અમૃતા/દ્વિતીય સર્ગ - પ્રતિભાવ/બે
અનિકેતને ઉદયન દેખાયો. એણે એ પણ જોયું કે અમૃતા નથી. એ સામે ગયો. આરામના અભાવે વરતાતો હોય છે તેવો થાક એના ચહેરા પર હતો. પછી એ થાકની છાયામાં હાસ્ય ભળ્યું, તે જોઈને અનિકેતને લાગ્યું કે ઉદયન હસવા મથીને અંર્તનિહિત વિરતિમાંથી મુકત થવાનો પ્રયત્ન કરી રહ્યો છે. ગાડીની પંદર-સોળ કલાકની મુસાફરીને લીધે ઉદયન આવો દેખાય તે માની શકાય છે પણ અનિકેત પણ ઉદયનને એવો જ દેખાયો. સ્વાગત કરી રહેલા સ્મિતમાં આવેગશૂન્ય શાંતિ હતી.
‘શું સાથે કંઈ નથી લાવ્યો?’
‘એકલો જ છું.’
અનિકેત ફક્ત સાંભળી રહ્યો. ઉદયન આગળ બોલ્યો કારણ કે એને લાગ્યું કે અનિકેત હજી સાંભળવા માગે છે.
‘સાથે એક નાની સૂટકેસ હતી. સુરતથી વડોદરા વચ્ચે, મેં મેળવેલી જગ્યા છોડી. ત્રણ રૂપિયા મહેનતાણું આપીને સૂવાની જગા મેળવી હતી. નીચે ભાતભાતના માણસો બેઠા હતા. મેં એકબે વાર નીચે નજર કરી. એક કિશોરી અને એના પ્રૌઢ પિતા અને બીજાં નાનાંમોટાં માણસો મને દેખાયાં. હું જોઈ રહ્યો. પછી મને વિચાર આવ્યો કે એ છોકરીને મારે જગ્યા આપી દેવી જોઈએ. હું બેઠો બેઠો ઊંઘી શકીશ. અને મારા તરફ જોઈ રહેવાની કોઈને જરૂર નહીં લાગે. મેં જગા આપી અને એને તો જાણે વરદાન મળ્યું. આજુબાજુ બેઠેલા આંખો બીડીને ઊંઘવા લાગ્યા, જાણે કે એ લોકો ઘણા સમયથી ઊંઘે છે એવું પ્રગટ કરવા એ મથતા હતા. હું થોડું થોડું ઊંઘવા લાગ્યો. તું એને અર્ધનિદ્રા પણ કહી શકે.’
‘ટિકિટ?’
અનિકેત સાંભળતો સાંભળતો ટિકિટ એકઠી કરનારા અમલદાર પાસે આવીને ઊભો રહ્યો. ઉદયનને થયું કે ટિકિટ આપવાની શી જરૂર છે? એ હસી ને બોલ્યો:
‘તમારા હાથમાં કેટલી બધી એકઠી થઈ છે? હવે જગા પણ નથી. એક ન લો તો નહીં ચાલે? ક્યાં પડી હશે? પણ તમે હાથ લંબાવી રહ્યા છો તો શોધી આપું.’
પેન્ટ અને બુશશર્ટનાં બધાં ગજવાંમાંથી પાકીટ અને કાગળિયાં કાઢયાં. બધાં કાગળિયાં લોચા જેવાં હતાં. પાકીટની ઉપલી ધારમાંથી ખૂણા વળી ગયેલી દસ દસની નોટો ડોકાઈ રહી હતી. બધી સામગ્રી ઝડપભેર ફેંદી લઈને અડધી વળી ગયેલી ટિકિટ એણે શોધી કાઢી. એને સીધી કરીને આપતાં આપતાં એ બોલ્યો —
‘જુઓ,આપણો સહુનો કેટલો સમય બગડ્યો?’
‘તમારે ટિકિટ હાથમાં રાખવી ન જોઈએ?’
‘અરે ભાઈ, મિત્રને મળ્યો છું ત્યારે પણ આ રીતે જવાબદારીનું ભાન કેમ કરાવો છો? હું ટિકિટ ન લઉં એવો માણસ છું? ચહેરો જોઈને તમને માણસનો ખ્યાલ નથી આવતો?’
‘ચહેરા પરથી તો તમે મોટી લાઈનના એન્જિનના ડ્રાઈવર જેવા લાગો છો.’
‘કેમ તમારી બાજુ ડ્રાઈવર રૂપાળા હોય છે?’
‘બસ. તમારા જેવા.’
‘સારું કર્યું કે તમે મને ટિકિટ એકઠી કરનારાઓ સાથે ન સરખાવ્યો.’
ત્રણે જણ હસી પડયા. અનિકેત સ્ટેશન પર ફરવા આવતો. અહીંના માણસો સાથે આછી આછી ઓળખ થઈ ચૂકી હતી. તેથી અનિકેત પણ સહજ ભાવે હસી શક્યો. ઉદયન માટે સહજ અસહજનો ભેદ કરવાની જરૂર નથી. એણે ખડખડાટ હસતાં હસતાં પાલનપુરમાં પ્રવેશ કર્યો. એણે ચાલવાનું પસંદ કર્યું હતું.
‘અલ્યા પેલું શું છે?’ સ્ટેશનરોડની અનેક દુકાનો આગળ લટકાવેલ બિજોરું જોઈને એણે પૂછયું.
‘એ લીંબુની એક જાત છે. દવા તરીકે વપરાય છે. જો પેલું પોણો ફૂટ જેટલું લાંબુ છે ને, એમાં લોખંડની ખીલી ખોસેલી હોય છે. નીચેના છેડેથી ખીલી ઓગળી રહી હશે.’
‘શું કહે છે? લોખંડને ઓગાળી દે છે? તો તો તારે માનવું જ પડશે કે એમાં રસ નહીં હોય, તેજાબ હશે.’
‘તારા વ્યક્તિત્વ સાથે મળતું આવે ખરું.’
‘તેજાબની સાથે મને સરખાવે છે યાર! હું તારા માટે ક્યારે જલદ નીવડ્યો?’
ઉદયનને અનિકેતનો ઉદ્ગાર ગમ્યો ન હતો અને અનિકેતને ઉદયનનો વળતો ઉદ્ગાર ન ગમ્યો.પણ કોઈએ અણગમો વ્યકત કર્યો નહીં. બંને જણ શાન્ત ચાલતા રહ્યા. ઝબકી ઊઠયો હોય તેમ ઉદયન એકાએક બોલી ઊઠયો —
‘અરે યાર! સૂટકેસમાં મારી એક વાર્તા હતી. ઉફ્, એ પણ ગઈ.’
‘તારી પાસે એની નકલ તો નહીં હોય.’
‘હા, નથી. તું જાણે છે કે એક વાર લખેલાને હું ફરીથી અડકતો નથી.’
‘ફરીથી લખી શકશે કે નહીં?’
‘નિરાશ એટલો બધો થઈ ગયો છું કે એને ખોવાના આઘાત માત્રથી હવે નહીં લખી શકું. પણ હા, અમૃતાને એ વાર્તા સંભળાવેલી. એને ગમી ન હતી તેથી અમે ચર્ચા કરેલી તેથી એને તો ઠીક ઠીક યાદ હશે.’
‘હવે ફરીથી લખીશ તો કદાચ અમૃતાને ગમશે.’
‘પણ એણે સૂચવેલો સુધારો હું સ્વીકારી શકું તેમ નથી. એણે અંત બદલવાની વાત કરી હતી અને હું અંત જડે તે પછી જ વાર્તા લખતો હોઉં છું.’
‘કેટલુંક ન સ્વીકારીએ તોપણ સમય જતાં આપણું દષ્ટિબિંદુ બદલાઈ જતું હોય છે. તું એ વાર્તા હવે લખી જો.’
‘તો તો હું એ વાર્તા નહીં જ લખું. સારું થયું ખોવાઈ ગઈ. તેથી એના નિમિત્તે મારે પોતાનું દષ્ટિબિંદુ બદલવું નહીં પડે. મને આશા હતી કે તને એ વાર્તા ગમશે, તેથી સાથે લાવી રહ્યો હતો. તને ગમત તે પછી હું અમૃતાને કહેત કે અનિકેતને એ ગમી છે. તે પછી પોતાના અભિપ્રાય પર ફરીથી વિચારવા એ તૈયાર થાત. અને એને ગમત.’
‘તું અમૃતાને શું સમજે છે?’
‘નિરપવાદ સ્ત્રી!’
‘એટલે?’
‘સંપૂર્ણ સ્ત્રી!’
‘એટલે!’
‘તું નથી સમજતો તે.’
‘હવે સમજ્યો.’
‘શું?’
‘And what you do not know is the only thing you know
અનિકેતના મકાનમાં પ્રવેશ કરતાં ઉદયને જવાબ આપ્યો —
‘And where you are is where you are not.’
ઉદયનને મકાન ગમ્યું. બે ઓરડા અને એક રસોડું હતું. ત્રણે સીધી લાઈનમાં હતાં. આગળના ઓરડાને અને રસોડાને બારીઓ હતી, પૂર્વ અને પશ્ચિમ દિશાઓમાં. ઉપર પતરાં હતાં પણ વચ્ચે સિલિંગ હતું. હીંચકો પણ હતો. ઉદયને વિચાર્યું કે હીંચકો ન હોત તોપણ અનિકેત વસાવત. એ હીંચકા પર સૂઈ ગયો. ત્રાંસો ધક્કો વાગતાં હીંચકો ખળભળી ઊઠયો હતો.
‘શું ચાલે છે મુંબઈમાં ?’
‘આખા મુંબઈને શા માટે યાદ કરાવે છે. સીધું જ પૂછ ને?’
‘મેં પૂછયું તે જ મને અભિપ્રેત હતું. છતાં તારું તાત્પર્ય સમજીને એને અનુરૂપ પૂછું છું — કહે, અમૃતા શું કરે છે?’
‘તને યાદ કરે છે.’
‘એ શું કરે છે એમ પૂછી રહ્યો છું.’
‘તને યાદ કરે છે.’
‘પ્રવૃત્તિ અંગે પૂછું છું.’
‘તો શું યાદ કરવું એ પ્રવૃત્તિ નથી?’
‘સીધો ઉત્તર આપ ને ભાઈ !’
‘કેમ કહ્યું તો ખરું કે તને યાદ કરે છે.’
