અરણ્યરુદન/સાહિત્યવિવેચન અને જીવનમૂલ્યો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સાહિત્યવિવેચન અને જીવનમૂલ્યો

સુરેશ જોષી

સાહિત્ય કે કળાનું નિર્માણ અને એનું આસ્વાદન, શોકને પ્રાપ્ત થતું શ્લોકત્વ, એ જ આપણા જીવનનું એક આગવું મૂલ્ય છે. આ મૂલ્યનો પરિચય કરાવીને એ મૂલ્ય કેવી રીતે સિદ્ધ થાય છે તે સમજાવવાનો વિવેચકનો મુખ્ય ધર્મ છે. મૂલ્ય અને મૂલ્ય વચ્ચેનો સમ્બન્ધ આપણે કેવો કલ્પીએ છીએ? એમાં ઉચ્ચાવચતાને આધારે ચઢતી-ઊતરતી શ્રેણી રચી શકાશે ખરી? કોઈ એમ કહી શકશે ખરું કે મને સૌન્દર્ય વગર ચાલશે, મંગલ વગર ચાલશે પણ સત્ય વિના નહિ ચાલે?

મૂલ્યો વચ્ચેનો સમ્બન્ધ અવિનાભાવી કલ્પીએ તોય એક મૂલ્ય બીજાની અપેક્ષાએ ટકી રહે છે એમ કલ્પવું કેટલે અંશે યોગ્ય લેખાશે? મૂલ્યોની સિદ્ધિ arithmetical progressionના રૂપમાં કરવાની હોય છે. બને તેટલી અસન્દિગ્ધતા જાળવીને આપણે એમ કહી શકીએ કે દરેક મૂલ્ય એના પોતાના આગવા સન્દર્ભમાં ક્રિયાશીલ હોઈને તે ક્ષેત્ર પૂરતું અનિવાર્ય બની રહે છે. તો પણ પ્રશ્ન તો થશે જ કે શું દરેક મૂલ્યનું પ્રયોજનક્ષેત્ર જુદું હોય છે? ને જો એમ હોય તો મૂલ્યની વ્યાપકતા, એ જે પ્રયોજન સિદ્ધ કરે તેના પરિમાણના પર આધાર નહિ રાખે? ને જો એમ જ હોય તો વળી પાછા આપણે ગાણિતિક ધોરણ તરફ જ ધકેલાતા નથી? જે મૂલ્ય મોટા પરિમાણના પ્રયોજનને સિદ્ધ કરે તે મૂલ્ય મોટું – આમ મૂલ્ય-મૂલ્ય વચ્ચેનો ઉચ્ચાવચતાનો સમ્બન્ધ વળી જોડવાનો રહે.

‘મૂલ્ય’ એ સંજ્ઞાના થોડાક સંકેતો અહીં તપાસી લઈએ. મૂલ્યનો સાદો ને સીધો અર્થ તો છે કાર્યસાધકતા. રૂપિયાનું મૂલ્ય એટલે રૂપિયાની ખરીદશક્તિ. આ અર્થમાં મૂલ્ય એ એક સાધન છે, ને એનું સ્વરૂપ એ જેને સિદ્ધ કરી આપવાની શક્તિ ધરાવે છે તેને માટેની આપણી જરૂરિયાત પર અવલંબે છે. હું સાચું બોલું, કારણ કે મને પુણ્ય મળે, મને પુણ્ય મળે તો સ્વર્ગે જવાય, તો અપ્રતિમ સુખ મળે… આમ એ કડી આગળ ચાલે. આ બધાં મૂલ્યો અવાન્તર સ્થિતિનાં, સાધ્ય તે એની આગળના સાધ્યનું ક્રમશ: સાધન બનતું રહે એ સ્વરૂપનાં હોય છે.

