અમૃતા/પ્રથમ સર્ગ - પ્રશ્નાર્થ/બે
ઉદયન આ વર્ષે ફરી અધ્યાપનમાં જોડાયો. વચ્ચે એક વરસ પત્રકારત્વ કરી આવ્યો. તે પહેલાં પણ દોઢ વરસ એણે પત્રકારત્વ કર્યુ હતું. અધ્યાપન દરમિયાન પણ પત્રકારને શોભે એવું કંઈ ને કંઈ એ લખતો રહેતો.
અત્યારે બી. એ. નો અભ્યાસક્રમ અને પાઠયપુસ્તકો લઈને બેઠો છે. પાંચ મિનિટમાં બધાં પુસ્તકો જોઈ ગયો. ફરીથી વાંચવાનું મન થાય એવું એકેય ન લાગ્યું.
……આમાં પૂર્વતૈયારી શી કરવી? ગુજરાતી ભાષા અને સાહિત્યનો હું અધ્યાપક! ગુજરાતીમાં ‘સાહિત્ય’ છે? શું ભણાવવું? એકેએક પુસ્તકનાં છોતરાં કાઢી નાંખીશ. મારું કામ તો વિદ્યાર્થીઓને સાહિત્ય ભણાવવાનું છે. આ અસાહિત્યિક પુસ્તકોની મદદથી સાહિત્ય શું છે તે વિદ્યાર્થીઓને સમજાવીશ. સાહિત્યની મારી વિભાવના ગુજરાતી સાહિત્ય વાંચવાથી બંધાઈ નથી. મહાકવિ ન્હાનાલાલ! નાનાલાલ ‘ન્હાનાલાલ’ લખે તેની સામે મને વાંધો નથી. અર્થ એકનો એક જ રહે છે, પરંતુ મહાકવિ? હંહ્. જે ભાષામાં આવા ‘મહાકવિ’ હોય તે ભાષાના વિદ્વાનોમાં સાહિત્યની પ્રાથમિક સમજ પણ હોય ખરી? કહેવાનો અને હોવાનો ભેદ ક્યાં સુધી ચાલશે? અર્તાકિક પ્રલાપ, શબ્દોની આતશબાજી, બૌદ્ધિક નિયંત્રણનો ઠેર ઠેર અભાવ અને તેમ છતાં મહાકવિ! હું કહીશ તે સાંભળીને વિદ્યાર્થીઓને બિચારાઓને આઘાત લાગશે. પણ એમની દયા ખાવા હું અસત્ય કેવી રીતે બોલું?…
ઉદયન પડ્યો પડ્યો ઉપર પ્રમાણે વિચારતો હતો. એણે ઉશીકા પાસે મૂકેલાં પુસ્તકો નીચે ખેસવી દીધાં. બે તો ખૂલી જઈને નીચે પડ્યાં. પાંખો ફફડી ઊઠી હોય એવો અવાજ થયો. પણ એ પુસ્તકો હતાં. ઉદયનની ઉપેક્ષાથી આક્રાંત થઈને એ ઊડી શકે તેમ ન હતાં.
‘પણ તેં ન્હાનાલાલને સમગ્ર વાંચ્યા છે?’ તે દિવસે અનિકેતે સહેજ કડક અવાજે પૂછયું હતું. એ શું સમજે છે એના મનમાં? મારી ઈમાનદારી પર પ્રશ્ન કર્યો એણે! હા ભાઈ, ફક્ત વાંચ્યા જ નથી, બરોબર ભણ્યો છું અને એમના પ્રભાવને કારણે જ હું ‘બ્રહ્મ’ અને ‘રસ’ જેવા શબ્દોને વપરાશમાં લેતો નથી. એ શબ્દો એમણે કેટલી વાર વાપર્યા છે? જરા ગણતરી કરવા જેવી છે. પણ એ માટે ફરીથી વાંચવાનું સાહસ કોણ કરે? અનિકેત હમણાં હમણાં ફિલોસોફીમાં આવી પડ્યો છે અને કેટલાંક જૂનાં સૂત્રો ન્હાનાલાલે પાઠફેર કર્યા વિના પોતાની રચનાઓમાં વાપર્યાં હોવાથી અનિકેતને ગમે છે. અસાહિત્યિક સામગ્રીમાં રમમાણ રહેવાની વૃત્તિને પોતાની રસવૃત્તિ કહે છે! કોઈવાર ગીતની એક પંક્તિ રચી લાવે છે! ગીત પૂરું તો કરો. તો તો તમારી સર્ગશક્તિની બલિહારી. વનસ્પતિશાસ્ત્રનો અધ્યાપક, એને બીજું શું સૂઝે! કહે છે — ન્હાનાલાલમાં કેટલુંક વૃક્ષની જેમ નિજલીલાથી ખીલી આવ્યું છે. કરો પ્રશંસા અને ચડાવો માથે, લોકશાહી છે. જે માણસ ગાંધીજી સાથે વાંધો પડતાં એમના પર લખેલું કાવ્ય રદ કરે અને તેમ કરીને પણ શાંત ન રહે તેની પોતાના તરફની નિષ્ઠા પણ કેવી?હું તોડીશ. સ્થિર થઈને અવિકસિત માનસમાં સંસ્કારરૂપે દાખલ થવા મથતાં આવાં તથાકથિત મૂલ્યોને તોડીશ. અહીં તો મહામાનવો પણ કેટલા બધા? અને દરેકના સંદેશનો ભાર વિદ્યાર્થીના માથે. વિદ્યાર્થીના સ્વયં સ્ફુટ થવા માગતા ચૈતન્યકોષોનું શું? માણસ ઉછીનું લઈને કેટલું ટકી શકે? પોતાના અસ્તિત્વની તો કોઈને પડી જ નથી. અનિકેત કહેવાનો – હું પરંપરામાં માનું છું. સંસ્કૃતિમાં માનું છું, વારસામાં માનું છું, શ્રદ્ધા વિના હું જીવી ન શકું… એ આ યુગનો માણસ જ નથી…… અમૃતા હમણાં હમણાં એના તરફ વધુ ધ્યાન આપે છે. મેં એનો અમૃતા સાથે પરિચય ન કરાવ્યો હોત તો આજ સુધી તો એ એને જોવા પણ પામ્યો ન હોત. પોતાની સ્વસ્થતાની કેવી છાપ પાડી બેઠો છે! વળી પાછો અમૃતાની સાથે નિસ્પૃહીની અદાથી વર્તે છે. એનું ચાલે તો જમીન પર પગ ન અડે એ રીતે ચાલે અને લોકોને બતાવે કે જુઓ હું ધર્મરાજ છું!
