અર્વાચીન કવિતા/પ્રાવેશિક-૩
નવીન કવિતા
બાલાશંકરથી પ્રારંભાયેલા બીજા સ્તબકની કાલમર્યાદાનો વિચાર કરતાં આપણે એ સ્તબકની સમાપ્તિની રેખા ૧૯૩૧ની આસપાસ મૂકી હતી. એ બીજા સ્તબકની કવિતાનું ઊંચામાં ઊંચું બિંદુ ૧૯૨૭માં ઊજવાયેલ કવિ ન્હાનાલાલના સુવર્ણમહોત્સવમાં મળે છે. ગુજરાતે એટલા જ્ઞાનપૂર્વક અને ભાવપૂર્વક પોતાની કવિતાને આવી રીતે કદાચ પહેલી વાર જ ઊજવી. ગુજરાતના જીવનમાં તેની સર્જનાત્મક શક્તિને હાથે નિર્માયેલી અર્વાચીન કવિતાને કેવું સ્થાન હતું તે ત્યારે પ્રત્યક્ષ થયું. એ જ રીતે થોડાં વરસો પછી કવિ ખબરદારનો સુવર્ણમહોત્સવ પણ ઊજવાયો. એ બીજા સ્તબકની કવિતા, પોતાના આજ લગીના રસ અને સૌન્દર્યના નિર્માણને સૂક્ષ્મ ભાવાત્મક રૂપે આમ ૧૯૨૭માં શિખરિત કરીને પછી જાણે ઢળવા લાગી. બીજા સ્તબકના આ સાલ પછી પણ વિદ્યમાન કવિઓ – નરસિંહરાવ, ન્હાનાલાલ, ખબરદાર, બળવંતરાય આદિની સર્જનપ્રવૃત્તિ ચાલુ રહી છે. વળી નરસિંહરાવ અને બળવંતરાય જેવાની કવિતા તેમની પછીની નવીન કવિતાની સાથે સાથે પણ વિકસતી રહી છે, તથાપિ ૧૯૨૭ની આસપાસ જ ગુજરાતી કવિતામાં નવાં ઘટક તત્ત્વોનો પ્રવેશ થવા લાગે છે અને ૧૯૩૧ પછી તેના અંકુરો વધારે સ્પષ્ટ બને છે. આ ત્રીજા સ્તબકમાં, બીજા સ્તબકનો જૂનો પ્રવાહ અને નવીન કવિતાનો નવો પ્રવાહ બંને સાથે સાથે વહે છે. એ બંને પ્રવાહની રચનાઓ પોતપોતાની રીતે કલાસંપન્ન રહી છે, લોકપ્રિય બની છે. તથાપિ નવીન તત્ત્વમાં હમેશાં જે તાજગી હોય છે, વિકાસક્રમમાં તેને હાથે જે નવનિર્માણ થવાનું હોય છે, ભૂતકાળની સમૃદ્ધિને તથા તાત્ત્વિક વિકાસને પોતાનામાં આત્મસાત્ કરીને તે જે નવા અને પ્રફુલ્લ સર્જનાત્મક ઉન્મેષો સાધે છે એ બધાં તત્ત્વોથી નવીન કવિતા ગુજરાતી કવિતાના વિસ્તૃત વહનમાં પોતાની વિશિષ્ટ રંગાવલિ ઉમેરે છે.
તેને ઘડનારાં બળો : ૧ : પ્રજાનું પુનરુજ્જીવન
આ નવીન કવિતાનું સ્વરૂપ ઘડનારાં બળોનું અવલોકન કરતાં તેમનાં પાંચછ ઘટક તત્ત્વો દેખાય છે. એમાંનું પહેલું તત્ત્વ છે રાષ્ટ્રીય જીવનમાં આવેલો એક નવીન આદર્શનો અને નવી સિદ્ધિમાંથી જન્મતા બળનો ગંભીર ઉત્સાહ. બારડોલી સત્યાગ્રહના અંતે તથા ૧૯૩૦-૩૧ના દેશવ્યાપી વિશાળ આંદોલનને અંતે જનતાને પોતાની પરદેશી રાજ્યકર્તાની અપરાજિત જેવી શક્તિને સફળ રીતે પડકારવાનો કીમતી અનુભવ મળ્યો અને આપણી અસ્મિતા વધારે જાગ્રત બની. આ નવા આદર્શને વિશ્વવ્યાપી અને વિશ્વવિજેતા બનાવવાનાં સ્વપ્નો આપણાં યુવાન હૃદયો સેવવા લાગ્યાં. આ રાજકીય આંદોલન કેવળ રાજકીય ન રહેતાં પ્રજાજીવનનાં બધાં અંગોમાં પુનરુજ્જીવન લઈ આવનારું બન્યું. એ નવા ધબકારે કવિતાના શ્વાસોચ્છ્વાસમાં પણ એક નવી તરલ ગતિ આણી. દલપતરામે અને નર્મદે વિક્ટોરિયાનાં જયગાન ગાવા સાથે પ્રજાની મુક્તિના સૂર પણ છેડ્યા હતા. બાલાશંકર અને હરિલાલ ધ્રુવે સ્થાનિક સ્વરાજ્યનાં લળીલળીને સ્વાગત કર્યાં હતાં અને સાથે સાથે દેશની સ્વાધીનતાનાં સ્વપ્ન પણ સેવ્યાં હતાં. ૧૯૨૦ના અસહકારના આંદોલનમાં પ્રજાએ પહેલો સીધો પડકાર કર્યો. નર્મદનાં બ્યૂગલ પહેલી વાર સાચેસાચ ફૂંકાયાં અને ખબરદાર અને ન્હાનાલાલની કવિતાએ યજ્ઞકુંડો રચ્યા અને સાચના સિપાઈઓ ઊભા કર્યાં. ૧૯૨૦ પહેલાં આ અને બીજા કવિઓએ રાજભક્તિ પણ ગાઈ હતી. ૧૯૨૦ પછી આપણી કવિતામાંથી રાજભક્તિ ચાલી ગઈ અને કેવળ દેશભક્તિ રહી. એમાંથી આપણને ‘ગુજરાતનો તપસ્વી’ જેવી અમર કૃતિઓ મળી, સ્વતંત્રતાના પહેલા ઉચ્છ્વાસના જોમવાળાં ઘણાં કાવ્યો આપણને મળ્યાં. ૧૯૩૦ના આંદોલને આપણને ‘સિંધુડો’ અને ‘વિશ્વશાંતિ’ ‘બુદ્ધનાં ચક્ષુ’ અને ‘હરિનાં લોચનિયાં’ આપ્યાં. ગુજરાતી કવિતા ગુજરાતની કે હિંદની સીમાઓને ઓળંગી આખી માનવજાતિને જોવા લાગી અને આખા