સાહિત્ય કે કળાનું મૂલ્ય આ સ્વરૂપનું નથી. એ પોતે જ પોતાનું સાધ્ય છે. ગીતાનો અગિયારમો અધ્યાય વાંચવાથી વિશ્વરૂપદર્શનનું પુણ્ય મળે એ એક મૂલ્ય થવું, તો અદ્ભુત અને ભયાનકથી શબલિત ભવ્યતાની રસાનુભૂતિ થાય એ બીજું મૂલ્ય થયું. આ પૈકીનું પહેલું એ ગૌણ નીપજ છે. આ અર્થમાં જે મૂલ્યો આત્યન્તિક સ્વરૂપનાં છે તેમાં અવાન્તર સ્થિતિનાં મૂલ્યોનો ગૌણ ભાવે સમાવેશ કરી દેવો હોય તો કરી શકાય. સાહિત્ય કે કળાનું મૂલ્ય તે કાર્યપ્રેરક કે કાર્યસાધક મૂલ્ય નથી. એનો રસાસ્વાદ એ જ એનું મૂલ્ય છે. આથી સાહિત્યવિવેચક સાહિત્યની મીમાંસા કરતો હોય ત્યારે આ રસાસ્વાદના આત્યન્તિક મૂલ્યને કોઈ કૃતિ શી રીતે સિદ્ધ કરી આપે છે તે બતાવવાનું જ પ્રસ્તુત લેખે. એ સિવાયનું બીજું એને મન અપ્રસ્તુત જ લાગે.

સાહિત્ય કે કળાની રસાસ્વાદ કરાવવાની શક્તિ કે મર્યાદાની મીમાંસા કરવી એ જ વિવેચકનું મુખ્ય કર્તવ્ય છે. આ મીમાંસા એટલે સાહિત્ય કે કળાકૃતિની રચનાની મીમાંસા. પોતાને અભિમત અમુક લાગણી કે ભાવના જોડે એ કૃતિમાં પ્રકટ થતી લાગણી કે ભાવનાનો તાળો મળે છે કે નહીં તે જોવું એ તો એક અંગત વસ્તુ થઈ. એ અહીં પ્રસ્તુત નથી. કૃતિની રચના રસાસ્વાદને સિદ્ધ કરવામાં શી રીતે ને કેટલે અંશે કાર્યકર નીવડે છે તે તપાસવું જ અહીં તો આવશ્યક છે.

જીવનમૂલ્યોને મોટે નામે કેટલીક વાર તો સમાજમાં વગ ધરાવનાર અમુક વર્ગના અભિગ્રહ-પ્રતિગ્રહોને જ બીજાના પર લાદવામાં આવતા હોય છે. આ પરત્વે સજાગ વિવેચક સદા સાવધ રહે છે, આ પ્રકારનું જીવનમૂલ્ય કૃતિમાં પ્રકટ થતું હોય ને તેમ છતાં રસાસ્વાદ કરાવવામાં એ કૃતિ નિષ્ફળ જતી હોય તો એ હકીકતને સ્પષ્ટ કરીને સમજાવવાની વિવેચકની ફરજ છે.

સાહિત્યકાર કે કળાકાર તાટસ્થ્યપૂર્ણ તાદાત્મ્યથી, પોતાના વ્યક્તિત્વનું તિરોધાન સિદ્ધ કરીને, પોતાને પણ ઉપાદાન ભેગાં ઉપાદાન તરીકે જ જોઈને, જ્યારે કૃતિનું નિર્માણ કરી શકે છે ત્યારે જ એમાં લોકોત્તરતાનો ગુણ આવી શકે છે. આવું લોકોત્તર ચમત્કારનું તત્ત્વ રસસિદ્ધિનો અનિવાર્ય ઘટક અંશ છે. કળાકાર એ શી રીતે સિદ્ધ કરે છે અથવા તો એ સિદ્ધ કરવામાં શા કારણે નિષ્ફળ નીવડે છે તેની સાહિત્યવિવેચકે મીમાંસા કરવી ઘટે.