અમૃતા નાદાન છે, મુગ્ધ છે. હવે મારા તરફ ઔપચારિક બનતી જાય છે. દસ દસ વરસના પરિચય પછી આજે જાણે મને એ પોતાનો અંતરંગ મિત્ર નથી માનતી. હું એની સાથે કેટલો નિયંત્રિત રહ્યો છું, એને વિચાર પરત્વે આત્મનિર્ભર કરવામાં મારો કેટલો ફાળો છે તેની ખબર નથી. એને કદાચ હજુ મારી શક્તિની ખબર નથી. હું સમીક્ષાના ક્ષેત્રમાં નવાં મૂલ્યાંકન ઊભાં કરીશ. નવાં માનવમૂલ્ય ઊભાં કરીશ જેના કેન્દ્રમાં હશે માનવનું અસ્તિત્વ. ઉપરણાઓ અને છાયાઓથી મુક્ત એવું સ્વાધીન અસ્તિત્વ.
હું જોઈશ કે લોકો મારો અસ્વીકાર ક્યાં સુધી કરે છે? મારા રક્તમાં વહેતા વડવાનલના આખરી દાહ સુધી હું ઝઝૂમીશ…જોઉં છું હમણાં તો અમૃતાના મૌગ્ધ્યની તરંગલીલા. જોઉં છું ક્યાં સુધી એ ચાલે છે. મારી સાથે હવે તટસ્થ રહેવા લાગી છે. હું ઈચ્છતો હતો એ પોતાના પગ પર ઊભી રહે. મને ખબર નહીં એ બીજાની છાયાનો આશ્રય લેવાની નબળાઈ બતાવશે. એક દિવસ અમૃતા મારી ક્ષમતા સામે ઝૂકશે. અને નહીં ઝૂકેતો ? તો… તો હું શું કરીશ? એને નગણ્ય માનીને હું ચાલી શકીશ? એટલી તાકાત મારામાં છે? પ્રશ્નના ઉત્તરમાં એક છાયાકૃતિ બનીને વિવશતા આવી ઊભી.
ઉગ્ર અકળામણને અંતે કોઈકવાર ઉદયનને વિવશતાનો અનુભવ થાય છે.
એ બેઠો થયો. પલંગ નીચે અસ્તવ્યસ્ત પડેલાં પુસ્તકોને સરખાં કરી સ્ટીલના ઘોડા પર મૂક્યાં. પૈસા વધે તે બેંકમાં મૂકવાને બદલે એ પુસ્તકો ખરીદતો રહ્યો છે. સ્ટીલના બે ઘોડા અડાબીડ ભરાઈ ગયા છે. આડાં, ઊભાં, થોકબંધ – જ્યાં જગા જોઈ ત્યાં એણે પુસ્તકો મૂક્યાં છે. બીજા કોઈને જોઈતું પુસ્તક શોધ્યું જડે નહીં. અને એમાં કંઈ ખોટું નથી. એણે વિચાર કર્યો કે હવે પુસ્તક ન ખરીદવાં. આ અંગે એણે નિર્ણય ન કર્યો. નિર્ણય કરવા પહેલાં એ વિચારે છે. એ જાણે છે કે સિગારેટ અને પુસ્તકો વિના એ ચલાવી શકે તેમ નથી.
પુસ્તકો મૂકીને એ પાછો વળતો હતો ત્યાં એની નજર Notes from Underground પર પડી. આ પુસ્તક વાંચ્યે ઠીક ઠીક સમય થઈ ગયો. દોસ્તોયેવસ્કીએ આ પુસ્તક દ્વારા ભવ્યતા અને મહાનતાથી શણગારેલું માણસ વિશેનું ગ્રીક કલ્પન તોડી નાંખ્યું. જે કંઈક તોડી શક્યા છે તે જ સાચા ર્ધામિકો છે, બાકીના તો બધા ટીલાંટપકાંવાળા. ઉદયનનું આ એક જાણીતું વિધાન છે.
ઉદયન પુસ્તક લઈને ખુરસી પર બેઠો. ટેબલ-લેમ્પ સળગાવ્યો. એનો આઈ-સ્પાન સામાન્ય વાચક કરતાં મોટો છે. સરેરાસ વાચક કરતાં એ દોઢી ગતિથી વાંચી શકે છે. એ વાંચતો વાંચતો અહીં આવીને અટક્યો-…… I am living out mylife in my corner, taunting myself with the spiteful and useless consolation that an intelligent man can not become anything seriously and it is only the fool who become anything. હા, જે સમજે છે તે ખામોશ છે. એને કંઈક બની બેસવામાં રસ નથી.
એણે ટેબલ લેમ્પ બંધ કર્યો. બે રૂમના ફ્લેટને તાળું મારીને એ નીચે ઊતર્યો. તાળું બંધ થયું છે કે નહીં એની ખાતરી કરવાની એને ટેવ નથી. પહેલાં ભૂખ ન હતી પણ હવે એને કંઈક લેવાની ઈચ્છા થઈ. અમૃતાને ઘેર બધું ગળ્યું ગળ્યું હતું. એને બહુ ભાવેલું નહીં.