‘યાદ કરે છે. યાદ કરે છે… ભલે યાદ કરે. અને કેમ યાદ ન કરે? તું ભલે મને સંતાપવા કહેતો હોય કે એ યાદ કરે છે. પરંતુ હું સાચું માનું છું કે એ મને યાદ કરે છે. આ કબૂલાત પછી હવે પૂછું છું કે આજકાલ એ શી પ્રવૃત્તિ કરે છે?’
‘પ્રવૃત્તિ તો શોધે છે. કૉલેજમાં અધ્યાપિકા બનવા ઇચ્છતી હતી પણ ક્યાંય જગ્યા ન મળી. અને જગ્યા હોય તોપણ એવી સુંદર સ્ત્રીને કોણ અધ્યાપિકા બનાવે? છાત્રો સાંભળવાનું ભૂલીને જોઈ જ રહે. હવે એને નોકરી મળી છે. એણે ઘર છોડી દીધું છે.’
‘કેમ?’
‘તારી જેમ આદર્શવાદી બનવા ઇચ્છે છે.’
‘તારી ટેવ કોઈક વાર તો સાચે જ ખટકે છે. ચિંતા કરવા જેવી બાબતે પણ તું વક્ર વચન ઉચ્ચારે છે!’
‘આ બાબત તને ચિંતા કરવા જેવી લાગે તે હું સમજી શકું છું. એના વિશે પછી વિગતવાર વાત કરીશું. એક કલાક ઊંઘી જવા દે. કંઈક ખાવાનું મંગાવી રાખ. પછી ચિંતા કરવા જેવું મારી પાસે ઘણું બધું છે, એમાંથી થોડુંક કહીશ.’
‘તો, પેલા પલંગમાં સૂઈ જા.’
‘એક કલાક ઊંઘવા માટે હીંચકો વધુ યોગ્ય છે. પછી સાવ ઊંઘી જાઉં તો ખાવાનું રહી જાય.’
અને જોતજોતામાં એ ઊંઘી ગયો. ચારેક વાગ્યે એ જાગ્યો. કેટલો સમય પોતે ઊંઘ્યો તેની ગણતરી એણે કરી નહીં. એણે જોયું કે અનિકેત રસોડામાં છે. બંધ થતા સ્ટવનો અવાજ સાંભળીને એ રસોડામાં ગયો.
‘તેં શા માટે તકલીફ લીધી?’
‘તકલીફ ક્યાં છે? આ તો કામ થયું.’
‘તું જાતે રસોઈ બનાવે છે?’
‘ના ના, બપોરે અહીં નજીકમાં રહેતાં એક ડોશીમાને ત્યાં જમું છું. વૃદ્ધા બહુ મમતાળુ છે. પાસે બેસીને જમાડે છે. સવાર-સાંજ જરૂર અને ઈચ્છા પ્રમાણે નાસ્તો બનાવી લઉં છું.’
‘આ બધામાં સમયનો વ્યય થતો હોય એવું તને લાગતું નથી?’
‘હજી સુધી તો નથી લાગ્યું.’
‘તારી રુચિનું રહસ્ય મને સમજાતું નથી.’
‘આવી નાની નાની બાબતોમાં રહસ્ય શોધવાનું હોય નહીં.’
ઉદયન અનિકેતની સામે પડેલા નાના ટેબલ પર બેસીને ખાવા લાગ્યો. એને ચિંતા થઈ કે અનિકેત હાથ-મોં ધોવાનું કહેશે તો પાછા ઊભા થવું પડશે. પણ અનિકેત તો પ્રસન્ન મુખે સામે બેસી જ રહ્યો. ઉદયનને આ સુખદ વિરોધાભાસથી એક ઘટના યાદ આવી —
એક દિવસ સવારમાં એ ઊઠયો એવો સિક્કાનગર પહોંચી ગયો. બાલ વચ્ચે વિરોધલય પ્રવર્તી રહ્યો હતો. અનિકેતે કાંસકો અને દર્પણ લાવી આપ્યાં. એણે હાથમાં લીધાં અને ચૂપચાપ બાલ ઠીક કરી લીધા.
એક તરફ બધું બદલવાની વાતો કરવી અને બીજી બાજુ પોતાના વ્યકિતગત આચરણમાં સાવ અતંત્ર રહેવું એ બાબત સામે અનિકેત અનેક વાર સંકેત કરી ચૂક્યો હતો. પોતે જે કંઈ છે અને જે રૂપે છે તે બરોબર છે. એવી માન્યતા ઉદયનમાં ઘર કરી ગઈ છે તેથી એ કોઈનું સાંભળતો નથી એવું અમૃતા અને કોઈવાર અનિકેતને લાગતું. એ બંન્નેની માન્યતાઓથી ઉદયન વાકેફ છે.
પોતાની ટ્રંકમાંથી એક જોડ કપડાં કાઢીને સ્નાન કરવા માટેની ચોકડી ઉપરની ખીંટી પર લટકાવ્યાં. પાણી અને સાબુ પણ મૂક્યાં. ઉદયન નાસ્તો પૂરો કરીને બેસી રહ્યો હતો. ઊભો થયો અને સ્નાન કરવા લાગ્યો. બોલ્યો —
‘તને ખબર છે કે હું બેકાર છું?’
‘હેં ? ક્યારથી?’
‘સત્રની શરૂઆતથી જ.’
‘મને તમારો કોઈનો પત્ર મળ્યો નથી. અમૃતાને પણ મેં એક પત્ર લખેલો. એણે પણ મૌન પાળ્યું.’
‘એને ક્યા સરનામે પત્ર લખેલો?’
‘એના ઘરના.’
‘જોકે પત્ર તો એને પહોંચ્યો હશે જ. વચ્ચે એ બે-ત્રણ દિવસ ખુશ દેખાઈ હતી. બીજું કંઈ કારણ ન હોઈ શકે.’
‘એણે ઘર કેમ છોડ્યું?’
‘ઘરવાળાંએ એને ઠપકો આપ્યો હતો. આમ બે પુરુષો સાથે હરવું ફરવું —’
‘ઓહ!’
‘એમાં ‘’ઓહ’’ કરવા જેવું શું છે? અમૃતા હવે વધુ સુખી છે. કારણ કે સ્વતંત્ર છે.’
‘સ્વતંત્ર એટલે એકલી, ખરુ ને?’
‘એટલી તો જયાં એ હતી ત્યાં પણ હતી અને હવે હશે ત્યાં પણ હશે — Man is alone in the Universe!’
‘That is not the final reality, my friend! માણસ વિશ્વમાં એકલો છે તે તો અમુક અનુભવોમાંથી જાગતો એક સંભ્રમ છે. એ આખરી વાસ્તવિકતા નથી. માણસ એકલો નથી, એ સમગ્ર સાથે સંકળાયેલો છે.અનેક પરનું એનું અવલંબન અપરિહાર્ય છે. અમૃતા પોતે સમજાવે તે પહેલાં તું એને આવુંતેવું મનાવી બેસીને તો એનું અહિત કરી રહ્યો છે.’
‘મારે શું શું કરવું તે બધું તું મુંબઈ છોડતાં પહેલાં નક્કી કરતો નથી આવ્યો એ એક મોટી ભૂલ થઈ ગઈ છે.’
‘મારી ભૂલો વિશે હું સભાન છું… હું ત્યાં હોત તો એ ઘર ન છોડત… ઘરવાળાંને શંકા ગઈ હોય તો એ શંકાને મૂળથી દૂર કરવામાં પણ આપણા વ્યક્તિત્ત્વનો વિકાસ છે. બધું છોડીને ચાલ્યા જવાથી અભિમાન પોષાય છે… અભિમાનનો ભાર વધતાં અવિચારી સાહસ કરતાં આપણે ખમચાતાં નથી. પછી ગૌરવ ઊભું કરવા દંભનો આશ્રય લઈએ છીએ. એ સ્થિતિમાં આવી પડતાં દુ:ખોને સહન કરી લેવાનો શોખ કેળવીએ છીએ અને ખબર નથી પડતી એ રીતે નાસ્તિક બની જઈએ છીએ.’
‘પરિસ્થિતિઓનો સામનો કરતાં કરતાં હું શું થઈ જઈશ તેની મેં કદી પરવા કરી નથી. તારી જેમ ગણતરી કરીને ચાલવામાં મને રસ નથી. એમાં જિંદગી નથી. કારણ કે કોઈ પણ પ્રકારની ગણતરી કરવાની વૃત્તિના મૂળમાં ભય રહેલો છે. અને ભયાતુર માણસ પલાયનવાદી બની જાય છે, તારી જેમ. અહીં પાલનપુર રહીને રણની પ્રકૃતિ અને ત્યાંના લોકજીવનનું તું અધ્યયન કરી રહ્યો છે? આ રણપ્રદેશ છે? પાલનપુરમાં રહી શકાય છે તો મુંબઈમાં રહીને પણ તું તારું કામ કરી શકત. પરંતુ હું સમજી ગયો છું કે અમૃતા વિશે તારી અને મારી વચ્ચે જે સ્થિતિ પેદા થઈ રહી હતી તેનો પૂર્ણ સાક્ષાત્કાર કરીને, એને સચ્ચાઈથી અનુભવીને ઉકેલ લાવવા કરતાં તું બાજુ પર ખસી ગયો. આમાં કંઈ તારું ઔદાર્ય નથી કે નથી ત્યાગ, પલાયન છે મિત્ર, પલાયન! અમૃતા વિના આ એક જીવન તો શું, ઉદયન તો સહરા પર વીત્યા છે એટલા યુગ જીવી શકે તેમ છે.’
અનિકેતના હોઠોએ ઉત્તરને દબાવી રાખ્યો. પોતે જે કર્યું તે જ ઉકેલ છે એવું એ માને છે. એણે જવાબ ન આપ્યો. ઉદયન આગળ બોલ્યો —
‘હું જાણું છું કે અમૃતાને મારી અમુક ભાષા, મારુ અમુક વર્તન વગેરે વગેરે નથી ગમતું. એને ગમું તેવો થવામાં મને વાર લાગે તેમ નથી પરંતુ હું છું તેમ જ રહીશ. એને ગમવા માટે હું મારામાં પરિવર્તન લાવું એ તો બજારુ સમજૂતી થઈ. એ શક્ય નથી.’
‘સારું. સ્નાન કરી લે. સ્નાન દરમિયાન પણ તું ઠંડો નથી રહી શકતો?’
‘તેં વાત તોડી. આ પણ તારું પલાયન છે.’
બંને જણ હસી પડ્યા. અનિકેત રસોડાની દીવાલની એટલે કે પછીતની બારી બહાર જોઈ રહ્યો. બાલમંદિરમાંથી છૂટેલાં બાળકો હસતાં-કૂદતાં ઘેર જઈ રહ્યાં હતાં. એને થયું કે અત્યારે એ નીચે રસ્તા પર હોત અને એમની સાથે ચાલતો હોત તો કોઈકને ઊંચકીને ચૂમી લેત.