કાવ્ય ભાષાની વ્યંજનાશક્તિના સીમાડાને કેટલા વિસ્તારે છે તે તપાસવું એ એની પ્રધાન પ્રવૃત્તિ છે, સમકાલીનોનાં મૂલ્યોનો એ કેવો ને કેટલો પડઘો પડે છે તે ચર્ચવું એ ગૌણ ને અનુપકારક છે, નવલકથા સામાજિક મૂલ્યોને કેવી રીતે પ્રતિબિમ્બિત કરે છે તે તપાસવાનું કામ સાહિત્યિક વિવેચકનું નથી; એ નવલકથામાંની આગવી સૃષ્ટિનું નિયંતા ઋત એમાં કેવી રીતે પ્રવર્તે છે ને એથી એ સૃષ્ટિની કેવી આકૃતિ રચાઈ છે તે બતાવવું એ જ એનું પ્રધાન કર્તવ્ય છે.

ઉછીની કે પરમ્પરાગત દૃષ્ટિ વડે જે સૃષ્ટિ થાય છે તે તો આખરે છાયામાત્ર છે, ઉચ્છિષ્ટ જ છે; માટે જે સૃષ્ટિ પોતે પ્રકટીને દૃષ્ટિને પ્રકટ કરે છે તેનું જ સાહિત્યિક વિવેચક ગૌરવ કરે છે.

ઘણી વાર મૂલ્યોની સફલીસફલી વાતો સાહસનો અભાવ અને કાયરતાને ઢાંકવાની ઢાલની ગરજ સારે છે. સાહિત્યિક વિવેચકને આવી કશી ઢાલની ગરજ રહેતી નથી.

છેલ્લાં બે વિશ્વયુદ્ધે સરજેલા વિનાશના ભંગારમાં મૂલ્યોનો ભંગાર પણ અલોપ થઈ ગયો એમ આજે આપણે ઠેર ઠેર કહેવાતું સાંભળીએ છીએ. આ વિનાશ એ થોડાં શહેરોનો કે મોટી સંખ્યામાં થયેલો માનવીઓનો વિનાશ માત્ર નહોતો. આ પહેલાં વિશ્વાતીત કૂટસ્થ તત્ત્વની કલ્પના કરીને આપણી નિયતિ એના હાથમાં આપણે મૂકી હતી. આથી કેટલીક અટપટી ગૂંચમાંથી બચી જવાની સરળતા સિવાય બીજું કશું આશ્વાસન મળ્યું નહીં. એ નિયંતાના ઋતમાં રાખેલી શ્રદ્ધાનાં મૂળ ડગમગી ગયાં. આપણે મરણશરણ, ઇન્દ્રિયો વડે જગતને જાણનારા ને માણનારા રહ્યા. બુદ્ધિ અને કલ્પનાશક્તિ એ બે આપણાં સમર્થ સાધનો. આ બુદ્ધિની શક્તિ અને મર્યાદા તે આપણી લક્ષ્મણરેખા. ને એની બહાર મરણહીન શાશ્વતતાનું સુવર્ણમૃગ. ત્યાં રહીરહીને આપણી કલ્પના દોડી જાય. બુદ્ધિ તર્કના પ્રમેયોનાં ચોકઠાંમાં બધું ગોઠવીને સમજવા મથે, કલ્પના એક છલંગે બધું ઠેકી જાય ને તેમ છતાં બુદ્ધિના બાંધ્યા આપણે સીમા ઉલ્લંઘી જઈ શકીએ નહીં. આમ આપણો અન્ત નિશ્ચિત, તો આપણી અનન્તને માટેની અભીપ્સા પણ એટલી જ ઉત્કટ; આપણી બુદ્ધિની પકડમાં બધું આવે નહીં, છતાં બધું જ સમજવા, જાણવાની આપણી અદમ્ય જિજ્ઞાસા. આ બે વચ્ચેની અસંગતિ, અપરિમેયતા આજે આપણે ઉગ્ર રીતે અનુભવતા થયા.