એ કોઈ એક હોટલનો આશક નથી. જ્યારે અને જ્યાં જે હોટલ પહેલી દેખાઈ તેમાં તે જમી લે છે.
મુખ્ય માર્ગ પર પહોચતાં જ એની નજર એક મેજેન્ટા રંગની કાર પર પડી. અમૃતાની કારનો રંગ પણ આવો જ છે. ગતિ પણ એવી જ છે. પણ કાર બીજા કોઈની હશે. એ વળી, અત્યારે અહીં હોય? શા માટે હોય? શંકા થવી જ ન જોઈએ. વિચારતો એ રસ્તો ઓળંગી રહ્યો હતો. ત્યાં એક કાર બ્રેક વાગવાથી ઊભી રહી. કારનું ડ્રાઈવિંગ કરતા સજ્જને કહ્યું-
‘કેમ ભાઈ, તમને ઠેકાણે મૂકી જાઉં?’
‘ના આભાર. મારે ચાલવું છે.’
‘તો જરા સાચવીને ચાલોને! બગીચામાં અને રસ્તામાં સરખી રીતે ન ચલાય.’
ઉદયનના ચિત્તમાં સૂતા ક્રોધના ભોરિંગે ફણા પછાડી.
‘તમે નાગરિક છો કે ગમાર! આમ વિચારતા માણસને ડિસ્ટર્બ કરો છો? બહુ ઉતાવળ હોય તો અકસ્માત કરવો હતો. મને સાચવી સાચવીને ચાલવાની આદત નથી.’
‘તોપણ ડિસ્ટર્બ તો બહુ જલદી થઈ ગયા! મન ઢીલું લાગે છે. એવું હોય તો ઘરમાં રહેવું. તમારી અસ્થિરતાને કારણે અમારે ભોગ બનવું પડે એ કેવો ન્યાય?’
‘એટલી બધી સાવચેતી રાખવી હોય તો બધા ચાલતા ફરો ને. સારું જાઓ મને સમય નથી. કોણ જાણે આવા કેટલા હશે!’
‘આ મહાશયનું ઠેકાણે લાગતું નથી.’ કારમાં બેઠેલા બીજા સજ્જનને સંબોધીને પેલા સજ્જને કહ્યું હતું.
‘તમને ખબર નથી તમે કોની સાથે વાત કરો છો.’
‘હું માનું છું કે તમે પુરુષ હશો., બાકી તો ખુદા જાણે.’
‘સારું ભાઈ જા, તારા ખુદાને સાથે લઈને જા. આવા હલકા વ્યંગ સાંભળવા હું નવરો નથી. લડવાનું પણ અમુક કક્ષાના માણસ સાથે ફાવે. પણ તમે માણસ હશો તો એટલું તો સમજતા જ હશો કે આ ધરતી એકલાં વાહનો માટે નથી. તમારે જો આમ દોડતા જવું હોય તો જે ચાલતા હોય છે તેમને જરાક ઉતાવળ કરવાનો પણ અધિકાર નથી? સારું, હવે જાઓ. ઝઘડો કરવાથી મને માથું ચડે છે.’
‘એક મિનિટ.’ બાજુમાં બેઠેલા સજ્જને ઉદયનને રોક્યો.
‘મારા મિત્રને તમારો પરિચય કરાવું.’ એમ કહીને એમણે ટૂંકમાં બતાવ્યું કે આ છે મિસ્ટર ઉદયન. અહીંના એક નિર્ભીક પત્રકાર અને નવી શૈલીના વાર્તાકાર. એક અડ્ડામાં ગુંડાઓને પકડવા હું ગયો ત્યારે મારી વિનંતીથી સાથે આવ્યા હતા અને એમણે સાક્ષી તરીકે સુંદર કામ કર્યું હતું. કોર્ટમાં બચાવ પક્ષના વકીલને એવો બનાવ્યો કે પૂછતો બંધ થઈ ગયો. જાણી જોઈને મેં પહેલાં પરિચય ન કરાવ્યો. મને એમ કે સુંદર ભાષણ સાંભળવા મળશે. પણ આજે એ મૂડમાં લાગતા નથી. બે વરસ પહેલાં યોજાયેલી એક મોટી વકતૃત્વ-સ્પર્ધામાં એ પ્રથમ આવ્યા હતા.’
છૂપી પોલીસના પેલા અમલદારોની કાર ઊપડી તે પછી ઉદયન ત્યાં ઊભો રહ્યો. એને થયું કે પેલા માણસ સામે જોવાનો પણ પોતાને વિચાર કેમ ન આવ્યો? એનું કારણ એને જડી આવ્યું. એ માનતો રહ્યો છે કે આ શહેરમાં બધા માણસો સરખા હોય છે. જેમને ઓળખવાની ઈચ્છા થાય એવાં વ્યક્તિત્વ ક્યાં હોય છે? જેમનામાં થોડીક પણ ખુમારી હોય એવા માણસો ક્યાં હોય છે?
ઉદયને નાસ્તો મંગાવ્યો. ભૂખ જલદી શમી ગઈ. બિલ મંગાવ્યું. વેઈટરને નવાઈ લાગી. માણસો અહીં સમય પસાર કરવા જ આવતા હોય છે. નાસ્તો, ચા વગેરે તો એમના માટે વિષયાન્તર જેવું હોય છે. ઉદયને પોતાના રૂમનું બારણું ખોલીને તુરત જ ટેબલ-લેમ્પની સ્વિચ દબાવી. અને લખવા બેઠો- ‘વિચારશૂન્ય અભ્યાસક્રમ સમિતિઓ.’ કોઈ કોઈ વાર એ લખતો હોય છે ત્યારે એનું ચિત્ત વાણી બનીને લાવારસની ઉગ્રતાથી વહે છે. શિક્ષણક્ષેત્રે કામ કરતા ખ્યાતનામ મહાપંડિતોની નિરક્ષરતા વિશે એણે વિષાક્ત પ્રહારો કર્યા. લેખ પૂરો કરીને ટેબલ પર માથું મૂકીને એ ઊંઘી ગયો.