વિશ્વને એક જ નીડમાં સ્વાતંત્ર્ય અને શાંતિનો અનુભવ કરતું કલ્પવા લાગી. નવીન કવિતાને આમ ભાવના અને આદર્શની એક અસીમ વિશાળતામાં લઈ જવામાં આ નવા પુનરુજ્જીવને પહેલો ફાળો આપ્યો. પરંતુ હજી હિંદમાં કે જગતમાં આ ‘વિશ્વશાંતિ’નું અવતરણ થવાની વાત દૂર હતી, હિંદની સ્વતંત્રતા પણ સિદ્ધ થઈ ન હતી. પણ આ આંદોલનનું એક બીજું મહત્ત્વનું પરિણામ પણ આવ્યું : પ્રજામાનસમાં એક નવા આદર્શનો ઉદય થવા સાથે તે આદર્શને સાધવાનાં સાધનો પ્રત્યે પણ વિચારણા શરૂ થઈ. પશ્ચિમમાંથી નવાનવા વિચારો આવીને આપણા માનસને પલટાવતા અને વિકસાવતા રહ્યા છે. રશિયામાં સ્થપાયેલા નવા સમાજવાદી રાજ્યતંત્રે અને સમાજજીવનને ખીલવવાના તેના સાહસિક પ્રયાસોએ તથા તે પાછળની સામ્યવાદી વિચારસરણીએ આખા જગતના વિચારજગત પર અસર કરવા માંડી હતી. એ અસર આપણે ત્યાં પણ આવી અને અહિંસાની સાથેસાથે સમાજવાદ પણ આપણાં વિચાર અને ઊર્મિઓનો વિષય બનવા લાગ્યો. વળી આ બંને દૃષ્ટિઓ એકબીજાને ચકાસવા લાગી, અને પરિણામે જીવનના બધા પ્રદેશો, બધા પ્રશ્નો નવીન રીતે ચકાસાવા લાગ્યા; જીવનમાં એક રીતની સર્વવ્યાપી જાગરૂકતા આવી. સ્વતંત્રતા, નવનિર્માણ, પ્રકાશ, જ્ઞાન, સમતા, સર્વભૂતહિત, બંધુત્વ, માનવપ્રેમ, જનકલ્યાણ, જનસેવા, ત્યાગ, બલિદાન, સમર્પણ એ બધાની એક ભાવનાત્મક સૃષ્ટિ અને તેને સિદ્ધ કરવાના રચનાત્મક પ્રયત્નો આપણા જીવનની રંગભૂમિ ઉપર પ્રત્યક્ષ થવા લાગ્યા. ૧૯૩૦ પહેલાંનાં આંદોલનો આ આંદોલનો જેટલાં પ્રજાવ્યાપક તેમજ લડાયક રૂપનાં ન હતાં. ૧૯૩૦ના આંદોલનનું લડાયક અને રચનાત્મક એમ દ્વિવિધ સ્વરૂપ હતું. અને કંઈક કરી નાખવાની ધગશવાળો જુવાનવર્ગ આ નવા સાહસિક જીવનને ઉત્સાહથી ભેટ્યો અને આ પૂર્વે ન મળેલા એવા અનેક પ્રકારના અનુભવો તે લઈ આવ્યો. એ જ જુવાન હૃદયોમાંથી નવી કવિતા સ્ફુરી. આ જુવાન માનસે જે નવી શક્તિ મેળવી હતી, સ્વતંત્રતાની જે તમન્ના અને લડાઈની શિસ્તબદ્ધતા વિકસાવી હતી, પ્રયોગની જે સાહસવૃત્તિ અને શોધકબુદ્ધિની રચનાત્મકતા ખીલવી હતી, મુક્તિનો જે આનંદ અને જીવનનું જે સત્ય ઝંખ્યું હતું અને તેમાંથી જે કંઈ યથાશક્ય મેળવ્યું હતું તે બધું નવીન કવિતાના ઉદય માટે ભૂમિકારૂપ બન્યું.
– ૨ : ઇતર કવિતાનો વધારે ગાઢ પરિચય
આ પ્રમાણેના અંતઃસત્ત્વને અધિગત કરેલી નવીન કવિતાએ તેના પુરોગામી કવિઓના કાર્યના ઉત્તમાંશનું અનુસંધાન જાળવી, તે અંશોને વિકસાવ્યા અને પોતાના નવા ઉન્મેષો પણ પ્રગટાવ્યા. આપણાં વિદ્યાપીઠોના, અને વિશેષ ગૂજરાત વિદ્યાપીઠના શિક્ષણક્રમમાં ગુજરાતી, સંસ્કૃત, અંગ્રેજી વગેરે કવિતાનું અધ્યયન આ પૂર્વે કરતાં વિશેષ વ્યાપકતાથી, ઊંડાણથી અને પર્યેષક બુદ્ધિથી થવા લાગ્યું અને એ બધાં વિવિધ કાવ્યસ્વરૂપોને સૂક્ષ્મ અને સ્થૂલ બંને પ્રકારની અસરો નવીન કવિતાના દેહને ઘડવા લાગી. ૧૯૩૦ સુધીમાં અંગ્રેજી કવિતામાં ટી. એસ. ઇલિયટથી પ્રારંભાયેલી નવીન કવિતાએ પોતાનું વ્યક્તિત્વ ઠીક ઠીક ખીલવ્યું હતું. તેમાં વ્યક્ત થતી બાનીની નિરાડંબરતા, સ્વૈર સરલતા, મિથ્યા શિષ્ટતાના ભારણનો ત્યાગ, જીવનમાં નવાં ક્ષેત્રો તરફ અભિમુખતા, અને પ્રાકૃત જનની પ્રાકૃત જીવનની પ્રાકૃત વાણીમાં પણ કલાની નવીન ક્ષમતાનું તત્ત્વ એ આપણા નવીન માનસને બહુ સાનુકૂળ અને આપ્ત જેવાં લાગ્યાં. સંસ્કૃત સાહિત્યના અધ્યયનમાંથી વાણીની સાલંકૃતતા અને પ્રાસાદિકતા અને નિર્વ્યાજ સુંદરતાનાં તત્ત્વોનો પરિચય વધારે ગાઢ બન્યો. અને સાથે સાથે બંગાળી, હિંદી અને ઉર્દૂનો પરિચય પણ વધતાં એ કવિતાની નવી લઢણો, ખાસ કરીને બંગાળી કવિતાની, આપણી કવિતાના કંઠમાં ઊતરી. હિંદી અને ઉર્દૂના નવીન અર્થવાહકતા અને વ્યંજકતા ધરાવતા શબ્દો કાવ્યવ્યાપારમાં પ્રચલિત બન્યા.