‘જો અનિકેત! સુધારા, આદર્શ, ઉપદેશ એ બધાના આશ્રયે આપણે આજ સુધી જીવતા આવ્યા. હવે પોતાના અસ્તિત્વને પ્રમાણવાનું છે. એમાં બહારથી આરોપિત કશુંય ઉપયોગી થવાનું નથી. શિક્ષકો, મુરબ્બીઓ, વારસો કે સંસ્કૃતિ—કશુંય આપણી રક્ષા કરી શકવાનું નથી. જો આપણે પોતાને નહીં સમજીએ તો આપણે પણ જડવત્ છીએ. પોતાની સમસ્યાને જીવીને સંઘર્ષ કરવાના સામર્થ્યથી જ એનો ઉકેલ નહીં લાવીએ તો નિયતિની મહેરબાની પર ટકી શકવાના નથી. આશ્રય છોડ્યા પછી કોઈ અમૃતાને બે દિવસ સૂનું સૂનું લાગે અને એની વેદનાની કલ્પનાથી બીજા કોઈ સંવેદનશીલને કવિતા રચવાની લાગણી થઈ આવે તો એટલામાત્રથી જે પગલું ભર્યું હોય તેના પર ફરીથી વિચાર થઈ ન શકે. અમૃતાને મેં કહ્યું હતું કે વિચાર કર, તું લાગણીવશ થઈ જશે તો વિચાર કરતાં ડરશે. એણે વિચારીને નિર્ણય લીધો. હવે તો પુરાતત્ત્વ-મંદિરમાં એને સારી એવી નોકરી પણ મળી ગઈ છે. અને રહે છે તારા ફલૅટમાં જ. એ તો મકાન શોધતી હતી. મેં થોડા દિવસ શોધવા દીધું. પછી તારા મકાનની ચાવી ધરી. એનો હાથ ઊપડતો ન હતો. મેં કહ્યું કે કોઈ વાર અનિકેત આવશે. એણે બાજુ પર જોયું. એની આંખોમાં આંસુ હતાં… પછી મેં કહ્યું કે એ હવે અહીં કદાપિ નહીં આવે. મારા શબ્દો સાંભળતાં જ એની આંખોમાં રોષની લાલિમા ચમકી ઊઠી. તે દિવસ પહેલી જુલાઈનો હતો. ઘેરથી કંઈ પણ લાવવા એ તૈયાર ન હતી. એના નામે જે રકમ હતી તે તો બૅન્કમાં હતી તેથી મૂકીને આવવાનો કે સાથે લાવવાનો પ્રશ્ન ઊભો ન થયો. કપડાં, પુસ્તકો અને બીજી થોડીક સામગ્રી એ સાથે લાવી. કાર લઈને ડ્રાઈવરને પાછો મોકલી દીધો. બીજે દિવસે નીચે ઊતરી તો જોયું કે કાર પડી છે. આજેય કાર એમની એમ પડી છે. હું માનું છું કે એણે એકેય વાર ઉપયોગ કર્યો નહીં હોય. એક દિવસ સવારે હું ગયો ત્યારે ટેબલ પર માથું મૂકીને રડતી હતી. લખેલો કાગળ આંસુથી ભીંજાઈ રહ્યો હતો. કોને કાગળ લખ્યો છે તે ટેવ પ્રમાણે મેં જોયું નહીં. દૂર જ ઊભો રહ્યો. થોડીક વાર ઊભો જ રહ્યો. પછી ચાલ્યો ગયો. મારી હાજરી એનાં આંસુ પણ ન રોકી શકે તો પછી હું ત્યાં કેવી રીતે ઊભો રહી શકું? હું નીચે ઊતરીને રોડ પાસેના પેલા ટચુકડા ટાવર સુધી પહોંચું ત્યાં તો બારીમાંથી હાથ લાંબો કરીને અને ઊંચા અવાજે કામવાળી બાઈ મને પાછો બોલાવતી હતી. એ બાઈને જોઈને મને આનંદ થયો. એના જૂહુ પરના બંગલે કામ કરતી હતી તે બાઈ હતી. તેથી મને લાગ્યું કે અમૃતાને ફાવતું હશે.
આ વખતે હું પહોંચ્યો ત્યારે એ હીંચકા પર બેઠી હતી. એણે મને હસતે મોંએ બોલાવ્યો. હું પણ હીંચકા પર બેઠો. બાઈ સમાચાર લાવી હતી કે અમૃતાએ ઘર છોડ્યું તે પછી ત્યાં બધાં ઉદાસ રહે છે. બાળકો રમવાનું ભૂલી ગયાં છે. મોટાં ભાભી તો એટલાં ગંભીર છે કે કોઈની સાથે બોલતાં પણ નથી. બધાંના કહેવાથી એમણે અમૃતાના કાને વાત પહોંચાડવાનું માથે લીધું હતું. પણ પછી એમને લાગ્યું કે પોતે એ કામ શા માટે માથે લીધું? પોતાને અવિશ્વાસ ન હતો છતાં? વળી, મામાનો પત્ર હતો. એ સમાચાર જાણ્યા ત્યારે એ જમતા હતા. એમણે ડાઈનિંગ ટેબલ પર મુક્કો માર્યો. ટેબલ પરનો કાચ ફૂટી ગયો. એમણે પત્ર લખીને બધાંની ધૂળ કાઢી નાખી. પછી મામા અમૃતાને સમજાવી, છેવટે પોતાને ઘેર લઈ જવા આગ્રહ કર્યો. અમૃતા ન માની. પછી એમણે અમૃતાને પૂછ્યું. એણે પોતાના વિચારો કહ્યા. મામાના ગળે એની વાત ઊતરી ગઈ. એટલું જ નહીં, એમણે તો એમ પણ કહ્યું કે દરેક માણસની સમજ આ કક્ષાએ વધે તો સમાજ ‘આદર્શ’ બની જાય. એ આશીર્વાદ આપીને હસતે મોંએ વિદાય થયા. અમૃતા પ્રસન્નતાપૂર્વક એમને વળાવી આવી અને આવ્યા પછી રડી પડી. મેં એને પૂછયું કે આજ સુધીમાં કેટલી વાર રડી છે તો એણે કહ્યું – સાત વાર! બહુ ન કહેવાય, ખરું ને અનિકેત?’
‘તારામાં પરપીડક વૃત્તિ છે. અમૃતા રડે એ તને હાસ્યાસ્પદ લાગે છે?’
‘હા, ભલે કોઈ પણ રડે, રડવું એ હાસ્યાસ્પદ ઘટના છે. હું નિર્બળતાને તિરસ્કારું છું. કોઈનાં આંસુ લૂછવા મેં હજી સુધી હાથ લંબાવ્યો નથી.’
‘તને એકાદ વાર રડવાનું સાંપડે તો તું જાણે કે એ અનુભવ કેવો તીવ્ર હોય છે, કેવો અનન્ય હોય છે. હું ઈચ્છું છું કે તારી આંખોમાં અશ્રુની સ્રોતસ્વિની કદીક તો પ્રભવે.’
‘તારી શુભેચ્છા તને જ મુબારક. મારા શરીરમાં એને સ્થાન નથી. અને નથી ને કદાચ હું રડીશ તો તું જોશે કે મારી આંખોમાંથી લોહી ટપકતું હશે.’
‘મોટાં રણોમાં Fierce Looking, ગરોળીની જાતનું પણ શિંગડાંવાળું એક સંતોષી પ્રાણી હોય છે. એ ત્રણ ઈંચ લાંબું હોય છે. ડરી જાય છે ત્યારે એની આંખમાંથી લોહી ટપકે છે.’
‘તારી પાસે એનું ચિત્ર છે?’
‘હા, એક પુસ્તકમાં એનું રંગીન ચિત્ર છે. તને આપું.’
અનિકેતે પુસ્તક ખોલીને એ ચિત્ર બતાવ્યું. ઉદયન જોઈ રહ્યો. માથા પર નાનાં શિંગડાં, નાજુક છતાં બરછટ. આંખ એવી દયામણી લાગે કે જાણે હાલ જ રડી પડશે અને એની આંખમાંથી લોહી ટપકવા લાગશે. ઉદયને પાન ફેરવીને એને સમભાવપૂર્વક સંતાડી દીધું. બીજાં પ્રાણીઓના ફોટા જોવા લાગ્યો. અનિકેત સમજી ગયો કે હવે આખું પુસ્તક ફેંદી લીધા વિના એ છોડશે નહીં. અને વાંચવાનું શરૂ કરશે તો પૂરું કર્યા વિના મૂકશે નહીં. એણે બીજુ પુસ્તક લીધું અને વાંચવા બેઠો. પેલું પુસ્તક એક તરફ મૂકીને ઉદયને અનિકેતના હાથમાં હતું તે ખેંચી લીધું.
‘મારે ત્રીજી તારીખે દિલ્લી પહોંચવાનું છે. ઈન્ટરવ્યૂ છે. અગ્નિએશિયા અને જાપાનના ખબરપત્રી તરીકે લેવાઈ જાઉં તેવી આશા છે. સ્કેલ બહુ સારા છે.’
‘અત્યાર સુધી શું કર્યું?’
‘અનુવાદ કર્યા કરતો હતો. ભિલોડા જઈને જમીન-જાયદાદનો નિકાલ કરી આવ્યો. ઘર રાખીને બધું કાઢી નાંખ્યું. સ્મશાન નજીક હોવાથી એ ઘર મને પ્રિય છે. ભિલોડામાં છાત્રાલય માટે એક મકાન આપી દીધું. મુંબઈ પહોંચીને પહેલવહેલું બૅન્કમાં બૅલેન્સ ઊભું કર્યું. નોકરી નહીં મળે એવું હું માનતો નથી.’
‘પાછો ક્યારે આવીશ?’
‘સાતમી કે આઠમી તારીખે ત્યાંથી નીકળવા ધારું છું. વળતાં પણ અહીં ઊતરું એમ તું ઇચ્છે છે?’
‘તને યાદ આવે અને અહીં ઊતરે તો સારું. નજીકમાં બાલારામ જવા અને જોવા જેવું સ્થળ છે. અહીં આવ્યા પછી બે વાર હું જઈ આવ્યો.’