અનિકેત પોતાને ઘેર આવ્યો ત્યારે નોકર બારી પાસે ઊભો ઊભો ચોપાઈ ગાઈ રહ્યો હતો. અનિકેતને આવેલો જાણી એણે પોતાનો અવાજ ધીમો કરીને વાળી લીધો. અનિકેતને થયું કે એણે પ્રવેશ કરવામાં ઉતાવળ કરી છે. પોતાના આગમનથી કોઈનો અવાજ સંકોચાઈ જાય એ એને ગમતું નથી અને જ્યારે કોઈનું પ્રફુલ્લ ચિત્ત સંગીતની લહરીઓમાં આંદોલિત થઈ રહ્યું હોય ત્યારે વિઘ્નકર્તા નીવડવું એ તો ગુનો છે.
અનિકેત હવે એને ગાવાનું ચાલુ રાખવાનું કહે તો એ તો ફરમાઈશ થાય. સ્વાન્ત: સુખાય ગાનારને આગ્રહ કરવાથી કેવું લાગે? તેમ છતાં એણે ગાવાનું ચાલુ રાખવા નોકરને કહ્યું તો ખરું જ.
‘બાબુજી, ગાવાનું હું શું જાણું? હું તો હનુમાનજીની જેમ આપની રાહ જોતો હતો અને ચોપાઈ ગાતો હતો. આપ બહુ મોડા આવ્યા. ભોજન પણ ઠંડું થઈ જવા આવ્યું.’
‘અરે, હું દિલગીર છું દોસ્ત, તને કહેવાનું ભૂલી ગયો. તને ત્યાંથી ફોન પણ કરી શક્યો હોત. આજે હું જમીને આવ્યો છું. એમ કર તારે ત્યાં લેતો જા. હાલ જ લઈને જા, જેથી બગડે નહીં. અને સવારે જ આવજે. અત્યારે મારે કંઈ કામ નથી.
… આનો પરિવાર દરરોજ પૂરતું ભોજન પામતો હશે? અથવા ખાઈ લીધા પછી તરત ન ખાઈ શકે તેવી સ્થિતિમાં હશે? એકવાર જઈને જોઈ આવું. એ ઝૂંપડાં, એ ભેજવાળી હવા, નાક ભરાઈ જાય તેવી વાસથી ભારે હવા… કેટલા બધા માણસો ત્યાં રહે છે! એનાં નાનાં ભાઈબહેનો, એની બા સહુ કેવી વિકટ સ્થિતિમાં રહેતાં હશે? આ યુવક ક્યારનો મારું કામ કરે છે છતાં એના પરિવારને એક વાર પણ મળી આવવાની મને ઈચ્છા થઈ છે? કેમ વિશેષ પૃચ્છા પણ ન જાગી? એકવાર થોડુંક પૂછી લીધું, પછી બસ. એની સાથે પણ કામ સિવાય કશી વાત હું કરતો નથી. આ કેવી એક-બીજાથી અણજાણ રહેવાની આદત? અપરિચયમાં જીવવા હું રીઢો થઈ ગયો છું? માણસને ઓળખવાનો રસ આમ કેમ લુપ્ત થઈ ગયો હશે? આ વર્તમાન આબોહવાનો દોષ છે કે પછી મારા વ્યક્તિત્વની ઊણપ? ઉદયન કહે છે તેમ મારા સંસ્કારો સાચે જ સામંત યુગના છે? એ માને છે એવો રૂઢિવાદી તો હું નથી જ.
એ કબાટના દર્પણ સામે જઈને ઊભો રહ્યો. આમ દર્પણ સામે ઊભા રહીને પોતાને જોયા કરવું એ આત્મરતિનું લક્ષણ છે? વધતા ઓછા આત્મરાગ વિના માણસ જીવી શકે? આ આત્મરતિ અને નિજમાં નિમગ્ન રહેવાની વાતમાં કેટલું અંતર હશે?
એણે કબાટ ખોલ્યું. વિષયવાર ગોઠવેલાં પુસ્તકોનાં ફાટી ગયા વિનાનાં ફ્લૅપ પરના વિવિધ રંગો ચમકી ઊઠયા. જુદી જુદી સાઈઝનાં પુસ્તકો સાથે ગોઠવાયેલાં હોવાથી ઉપરની ઊંધુંચીનીચી સપાટી આકર્ષક લાગતી હતી. પુસ્તક વાંચતી વેળા અનિકેત ફ્લૅપ ઉતારીને ટેબલના ખાનામાં મૂકી દે છે. વાંચી લીધા પછી ચડાવીને કબાટમાં યોગ્ય સ્થાને મૂકી દે છે.
એણે કબાટ બંધ કર્યું. વાંચવાની ઈચ્છા ન લાગી. ચશ્માં ટેબલ પર મૂકીને, કપડાં બદલીને, હાથપગ ધોઈને નવી ર્સ્ફૂતિ સાથે એ હીંચકા પર બેઠો… મેં એ માણસને નજીકથી ઓળખવાનો પ્રયત્ન એટલા માટે નહીં કર્યો હોય કે એની ઓળખનો મને વિશેષ ખપ નથી. અન્યમાં રસ લેવાનું કારણ માણસનો પોતાનામાં રહેલો રસ હોય છે એવું કહેવામાં અતિશયતા નથી. આ જગત સ્વઅર્થોથી સંકળાયેલું છે. એ નક્કર વાસ્તવિકતા છે પણ માણસ એકલી વાસ્તવિકતાથી જીવી ન શકે. આકાશ વિના એને ન ચાલે. આકાશને ભલે કોઈ શૂન્ય અવકાશ કહે…
હીંચકાના તકિયા પર એણે પીઠ ગોઠવી, ટેકવી. ડાબા પગના અંગૂઠા વડે એક નાનો ઝૂલો લીધો પછી બંને પગ હીંચકાની ફ્રેમ ઉપર મૂક્યા. બે હાથે તકિયા પાછળના સળિયા પકડ્યા. સામેની દીવાલ પર ટીંગાડેલા ચિત્રને જોઈ રહ્યો: ગુલમહોરના પરિપાર્શ્વમાં ઉષાની આભા — હજુ પૂર્ણતયા પ્રગટ નહીં એવી આભાને જોઈને એ ગાવા લાગ્યો-
તિમિર-અવગુંઠને વદન તવ ઢાકિ,
કે તુમિ મમ અંગને દાંડાલે એકાકી.