– ૩ : ગુજરાતી કવિતાનો અભ્યાસ
એ સૌથી યે વિશેષ ફ્લદાયી નીવડ્યો આપણી પોતાની કવિતાનો પરિચય તેમજ અભ્યાસ. વધારે વ્યાપક રીતે પુનરુજ્જીવન પામવા લાગેલી આપણી જીવનપ્રવૃત્તિનું એક ખાસ પરિણામ એ આવ્યું કે આપણા લોકસાહિત્યનો વધારે ગાઢ અને સમભાવી અભ્યાસ આપણે ત્યાં પ્રારંભાયો. આપણી પ્રાચીન અને અર્વાચીન કવિતા, ભાલણની ‘કાદંબરી’થી માંડી ન્હાનાલાલના ‘ઇન્દુકુમાર’ અને ઠાકોરની ‘ભણકાર’ સુધીની અદ્યતન કવિતા ઊંડા અભ્યાસનો અને વિવેચનનો વિષય બની. પ્રાચીન કવિતામાંથી લોકબાનીનું ઘરાળુ માધુર્ય, ગીતની લહક અને નવું અર્થસૌંદર્ય આપણને મળ્યાં; જોકે ભાલણ, નરસિંહ, પ્રેમાનંદ, શામળ, અખો, દયારામ, રાજે આદિ પ્રાચીન કવિઓનો અભ્યાસ, તેમના કાવ્યત્વની દૃષ્ટિએ, હજી જોઈએ તેવો આમૂલ અને વ્યાપક રીતે થયો નથી. અને એ કવિઓએ ગુજરાતી ભાષાને જે સૂક્ષ્મ કલાત્મકતાથી અને એક સાહજિક ફાવટથી, તથા મહાકાવ્યની કોટિએ પહોંચતી ધીંગી અને બૃહત્ કલ્પનાશીલતાથી કાવ્યમાં પ્રયોજી છે તે તત્ત્વો આપણે હજી સમજવાનાં અને કાવ્યસર્જનમાં આત્મસાત્ કરવાનાં બાકી છે. આવું જ વેદની ઉપનિષદની અને મહાભારત-રામાયણની કવિતા વિશે, અને યુરોપનાં હોમર, શેક્સપિયર, મિલ્ટન, કીટ્સ, વગેરેનાં મહાકાવ્યોની કોટિએ વિચરતી કવિતા વિશે પણ બન્યું છે. ખરું જોતાં હજી ‘મહાકાવ્ય’નો આપણો અભ્યાસ જોઈએ તેટલો દૃઢમૂલ નથી થયો. અને આપણી કવિતાએ ‘મહાકાવ્ય’ સર્જવાના પ્રયત્નો કરવા છતાં તે કેમ સર્જાયું નથી તેના મૂળમાં પ્રતિભાની ઊણપ ઉપરાંત આ પણ એક મહત્ત્વનું કારણ છે.
– પહેલા અને બીજા સ્તબકના કવિઓની અસર
નવીન કવિતાને સૌથી વધુ ફલદાયી અભ્યાસ અને સંપર્ક અર્વાચીન કવિતાનો નીવડ્યો છે. એના પ્રથમ સ્તબકના મુખ્ય કવિઓ દલપતરામ અને નર્મદનો ઊંડો અભ્યાસ તેમની પછીના કવિઓ કરતાં પ્રમાણમાં જરા મોડો શરૂ થયો, અને હજી પણ તે જોઈએ તેવો તો નથી જ થયો. દલપત, નર્મદ ઉપરાંત એ ગાળાના શક્તિશાળી કવિઓ શિવલાલ, નવલરામ, કેશવરામ આદિ દરેકમાં કંઈક એવી વિશિષ્ટ કલાત્મક લહક છે જેને જીવંત રાખવા જેવી છે અને જેનું પુનઃ પ્રયોજન કવિતાની રસવત્તાને વધારનારું નીવડે તેવું છે. હકીકત એ છે કે આ પ્રથમ ગાળાની કવિતા, એની પછીના બીજા સ્તબકની કવિતાની ઝળકતી દીપ્તિ આગળ જરા વધારે પડતી ઉપેક્ષિત થઈ છે. બીજા સ્તબકની કવિતાના લગભગ બધા પ્રધાન કવિઓ નવીન કવિતા ઉપર પોતાની કંઈક ને કંઈ મુદ્રા આંકતા ગયા છે, પોતાના કલાત્મક વ્યક્તિત્વનો સારભાગ એવો અંશ નવામાં સંક્રાન્ત કરતા ગયા છે. બીજા સ્તબકના પંદરેક જેટલા શક્તિશાળી કવિઓમાંથી નવીન કવિતા પર વધારે ઊંડી અને ઘટનાત્મક અસર કરનાર કવિઓ મુખ્યત્વે બાલાશંકર, કાન્ત, ન્હાનાલાલ અને બળવંતરાય છે. એ સિવાયના બીજા કવિઓનું કાવ્ય, તેના કોક ને કોક વ્યક્તિગત અનુસરનારા નીકળેલા હોવા છતાં, કશી વ્યાપક અસર નિપજાવનાર ન નીવડ્યું તેનાં વિવિધ કારણો છે.
– ઓછા અસરકારક રહેલા કવિઓ : કલાપી
હરિલાલ, ભીમરાવ અને ત્રિભોવન પ્રેમશંકર જેવાની કૃતિઓ યોગ્ય સંપાદનને અભાવે જોઈએ તેટલો પ્રચાર કે અધ્યયન પામી શકી નથી. મણિલાલ, ગોવર્ધનરામ, રમણભાઈ કે નરસિંહરાવની કૃતિઓ વંચાતી ઠીકઠીક રહી છે, પણ તેમનામાં એટલો સર્જનાત્મક અંશ નથી કે જે પોતાની અભિનવતાના બળે બીજામાં પોતાને સંક્રાન્ત કરી શકે. સાગર જેવાની ઉત્તમ કૃતિઓ ઠેઠ ૧૯૩૬ પછી પુસ્તક રૂપે પ્રસિદ્ધ થઈ છે અને લગભગ ન જેવો અભ્યાસ પામી છે. કલાપી જેવો ઘણો લોકપ્રિય અને હમેશાં રસપૂર્વક વંચાતો રહેલો કવિ નવીન કવિતાને કશું આપી શક્યો નથી એ જરા નવાઈ જેવું લાગે છે. પણ એનાં કારણો શોધતાં જણાય છે કે જે થયું તે તદ્દન સ્વાભાવિક છે. કલાપીમાં બાનીની એક કુમાશ છે, એક રીતની નિકટતા છે, ખુશદિલી છે, નિખાલસતા છે, પણ તેની કવિતાનાં તે સિવાયનાં લક્ષણો બાલાશંકર, મણિલાલ અને વિશેષ કાન્તની શિષ્ટ શૈલીમાંથી અપનાવાયેલાં છે. કલાપીમાં મૌલિક સર્જનાત્મકતાનું પ્રમાણ ઓછું છે, અને તેથી તેની શૈલીના જે વિશિષ્ટ ગુણો છે તે તેના વ્યક્તિત્વના વિશિષ્ટ આવિર્ભાવો છે. અને હરેક શક્તિશાળી કવિમાં રહેલી આ વિશિષ્ટતા અસંક્રામ્ય જેવી હોય છે. આ ઉપરાંત એક બીજું પણ કારણ છે જેણે કલાપીની અસરને નવીન કવિતામાં પ્રગટવા દીધી નથી. એ છે કલાપીના અને નવીન કવિતાના માનસ વચ્ચેનો ભેદ. કલાપીના ૧૯૦૦ પહેલાંના દેશકાળ અને ૧૯૩૦ પછીના દેશકાળ એ બે વચ્ચે ઘણો ભેદ રહેલો છે. આ યુગપરિવર્તનને લીધે એકલા કલાપીની જ નહિ પણ કાન્ત, ન્હાનાલાલ અને બળવંતરાયની કવિતાની ભાવનાઓ પણ એના એ રૂપે પોતાની અસરકારકતા ટકાવી શકી નથી. ૧૯૩૦ પહેલાંનો કવિ જે ભૂમિકામાંથી જીવન જોતો હતો અને પોતાના આદર્શ રચતો હતો તે ભૂમિકા હવે ટકી રહી નથી. કલાપીની લાક્ષણિક રુરુદિષા – જોકે આ રુરુદિષા એ તેની સમગ્ર જીવનદૃષ્ટિનો સાર નથી, પણ તેના અમુક ગાળાની રચનાઓનું જ લક્ષણ છે, અને દુર્ભાગ્યે કલાપીની તંદુરસ્ત પુરુષાર્થપરાયણ મનોવૃત્તિ કરતાં તેના વાચકોને તે વધારે ગમી ગયું છે – તેમજ તેની ગઝલોની કૃત્રિમ આવેશખોરીનું સ્થાન નવીન કવિતામાં જીવનના વધારે ગહન કરુણદર્શને અને સઘન પુરુષાર્થવૃત્તિએ લીધું છે.