ક્ષણ અને ક્ષણના સરવાળામાંથી શાશ્વતતા સિદ્ધ કરવાનું હવે શક્ય રહ્યું નહીં. હવે તો ક્ષણને જ ક્ષણ પૂરતીય સ્થિર દૃષ્ટિએ જોઈને નાણી લેવાનો પુરુષાર્થ પણ કપરો થઈ પડ્યો. કાલાબાધિત આદર્શોને માટેની ભૂમિકા હવે રહી નહીં. ઈશ્વર પદભ્રષ્ટ થયો. મનુષ્યે ઈશ્વર વિનાની પોતાની એકલતાનું ગૌરવ સ્વીકાર્યું, સાથે એ એકલવાયાપણાનો વિષાદ પણ એને સ્વીકારવાનો આવ્યો. વિજ્ઞાનની ગવેષણા પદ્ધતિએ એક બાજુ હકીકત તરફ આપણું ધ્યાન ખેંચ્યું. બુદ્ધિ પૃથક્કરણ કરીને વસ્તુની રચનાને, હાર્દને તપાસે. પણ એ પૃથક્કરણની પ્રક્રિયા દરમ્યાન, જેનું પૃથક્કરણ કરીએ તેનું સ્વરૂપ જ બદલાઈ જાય, સાધન જ સાધ્યને વિકૃત કરી નાખે, આ સ્થિતિમાં જ્ઞાનની નિશ્ચિતતા ક્યાં રહી? આને કારણે આખરે આપણી જાતને પુરવાર કરવાનું પણ મુશ્કેલ બની ગયું, નિશ્ચિહ્ન વ્યક્તિતા આપણે નસીબે રહી. માનવીય સન્દર્ભની બહારનાં કશાં, શાસ્ત્ર કે ધર્મે આરોપેલાં, મૂલ્યોમાં શ્રદ્ધા રહી નહીં. એની પાસેથી કાર્યને માટેનો આદેશ પામવાનું છોડીને માનવીએ કર્તૃત્વના દોર પોતાના હાથમાં લીધા. ઈશ્વરના શાસનમાંથી મુક્ત થતાં એ પોતાના સંકલ્પથી જ બંધાયો. સ્વેચ્છાએ સ્વીકારેલા એ બન્ધનની હવે એ કોની સામે ફરિયાદ કરે?

ક્ષણનું, ક્ષણની સંવેદનાનું જ મહત્ત્વ વધ્યું, આથી જેટલી વધુ સંવેદના તેટલી વધુ ઉત્કટ ચેતના – એવું પદ મંડાયું. સંવેદનો વચ્ચેથી ઉચ્ચાવચતાનાં ધોરણો સ્થાપવાની કોઈ ભૂમિકા રહી નહીં. પોતાનું આગવું વ્યક્તિત્વ ધરાવનારો, અનેક સમ્બન્ધોની કડી રૂપ માનવી છૂટો પડી ગયો ને તન્ત્રને ચલાવનારી જટિલ વ્યવસ્થાની આંટીઘૂંટીમાં એ નગણ્ય બનીને અટવાઈ ગયો. એ વ્યક્તિ તરીકે પરિસ્થિતિ પ્રત્યેના પોતાના વિશિષ્ટ પ્રતિભાવોને મૂર્ત કરે તે પહેલાં તો એને કોષ્ટકોમાં ને આંકડાઓના જંગલમાં અટવાવી માર્યો. એ નિર્ભય નથી બન્યો છતાં મરણથી એ આજે કમ્પી ઊઠતો નથી.