જે રહસ્યથી આવૃત છે તે અધિક સુંદર લાગે છે. કે તુમિ? આંદોલન શમી ગયાં. હીંચકો સ્થિર થઈ ગયો. એ સ્થિરતાને સ્પર્શ કર્યા વિના જ થોડી ક્ષણો વીતી.
એ ઊભો થયો. બાલનું એક જુલફું કપાળ પર ઝૂકી આવ્યું હતું. આ રીતે રોમાન્ટિક દેખાવું એને પસંદ નથી. બહારની હવાના સ્પર્શથી એ જુલફું પ્રસન્ન થઈ ઊઠયું. આજે હવા કેમ આટલી તેજ છે? બાલ ઠીક કરી લીધા. અને પોતાની પસંદગીના પાનવાળા તરફ એ વળ્યો.
એ પહોંચ્યો. પાનઘર આગળ ગમ્મત કરતા ઊભેલા ત્રણ નવજવાનોમાં એક જણ વધુ ઉત્સાહમાં લાગતો હતો. સામેનાને તાલી આપીને એ કૂદતો પાછો પડ્યો. એની પીઠ અનિકેતના ખભે ભટકાઈ. અનિકેતે પેલા ભાઈની ક્ષમા માંગી. પેલો વધારે સંકોચ સાથે માફી માગવા લાગ્યો. અનિકેતે સ્મિત સાથે, પોતે એમની ટોળીમાંનો જ એક હોય તેટલી સહજતાથી કહ્યું-
‘તમે જે ગતિએ પાછા પડ્યા તે ગતિએ મારે પણ પાછા પડીને પોતાને સાચવી લેવો જોઈએ. પણ મારું પોતાના પર એટલું નિયંત્રણ નથી. જેથી તમારો સ્પર્શ મારે સહન કરવો પડ્યો. એનું મને દુ:ખ નથી. તમને નવાઈ લાગશે કે મને એનો આનંદ છે. તમને આશ્ચર્ય થાય છે? કારણ જણાવું? આજે આપણી જિંદગીની સરેરાશ ગતિ મંદ લાગે છે. એને કશાય ધક્કાઓનો અનુભવ થતો નથી. તમારા જેવા પ્રફુલ્લ ચિત્તવાળા યુવકનું આમ અથડાવું આ જમાનામાં દુર્લભ થઈ પડ્યું છે. માણસોને આમ મુક્ત કંઠે હસતા જોઈને મને આનંદ થાય છે. આમાં કશો કટાક્ષ નથી. હું કટાક્ષ કરતો નથી. એ મારી પ્રકૃતિને અનુકૂળ નથી.’
પેલા યુવકોનું આશ્ચર્ય બેવડાયું. એમણે પરિચય પૂછયો. જાણીને એમનું આશ્ચર્ય આનંદમાં પરિણમ્યું. પ્રો. અનિકેત! વનસ્પતિશાસ્ત્રના બીજા અધ્યાપકો પણ અનિકેતના મતને દાદ દેતા. સાહિત્ય અને અન્ય કલાઓ પર અનિકેતને વ્યાખ્યાન માટે બોલાવવામાં આવે છે. વિજ્ઞાનના અધ્યાપક સાહિત્યની રસપ્રદ મીમાંસા કરે છે એ માન્યતા વિદ્યાર્થીઓ પૂરતી તો નિરપવાદ છે. વિદ્યાર્થી આલમમાં એક બીજા કારણે પણ એ જાણીતો છે. એના શારીરિક સૌંદર્ય માટે! સિમેટ્રી અને ગ્રેસ માટે. વિદ્યાર્થીઓમાં એક માન્યતા એવી પણ પ્રવર્તે છે કે ફલાણી ફિલ્મના હીરો તરીકે એને લેવાની ઑફર હતી. એણે ના પાડી વગેરે. આ વાત ઊડતી ઊડતી એક દિવસ અનિકેતને કાને આવેલી. એણે કશી સ્પષ્ટતા ન કરી, ફક્ત સ્મિત કર્યું.
એ યુવકો સાથે થોડી અત્ર-તત્રની વાતો કરીને એમની કૉલેજમાંના પોતાના બે અધ્યાપક મિત્રોને યાદ આપીને અનિકેત પાછો વળ્યો. આગ્રહને વશ થઈને એ લોકો તરફથી અનિકેતે પાન સ્વીકાર્યું હતું. છૂટા પડતાં પહેલાં એણે કહ્યું-
હવે ક્યારે મળીશું? આ મહાનગર તો અમાસની રાત્રિ જેવું છે. તારાઓથી ભર્યું ભર્યું. કોણ ક્યારે ક્યાં હોય—કશું કહી શકાય નહીં. માણસો મળે, પરિચય પ્રાપ્ત કરે પણ પછી ન મળી શકે. અને એ તો નિયતિનો ક્રમ છે. ચાલો, એકવાર મળ્યાનો આનંદ પણ ઓછો નથી.’