– ૪ : બાલાશંકર અને કાન્તની અસર
બાલાશંકરની અને કાન્તની પ્રત્યક્ષ અસર ન્હાનાલાલ અને બળવંતરાયની અસરને મુકાબલે ઓછી રહી છે. બાલાશંકર, મણિલાલ અને કલાપીની ગઝલો તો જાણે વરસો લગી નવીન કવિતામાં લુપ્ત થઈ ગઈ છે. ગઝલના કાવ્યપ્રકાર અંગે ૩૪-૩૫ પછી જે જાગૃતિ આવી છે તે તદ્દન જુદા પ્રકારની છે. પણ બાલાશંકરની ‘ક્લાન્ત કવિ’માં વ્યક્ત થયેલી બળકટ અને આર્ત શૈલી અને એ પાછળની સૌન્દર્ય અને પ્રણયની પિપાસા નવીન કવિતાના ભાવતત્ત્વમાં છૂપીઅછૂપી રીતે જીવતી રહી છે. કાન્તની પરિપક્વ અને પૂર્ણ સૌષ્ઠવમયી મધુર શૈલી, એકાદ નાનકડા પણ ઓજસ્વી અને આશાસ્પદ અનુયાયી નર્મદાશંકર પ્રભુરામમાં જોવા મળી છે, પણ તે સિવાય તેનો તંતુ લંબાયો નથી. કાન્તની શૈલી એટલી બધી અનવદ્ય રીતે પરિપૂર્ણ હતી કે તેનું સર્વાંશે અનુસંધાન જાળવવું નવીન કવિતાના ગભરુ અને પ્રારંભક કાવ્યકારોને માટે સરળ ન હતું. અર્થાત્, કાન્તની શૈલીની ઉત્તમતા જ તેની પોતાની આડે આવી! જોકે આને એક દુષ્પરિણામ લેખે જરા યે ગણવા જેવું નથી, કારણ કે આ નવીનોનો હાથ જ્યારે જામે છે, અને તે ય ઘણા થોડા જ વખતમાં, ત્યારે તેમની શૈલી અનેકવિધ નવીન ભંગીઓવાળું જે રૂપ ધારણ કરે છે તેમાં શિષ્ટ, મધુર, અને દૃઢ પ્રબંધાત્મકતાની જે મુદ્રા છે તે કાન્તની મુદ્રાનું જ અવાન્તર રૂપે નવતર પ્રાકટ્ય છે. ઉપરાંત કાન્તની અસર આમ પ્રકટપણે ન થવામાં બીજાં બે કારણો છે. કાન્તે જેને પ્રફુલ્લ ચંદ્રરાજ તરીકે વધાવેલા તે ન્હાનાલાલની કૃતિઓની ઝળકતી ચાંદનીમાં કાન્તની સઘન હીરકની તીક્ષ્ણ અને પહેલદાર તેજછટાઓ તત્કાળ પૂરતી પણ ઢંકાઈ ગઈ હતી. પણ ન્હાનાલાલની ચાંદની જ્યારે પાછી ક્ષીણ થાય છે ત્યારે કાન્તની એ તીક્ષ્ણ તેજસ્વિતા અક્ષુણ્ણ રૂપે પ્રકાશમાન થાય છે, અને ગુજરાતી કવિતાની રીતિના એક નિત્યપ્રોજ્જ્વલ આવિર્ભાવ રૂપે અભ્યાસનો અને ઉપાસનાનો વિષય બને છે. બીજું કારણ છે બળવંતરાયની પ્રયોગાત્મક દૃષ્ટિ અને બરછટ બાની. નવીન કવિતાને પોતાની પાસે પડેલી નવીન જીવનસામગ્રીને વ્યક્ત કરવાને માટે કળાના શબ્દદેહમાં જે વિકાસ, નવતા, નવીન અર્થક્ષમતા જોઈતાં હતાં તે કાન્તમાં મળે તેમ ન હતું. એ તત્ત્વો બળવંતરાયની શૈલીમાંથી અને વિચારસરણીમાંથી મળ્યાં. કાન્તની શૈલી એટલી સ્વપર્યાપ્ત સૌંદર્યસંપન્ન હતી કે તેવી રીતે તેમાં પ્રયોગને અવકાશ ન હતો; જોકે એ રીતે એક પ્રકારની મર્યાદામાં, વિષયોને અમુક છટાથી ભિન્ન રીતે સ્પર્શી ન શકતી પ્રણાલીમાં જઈ પહોંચી હતી તે પણ નોંધવું જોઈએ. એટલા પૂરતું નવીન કવિતાની જે માગણી હતી તે કાન્તની શૈલી સર્વ રીતે પૂરી પાડે તેમ ન હતું અને તેથી પણ તેની અસર અવ્યક્ત રૂપે જ રહી.