‘તો તો અમૃતાને પણ લખી દે ને! એ આઠમી તારીખ સુધીમાં અહીં આવી જાય. આપણે બધાં બાલારામ જઈએ. એને ત્યાં પણ કશુંક પુરાતત્ત્વ શોધી આપીશું. તું પત્ર લખી દેજે… તારા ઘરને સરનામે! અથવા રહેવા દે. તું ધર્મસંકટમાં મુકાશે. હું જ લખી દઉં છું. મારે જ એને લખવું જોઈએ. મેં આગ્રહ કર્યો હોત તો એ સાથે જ આવત. પણ મેં આગ્રહ ન કર્યો. એને કદાચ એમ લાગે કે સાથે લઈ જવાનો આને મોહ છે. પણ હવે હું લખી શકીશ. એ કદાચ માની બેઠી હોય કે એ તને મળે એમ હું ઇચ્છતો નથી તેથી આવવા આગ્રહ ન કર્યો. હું એને સાથે લાવ્યો હોત તો સારું હતું. મારી વાર્તા ન ખોવાત, એટલે કે સૂટકેસ ન ખોવાત. પ્રથમ વર્ગમાં મુસાફરી કરવાનું બનત. સહયાત્રીઓ મારી સાથે આદરથી વાત કરત. મને લાગે છે કે લાંબી મુસાફરી પ્રથમ વર્ગમાં કરવી વાજબી છે. અરે, આ પાછું મને ક્યાંથી યાદ આવ્યું? સૂટકેસમાં કૅમેરા પણ હતો. બે નબળી કૃતિઓના અનુવાદ કરવાનું સ્વીકારીને મેં એ કૅમેરા ખરીદ્યો હતો. કેમેરા ખોવાયો. યોગ્ય પરિણામ આવ્યું. દૂધના દૂધમાં અને પાણીના પાણીમાં. કહેવત સાચી નીકળી. તું શું કહેવા જતો હતો? હું કદાચ સમજી ગયો છું: મારે પહેલાંથી વિચારવું જોઈએ, ભવિષ્યમાં માનવું જોઈએ… બરોબર? તું એ જ કહેવા જતો હતો ને? મેં જ કહી દીધું. હવે તારે બોલવું નહીં પડે.’
‘અમૃતા!’
પ્લૅટફોર્મ પર પગ મૂકતી અમૃતાને અનિકેતે દૂરથી સંબોધી. ઉમળકાભર્યા અવાજે એનાથી બોલી જવાયું હતું. ગોગલ્સથી શોભતો ચહેરો અનિકેત ભણી વળ્યો અને ગૌર વર્ણ — ચંપકગૌર વર્ણ પર આકસ્મિક સુરખીનું પ્રભુત્વ છવાઈ ગયું. કૂલીએ સૂટકેસ ઉપાડી લીધી હતી. અનિકેતે પાસે જઈને અમૃતાના હાથમાંની ઍટેચી તરફ નજર કરી અને હાથ લંબાવ્યો. અમૃતાનો ખાલી હતો તે હાથ લંબાયો અને બે હાથના નિબિડ સ્પર્શથી બંનેનાં અંગાંગમાં આનંદનો પ્રતિધ્વનિ ગુંજી ઊઠયો.
‘મેં ઍટેચી માગી હતી.’
‘પણ મળ્યો હાથ.’
‘એ મારાથી નહીં સચવાય, મને ઍટેચી આપો.’
‘એને તો હું પણ સાચવી શકીશ.’
‘બસ હવે, લાવો.’
અમૃતા બહુ જક્કી નથી.
‘કહો, મુસાફરી કેવી રહી?’
‘પ્રતીક્ષાનો સમય આનંદમાં જ વીતે છે. અમદાવાદ સુધી તો હું આકાશમાર્ગે આવેલી.’
અનિકેતને થયું કે અમૃતા એક નહીં પણ બે હોત તો કેવું સારું! પણ આ પ્રકારનો તરંગ કરવા પાછળ પોતાની લાલસા રહેલી છે, અમૃતાને વહેંચી લેવાની કામના રહેલી છે, એવું એને તરત સમજાઈ ગયું.
‘શું, કામકાજ ફાવે છે? નોકરીનો આ પ્રથમ અનુભવ હોવાથી બધું નવું નવું લાગતું હશે.’
‘હવે તો બધુ સદી પણ ગયું. ર્સવિસ-ટાઈમ તો બહુ સહેલાઈથી પસાર થઈ જાય છે, પણ…’
‘પણ?’
‘પછી ઘેર નથી ફાવતું.’
‘એમ?’
‘હા. ઝીણી ઝરમર વરસી રહી હોય, હવાની લહરીઓ ફુહાર બનીને સામે ધસી આવતી હોય અને ઘેર પહોંચું ત્યારે કેવો અનુભવ થાય છે કહું? બારીબારણાં બંધ થયા પછી લાગે છે કે આ મકાનની દીવાલોની પેલી પાર મારું એક રૂપ વસે છે અને હું ઘરના જડ અસબાબ વચ્ચે સલામતીથી બંધાઈને જડવત્ પડી છું.’
‘મને લાગે છે તમે પણ વહેલાંમોડાં સાહિત્યમાં પદાર્પણ કરશો.’
‘તે પહેલાં જીવનમાં તો પદાર્પણ થાય.’
અનિકેતે ઘોડાગાડી રોકવા તરફ લક્ષ વાળ્યું. એક સારી જોઈને ઘોડાગાડી રોકી. ઘોડાગાડીવાળાએ અભિમાનપૂર્વક ફૂમતાંવાળો ચાબુક હવામાં છેક ઊંચે ઉછાળ્યો અને ઘોડાના માથે શોભતી કલગી નાચી ઊઠી. ગાડીનાં પૈડાંનું અને ઘોડાના ડાબલાનું સંમિલિત સંગીત શરૂ થયું. આખો માર્ગ એમને જોતો હતો. કોઈ બેધ્યાન હોય તો આજુબાજુનું કોઈ એને સજગ કરતું. લોકોની સાશ્ચાર્ય દષ્ટિમાં આનંદ પણ ઊછળી ઊઠતો હતો.
એક તોફાની કિશોર ઘોડાગાડી દૂર પહોંચી તે પછી બોલી ઊઠયો — ‘હુશ્નબાનુ’ અમૃતાએ ગસ્સે થવા પ્રયાસ કર્યો પણ અનિકેત સાથે આંખો મળતાં એ બેહદ શરમાઈ ગઈ. બેએક મિનિટ પછી એણે ફરીથી ઊંચું જોયું ત્યારે અનિકેતની આંખો એને મળી. લજ્જાના ગૌરવથી ઝુકી પડેલા ચહેરાને એ જોઈ જ રહ્યો.
‘ત્રીસેક હજારની વસ્તીવાળા આ શહેરમાં બાગ ઘણા છે. અહીંથી સુગંધિત પુષ્પોની નિકાસ થાય છે. અહીં ચંપા અને કેવડાનું અત્તર બને છે. તમને અહીં રોકાવું ગમશે.’
‘ઉદયન આવે ત્યાં સુધી, ખરું ને?’
‘એ આજ સાંજે ન આવી શકે તો કાલ સવાર સુધીમાં તો આવી જ જશે, તે પછી આપણે બાલારામ જવાનો કાર્યક્રમ ગોઠવશું.’
‘તમે કહો તેમ.’
ઘોડાગાડીવાળાને વિદાય કરીને અનિકેતે દાદરનું તાળું ખોલ્યું. લાકડાના દાદર પર અમૃતાનાં ચરણ ધીરે ધીરે મુકાતાં હતાં તેથી ધીમો ધીમો અવાજ થતો હતો. દાદરાનો ઢાળ ઓછો હતો. અમૃતા ઉપર પહોંચી તે પછી પલકમાત્રમાં સૂટકેસ લઈને એ ઉપર પહોંચી ગયો.
સ્નાનાદિ માટેની બધી વસ્તુઓ અનિકેતે મૂકી આપી. પછી એણે નમ્ર ભાવે કહ્યું કે અહીં તો બાથરૂમ પણ રસોડાનો અંતર્ગત ભાગ છે. માફ કરજો, તમને થોડી પ્રતિકૂળતા નડશે. અમૃતાએ ભ્રમર ખેંચીને સસ્મિત સાંભળી લીધું. પછી કહ્યું કે એક તરફ આવી સુંદર ચોકડી છે પછી શું? અને તમે કંઈ ઓછા આ મકાનના ઈજનેર છો કે એની રચના માટે તમારો દોષ કાઢી શકાય? આવાં બીજાં પણ થોડાંક મધુર વચન કહીને એણે રસોડાનું દ્વાર બંધ કર્યું. સ્નાન કરીને એ બહુ ઓછા સમયમાં તૈયાર થઈ ગઈ. નિર્બંધ કેશરાશિ, આનત કર્ણાભૂષણ અને શ્વેત મોતીની માળા, એટલું જ નહીં, મધ્યયુગીન અશ્વર્યનો ખ્યાલ આપતી કિનખાબની સાડી પહેરીને એણે દ્વાર ખોલ્યું ત્યારે પ્રથમ નજરે તો અનિકેતને વાસકસજ્જા સુંદરીનું સ્વપ્ન દેખાયું. પછી તુરત જ એને ખ્યાલ આવ્યો કે આ તો અમૃતા છે અને અમૃતા સામે એણે અદબથી જોવાનું હોય છે.
બંને જણ સાથે જમ્યાં. બંને એકબીજાને પીરસતાં હતાં. મહેમાન-યજમાનનો ભેદ રહ્યો નહીં. અમૃતાએ જાણ્યું કે આ રસોઈ અનિકેતે બનાવી છે ત્યારે ખભો એળંગીને ગ્રીવા નીચેની ગૌર ચમકને ઢાંકવા આવેલી ચમકદાર લટને એ જોઈ રહી હતી. એ લટને અવાન્તર સ્થિતિએ મૂકીને હાથ મલકાવતી એ આશ્ચર્ય વ્યકત કરી રહી. આશ્ચર્ય વ્યકત કરવામાં કંકણના રણકારે પણ સાથ આપ્યો હતો.
નાસ્તો બનાવવાની ટેવનો વિકાસ થતાં કેવી રીતે ધીરે ધીરે રસોઈ બનાવવાનું આવડી ગયું તે બધું એણે સવિસ્તર કહ્યું. એ જાણતો હતો કે રસોઈ બનાવવાના કામને સ્ત્રૈણ પ્રવૃત્તિ કહીને અમૃતા વ્યંગ કરી બેસે એવી સામાન્ય રસવૃત્તિ ધરાવતી નથી. તેથી અમૃતાની પ્રશંસા સાંભળીને એને સાચે જ આનંદ થયો.