અભિનંદન મળવા લાગ્યાં ત્યારે અમૃતાને ખબર પડી કે સમાચાર છાપામાં પણ પ્રગટ થયા હતા. સાંજ સુધી મળતાં રહેલાં અભિનંદનોના જવાબરૂપે સહુનો આભાર માની માનીને એ થાકી ગઈ હતી. સારું થયું કે સાંજના અનિકેત અને ઉદયન આવ્યા. આનંદની એકવિધતામાંથી જન્મેલા થાકમાંથી રાહત મળી. એ ગયા તે પછી આનંદરહિત અમૃતા એકાંત અનુભવવા લાગી. છૂટા પડતાં ઉદયન કંઈક ઊંડો લાગ્યો હતો. અમૃતાએ માની લીધું કે કશીક ચિંતામાં હશે. પણ એ ચિંતા કરવામાં માનતો નથી.
… દસ વરસથી એને જોતી આવી છું. એને જોયેલો તો વહેલો. દસ વરસથી તો પરિચય કહેવાય. જ્યારે જ્યારે એને જોયો છે, કોઈ નવા પ્રશ્ન સાથે એ દેખાયો છે. પ્રશ્નને અનુરૂપ એનું નવું રૂપ ધારીને એ આવ્યો હોય એમ લાગે છે. કેટકેટલી જિન્દગીઓ એ એક સાથે જીવે છે!
આજે વળી એ ઉમળકાભર્યો લાગ્યો. ઉમળકો પણ એના ચહેરા પર વ્યક્ત થાય છે એ મેં આજે જાણ્યું. મારી સફળતાથી એ ખુશ જણાયો. આજે કોઈ ખાસ ચર્ચા પણ એણે ન જગાવી. બાકી તો પ્રશ્નો… ચર્ચાઓ… વિસંવાદ… વ્યંગકટુ તર્કોથી વાતાવરણને ડહોળી નાંખે. ચર્ચાસ્પદ મુદ્દો ન હોય તોપણ પોતે સહુથી જુદો પડે છે તેવું માનીને બોલ્યા કરે. આજે એ મારામાં કંઈક જુદી રીતે રસ લેતો હોય એવું લાગ્યું.
અનિકેત ભાગ્યે જ આવે છે. એવું લાગે છે કે એ પોતાની ઇચ્છાથી આવ્યો નથી. ઉદયનને લાગ્યું કે મેં એની તરફ વિશેષ ધ્યાન આપ્યું. ઉદયન કશુંક કહ્યાં વિના રહી શકતો નથી. જ્યારે અનિકેત? એ બહુ ઓછું બોલે છે. એ એકલો જ ફરવા નીકળી ગયો. એમ દૂર જઈને પોતાનું સ્થાન સૂચવવા માગતો હતો? ‘સાગરતીરે… વિહરે એકલતા!’ કઈ એકલતા? કોના તરફ નિર્દેશ હશે? શું પોતાની વાત કરતો હશે? નિરુદ્દેશે બોલાઈ ગયું હશે? દરેક શબ્દને અર્થ હોય છે… કશુંય નિરુદ્દેશે કેમ કરીને હોઈ શકે?
એ મારી સાથે અદબથી વર્તે છે. અભિજાત સૌજન્યનું જાણે કે દષ્ટાંત! એનો વિવેક, એનો સૌમ્ય સુંદર ચહેરો… એની વાણી, કશુંય ઔપચારિક નથી લાગતું; અનિવાર્ય લાગે છે. હૃદ્ય લાગે છે. એના સૌંદર્ય સાથે એનું વર્તન કેવું સામંજસ્ય ધરાવે છે! ઉદયન જ એને અહીં ખેંચી લાવે છે. એની હિંમત ભારે કહેવાય, નહીં તો એ એને સાથે ન લાવે. અનિકેતની હાજરીમાં વાતાવરણ પર ઉદયનનો પ્રભાવ હોતો નથી. વાતાવરણના કેન્દ્રમાં અનિકેત હોય છે.
કોઈવાર તો ઉદયન ફકરાઓ બોલી જાય તે પછી અનિકેત એકબે વાક્ય બોલે. પણ એના એ બંધ હોઠ મને ગમતા નથી. એ કેમ આટલું ઓછું બોલે છે? જેવો જેનો સ્વભાવ, હું નાપસંદ કરનાર કોણ? પણ… કદાચ એ ઓછું નથી બોલતો. એક વાક્યમાં ઉદયન જે બધું બોલી ગયો હોય તેનો જવાબ હોય અને બીજા વાક્યમાં ઉદયનને ફરી બોલવા મજબૂર કરતી શાન્ત ઉત્તેજના હોય.
અનિકેત પ્રગલ્ભ છે, ઉદયન નિખાલસ. એક શાન્ત લાગે છે, બીજો આક્રમક. પણ સત્તામાં કદાચ બંનેને સરખો રસ છે. બંનેમાંથી એકેય પોતાને ભૂલી શકતા નથી. પણ હા, અનિકેત સામાનો વધારે ખ્યાલ રાખે છે. બે વરસ થયાં. ઓછો પરિચય ન કહેવાય. એણે પોતાના વિશે મને કશું કહ્યું નથી. મેં આમ કર્યું, હું આમ કરવા ઈચ્છું છું અને મને વિશ્વાસ છે કે — આવાંતેવાં વચન ઉચ્ચારવામાં એને લેશમાત્ર રસ નથી. શું પોતાના વિશે વાત કરવાની વૃત્તિ જ એનામાં નહીં હોય? તો ઉદયન આટલું બધું કેમ બોલે છે? પોતાનો પ્રભાવ પાડવાનો પ્રયત્ન કરે છે? એવું ન પણ હોય. ઉદયન સાચો માણસ છે. મારે પોતાની સાથેની વાતમાં પણ એમના વિશે આવાં વિધાનો કરવાં નહીં જોઈએ. કદાચ બંનેનો પરિચય મને ઓછો છે. સંપૂર્ણ ઓળખ્યા પછી તો કોઈના વિશે કહેવાનું ભાગ્યે જ રહે. જે લોકો ઈશ્વરને નથી ઓળખતા તે જ લોકો ઈશ્વર વિશે સહુથી વધુ બોલે છે. ઉદયન એ રીતે, ઈશ્વરને નકારવા માટે પણ એનું નામ કેટલી વાર લે છે… પણ એ તે દિવસે કહેતો હતો : માણસ એકબીજાને પૂર્ણપણે ઓળખી ન શકે. જોને, આપણે દસ દસ વરસથી એકબીજાને મળીએ છીએ પણ બરોબર ઓળખીએ છીએ ખરાં?