– ૫ : ન્હાનાલાલ અને બળવંતરાય – તેમના છંદઃપ્રયોગો
નવીન કવિતાને જે જોઈતું હતું, જીવનનાં અનેકવિધ પાસાંને અનેકવિધ રીતે, અને છતાં એકસરખી કલાક્ષમતાથી નિરૂપી શકે એવાં જે વાણીસ્વરૂપ અને જે છંદોદેહ જોઈતાં હતાં તે તેને ન્હાનાલાલ અને તેથી યે વિશેષ બળવંતરાયમાંથી મળ્યાં. બળવંતરાયે વિચારની માંડણી ઉપર ગોઠવી આપેલા છંદની પ્રવાહિતાના તત્ત્વે તથા તેમના કાવ્યમાં વ્યક્ત થયેલી અરૂઢ છતાં કવિતોચિત પદાવલીએ કાવ્યનાં છંદ અને બાની બંનેને વિકસાવવાનાં બે વિશાળ દ્વાર ખોલી આપ્યાં, અને નવીન કવિતા ઉમંગભેર એ દ્વારમાંથી નીકળીને પોતાના નૂતન કલાપ્રદેશમાં નવા નવા છંદે વિચરવા લાગી. ઊર્મિલતા, વાક્છટા અને વાણીના વિવિધ મધુર રૂપસંપન્ન આવિર્ભાવોથી ઊભરાતી ન્હાનાલાલની શૈલી પણ નવીનો પાસે પડી હતી. ન્હાનાલાલે પણ કાવ્યદેહના વિકાસ માટે, વિશેષ અર્થવાહકતા અને નવીન કલાક્ષમતા માટે પ્રયોગો કરેલા, પરંતુ એ પ્રયોગ છંદના લયાત્મક તત્ત્વનું અનુસંધાન જાળવ્યા વિના, પૂરતી વિચારશીલ ભૂમિકા ઉપર પોતાને સ્થિર કર્યા વિના જ, છંદથી ભિન્ન એવી એક વાક્છટામાં ફંટાઈ ગયો અને એ વાક્છટા છંદના વિકાસમાં કશું મૂર્ત તત્ત્વ સાધવાને બદલે, ન્હાનાલાલની પ્રતિભાના એક લાક્ષણિક પ્રકટીકરણ રૂપે જ સ્થિર બની. નવીનોને સ્વાતંત્ર્યવાળું અને સાથેસાથે આકારબદ્ધ એવું છંદઃશરીર જોઈતું હતું, એમના મુક્તિપ્રિય છતાં રચનાત્મક માનસને એ છંદઃશરીર બળવંતરાયની પ્રયોગભૂમિમાંથી મળી આવ્યું અને તે તેમણે જોતજોતામાં હસ્તગત કરી લીધું અને તેને અનેકવિધ ક્ષમતાથી વિસ્તાર્યું.
– ૬ : તેમની બાની
નવીન કવિતાની બાનીએ પોતાનો વિકાસ જરા વિલક્ષણ રીતે સાધ્યો છે. તેણે ન્હાનાલાલ અને બળવંતરાય એ બંનેની વાણીના ઉત્તમાંશોને સ્વીકાર્યા છે; જોકે આ બંને કવિઓની શૈલીની જે નિરાળી રૂપછટાઓ છે તે તો કાન્તની શૈલીની માફક અનનુકરણીય જ રહેલી છે. ન્હાનાલાલની શૈલીની જે વિશિષ્ટ રંગાત્મકતા છે, તેની જે મધુર ભાષાભંગીઓ છે, તેની જે તરલ અગ્રાહ્ય કલ્પનાલીલા છે, બળવંતરાયની જે વિશિષ્ટ બળકટતા છે, વિષયને મૂર્ત કરવાની જે લાપરવાહીભરી લાઘવતા અને ઘનતા છે, એ તત્ત્વોને સાંગોપાંગ અપનાવવાની સંપૂર્ણ ધારણાશક્તિ નવીન કવિતાના કુમળા હાથમાં ન હતી. છતાં તેમનામાં પોતાની નવી આવશ્યકતાઓને અનુરૂપ નીવડે એવાં તત્ત્વો પુરોગામીઓમાંથી ઉપાડી લેવા જેટલી પટુતાભરી ગ્રાહકશક્તિ તો હતી જ. બળવંતરાયની પ્રયોગશીલ અને સાહસિક બનતી અરૂઢ બાની તેને વધારે અનુકૂળ નીવડી. એ બાનીથી જીવનના સર્વ પ્રદેશોને રસવાહી કલાક્ષમતાથી સ્પર્શવાનું શક્ય બનતું હતું, પરંતુ ઊર્મિની લલિતમધુર લીલાને મૂર્ત કરવા માટે ન્હાનાલાલની લાડીલી શબ્દછટાઓ અને માધુર્ય તથા કુમાશભરી પદાવલિ પણ નવીન કવિતાને એટલી જ ઉપયુક્ત જણાઈ. સરળતા, ઘનતા, બળકટતા, સુન્દરતા, મધુરતા એ બધાથી ભરેલું વાણીસ્વરૂપ તેને જોઈતું હતું અને એ તેણે આમ આ બંને કવિઓ અને બાલાશંકર, કાન્ત વગેરેની શૈલીઓનાં ઉત્તમ તત્ત્વોને પોતામાં સમન્વિત કરીને સાધ્યું. સંસ્કૃત કાવ્યની શિષ્ટમિષ્ટતામાં તરબોળ, રહેતી કાન્તની રીતિ, અલંકારોના ગંજ અને વાક્છટાના જામાઓમાં હમેશાં સજ્જ રહેતી ન્હાનાલાલની રીતિ, અને વિલક્ષણતાના અને અરૂઢતાના અતિરેકમાં ઘૂમ્યે જતી બળવંતરાયની રીતિ, એ બધી અતિશયતાઓમાંથી બચી જઈ નવીન કવિતાએ તે સર્વનાં સૌંદર્યસર્જક વ્યાપક લક્ષણો પોતાનામાં બુદ્ધિપૂર્વક અને તેથી યે વિશેષ આંતરિક સહજબુદ્ધિથી અપનાવ્યાં અને પોતાના પ્રસ્થાન માટે એક ધીંગી અને સમૃદ્ધ પીઠિકા તેણે ઊભી કરી.