‘આરામ કરો.’
‘આરામ જ છે.’
હીંચકા પરના તકિયાનો આધાર ગ્રહણ કરતાં અમૃતાએ પગ પણ હીંચકા પર લઈ લીધા. અનિકેત પાંચેક ફૂટ દૂર અથવા નજીક પડેલી ખુરશીમાં બેઠો. છત તરફ, દ્વાર તરફ, એ જોતો રહેતો હતો.
‘અહીંથી ઉત્તર દિશામાં મલાણા નામનું ગામ છે. ત્યાંના તળાવમાં કમળ થાય છે.’ અમૃતાના ચરણયુગ્મને જોઈને એ બોલ્યો.
‘મને તો એમ હતું કે મારા બાલ ખુલ્લા છે તેથી અત્યારે તો એમને તમારા ગુણાનુરાગી કવિત્વનો લાભ મળશે.’
‘એ અંગે મને નવું ઉપમાન સૂઝતું નથી. કોઈ જૂની ઉપમા વડે નવાજવા જતાં એ વિપુલ કેશરાશિની મુલાયમતાને, ચમકને, અપૂર્વદષ્ટ તાજગીને અન્યાય થઈ જાય એવો વહેમ છે. છતાં કૃષ્ણપક્ષના મદિર અંધકાર સાથે તુલના થઈ શકે. પણ રહેવા દો, જે કવિ છે તેવા જીવનાનંદ દાસના શબ્દોમાં જ કહું —
ચુલ તાર કબેકાર અન્ધકાર બિદિશાર નિશા,
પાખિર નીડેર મતો ચોખ તુલે નાટોરેર વનલતા સેન.
‘અનુવાદ કરી આપો.’
‘તવ કેશરાશિ છે જૂની વિદિશાની અંધારી નિશા,
લોચન જાણે પંખીના નીડ સમાં, હે નાટોરની વનલતા સેન!’
‘કોણ છે આ વનલતા સેન?’
‘પ્રકૃતિની નારીરૂપે કલ્પના.’
‘જેમ અમૃતા તમારા માટે કલ્પના છે.’
અનિકેતે અમૃતા સામે જોયું. જોવા જોવામાં ફેર હોય છે, ભલે આંખો એક હોય, એ અમૃતાએ જોયું. અનિકેતની તત્પર આંખોમાં ગહન તૃષાની ચમક હતી. અમૃતાએ એકાએક પોપચાં ઢાળી લીધાં. એના મસ્તક પર મેઘાચ્છાદિત ગગન ખળભળી ઊઠયું હતું. એના ક્દયમાં એકાએક ભૂકંપની તીવ્ર કસક છવાઈ ગઈ.એ વેદનાની માધુરીને સંતોષી દેવા એણે આંખો વધુ બીડી. અને હવે અનિકેતની દષ્ટિ નવ પલ્લવશા સંમોહક અધરસંપુટ પર સ્થિર થઈ. એ બંધ હોઠથી રોકાયેલા અમૃતસ્રોતને નિર્બંધ કરવા માગતી એના પૌરુષની અભીપ્સા રોકી રોકાય તેમ ન હતી. તેથી જ એ બોલ્યો —
‘અમૃતા!’
આંખો ખૂલી તો અધિક ચમકી ઊઠી. અશ્રુની પ્રથમ છાલકના સિંચનથી જ આંખોની ચમક વધી છે તે સ્પષ્ટ થઈ ગયું.
‘અમૃતા! તમે આવ્યાં એ પ્રસંગ નાનોસૂનો નથી. પરંતુ હું નહોતો ઇચ્છતો કે કસોટી થાય એવી પરિસ્થિતિમાં આપણે મુકાઈએ. હું ના પાડી શક્યો નહીં અને ઉદયને પત્ર લખી દીધો. એ મારો પરાજય જોવા ઇચ્છતો હોય એવું લાગે છે. મારો અથવા તમારો પરાજય, એમાં ઝાઝો ભેદ નથી… આપણો સંકલ્પ ચલિત થયો તે દિવસે કદાચ સહુથી મગરૂર એ હશે. અને પછી હું તો તારી—-તમારી સામે આંખ ઊંચી કરીને જોઈ નહીં શકું. તારા વિનાની મારી જિન્દગીની તું કલ્પના કરી શકે છે અમૃતા! પણ એ જિન્દગીને જ હું મારું ભવિષ્ય બનાવવા ઈચ્છું છું.’
અમૃતા બોલી નહીં. આંખો બીડી લેવા સિવાય — બીજો ઉપાય ન સૂઝ્યો. પરંતુ આંખો બીડી લીધા પછી કશું ન દેખાય એવું નથી. બલ્કે એને લાગ્યું કે છલકાતા વેદનાસ્રોતની ઘૂમરીઓમાં આ તો તરવાનાં ફાંફાં મારવા જેવું છે. એટલું જ કે ન બોલવાથી રાહત મળે છે. અને મૌન કદાચ ઉગારી પણ લે. અલબત્ત, ચહેરાની રેખાઓમાં પ્રગટવા ન દઈને મૌનને નિતાન્ત નીરવ રાખી શકાતું નથી. તેમ છતાં અમૃતાએ એ માટે પ્રયત્ન કર્યો. અનિકેત પણ એને સહાયરૂપ થવા માગતો હોય તેમ ઊભો થયો અને બાજુના ઓરડામાં ગયો. જતાં જતાં એનો હાથ અનાયાસ હીંચકાના સળિયાને અડકી ગયો. હીંચકો કંપી ઊઠયો. અમૃતાની સંગોપિત સૃષ્ટિ અંધ પંખીની જેમ ફફડી ઊઠી. હીંચકો સ્થિર થતાં વાર લાગી. પછી ખાલી થયેલા રૂમમાં મુકિત અનુભવવા એણે આંખો ખોલી. ઊભી થઈ. બાલ ખેંચીને ગાંઠ વાળી અને પલંગ પર જઈને સૂઈ ગઈ. થોડીવારમાં જ પલંગમાં નીરવ શાંતિએ સ્થાન ગ્રહણ કરી લીધું.
અનિકેત લખવા બેઠો.
‘પ્રિય અમૃતા!… ‘પ્રિય’ શા માટે? હું ‘અમૃતા’ લખું છું ત્યારે એ સંબોધનમાં જ મને ઉદ્દિષ્ટ પ્રગટ થઈ જતું હોય છે. એક વધારાના વિશેષણની જરૂર શી?
ઉપર લખેલું છેકીને નવેસરથી સંબોધન કરવા ગયો ત્યારે એનાથી આ પ્રમાણે લખાઈ ગયું —
‘દેવી અમૃતા!
તમને ‘દેવી’ કહેવામાં મને શું અભિપ્રેત છે એ પહેલાં સ્પષ્ટ કરું. દેવત્વ મનુષ્યત્વના વિકાસનું દ્યોતક છે. એ આધારે. દેવી કહીને હું તમને ગુરુતર ગૌરવથી સંબોધવા માગુ છું એવું તમને લાગશે. એમ લાગે તો તેની સામે મને વાંધો નથી કારણ કે એ અર્થ, મને સાવ અનભિપ્રેત છે એવું તો નથી જ. તેમ છતાં મારે કહેવું છે તે કંઈક આ પ્રમાણે છે —
મારે મન માનુષી યથાર્થ છે, દેવી કલ્પના છે. હું તમને યથાર્થ રૂપે જોઉં છું, અનુભવું છું, પણ સ્વીકારી શકતો નથી. તેથી મને લાગે છે કે તમે મારા પૂરતાં તો ‘કલ્પના’ જ છો, અર્પાથિવ છો. તમે પોતે ર્પાથિવતાને સમગ્રભાવે પામી શકતાં હશો, એમાં તમારી કશી અશક્તિ છે કે હશે એવું કહેવાનું હું સાહસ ન કરું. પરંતુ મારા પૂરતાં તો તમે ર્પાથિવ નથી, માંસલ નથી, સૌંદર્ય છો. તમારા નારીત્વના બળનો હું થોડી ક્ષણો પહેલાં દૃષ્ટા, સાક્ષી, બલ્કે અનુભવી રહી શક્યો છું. એ એકરાર પછી આજે જે છે તેને પણ નકારવા હું ઉદ્યત થયો છું — સાહસ કરવા બેઠો છું.
કલ્પના અને યથાર્થ વચ્ચે અંતરાલ છે તેમ, અનુભવ નહીં પરંતુ વિચાર કરું છું ત્યારે મને લાગે છે કે તમારી અને મારી વચ્ચે એક અંતરાલ છે. હું કબૂલ કરી ચૂક્યો કે અનુભવની ક્ષણોમાં એ અંતરાલ મને કદીય પ્રતીત થયો નથી, પ્રતીત થાય છે વિચાર કરતાં. અને તમે જાણો છો કે વિચારવું એ પ્રતીતિ નથી. તેથી અંતરાલ પ્રતીત થાય છે એમ કહેવા કરતાં મને એ સ્વીકાર્ય છે એમ જ કહીશ.
તમારા સાહચર્યમાં હું વિચાર કરી શકતો નથી. તર્કાતીત અનુભવ-જગતમાં સરી જાઉં છું. અને તેથી જ અત્યારે હું તમારી સ્વર્ગીય ઉપસ્થિતિનો અનાદર કરીને થોડો દૂર ખસી આવ્યો છું.
શરીર અંતે તો અવાસ્તવિકતા છે, હા, એ માયા કે ભ્રમ છે એવું કહેનારાઓ સાથે હું સહમત નથી. પરંતુ એમના કહેવાનું એક તાત્પર્ય આ પણ હોઈ શકે કે શરીરને વાસ્તવિકતા માનીને ચાલવા જતાં વાસ્તવિકતાનો અર્થ સીમિત થઈ જાય છે. ‘વાસ્તવિક’ શબ્દનો આશ્રય છોડીને તેથી હવે ‘યથાર્થ’ શબ્દનો પ્રયોગ કરીશ. તો, સંપૂર્ણ યથાર્થ જે છે તેમાં શરીરનું સ્થાન સામયિક છે. અને જે સામયિક છે, તત્કાલીન છે તે સંપૂર્ણ યથાર્થ નથી. હું ‘અમૃતા’ સંજ્ઞા પર આધારિત એક વાક્ય બોલું છું ત્યારે અમૃતા મારા માટે એક માત્ર એક શરીર નથી પણ એક જિન્દગી છે. કદાચ ‘અમૃતા’ માટે ‘એક જિન્દગી’ એ પણ પૂરતો પર્યાય નથી.
