસા?’

‘લે.’

‘છૂટા નથી, સાહેબ.’

‘નિરાંતે કરાવી લેજે.’

અમૃતાનું હાસ્ય ગોગલ્સના રંગના વિરોધમાં મનોરમ બની ઊઠે છે. એને પ્રસન્ન જોઈને ઉદયન આરામથી વાંચવા લાગ્યો.

પરંતુ વીજળીનો પ્રવાહ તૂટતાં અંધારું થઈ જાય એમ એકાએક અમૃતા ગમગીન બની ગઈ.

એણે અનિકેતે આપેલો પત્ર ગઈ કાલે રાત્રે વાંચ્યો હતો. આમ તો એ પણ એણે હમણાં ન વાંચવાનો નિર્ણય કરીને રાખી મૂકેલો પણ અનિકેત ઉદયનને શોધવા નીકળ્યો ત્યારે એ એકલી રહી શકી નહીં. પત્રથી અલગ રહી શકી નહીં.

પોતે તો એક જ છે, છતાં આ બે માણસોનાં તદ્ન વિરોધી લાગે એવાં વલણ એ કેમ અનુભવે છે? કે પછી એ વિરોધ વાસ્તવમાં વિરોધ નથી? અથવા એ વિરોધ હોય તો તેનું કારણ કોણ? હું પોતે પણ હોઈ શકું. એણે જોયું — ઉદયન મોં પર પુસ્તક ઢાંકીને ઊંઘવા મથે છે.

ઉદયનને ઊંઘને સ્થાને વિચાર આવ્યો કે ફર્સ્ટ કલાસમાં જ મુસાફરી કરવી જોઈએ. આરામ રહે. કે પછી અમૃતા સાથે છે માટે ફર્સ્ટ કલાસ ફર્સ્ટ કલાસ લાગે છે? હવેથી એની યાદમાં ફર્સ્ટ કલાસમાં જ મુસાફરી કરવી. પણ આ માત્ર ઈચ્છાનો સવાલ નથી. પૈસા પણ જોઈએ. પરંતુ ગાડીમાં બધાં મુસાફરો માટે સરખી સગવડ કેમ ન હોય? એમ થાય તો પછી જે લોકો લાંબી મુસાફરી કરે છે તેમની ઊંઘનું શું? મોટા ભાગના માણસો તો એવા છે કે ઊંઘતા ઉપર આવીને બેસે…. બધું સરખું કર્યે ન ચાલે. સમાજવાદ શક્ય નથી — વાદ તરીકે શક્ય નથી. વિવેક તરીકે બરોબર છે.

‘અમૃતા!’

‘શું?’

‘ખુશખબર.’

‘એ કહેતાં તું કેમ ખુશ દેખાતો નથી?’

‘એ ફક્ત તારા પૂરતી જ ખુશખબર છે.’

‘કેમ?’

‘હું હવે મોટે ભાગે મુંબઈ બહાર રહેવાનો.’

‘એ તો ફક્ત ખબર થઈ, એમાં ખુશ થવા જેવું શું છે?’

‘કાલિદાસે સ્ત્રીઓ વિશે સાચું જ કહ્યું હતું.’

‘શું કહ્યું હતું?’

‘મને યાદ નથી, પણ કંઈક કહેલું ખરું.’

‘કાલિદાસે ફક્ત સ્ત્રીઓ વિશે જ કહ્યું નથી. સ્ત્રીઓના પગે પડતા નાયકો વિશે પણ કહ્યું છે. પરંતુ એ શાશ્વત હોય તો તારા જેવા ક્ષણવાદી માટે તો શા ખપનું?’

‘દરેક ક્ષણની પીઠ પર સમગ્ર ભૂતકાળનો ભાર હોય છે. હા, એ ક્ષણ પછી આવનાર બીજી ક્ષણની મને ખબર નથી. અને તેમ છતાં હું જીવું છું તો તમારી જેમ જ. હું ભવિષ્યમાં નથી માનતો તેમ છતાં કહે જો વારુ મેં તને કેમ પચાવી ના પાડી?’

‘એ કંઈ તારી એકલાની મહેચ્છા પર ઓછું નિર્ભર છે?’

‘તું અત્યારે બોલે છે તે સાચે જ સાચું છે?’

‘હા.’

‘તો હું તને ઓળખી શકતો નથી. કદાચ અથવા અવશ્ય હું તને ઓળખી શકવાનો નથી. સારું થયું કે અનિકેત એક વૅકેશન શાંતિનિકેતનમાં ગાળી આવ્યો અને બંગાળી શીખી લાવ્યો નહીં તો હું પેલી બે પંક્તિઓ કેવી રીતે જાણત? ‘હે નર, હે નારી, હું તમારી પૃથ્વીને કોઈ દિવસ ઓળખી શકતો નથી, હું અન્ય નક્ષત્રનો જીવ નથી.’ મારા પહેલાં જીવનાનંદ દાસનો પણ આવો જ અનુભવ હતો. તેથી મને આશ્વાસન છે. અમૃતા! આજે હું જાહેર કરું છું કે હું તને ઓળખી શકતો નથી. એ સાચા માણસે મારી ખાતર જ લખ્યું છે—

હે નર, હે નારી,

તોમાદેર પૃથિવીકે ચિનિના કોનોદિન,

આમિ અન્ય નક્ષત્રેર જીવ નઈ.