ત્રીજા સ્તબકનો આરંભ
આમ અભિનવ રૂપે તત્ત્તસંપન્ન અને કલાસજ્જ થયેલી નવીન કવિતાના વિકાસનું અવલોકન કરતાં કલાની સર્જનપ્રક્રિયા કેવી રહસ્યમય છે, સ્થૂલ વિગતો દ્વારા તેનું સ્વરૂપ સમજવા જવું એ કેવું અસત્યપ્રતિષ્ઠ છે તે સહેલાઈથી જણાઈ આવે છે. આ પૂર્વે આ કવિતાના પ્રસ્થાનબિંદુને આપણે ૧૯૩૧માં ‘વિશ્વશાંતિ’માં મૂક્યું છે, પરંતુ તેને એક આધાર લેવા પૂરતા સાંકેતિક ચિહ્ન કરતાં વિશેષ નહિ ગણી શકાય. બીજા સ્તબકની કાવ્યરીતિથી ભિન્ન અને નવીન પ્રકારનો ઉન્મેષ ધરાવનારા અને આ ત્રીજા સ્તબકમાં ૧૯૩૧ પછી શક્તિશાળી લેખક તરીકે સ્થાન મેળવનારા કવિઓનું કાવ્ય ૧૯૩૧ પહેલાં, ઠેઠ ૧૯૨૨થી શરૂ થઈ ચૂકેલું છે. સાચી વાત તો એ છે કે આ સ્તબકના બધા તેજસ્વી કવિઓ, વયમાં તેમજ કાવ્યપ્રવૃત્તિ પ્રારંભવામાં એકબીજાને આગળપાછળ રહેલા છે છતાં તેમના કાવ્યસર્જનના આંતરિક સ્ફુરણમાં એકબીજાના સમકાલીનો, પરસ્પરના સહાયકો, પ્રેરકો, પૂરકો અને આલંબન રહ્યા છે,*[1] એ બધાનું સમગ્ર કાવ્ય, પ્રત્યેક કવિની વિશિષ્ટ વ્યક્તિતાથી અંકિત થયેલું હોવા છતાં, આખા યુગનો, સમસ્ત પ્રજાપ્રાણનો એક સર્વગત વ્યાપક ઉદ્ગાર છે અને તેને એ રીતે જોવાથી વધારે સમજી શકાશે.
સ્તબકનાં વિકાસબિન્દુઓ : ‘શેષ’-ગજેન્દ્ર-ઉમાશંકર-સુન્દરમ્
આમ છતાં આ ત્રીજા સ્તબકની કવિતાએ પોતાના પ્રથમ અંકુરથી માંડીને પૂર્ણ પ્રફુલ્લ વ્યક્તિત્વ પ્રાપ્ત કર્યું તે બે બિંદુઓ વચ્ચેનાં બીજાં વિકાસબિદુંઓ, પાછલા બે સ્તબકની કવિતા કરતાં વધારે સ્પષ્ટ રૂપે ઉપલભ્ય છે. તેમને જોઈ જવાથી ત્રીજા સ્તબકની કવિતાની વિકાસરેખા વધારે સ્પષ્ટ બનશે. આ ત્રીજા સ્તબકનું પ્રારંભબિંદુ ઠેઠ ૧૯૨૨ સુધી જાય છે. એ સાલમાં નવીન કવિતાનાં દ્યોતક તત્ત્વોવાળા બે લેખકો ‘શેષ’ અને ગજેન્દ્ર બુચની કૃતિઓ ‘નર્મદા આરે’ અને ‘સ્મશાને’ મળે છે. ‘શેષ’ની કૃતિમાં બળવંતરાયની ભાવનિરૂપણની સઘન મૂર્ત શૈલી છે, ગજેન્દ્રની કૃતિમાં નવીન રસળતી અરૂઢ સરલ છતાં અર્થવાહક પદાવલી છે, શેષની કેટલીક લાક્ષણિક કૃતિઓ ‘પ્રભુ જીવન દે’, ‘પ્રાર્થના’, ‘સિન્ધુનું આમંત્રણ’ આ પછી ૧૯૨૬ સુધીમાં લખાતી રહી છે, પણ તેમનું કાવ્ય ૧૯૩૪ પછી વધારે ખીલ્યું છે અને ત્યાં સુધીમાં તે એક ગંભીર રચનાશક્તિવાળા છતાં કાવ્ય પરત્વે અગંભીર મનોવૃત્તિવાળા લેખક જ રહ્યા છે. ગજેન્દ્રનું અકાળે અવસાન થતાં ૧૯૨૭માં જ તેમની કવિતાનો અંત આવ્યો. તેમની કૃતિઓમાં પ્રારંભમાં કલાપી, નરસિંહરાવ, ન્હાનાલાલ વગેરે ઘણા કવિઓની છાયાઓ છે, છતાં નવીન કવિતાની જે નવીન ફોરમવાળી મુક્ત રીતિ છે તેની સ્પષ્ટ રેખાઓ ગજેન્દ્રથી અંકાવા લાગે છે અને નવીન કવિતાના લાક્ષણિક કવિ તરીકે તે સહેજે પહેલું સ્થાન પામે છે. પણ ગજેન્દ્રના સમગ્ર કાવ્યની રેખાઓ સંદિગ્ધ પ્રકારની છે, તેનું કાવ્ય પૂરેપૂરું કલાત્મક બન્યું નથી. આવી સંદિગ્ધતા વિનાની અને સુરેખ કાવ્યત્વવાળી રચનાઓ પ્રથમ વાર ચન્દ્રવદન મહેતા પોતાના ‘યમલ’ના સૉનેટ-ગુચ્છમાં લઈ આવે છે. ‘યમલ’નાં સૉનેટોમાં બળવંતરાયની શૈલીનું પ્રાસાદિકતાભરેલું નવું સ્ફુરણ છે. અને એ નાની પુસ્તિકા નવીન કવિતાના સૌથી પ્રથમ સ્પષ્ટ અને મધુર રણકાર જેવી છે. આ દરમિયાન સ્નેહરશ્મિ, મનસુખલાલ, શ્રીધરાણી, મેઘાણી, ત્રિભુવન વ્યાસ, સુન્દરમ્ની રચનાઓ હજી પોતપોતાના વ્યક્તિત્વને પોતે જ સમજવા મથતી હોય તેમ અવારનવાર પ્રગટતી રહે છે. સ્નેહરશ્મિ ન્હાનાલાલની ગીતછટા અને બંગાળી લહક લઈ આવે છે : એમનું ‘અણદીઠ જાદૂગર’ એક ઘેરી રહસ્યમયતાનો ઉદ્ગાર બની રહે છે; મનસુખલાલની રચનાશક્તિ ‘મેઘદૂત’ના અનુસર્જન રૂપે ‘ચંદ્રદૂત’માં બાનીની શિષ્ટમિષ્ટ છટા સાથે પ્રકટ થાય છે. શ્રીધરાણીના ‘કોડિયાં’માં પ્રણયની એક નાજુક અને મનોહર રંગદર્શિતાની કુમાશ આવે છે; પરંતુ એથી ય વિશેષ લાક્ષણિકતા મેઘાણીનાં ગીતોમાં આવે છે. લોકકાવ્યને પોતાના કંઠમાં ઝીલીને, તેના રસળતા માધુર્યને આત્મસાત્ કરનાર આ બુલંદકંઠી ગાયક ‘વેણીનાં ફૂલ’ અને ‘સિન્ધુડો’માં લોકવાણીને રમણીય એવું પુનર્જીવન પહેલી વાર આપે છે. ‘વેણીનાં ફૂલ’ આપણા ગૃહજીવનના મધુર ભાવો અને પ્રકૃતિનાં મધુર દર્શનો આપે છે. ‘સિન્ધુડો’ આપણી પ્રજાના નવીન વિક્રમનાં બુલંદ અને દ્રાવક ગાન લોકવાણીની ઘેરી ગંભીરતાથી ગાય છે. ત્રિભુવન