વિશ્વને સમજવા મથીને પાછી વળેલી બુદ્ધિ પોતે પોતાને સમજવા તરફ વળી. સ્થળ અને કાળના દૃઢ ચોકઠામાં પોતાના આકારની દૃઢતાને જાળવી રાખવાનું એક વાર શક્ય હતું. આજે એ ચોકઠું પણ છિન્નભિન્ન થઈ ગયું. બુદ્ધિ પોતે પોતાની પ્રબળતાથી પોતાને જ છિન્નભિન્ન કરવા લાગી. પોતાની આ પરિસ્થિતિ વિશેની વિશદ સંવિત્તિ, આ જ માનવીનું માનવી હોવાનું વ્યાવર્તક ચિહ્ન બની રહ્યું. માનવીને નિશ્ચિહ્ન કરીને એક બાજુથી એનો કાંકરો કાઢી નાંખ્યો. તો બીજી બાજુ એ જ માનવીની અતિશયોક્તિ કરીને સરમુખત્યારો અને સન્તો ઊભા કર્યા.

પોતે રચેલાં સાધનોના ખડકલા વચ્ચે માણસ અટવાઈ ગયો, પોતાનાં સાધનોના હાથમાં એ સાધન બની ગયો. માણસે ઓજાર શોધ્યાં ને સંસ્કૃતિ વિસ્તારી, હવે ઓજારના શાસન નીચે માણસ જીવવા લાગ્યો ને એની મોટામાં મોટી પ્રાપ્તિ તે વિરતિ બની રહી.

આ વિરતિની સંવેદના, એની સામે મરણિયા બનીને ઝૂઝતા અદના આદમીના ઉધામા આજના સાહિત્યમાં પણ પ્રતિબિમ્બિત થાય છે, સ્થળકાળના સીમાડા લોપાઈ ગયા હોય ત્યારે સમકાલીન પરિસ્થિતિની સંવેદનાથી અનભિજ્ઞ રહેવાનું આપણા સર્જકનેય ભાગ્યે જ પરવડે.

પ્રશ્નની રજૂઆત જે રીતે થઈ છે તે આપણને એમ માનવા પ્રેરે છે કે કળા આપણને જીવનમૂલ્યો તરફ લઈ જતી હોવી જોઈએ, અને આકૃતિ ઉપર મુકાતો ભાર કદાચ, એ પરત્વે વિઘ્નરૂપ નીવડે, એવું ગૃહીત આની પાછળ રહ્યું હશે.

મૂલ્યો એટલે જીવનમૂલ્યો એમ આપણે માણી લઈએ, એ મૂલ્યનો બોધ આપણને શી રીતે થાય છે? એ મૂલ્યો શાસ્ત્રવાક્ય કે આપ્તવાક્ય તરીકે આપણને પ્રાપ્ત થાય છે? એ મૂલ્યો અમુક સાંસ્કૃતિક અનુશ્રુતિના અવિભાજ્ય અંગરૂપ હોઈ એ પરમ્પરા સાથે સમ્બન્ધ ધરાવનારને સ્વીકારી લેવાના હોય છે? કે પછી પૂરી અભિજ્ઞતાપૂર્વક જીવવાની ક્રિયા દરમિયાન આ મૂલ્યબોધ ક્રમશ: આકાર લેતો જાય છે?

કળા કે સાહિત્ય એ આપણી અભિજ્ઞતા – જીવનના સમસ્ત સન્દર્ભ વિશેની સંવિત્તિ – નું જ એક વિશિષ્ટ સ્વરૂપ છે, એટલું જો નિવિર્વાદ સ્વીકારીએ તો આ વિશિષ્ટ સ્વરૂપની અભિજ્ઞતા એ મૂલ્યબોધની પ્રક્રિયાનું અંગ બની રહે છે; ને જો એમ હોય તો એ મૂલ્યોથી આપણને વિમુખ કરવાને બદલે, મૂલ્યબોધને અનુકૂળ ભૂમિકા સરજી આપીને, એ તરફ આપણને અભિમુખ કરે છે એમ કહેવાનું જ પ્રાપ્ત થાય.