હમણાં હું તમારી નિકટ બેઠો હતો એમ કહેવાને બદલે લાવણ્યથી સ્પંદતા એક પરિવેષમાં હતો એમ કહીશ. તમારા અસ્તિત્વમાં હું મારા સંસ્કારોમાં સંચિત નારીનું દર્શન કરું છું. તમારા હોવામાં હું નારીની સાધનાને દિશાસંકેત આપવા કવિઓએ પ્રસ્તુત કરેલું કલ્પન જોઉં છું. તેથી મારે મન તમારું અસ્તિત્વ પ્રમાણવું એટલે એક એવા સૌહાર્દ અને ઔદાર્યને પ્રમાણવું જેની છાયામાં ઉદયનને જિન્દગીનું પુનર્દાન મળે. હું જોઈ શકું છું કે ઉદયન જિન્દગીથી નાસી છૂટવાના પ્રયત્ન શરૂ કરવાની તૈયારીમાં છે. કદાચ હું એ અંગે ખોટો પણ હોઉં. આ તો જે લાગ્યું તે કહ્યું.
ઉદયનના ભવિષ્યનું દાયિત્વ હું તમારે માથે શા માટે નાંખું છું તે અંગે સ્પષ્ટતા કરવાની પણ ધૃષ્ટતા કરી લઉં. તમારો ભૂતકાળ અને ઉદયનનો ભૂતકાળ એકબીજાથી અલિપ્ત નથી. મને લાગે છે કે એમાં કેટલુંક ન ઊકલી શકે એ રીતે ગૂંથાઈ ગયું છે. ક્ષમા માગીને એ પણ કહી દઉં કે વીતેલા સમયમાં મારી સ્થિતિ પણ જલકમલવત્ રહી નથી. જલમાં જ કમલ ખીલે છે પછી જલકમલવત્ કહેવાથી શું? આપણે અપૂરતું જ કહીએ છીએ. તમારા વિના હું… હવે કહેવાનું ક્યાં બાકી છે? છતાં ફરીથી એકવાર કહું છું કે તમારી ઉપસ્થિતિની સાપેક્ષતામાં જ મેં આ જીવનમાં કેટલુંક પહેલી વાર અનુભવ્યું છે, જે નિતાન્ત મધુમય છે. અને મને વિશ્વાસ છે કે તમારા દૂર જતાં પણ એ મધુમયતા ક્ષીણ થશે નહીં. આ કોઈ મગરૂરી નથી કે નથી કોઈ નિર્મમ ક્દયનો પ્રતિઘોષ. આ તો પ્રાપ્તિનો એકરાર છે. હવે મને તમારી પાસેથી કંઈ ન મળે તોપણ તમે જે આપ્યું છે એ પર્યાપ્ત છે. એથી આગળ વધીને એમ પણ કહું કે મારું અમૃત અમૃત જ રહેશે, તમે તિરસ્કારો તોપણ, જે શક્ય નથી.
મેં શું પ્રાપ્ત કર્યું? એવો પ્રશ્ન કૃપા કરીને મને પૂછશો નહીં. ‘કલ્પના’ શબ્દનો જે અર્થ રૂઢ થયો છે તે મને અહીં સ્વીકાર્ય નથી. જેમ તમે કલ્પના છો તેમ મેં પ્રાપ્ત કર્યું છે તે પણ કલ્પના છે. મારા માટે જે કલ્પના છે તે જ હવે યથાર્થ બની રહો. આ અંગે તમારું મૌન જ ભલે ઉત્તર આપે. કારણ કે તમને જોયા પછી લાગે છે કે આ સૃષ્ટિમાં કેટલુંક તર્કાતીત છે. કારણોનું ચાલ્યું હોત તો મેં પોતાને બહુ વહેલો રોકી લીધો હોત. મને લાગે છે હજી પણ વિલંબ થયો નથી.
પ્રણામ, અમૃતા! તમે ગમે ત્યાં હશો, એ નાનીસૂની વાત નથી કે તમે આ સૃષ્ટિ પર હશો. તેથી મારા માટે આખી સૃષ્ટિ સુંદર હશે, મધુમય હશે.’
પત્ર પૂરો થતાં અનિકેતે મુક્તિ અનુભવી, એક યાત્રા પૂરી થતાં વિસામો દેખાય એમ. એને લાગ્યું કે આ વિસામા પછી પથ વંકાય છે. એ અમૃતા પાસે ગયો. બારીમાંથી આવતો પ્રકાશ સૂચવતો હતો કે હવે સૂર્યનો અસ્ત થશે. આ નાના શા શહેરમાં સાંજ વેળાએ લોકોની ગતિવિધિ કંઈક વધે છે. નિદ્રાને અત્યારે એકલી અમૃતા કને જ વિશ્રાંતિ મળી હશે. એ હીંચકા પર બેઠો. અમૃતા તરફ પીઠ કરીને પોતે બેઠો છે એ બરોબર નથી એમ લાગતાં એણે બેસવાની દિશા બદલી.
પડખે સૂતેલી અમૃતાનો ચહેરો ડાબા હાથનું આલંબન ગ્રહીને નિશ્ચિંત હતો. જમણો હાથ પલંગની સીમા સુધી લંબાયેલો હતો, જેની અનામિકા પરની લઘુ મુદ્રિકાના રત્નમાં ચમકતી નીલિમાએ અનિકેતનું ધ્યાન ખેંચ્યું. અમૃતા એ રીતે સૂતી હતીકે જેથી એક સૌમ્ય અને સરુચિપૂર્ણ છબી પલંગ પર ઊપસી રહી હતી. એની નિદ્રામાં પણ એક વ્યવસ્થિતિ હતી, સૌષ્ઠવ હતું. ધીમે રહીને લેવાતો શ્વાસ, પછી કંઈક વધુ ગતિથી પ્રગટતો ઉચ્છ્વાસ, શ્વાસ અને ઉચ્છ્વાસ વચ્ચે આવતો મૃદુલ યતિ — આ બધું પોતાની સૃષ્ટિ પાછળ વિધાતાએ આપેલા સૂક્ષ્મ અવધાનનું સૂચક છે એવું સમજતો અનિકેત શ્વાસોચ્છ્વાસની દ્રુતવિલંબિત રમણા નિહાળી રહ્યો. હીંચકાએ ગતિ મેળવી.
અમૃતાનો જમણો હાથ એના મુખ પાસે ગયો. વક્ષ પરના બ્લાઉઝની કિનારી પ્રત્યેક શ્વાસોચ્છ્વાસ સાથે કંપ અનુભવતી હતી. કદાચ તેથી જ હાથ ત્યાં ગોઠવાયો. થોડો પણ સમય વીત્યો છે કે કેમ તેની ખબર પડે તે પહેલાં તો અમૃતાએ પડખું બદલ્યું. તેથી હવે અનિકેતને અમૃતા અડધી અનુપસ્થિત લાગી. ક્યારે પગ પ્રવૃત્ત થયા અને હીંચકો બરોબર ઝૂલી ઊઠયો તેની એને ખબર ન રહી, પરંતુ તરત જ રૂમની હવાની સ્થિરતા વિશૃંખલિત થઈ ગઈ, શાંતિ આંદોલિત થઈ ઊઠી અને અમૃતાએ વળી પડખું બદલ્યું. આંખો ખૂલી. એટલું ઓછું હોય તેમ એ બેઠી થઈ. અનિકેતે જોયું કે અમૃતાનાં નાજુક નાજુક એરિંગ કંપી ઊઠયાં છે છતાં પારિજાતના ફૂલની જેમ શોભી રહ્યાં છે. ચહેરા પરની ઉદાસીનતાને આનંદ સૂચવતી સુરખીમાં પરિણમતાં વાર લાગી.
પાણી લાવી આપવા અનિકેત ઊભો થયો. અમૃતા એને અનુસરી. હાથ મોં ધોઈને બહાર આવી અને હીંચકા પર બેઠી. ગાંઠ છોડીને કેશ ખુલ્લા કર્યા પછી એમનું બે ભાગમાં વિભાજન કર્યું.
ત્યાં એની નજર કાગળ આપવા માટે પ્રતીક્ષા કરતા અનિકેતના હાથ તરફ ગઈ.
‘શું કોઈ રચના છે?’
‘ના, પત્ર છે.’
‘અચ્છા, હું તો કંઈક સાંભળવા મળશે એવી આશા ધારણ કરી બેઠી.’
‘પત્ર તમારે જ વાંચવાનો છે, લો.’
એણે પત્ર હાથમાં લીધો. અડધો વાળેલો તો હતો જ, એણે બેવડો વાળીને પત્ર બ્લાઉઝમાં ઉપરથી મૂક્યો. કાગળની કિનારી બહાર રહી ગઈ.
‘તમને આશ્ચર્ય થયું? અમે સાચવવા જેવી વસ્તુ અહીં મૂકીએ છીએ. કોઈને આ પદ્ધતિ જુનવાણી લાગે, તમને નહીં લાગે એ હું જાણું છું. અત્યારે હું એ પત્ર નહીં વાંચું, અહીંથી ગયા પછી વાંચીશ. અત્યારે તો તમે સામે જ છો ને?’
એક વેણી ગૂંથાઈ ચૂકી હતી. બાકી રહેલા કેશના ત્રણ ભાગ કરીને આનત ચહેરે એ ગૂંથવા લાગી.
‘ફરવા જશું?’
‘ક્યાં લઈ જશો?’
‘જાહેરમાં.’
‘તો નથી આવવું. જયાં કોઈ ત્રીજું ન હોય ત્યાં લઈ જાઓ.’
‘પણ ત્યાં પહોંચવા માટે માર્ગ તો કાપવો જ પડશે ને? અને જાહેર માર્ગે ચાલવામાં વધુ નિરાંત હોય છે. પોતાની જવાબદારી હળવી થઈ જાય છે, સલામતી અનુભવાય છે. સમાજ વચ્ચે આપણે પોતાનાથી પણ સલામત રહી શકીએ છીએ.’
‘માફ કરજો, તમારો આ ‘’સલામતી’’ શબ્દ મને ગમતો નથી.’
‘કોઈ પર્યાય શોધી કાઢીશ.’
‘પર્યાયથી નહીં ચાલે. અર્થ બદલાય એ ઈચ્છું છું.’
‘એ માટે મજબૂર છું.’
‘મજબૂર રહેવા માટે તમે સ્વાધીન છો.’
‘આભાર.’
‘ચાલો.’