વ્યાસનાં બાળગીતો અને ઋતુઓનાં વર્ણનો એક નવો જ અર્થપ્રસાદ લઈ આવે છે. દેશળજી પરમાર ‘અમર ઇતિહાસે’ જેવાં કાવ્યોમાં મધુર પ્રાસાદિકતાથી પુરુષાર્થ અને બલિદાનની ભાવનાઓ ગાય છે. સુન્દરમ્ની ‘અભય દાને’ ‘જવાન દિલ’ અને ‘બુદ્ધનાં ચક્ષુ’ જેવી કૃતિઓ નવીન યુગની ભાવનાને ઝીલતી પોતાની સરળ પ્રાસાદિકતાથી વાચકોનું ધ્યાન ખેંચવા લાગે છે. નવીન કવિતાની રંગદર્શિતા, પ્રાસાદિકતા અને શિષ્ટતાના સૌથી વધુ મધુર મિશ્રણવાળી અને એ યુગના પ્રખર ઉત્સાહવાળા વાતાવરણને ઊંચી આદર્શમયતાથી નિરૂપતી પહેલી કૃતિ ‘વિશ્વશાંતિ’ ઉમાશંકર જોશી લઈ આવે છે. ‘વિશ્વશાંતિ’ની શૈલીમાં ન્હાનાલાલ અને બળવંતરાયની સાલંકૃતતા અને અરૂઢતા, પ્રાસાદિકતા અને છંદની પ્રવાહિતા, બીજા સ્તબકના કવિઓના ઉત્તમાંશોનું સમુચિત સમન્વયવાળું સ્વરૂપ જોવા મળે છે. એના ગઈ પેઢી સાથેના આ સાતત્યે નરસિંહરાવ જેવા દુરારાધ્ય વિવેચકને પણ પ્રસન્ન કર્યા, પરંતુ આ કૃતિ પણ હજી નવીન કવિતાનું એક જ પાસું રજૂ કરતી હતી. ૧૯૨૨થી નવીન રીતે જીવન તરફ અભિમુખ થવા લાગેલી, અનેક વિષયોને વિવિધ શૈલીઓ અને ભાષાભંગીઓથી આલેખતી, લોકબાનીથી માંડી શિષ્ટ સંસ્કૃત શૈલી સુધીના બધા વાણીપ્રકારોને પ્રયોજતી, ઊંડી આદર્શપરાયણતા, ગહન ગંભીરતા અને છતાં બાલસહજ સરળતા ધારણ કરતી, જીવનની વાસ્તવિકતા અને સૂક્ષ્મ રહસ્યમયતા બંનેને બાથમાં લેવા મથતી નવીન કવિતાએ આ દસેક વરસમાં પ્રશસ્ય એવા વિવિધ અવિર્ભાવો સાધ્યા હતા, પરંતુ એ બધા આવિર્ભાવોને ઠીકઠીક સમગ્રતાથી સ્પર્શતી રચનાઓ હજી કોઈ એક જ કવિમાં જોવા મળતી ન હતી. એ બન્યું ૧૯૩૩માં, સુન્દરમ્ની ‘કડવી વાણી’ અને ‘કાવ્યમંગલ’માં. નવીન કવિતાના વિવિધ ઉન્મેષોને પોતામાં ઝીલતી સુન્દરમ્ની આ રચનાઓમાં અર્વાચીન કવિતાના ત્રીજા સ્તબકમાં વિકસેલા નવા સ્વરૂપના લગભગ બધા અંશોનું પ્રફુલ્લ રૂપ જોવા મળે છે એમ ગુજરાતના વાચકોને તથા વિવેચકોને ત્યારે જણાયું. સુયોગવશાત્ ‘કાવ્યમંગલા’ પુસ્તકનાં રૂપરંગ પણ ગુજરાતના એક જાણીતા મુદ્રણપ્રવીણને હાથે એવી રીતનાં થયાં કે એ પુસ્તક પછી પ્રસિદ્ધ થયેલા બધા કાવ્યગ્રંથો એ જ રૂપરંગ ધારણ કરીને નીકળવા લાગ્યા અને એમ નવીન કવિતા પોતાના સૂક્ષ્મ અને સ્થૂલ ઉભયવિધ સ્વરૂપનું વિશિષ્ટ વ્યક્તિત્વ પ્રકટ કરતી કરતી અર્વાચીન કવિતામાં પોતાનો કલાકલાપ વિસ્તારવા લાગી.
નવીન કવિતાની લોકપ્રિયતા
૧૯૩૩ પછી નવીન કવિતાનું સર્જન વિશેષ વિપુલતાથી થવા લાગ્યું. બીજા સ્તબકની કવિતાને મુકાબલે આ નવી કવિતા વધારે ઝડપથી લોકપ્રિય થઈ. એની સામે અર્થઘનતા અવિશદતા અને ક્લિષ્ટતાના કંઈક સાચા અને કંઈક ખોટા એવા આરોપો મુકાતા રહ્યા છતાં લોકો તેને ઝીલવા લાગ્યા, કવિતાનાં પુસ્તકોનું વેચાણ પણ વધવા લાગ્યું, કવિઓને પોતાની કૃતિઓનો પુરસ્કાર પણ મળવા લાગ્યો, અને જનતા તરફથી એ નવીનોનો ઉમંગભેર સત્કાર પણ થવા લાગ્યો. આ થવાનું કારણ એ છે કે કવિ અને જનતા એ બંનેએ ગયા સ્તબક કરતાં હવે વધારે વિકાસ સાધ્યો હતો. નવીન કવિતા એકલી અર્થઘન અને શિષ્ટ ભાષામાં જ બંધાઈને બેઠી ન હતી, પણ જનસામાન્યની સરળ બાનીને પણ તેણે અપનાવી હતી, સૉનેટો રચવા સાથે તે બાળગીતો અને યુદ્ધગીતો પણ ગાતી હતી, વળી કવિઓએ કાવ્યને ગેય અને પાઠ્ય બંને રીતે રજૂ કરવાની હથોટી વિકસાવી હતી, અને જનતા પણ વધારે સંસ્કારી અને શિક્ષિત બની હતી. પરિણામે નવીન કવિતા જાહેર રંગમંચ ઉપર પ્રશસ્ય સફળતાથી રજૂ થવા લાગી. મેઘાણીનાં લોકગીતો અને તેમનાં સ્વરચિત બાળગીતો અને યુદ્ધગીતો સાંભળતાં લોકમેદની કલાકો સુધી મુગ્ધ બનીને બેસતી. સુન્દરમ્ અને ઉમાશંકરનાં કાવ્યગાન સાંભળવા લોકો આતુરતાથી ભેગા થતા. ‘કડવી વાણી’નાં ગીતો અને ભજનો ગુજરાતના ગ્રામવિસ્તારોમાં ભજનમંડળીઓએ ઝીલવા માંડ્યાં અને નવીન કવિતાનાં કોમલ તાજગીભરેલાં કર્ણમધુર ગીતો જ નહિ પણ વિચારપ્રધાન સૉનેટો અને અર્થપ્રધાન અગેય કાવ્યો પણ લોકોને એટલાં જ રસાવહ જણાવા લાગ્યાં. કવિસંમેલનો અને મુશાયરાઓ પણ થવા લાગ્યાં અને ઉર્દૂ-ફારસી સ્વરૂપની ગઝલોને નામે ઓળખાતી તૂકબંદી રચનાઓ તથા બીજી ગેય કવિતા પણ લોકોને આનંદ આપવા લાગી. આમ વિકસતા જતા જમાના સાથે કવિતાની લોકપ્રિયતાથી માંડી તેના આંતરિક સ્વરૂપ સુધીનાં તત્ત્વો પણ વિકાસ પામવા લાગ્યાં છે.