ઉદયન ઈશ્વરમાં નથી માનતો છતાં અનિકેત એને નાસ્તિક નથી કહેતો. ઈશ્વર અંગે પોતાનો અભિપ્રાય નથી આપતો. ચર્ચામાં નથી ઊતરતો. કહે છે મેં એ અંગે ખાસ વિચાર્યું નથી. અને મારા ગજા બહારનું એ કામ છે. આટઆટલા મહાપરુષોએ પોતાનાં જીવનકાર્યોની ફલશ્રુતિરૂપે જે કહ્યું છે તે માની લેવામાં મને વાંધો નથી. અને ઈશ્વર છે એમ સ્વીકારી લેવાથી મારો દાયિત્વનો ભાર ઓછો થાય છે. આ આવડા મોટા વિશ્વમાં પોતાને સ્થાપવાનો પ્રયત્ન કરવામાં મને રસ નથી.
પણ આ નમ્રતાનું અભિમાન ન કહેવાય?
ઉદયનનું મારા તરફનું વલણ હવે પ્રગટ અને સ્પષ્ટ છે. પણ અનિકેતના ચિત્તમાં વ્યકત થવા માગતું હોય તેવું કશું અકળાતું નહીં હોય? શું મારા તરફ એ કોઈપણ પ્રકારની લાલચ વિના જોઈ શકતો હશે? એની વાણી તો રાગાત્મક છે. એનો જન્મ જ જાણે ચાહવા માટે થયો છે. મારો કેટલો બધો ખ્યાલ રાખે છે! તો એ અનુરાગ ન કહેવાય? એણે પિકનિક વખતે, પાછા વળતાં ઉદયનની વાતનો કેવો વિરોધ કરેલો — ‘વિજાતીય આકર્ષણ અપરિહાર્ય છે.’ હું પણ માનતી હતી કે આ વિધાનનો તો અનિકેત વિરોધ નહીં જ કરે. પણ એણે તો કહ્યું : સ્ત્રી અને પુરુષ એકબીજા સાથે વર્તે ત્યારે એક મનુષ્ય અન્ય મનુષ્ય સાથે વર્તે છે તેમ વર્તે, તો એ વર્તન સાહજિક છે. જાતીયતાથી અતિ સભાન રહેનાર નૉર્મલ ન કહેવાય, અસામાજિક કહેવાય, શું અનિકેત મારી સાથે સાહજિકતાથી વર્તે છે? શું જે દેખાય છે તે જ વાસ્તવિકતા છે? શું મારા સૌદર્ય વિશે એ લાગે છે તેટલો ઉદાસીન હશે? અને વિદ્યાકીય ક્ષેત્રે મેં જે કાંઈ પ્રાપ્ત કર્યું છે તેની એને મન ખાસ કંઈ કિંમત નહીં હોય?
મને આવા વિચારો કેમ આવે છે? હું એની પાસેથી પ્રશંસા સાંભળવા ઈચ્છું છું? એનું મૌન તોડાવામાં મને આટલો બધો રસ શા માટે?
કોઈક વાર તો એનું મૌન એટલું બધું સભર હોય છે કે સામેનાને વ્યગ્ર કરી મૂકે. પણ એ કંઈ શ્રૂડ નથી, શાલીન લાગે છે. ‘પ્રણામ!’ વિખૂટા પડતાં એણે મને પ્રણામ કહ્યો. હું એને ઉત્તર આપવો ભૂલી ગઈ. ઉદયનની સામે જોઈને ‘ગુડ નાઈટ’ કહીને હું પાછી વળી. અનિકેતને ‘પ્રણામ’નો પ્રત્યુત્તર આપવામાં મારી ભૂલ થઈ છે ? શું હું ભૂલી ગઈ હતી? કે મારું ધ્યાન—મારું સમગ્ર ધ્યાન અનિકેત તરફ હતું માટે હું ઉદયન સામે જોઈને બોલી હતી? શું મારા પક્ષે આ વંચના નથી? પણ ઉદયનને હું ક્યાં અવગણું છું? એના મારા પર ઓછા ઉપકાર નથી.
અમૃતા પોતાના એરકન્ડિશન્ડ રૂમની બહાર આવી અને નીચે ઊતરી. બંગલાની આગળના ભાગના બાગની જમણી તરફનો હીંચકો સાંજ પછી ખાલી જ હોય છે. એ ભાગના બધા ફૂલછોડ અમૃતાની પસંદગી પ્રમાણે વાવવામાં આવેલા છે. સહુ જાણે છે કે કોઈ કોઈવાર રાતના નવ-દસના ગાળામાં અમૃતા આ હીંચકા પર આવીને બેસે છે.