પ્રશ્નના પૂર્વાર્ધ તરફ નજર કરતાં આ વિશે થયેલા સંદેહનું કારણ શું છે, તેનું અનુમાન કરી શકાશે. આકૃતિ ઉપર ભાર મૂકવામાં આવે તો મૂલ્યોથી વિમુખ થવાનો ભય ઊભો થાય. અહીં ‘આકૃતિ’ એ સંજ્ઞાના સંકેતને સ્પષ્ટ કરવો જરૂરી છે. આપણી ઘણીખરી સમસ્યાઓ વાસ્તવમાં સમસ્યા હોતી જ નથી, ભાષાકીય અચોકસાઈ અને સંકેતોની અનિશ્ચિતતાને કારણે જ એ સમસ્યાનું રૂપ ધારણ કરે છે.

‘આકૃતિ’ એટલે ચોકઠું એવો અર્થ જો અહીં પ્રશ્ન પૂછનારને અભિપ્રેત હોય તો ઘ્રૃતપાત્રનો સમ્બન્ધ અહીં કથયિતવ્ય અને આકૃતિનો છે એમ માનવાનું રહે, આકૃતિ તો માત્ર સાધન છે; એ કથયિતવ્યને બરોબર ધારણ કરી શકે એટલું જ પૂરતું છે, એમાં જ એની ઇતિકર્તવ્યતા છે. પણ એ આકૃતિની વધારે પડતી માવજત કે સજાવટ કથયિતવ્ય તરફથી આપણું ધ્યાન વિકેન્દ્રિત કરે તો કથયિતવ્યમાં મૂલ્યબોધનો નિર્દેશ હોવાથી એ પરિણામે આપણને મૂલ્યોથી વિમુખ કરે આવી તર્કયોજના અહીં દેખાશે. અહીં કળામીમાંસાને એક પાયાનો મુદ્દો ચર્ચવાનો રહેશે. કળામાં ‘આકૃતિ’ એટલે શું? એ નર્યું ખોખું કે ચોકઠું માત્ર છે? આપણે આગળ કળાને વિશે વાત કરતાં એને જીવન વિશેની વિશિષ્ટ સ્વરૂપની અભિજ્ઞતા કહીને ઓળખાવી. આ અભિજ્ઞતાની જે વિશિષ્ટતા છે તે ‘આકૃતિ’માં જ રહેલી છે. કળાનું લક્ષ્ય આ ‘આકૃતિ’ સિદ્ધ કરવાનું છે, આ આકૃતિ જ એનું મૂલ્ય છે. આથી એના પર ભાર મૂકવાનો સવાલ રહેતો નથી. આપણે જેને જીવનમૂલ્યો કહીએ છીએ તે તરફ દોરી જવા માટે કળાનું નિર્માણ થતું નથી. એ મૂલ્યોનો બોધ કળા દ્વારા અસમ્પ્રજ્ઞાતપણે થતો હોય તોય એ એની ગૌણ નીપજ દેખાય. એ મૂલ્યોનો પુરસ્કાર કે તિરસ્કાર કળાનો વિષય નથી, એ પરત્વે એ ઉદાસીન છે.

આ સન્દર્ભમાં ‘આકૃતિ’ના સંકેતને થોડો સ્પષ્ટ કરીએ. કળાના ઉપાદાન રૂપે જે સામગ્રી રહી હોય છે તેનું રસચર્વણા – aesthetic contemplationને અનુરૂપ એવું સંવિધાન સિદ્ધ થતાં જે નીપજી આવે તે આ આકૃતિ. આ આકૃતિના ઘટક અંશો વચ્ચેનો મજ્જાગત (organic) સમ્બન્ધ એમની વચ્ચેના પારસ્પરિક સપ્રાણ આદાનપ્રદાનને શક્ય બનાવે છે. ઉપાદાનના આ પ્રકારના સિદ્ધ થતા રૂપાન્તરને પરિણામે એ વિશિષ્ટ અને અદ્વિતીય રૂપ જ આત્યન્તિક મૂલ્ય – terminal value બની રહે છે. એની રૂપરચનાનું ભાવકના મનમાં થતું પુનરુદ્ભાવન તે જ રસચર્વણાનો વિષય બની રહે છે. આ ‘આકૃતિ’ એ જ એનું કથયિતવ્ય છે, એથી બીજું કશું કથયિતવ્ય આકૃતિની દાબડીમાં મૂકેલું હોતું નથી.