ચાલતાં ચાલતાં બંને સ્ટેશન સુધી પહોંચી ગયાં. સ્ટેશનની દક્ષિણના ક્રૉસિંગને ઓળંગીને એ સૂર્યાસ્ત તરફ વળ્યાં. વાદળ હતાં. તેથી સંધ્યા સમગ્રપણે દીપી ઊઠી હતી. વાદળ વિરતગતિ લાગતાં હતાં. ધરતી પણ તૃપ્ત લાગતી હતી. રેત સુકાઈ ને હજી ઊડવા લાગી ન હતી. શરદ ઋતુના આરંભિક દિવસોની આ સાંજ અમૃતાને આકર્ષી રહી. અહીંની મોકળાશના સંદર્ભમાં એને મુંબઈ યાદ આવ્યું. મલબાર હિલ અને સિક્કાનગરની ચોતરફની મકાનપ્રધાનતા એને યાદ આવી. ઊંચાં અને ઓછાં ઊંચાં મકાનોની છાયાઓ પણ સંકડાશ અનુભવીને એકબીજામાં કેવી ગૂંથાઈ જાય છે? જૂહુ કિનારાની લાંબી પટ્ટી કે ચોપાટીનો અર્ધ ગોળાકાર ટુકડો બચી રહેલી જગ્યા અને ત્યાં ટકી રહેલી મોકળાશનો ખ્યાલ આપે છે, પરંતુ એ સ્થળ એટલાં બધાં જાહેર છે. અને ભરબપોરે પણ ત્યાં કોઈ ને કોઈ જોડું-કજોડું એ રીતે બેઠું હોય છે કે એ સ્થળોની સઘળી મોકળાશ ખાનગી બની જાય છે. દરિયો નાહક ઘૂઘવે નહીં.
અહીં આંબા અને લીંબડાનાં વૃક્ષોથી ખેતરોને વ્યકિતત્વ મળતું હતું. અનિકેતે જોયું કે અમૃતાના ચહેરા પર અંકિત થવા મથતા સંધ્યાના રંગ એમની દીપ્તિને લીધે સામંજસ્ય વ્યકત કરતા હતા. એમને અલોપ થતાં વાર ન થઈ.
સ્ટેશનની ત્રણ ફર્લાંગ જેટલું પશ્ચિમ ભણી ચાલ્યા પછી પાછાં વળવાની ઈચ્છા થતાં વાર ન લાગી. પાછાં વળ્યા પછી પણ તેઓ ધીરે ધીરે ચાલતાં હતાં. સંતોષની ભાષાની ગતિ મંથર હોય છે કારણ કે એ શબ્દ અને મૌન બંનેથી વ્યકત થતી હોય છે. અનિકેત અને અમૃતાની ગતિ સંતોષી લાગતી હતી.
હજુ અંધારું થયું ન હતું. બંનેના ક્દય-પ્રદેશમાં પણ ઉજાસ હતો. ત્યાં વાડ નીચેના ઘાસમાંથી નીકળીને સામે જતું ભંફોડી કે ચિતળિયા જેવું સાપોલિયું અમૃતાને એકાએક દેખાયું. ભયનો માર્યો એનો પગ છેક એની નજીક મુકાઈ ગયો. નાદાન ફુત્કાર કરતું એ વાડ તરફ પાછું નાસી ગયું પણ તેને ઊછળતું જોતાં જ અમૃતા ચીસ પાડી ઊઠી, એટલું જ નહીં, ભય-વિહ્વળતાની અભાન સ્થિતિમાં એ અનિકેતને બાઝી પડી. અનિકેતમાં વસતો અલ્લડ અને બેદરકાર પુરુષ એકાએક મગરૂરી સાથે પ્રગટ્યો. અને આશ્રય શોધતી આર્ત અમૃતાને પોતાની દઢ ભુજાઓમાં સમાવી લીધી. અમૃતાનું હૃદય એટલું બધું ધબકી રહ્યું હતું કે એનો ધબકાર સ્પર્શ દ્વારા અનિકેતના રક્તમાં ઊતર્યો. પણ એ માત્ર અમૃતાના હૃદયનો ધબકાર જ ન હતો, વિકાસપ્રાપ્ત સ્તનયુગ્મનો નિબિડ સ્પર્શ પણ હતો. અનિકેતના રુધિરાભિસરણનો નિયમિત પ્રવાહ વિચલિત થઈ ઊઠયો. અમૃતાના વિહ્વળ અને નિ:શેષ આલિંગનથી તત્ક્ષણ તો અનિકેતના સમગ્ર શરીરમાં કોઈ મોટા ધનુષ્યની કડક પ્રત્યંચા ઝણઝણી ઊઠી. એ તીવ્ર કંપ અપૂર્વ હતો. એક અપરિચિત સંવેગનું બળ એણે અનુભવ્યું. એ અનુભવ ધીરે ધીરે આનંદમય બની જવા લાગ્યો. અમૃતાના કટિપ્રદેશે વીંટળાઈ રહેલો એનો હાથ હવે ત્વચાનો ઋજુલ સ્પર્શ અનુભવવા લાગ્યો હતો. અને એના સુદીર્ધ વક્ષ પર ટેકવાયેલો અમૃતાનો દક્ષિણ કપોલ હજી પણ નિકટતા ઓછી પડતી હોય તેમ વધુ ભીંસાતો હતો. અમૃતાના મસ્તકને અનિકેતની ચિબુક અડકી ચૂકી હતી… સૃષ્ટિમાં આ બે ક્દય-ધબકાર સિવાય અન્ય કશું નથી એવી સ્થિતિ જન્મે તે પહેલાં, એક ઉદ્ધત આલિંગનમાં અનિકેત અમૃતાને જકડવા જાય છે ત્યાં તો બ્લાઉઝમાં મુકાયેલા પત્રનો અવાજ સંભળાયો. એ અવાજ સાંભળનારને અપ્રિય લાગ્યો. પણ એ અવાજ વિલીન થઈ જાય તેવો ન હતો. અનિકેતના ચિત્તમાં ગુંજી ઊઠયો. આંખોને તુરત જ દિશા વરતાઈ. બે હાથે સહેજ ઊંચકીને, મસ્તક ચૂમીને એણે અમૃતાને બાજુ પર સ્થિરતા આપી. બંનેએ ચાલવાનું શરૂ કર્યું.
અમૃતાનાં ચરણમાં નિર્બળતા પ્રવેશી ચૂકી હતી. ચાલવાનો પ્રયત્ન કરવો પડતો હતો.
અનિકેત ચાલતો હતો, પણ વચ્ચે એનો ગતિલય તૂટી જતો હતો. એનો નિર્ણય વારંવાર અનિર્ણય બની જતો હતો. એના ચિત્તમાં અનિર્ણય જ અત્યારે પ્રભુત્વ ભોગવી રહ્યો હતો. અનિર્ણયની યાતનાથી એ સાવ અસ્વસ્થ બની રહ્યો હતો.
નિબિડ આશ્લેષ પછી સભાનતાથી પ્રેરાઈને વચ્ચે ઊભા કરેલા અંતરને જોઈને અમૃતાને દુ:ખ ન થાય એ ખ્યાલ રાખીને એ સાવ કૃતક ગતિથી ચાલી રહ્યો હતો. અજુગતું ન લાગે અને નિકટતા પ્રતીત થાય એ રીતે એણે થોડાંક ડગલાં સુધી અમૃતાનો હાથ પોતાના હાથમાં લીધો.
અમૃતા ધીરે ધીરે સ્વતંત્ર થઈ રહી હતી.
‘થાક લાગ્યો હશે.’
‘હા, આપણે બહુ આગળ નીકળી ગયાં હતાં.’
અમૃતાના અવાજે હવે યથાવત્ સ્થિતિ પ્રાપ્ત કરી હતી.
‘હું દિલગીર છું અમૃતા, હું માનતો હતો તે કરતાં મારી નિર્બળતાઓ વધુ મોટી નીવડી.’
‘એ ઘટનાનું શ્રેય તમે એકલા જ કેમ લો છો?’
‘ના. હવે તો મને લાગે છે કે મારો નિર્ણય નહીં, અમૃતા જ મને બચાવી શકે.’
‘મારે એથી જુદું કહેવાનું નથી.’
અને એ હસી પડી. અનિકેતના ચહેરા પરની ગંભીર રેખાઓ જોઈને એનું હાસ્ય વીખરાઈ ગયું.
અમૃતાને નિવાસ સુધી પહોંચાડીને અનિકેત ફળ અને નાસ્તો લેવા ગયો.
{
પત્ર હાથમાં લીધો. વાળેલા પત્ર પર એક કરચલી પડી ગઈ હતી. વાંચવાની ઇચ્છા થઈ આવી, પણ એક વાર ખોલીને એણે પત્ર વાળી દીધો. સૂટકેસમાંથી પર્સ કાઢી. તેમાં મૂકી દીધો. સૂટકેસ બંધ કરીને ઊભી થાય છે ત્યાં તો એને અન્ય ઉપસ્થિતિનો ખ્યાલ આવ્યો. પોતાના તરફ ચોર પગલે સરી આવતો પડછાયો એણે જોઈ લીધો. પાછી વળીને જોવા જાય છે ત્યાં તો પાછળથી આગળ વધેલા બે હાથ એની આંખોને દાબી ઊઠયા. અનિકેત હશે એમ માનવું એ કેવળ ભ્રમ હોઈ શકે છતાં એણે એવું માનવા પ્રયત્ન કર્યો. પરંતુ આખરે વાસ્તવિકતાનો સ્વીકાર કરવો જ પડ્યો.
‘બસ હવે, બહુ થયું.’
હાથ ખૂલ્યા નહીં. હથેલીઓ નીચે બંધ થઈ ગઈ હતી તે આંખો ખૂલી. પણ અંધારું જ દેખાયું. રૂમમાં લૅમ્પની રોશની હતી તે એને દેખાતી ન હોવાથી એ અંધારામાં જ રહી.
‘હવે મૂકી દે. તારા શ્વાસ થકી સિગારેટની કડવાશ મારી ચારે તરફ પ્રસરી ચૂકી છે.’
‘ગાડી ચાર કલાક મોડી પડી. એન્જિન બગડ્યું હતું. મને થયું કે ધકકા મારીને એન્જિનને ચાલુ કરી દઉં. તને મળવાની તીવ્ર ઇચ્છા થઈ આવી હતી. અને કેમ ન થાય? મેં માન્યું હતું કે તું પાલનપુર આવી ગઈ હશે તો આષાઢની તપ્ત ધરતીની તરસથી તારી આંખો મારી પ્રતીક્ષા કરતી હશે.’