એ હીંચકા પર જઈને બેસે તે પહેલાં તો સૌરભથી વીંટળાઈ ગઈ. આ ક્યા પુષ્પની સુંગંધ? એ ઓળખી શકી નહીં. ઓળખવાની જરુંર પણ એને ન લાગી. ઓળખવા કરતાં પામવું – અનુભવવું વધુ તૃપ્તિપ્રદ છે. એ હીંચકા પર સૂઈ ગઈ અને ડાબા પગથી હીંચકાને ગતિ આપવા લાગી. એને બ્રેસિયરમાં છાતી ખેંચાતી લાગી. હીંચકા પર આમ સૂઈ રહેવાથી ? એવું તો ન હોય. એને શાકુંતલનો પહેલો અંક યાદ આવ્યો.: ‘સખી અનસૂયા, અતિશય તાણી બાંધેલા વલ્કલથી પ્રિયંવદાએ મને જકડી છે, જરી એને ઢીલું કર તો!’ અનસૂયા વલ્કલ ઢીલું કરે છે ત્યારે પ્રિયંવદા નટખટ સ્મિત સાથે કહે છે: ‘એમાં તો પયોધરને વિસ્તારનાર પોતાના યૌવનને જ દોષ દેને ? મને શું કરવા દે છે?’ અમૃતાએ પોતાને શકુન્તલાના સ્થાને ગોઠવવાનો પ્રયત્ન કરી જોયો. મેળ બેઠો નહીં. યુગોનું છેટું પડી ગયું છે. ઐશ્વર્ય અને મધુર વચનથી પોતે મોહી જાય તેમ નથી. શકુંતલાએ જે તપ પાછળથી કર્યું તે પહેલાં કરી લેવું સારું છે. જાગૃતિ વિનાના સમર્પણનો શો અર્થ?
દરવાજાની શોભા વધારતા બે દસ દસ ફીટ ઊંચા મિનારાઓની ટોચે મૂકેલા ગોળ દૂધિયા દીવા જાણે પોતાની અંદર જ પ્રકાશિત હોય તેવા લાગતા હતા. બહારની સૃષ્ટિ સાથે એ અતડા લાગતા હતા. અને છતાં બહાર અજવાળું પણ એમનું જ હતું.
ધીમે ધીમે નિશિગંધાની મહેંક વધી ગઈ. અમૃતા પોતાના દેહને શિથિલ કરીને સૌરભને અનુભવી રહી. થોડી વારમાં તો એને લાગ્યું કે પોતાનો શ્વાસ પણ મહેંકવા લાગ્યો છે. એને થયું કે પોતે પોતાને ભૂલી જઈને આ વાતાવરણમાં ભળી જઈ શકે તો કેવું સારું!
એને લાગ્યું: પોતે હવે ઊંઘી જવામાં છે. ગઈ કાલે સાંજના સાડા આઠ વાગ્યે અનિકેતનો ફોન આવ્યો ત્યારે પહેલાં તો એને વિશ્વાસ ન બેઠો. નોકરે સાંભળવામાં ભૂલ કરી હશે. ઉદયનનો ફોન હશે. અનિકેત અત્યારે ફોન ન કરે. પણ એણે અવાજ સાંભળ્યો ત્યારે એનો ચહેરો જોનાર કોઈ ત્યાં હાજર ન હતું. ‘અભિનંદન… વધામણી. બહુ આનંદ થયો, ડૉ. અમૃતા!’ અતિ આનંદ પણ અસ્વસ્થ કરી મૂકે. ઊંઘ આવતી ન હતી.
એ હીંચકા પરથી ઊભી થઈ.
શયનગૃહમાં પ્રવેશી સૂઈ ગઈ.
આછા જાંબલી રંગનો નાનો બલ્બ પલંગની સફેદ રેશમી ચાદર પર સ્પર્શ- મધુર નીલિમા પાથરી રહ્યો. અમૃતાએ પડખું બદલ્યું. આંખો બીડી. સેમલના રેસાનું બનેલું એક હલકુંફૂલ ઓશીકું મોં પર દબાવ્યું. એક-બે વાર હાથ હલ્યા તે કારણે કંકણ રણક્યાં તે સિવાય એ ઊંઘી ગઈ તે પહેલાં અને પછી રૂમમાં શાંતિ હતી.
નિદ્રાધીન અમૃતાના ચિત્તમાં નિશિગંધાની સૌરભ નવા રૂપે છવાઈ ગઈ. હીંચકા પર જન્મેલો આનંદલય અહીં પણ ઉપસ્થિત થયો. એણે જોયું—
નિ:સ્તબ્ધ જ્યોત્સ્ના અને પ્રાત:કાલીન ઉજાસ એકમેકમાં એવાં ભળ્યાં છે કે પોતાના બંગલાના પ્રાંગણમાં અલકાનગરીના કોઈ પ્રાસાદનો પરિવેશ રચાયો છે. એને નૃત્યગીત સંભળાયું. હવાની પ્રકંપિત લહરીઓ ક્યાંથી આ વાતાવરણમાં પ્રેમીઓના મિલનપ્રાપ્ત લોચનનો ઉન્માદ ખેંચી લાવી ? કોણે અમૃતાને નૃત્યાંગનાનો વેશ પહેરાવ્યો? પગને ચંચલ કરવા ઉદ્યત થયેલાં નૂપુર એણે જોયાં – જોઈ ન શકી – સિંજારવ સંભળાયો. એ નર્તી ઊઠી. એના દૃષ્ટિક્ષેપમાં વિદ્યુતની ચમક હતી. એનો આ નૃત્ય-સમારંભ જોવા બે ગાંધર્વ આવતા દેખાયા. બીજો કંઈક પાછળ પાછળ આવતો હતો. એનાં ચરણમાં કંઈક સંકોચ હતો પણ ચહેરા પર તો હર્ષનો અતિરેક હતો. બંને જણા પ્રવેશ દ્વારે આવીને ઊભા રહ્યા. એમના માથા પર થઈને શ્યામલ મેઘઘટા પસાર થઈ રહી હતી. તે પણ થંભી અને ઇંદ્રધનુ રચાયું.
નૃત્ય થંભી ગયું.
નૃત્યાંગના પ્રવેશદ્વાર પાસે ગઈ. એ સાર્થકતા અનુભવી રહી હતી. જઈને એ ઊંચું જુએ છે તો ત્યાં કોઈ ન હતું.
અમૃતાએ પડખું બદલ્યું.