કળામાં સિદ્ધ થતું આ વિશિષ્ટ રૂપવિધાન એની સ્વાયત્ત સત્તા ધરાવે છે. એનું આ ontological status સ્વીકારીએ તો જ કળાસર્જનની પ્રવૃત્તિનું આગવું મહત્ત્વ આપણને સમજાશે.

આ આકૃતિનું સંવિધાન શી રીતે થતું હોય છે? વ્યવહારમાં જે સંવેદનો થતાં હોય છે તે પોતાનું આગવું રૂપ સિદ્ધ કરે તે પહેલાં તો જીવવાની સતત ચાલુ રહેતી ક્રિયાના પ્રવાહમાં વહી જાય છે. આ સંવેદનને એના વ્યવહારના સન્દર્ભમાંથી છૂટું પાડીને, એને બીજી કોઈ લાગણી કે વસ્તુને સિદ્ધ કરવાનાં સાધન રૂપે કે વ્યવહારના પ્રયોજનને સિદ્ધ કરવાની સામગ્રી રૂપે ન જોતાં સ્વયંનિર્ભર, સ્વયંપર્યાપ્ત એવી સત્તા રૂપે જ્યારે આપણે જોવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે એ સંવેદનનું આગવું રૂપ આપણી આગળ પ્રકટ થાય છે. એ રૂપની સંવિત્તિ એ આપણા જ્ઞાનની સામગ્રી નથી, રસની ચર્વણાનો વિષય છે. આ રૂપ વિશેની આપણી સંવિત્તિ એટલે એ રૂપરચનામાં રહેલા સાદૃશ્ય અને વિરોધ, આકર્ષણ અને વિકર્ષણ – વગેરે તત્ત્વોની સંકુલતામાંથી સન્તુલિત બનીને આવિષ્કૃત થતી આકૃતિની અપરોક્ષ અભિજ્ઞતા. આવી અપરોક્ષ અભિજ્ઞતા આપણી ચેતનાના બધા ઘટક અંશોમાં સન્નદ્ધ સજાગતા પ્રેરે. આવી સન્નદ્ધ સજાગતાનો અનુભવ એ પોતે જ આગવું મૂલ્ય બની રહે. આ રૂપસિદ્ધિ વાસ્તવિકતામાંથી બાદબાકી કરવાથી સિદ્ધ નથી થતી, પણ સંવેદનને એની સ્વાયત્ત સત્તાનું પ્રદાન કરવાથી થાય છે. આવી આકૃતિ આપણા ચિત્તમાં એનાં એક પછી એક એમ અનેક બિમ્બ analogues મૂર્ત કરતી જાય છે. આ એક બિમ્બમાંથી બીજા બિમ્બનું નિમાર્ણ કર્યે જવાની પ્રવૃત્તિ તે ભાવકને પક્ષે રસચર્વણા.

જીવનનાં મૂલ્યો એટલે સામાજિક મૂલ્યો, નૈતિક મૂલ્યો, સાંસ્કારિક મૂલ્યો. એ ચરિતાર્થ નથી થતાં ત્યાં સુધી અસ્પષ્ટ ને અમૂર્ત રહે છે. તે તે કાળના પરિવેશથી બાધિત હોઈને એ સાપેક્ષ પણ હોય છે. આવાં સાપેક્ષ ને કાલાબાધિત મૂલ્યની મર્યાદાનું ચોકઠું કળાને માથે લાદવું એમાં જે મૂલ્યો પરત્વેની વિમુખતા રહેલી છે તેને ટાળવાને કળામીમાંસકે સદા સાવધ રહેવું ઘટે.

ઓક્ટોબર, 1960