અમૃત મનસુખલાલ ઉપાધ્યાય

From Ekatra Wiki
Jump to navigation Jump to search

ઉપાધ્યાય અમૃત મનસુખલાલ (૧૦-૩-૧૯૩૫): જન્મસ્થળ નાનાવાડા (જિ. સાબરકાંઠા). મુંબઈ યુનિવર્સિટીમાંથી ૧૯૬૦માં મુખ્ય વિષય સંસ્કૃત અને ગૌણ સ્તરે પ્રાચીન ભારતીય સંસ્કૃતિના વિષય સાથે બી.એ., ત્યાંથી જ ૧૯૬૭માં સંસ્કૃત–ગુજરાતી વિષયો સાથે એમ.એ., ગુજરાત યુનિવર્સિટીમાંથી “હેમચન્દ્રાચાર્યકૃત ‘કાવ્યાનુશાસનમ્'નું આલોચનાત્મક અધ્યયન” એ વિષયમાં પીએચ.ડી. ૧૯૬૦થી ૧૯૬૭ સુધી મુંબઈની ન્યૂ ઈરા હાઈસ્કૂલમાં શિક્ષણકાર્ય. ૧૯૬૮થી ૧૯૮૦ સુધી ભવન્સ કૉલેજ, મુંબઈમાં સંસ્કૃતના વિષયમાં અધ્યાપન. હાલ, ૧૯૮૩થી મહર્ષિ વેદવિજ્ઞાન અકાદમીમાં પ્રાધ્યાપક. ‘પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ' (૧૯૭૬), ‘ઉપનયન સંસ્કાર’ (૧૯૮૬) સંક્ષિપ્ત અધ્યયન ‘વાયુપુરાણ' (૧૯૮૬), ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ' (ચતુરભાઈ પટેલ સાથે, ૧૯૮૭) તેમ જ મહાનિબંધ નિમિત્તે થયેલ સંશોધનકાર્ય ‘ધ કાવ્યાનુશાસન ઑફ આચાર્ય હેમચન્દ્રાચાર્ય’ (અંગ્રેજીમાં, ૧૯૮૭) એમના અભ્યાસ-ગ્રંથો છે. ‘મહાન શિક્ષિકાઓ' (૧૯૮૬) એમનું અનૂદિત પુસ્તક છે. ઉપરાંત, મહાકવિ કાલિદાસકૃત ‘વિક્રમોર્વશીય’ તેમ જ ભાસકૃત ‘સ્વપ્નવાસવદત્તા’ નાટકોના ગુજરાતી અનુવાદ એમણે આપ્યા છે.