‘જાણે તારા વિરહમાં બળીને ખાખ થઈ જવાની ન હોઉં! એમ થવાનું હોત તો બધું બહુ વહેલું પતી ગયું હોત. ચાલ, હવે મારી આંખોને ખૂલવા દે.’
‘એમ વાત છે! પણ મને આશ્ચર્ય થવું ન જોઈએ.’
ઉદયને અમૃતાની આંખો પરથી હાથ લઈ લીધો. કેડ પર હાથ મૂકીને ઊભો ઊભો અમૃતાને નખશિખ જોઈ રહ્યો.
અમૃતા ખસીને એક તરફ ચાલી. ત્યાં તો એને શું સૂઝ્યું કે એક આંચકે એણે અમૃતાને પોતાના તરફ ફેરવી દીધી. એના બંને ઢળતા ખભા એણે પકડી લીધા. એટલા બધા બળપૂર્વક પકડ્યા કે અમૃતાને લાગ્યું આ તો હિંસ્ર પશુના પંજા છે. ઉદયનના કોપને એ સમજી ન શકી. જોઈ જ રહી.
ઉદયને પોતાના પંજા ભીંસ્યા. મુઠ્ઠીઓ વાળીને એ માંસલ સૌંદર્યને જાણે કે એ ચૂર્ણ કરી નાખવા માગતો હતો. એણે જોરથી અમૃતાને ધ્રુજાવી મૂકી, હચમચાવી મૂકી. અમૃતાના પગ લથડી ગયા. એ પડતાં પડતાં રહી ગઈ.
‘આટલી બધી નિર્બળ છે?’ એટલું કહેતાંની સાથે એણે અમૃતાને મૂકી દીધી. અને જોરથી અમૃતાના જમણા ગાલ પર તમાચો માર્યો. અમૃતા નીચે પટકાઈ પડી. એના ડાબે હાથે પહેરેલી બધી બંગડીઓ ફૂટી ગઈ. કાચના બે ટુકડા એના હાથ પર ભોંકાયા. ત્યાં લોહીની ટશરો ફૂટી આવી.
‘કેવી પાજી છે તું અમૃતા! કેવી નાદાન! મેં તો મજાક કરી હતી. પત્ર મળતાં જ દોડી આવી? રાહ જોઈને જ બેઠી હશે. કોને મળવા દોડી આવી? ખબર ન હતી કે તું આટલી બધી કમજોર હશે… હું માનતો હતો કે સમય જતાં તારામાં વૈચારિક પરિપક્વતા આવી જશે, પણ તારામાં તો હજી એટલી જ મુગ્ધતા છે.’
અમૃતા પડી પડી સાંભળી રહી હતી. એ કશો વિરોધ નથી કરતી તે જોઈને ઉદયને એક હાથે એને પકડી અને ઊભી કરી. ક્રોધથી કંપતા અવાજે બોલ્યો —
‘તારા જેવી અનિશ્ચિતતાઓમાં જીવતી સ્ત્રીઓને તો ફક્ત એક જ અધિકાર છે, અને તે રડવાનો… આજે એમ થાય છે કે તારી છાતી ચીરીને જોઉં કે તારા ક્દયમાં કોનું પ્રતિબિંબ છે? કે પછી તારે ક્દય છે કે નહીં!’
અને એ આગળ વધ્યો. બે હાથે પકડીને એણે અમૃતાનું બ્લાઉઝ ચીરી નાખ્યું. બ્રેસિયર ખેંચાતાં એના સ્તન વિશે તીવ્ર દર્દ જાગી ઊઠયું. સહી શકાય એવું ન હતું પણ એના કંઠમાંથી વેદનાનો કશો ઉદ્ગાર નીકળ્યો નહીં. જાણે ગળું સુકાઈ ગયું હતું. આ અકલ્પ્ય ઘટનાના આઘાતથી જાણે એની વાચા હરાઈ ગઈ હતી. એ એમ જ ઊભી રહી. ઉદયનના સામું જોઈ રહી. એની આંખોના ખૂણા પણ ભીંજાતા ન હતા. એ રસોડામાં ગઈ. એક છરી લઈ આવી. અને ઉદયનના હાથમાં મૂકીને બોલી:
‘આટલો બધો તું આગળ વધી શક્યો છે તો આ છરી વડે તારા બળની અને મારી નિર્બળતાની તુલના કરી જો. તને વિશ્વાસ હોય કે તારામાં તાકાત છે તો એનો ઉપયોગ કર. કેમ કંપી રહ્યા છે તારા હાથ? ક્યાં ગઈ ક્ષણ પહેલાંની તારી બહાદુરી? વાસ્તવમાં એ બહાદુરી જ ન હતી, કાયરતા હતી. તું બહાદુર હોત તો મને ઠોકર મારીને ક્યારનોય દૂર નીકળી ગયો હોત… કેમ પડી ગઈ તારા હાથમાંથી છરી? મારી હત્યા કરી શકે એટલો તું બળવાન નથી. પણ હત્યા તો કાયર માણસ પણ, અરે કાયર માણસ જ કરી શકે છે. તું એ જરૂર કરી શકે. તારી યોગ્યતા એ કક્ષાએ પહોંચી હોય તો મને નવાઈ નહીં લાગે. પણ હું જાણું છું કે તું મારી હત્યા નહીં કરી શકે, કારણ કે તું સ્વાર્થી છે. તું મને જીવતી જોવા ઇચ્છે છે. હું જીવું એમાં તારો સ્વાર્થ છે. પરંતુ અમૃતા પાસે તો પોતાને બચાવી લેવા આત્મ-વિલોપનનું કવચ છે જ!’
ઉદયન ખુલ્લી આંખે સાંભળી રહ્યો, એની આંખો કંઈક મોટી લાગતી હતી.
‘મને રડતી જોવા ઈચ્છે છે? નિષ્ઠુરતાથી આક્રાન્ત થઈને નારી કદી રડતી નથી. બીજાએ આપેલા દુ:ખથી એ રડતી નથી, રડવા માટે એનું પોતાનું દુ:ખ પૂરતું હોય છે. કોઈ ક્રૂર આઘાતથી એ ચીસ નહીં પાડે. તને હજુ એના સામર્થ્યની ખબર નથી,’
ઉદયન કંઈક કહેવા માગતો હતો પણ વાણી એને સાથ આપતી ન હતી. કારણ કે અમૃતાને ઉત્તર આપવો કે પછી પોતાની ભીતર ઊભા થયેલા ર્દુનિવાર સંઘર્ષને શાન્ત કરવો? એનાથી કંઈ જ થઈ શક્યું નહીં. એ જોઈ રહ્યો અથવા સાંભળી રહ્યો. જોવું અને સાંભળવું એક સાથે થઈ શક્યું નહીં હોય. પિત્તળની પ્રતિમાને કાચની સદા ખુલ્લી આંખો હોય તેવી આંખે ઉદયન જોઈ રહ્યો હતો.
અમૃતાએ હાથ પર ફૂટેલું લોહી, ચિરાઈ ગયેલું બ્લાઉઝ કાઢીને લૂછી નાંખ્યું. પછી બ્લાઉઝને વ્યવસ્થિત વાળીને સૂટકેસમાં એક તરફ મૂકી દીધું, અને બીજું પહેર્યું, એ જ રંગનું. કોઈને બીજું હોય તેવો ખ્યાલ ન આવે.
કશું જ ન થયું હોય એમ એ રસોડામાં ગઈ. ઉદયન માટે જલપાત્ર ભરી લાવી. ઉદયન તરફ એણે છલકતું પાત્ર લંબાવ્યું ત્યારે એની આંખોમાં અને એના ચહેરા પર જે ભાવ હતો તેનો અર્થ એવો થઈ શકે કે જાણે ઉદયન હાલ જ બહારથી આવીનો ઊભો છે અને અમૃતા એને આ પ્રમાણે આવકાર આપી રહી છે.
પાણી પી લઈને એટલે કે પ્યાલું મોંમાં ઠાલવી દઈને હાથ વડે મોં લૂછતો ઉદયન ધબાક દઈને હીંચકા પર બેઠો.
‘હું શું છું તે તેં જોયું ને અમૃતા!’
‘કેમ, તારે એ અંગે દિલગીરી વ્યકત કરવી છે?’
‘હા.’
‘તો, એવી સ્પષ્ટતા કરીને બચાવ કરવાની જરૂર નથી. તું દિલગીરી વ્યકત કરે કે ક્ષમા માગે તેથી કશું વળતું નથી. અને તું મારી ક્ષમા માગે એવી અપેક્ષા રાખનાર હું કોણ? પરંતુ એક વાત તું જોઈ શક્યો હશે. તેં મારું વસ્ત્ર ચીરી નાખ્યું ત્યારે મારા ચહેરા પર લજ્જા છવાઈ ન ગઈ એ ઘટનામાં તું પુરુષ તરીકેની તારી સહુથી મોટી નિષ્ફળતા જોઈ શકે છે.’
‘લજ્જાની કોઈ જરૂર નથી, એથી ઊલટું હું તો ઇચ્છું છું કે લજ્જા ટળે. કારણ કે લજ્જા તો આવરણ છે, અસલિયતને ઢાંકે છે. તેથી એ એક પ્રકારની વંચના છે. માણસને પોતાના સંવેગની વંચનારહિત પ્રતીતિ થાય એમ હું ઇચ્છું છું.’
‘પ્રતીતિ… સંવેગની ખુલ્લી પ્રતીતિ, કેમ? પશુસહજ, ખરું ને?’
‘હા, પશુ માણસ જેવાં હોશિયાર નથી એટલે છુપાવવાની કળા શીખ્યાં નથી. પણ માણસમાં અને એમનામાં બુદ્ધિ સિવાય અન્ય બધું સમાન કક્ષાનું છે. પોતાની વંચક બુદ્ધિથી ભાતભાતની વ્યવસ્થાઓ ઊભી કરીને પશુસહજ કર્મોને છુપાવવા સલામત અંધકારની સગવડ કરી છે. એ અંધકારને હું વિદીર્ણ કરવા માગું છું.’
‘બીજાના ભોગે, કેમ?’
‘હા, મારા સંવેગ પ્રબળ હશે તો તારો ભોગ લેશે જ. તારા પર નિયંત્રણ ભોગવશે. પ્રેમમાં બીજાની સ્વતંત્રતા જોખમાય છે જ.’
‘તારા મોંમાં મુકાતાં ‘’પ્રેમ’’ શબ્દ જોખમમાં છે. તું જે શબ્દનો અનેક વાર ઉપહાસ કરી ચૂક્યો છે તેનો હવેથી મારી સાથેની વાતમાં કદી ઉપયોગ કરતો નહીં.’