– તેના કવિઓ
૧૯૩૦થી આજ લગીનાં પંદર વરસોમાં નવીન કવિતાએ આપણને ઓછીવત્તી શક્તિવાળા પચાસેક લેખકો આપ્યા છે. વિદ્યાપીઠોની વધતી જતી કેળવણીને લીધે તથા કાવ્યકળાની વધારે નિર્બંધ પ્રકારની રીતિને લીધે, ગયા બે સ્તબકમાં બન્યું છે તેમ, આ સ્તબકમાં પણ ઘણાંએક સંવેદનાશીલ માનસ કવિતા તરફ જ પહેલાં વળ્યાં છે. આપણને જે આ પચાસેક જેટલા કાવ્યલેખકો મળ્યા છે તેમાંથી ઘણાખરાની કૃતિઓ એક કે એકથી વધારે પુસ્તક રૂપે પ્રસિદ્ધ થઈ છે અને બાકીના તેમની છૂટક કૃતિઓથી પણ પૂરતા જાણીતા થયેલા છે. આપણે ઉપર જોઈ ગયા તે ઉપરાંત સુંદરજી બેટાઈ, પૂજાલાલ, ઇન્દુલાલ ગાંધી, કરસનદાસ માણેક, રમણલાલ વ. દેસાઈ, અમીદાસ કાણકિયા, રમણ વકીલ, બાદરાયણ, પતીલ, પ્રહ્લાદ પારેખ, અરાલવાળા, પ્રબોધ ભટ્ટ, મુકુન્દ પારાશર્ય, સ્વપ્નસ્થ, નાથાલાલ દવે, હરિશ્ચંદ્ર ભટ્ટ, મુરલી ઠાકુર, મહેન્દ્રકુમાર, પુષ્પા ર. વકીલ, ‘ઉપવાસી’ વગેરે લેખકોની કૃતિઓ પણ પુસ્તકાકાર પામી અને ‘મૂસીકાર’ – રસિકલાલ છો. પરીખ, અશોક હર્ષ, સુધાંશુ, ઊર્મિલા દવે, ગોવિંદ સ્વામી, પ્રજારામ રાવળ, તનસુખ ભટ્ટ, વેણીભાઈ પુરોહિત જેવા બીજા અનેક લેખકોની કૃતિઓ પ્રસિદ્ધિમાં આવતી રહી.
– તેનાં વિવેચન અને અભ્યાસ
આ કવિઓની રચનાઓ વિવિધ પ્રસંગે આપણા વિચારસંપન્ન વિવેચકોને હાથે વિવેચન પામતી આવી છે. એ વિવેચકોની સમભાવી અને રચનાત્મક વિવેચનાએ નવીન કવિતાને તેના વિકાસમાં કીમતી સહાય કરેલી છે. એ વિવેચનોને લીધે પ્રારંભ કરતા લેખકને આત્મવિશ્વાસ પ્રગટ્યો છે, પોતાની શક્તિનું ભાન થયું છે, અને પોતાનાં મર્યાદા તથા અજ્ઞાનમાંથી બહાર નીકળવાનાં ઉત્સાહ અને દૃષ્ટિ મળ્યાં છે. બળવંતરાય ઠાકોરના ‘આપણી કવિતાસમૃદ્ધિ’ જેવા સંપાદને, ઝવેરચંદ મેઘાણીની ‘કલમ અને કિતાબ’ની વિવેચનની કટારોએ તથા ‘ગુજરાત સાહિત્ય સભા’ની વાર્ષિક સમાલોચનાઓએ નવીન કવિતાનાં બળઅબળ બંનેને યોગ્ય પ્રમાણમાં દૃષ્ટિગોચર કરી આપ્યાં છે. ઉપરાંત શાળાઓ અને મહાવિદ્યાલયોના ઉચ્ચ અભ્યાસક્રમોમાં પણ અધ્યયનનો વિષય બનવાનું ભાગ્ય આ નવીન કવિતાને તેની નવીનતાના પ્રમાણમાં ઘણું જલદી ગણાય તેવી રીતે મળ્યું છે. એ રીતે પણ તે સૂક્ષ્મ અભ્યાસનો વિષય બનતી રહી છે. ગયા સ્તબકોની કવિતા કરતાં નવીન કવિતા આમ વિશાળ વિવેચના તથા ઉત્સાહભર્યો લોકાદર મેળવી શકી છે. આમ આપણું આખું પ્રજામાનસ પોતાની કવિતાપ્રવૃત્તિ તરફ ધીરગંભીર અને જાગ્રત પરિશીલનવૃત્તિ દાખવતું થયું છે એ આપણી સંસ્કારિતાના વિકાસનું એક સુચિહ્ન છે.
– તેના ઉન્મેષો
આવી રીતે પ્રજાને અને વિવેચકને હાથે કદાચ વધારે પડતાં લાડ પામેલી, અને કદીક અમુક દિશાએથી અંગત રાગદ્વેષાદિકને કારણે કઠોર નિર્ભર્ત્સના પણ પામેલી, નવીન કવિતાનાં જે જે અંગઉપાંગોએ સમુચિત કલારૂપ લીધેલું છે તે આજના વિવેચકોએ પૂરતા પ્રમાણમાં આકલિત કરી આપ્યું છે એટલે તેના વિસ્તૃત નિરીક્ષણમાં અત્રે ઊતરવું આવશ્યક નથી. વળી આ કવિતા હજી વિકાસની અવસ્થામાં હોઈ તેની સિદ્ધિઓના મૂલ્યનો અંતિમ નિર્ણય કરવો એ પણ હજી ઠીક ઠીક દૂરના ભવિષ્ય ઉપર છોડવા જેવી વસ્તુ છે. એટલે અર્વાચીન કવિતાના આજથી લગભગ એક સદી ઉપર ૧૮૪૫માં પ્રારંભાયેલા પ્રવાહનું આ અવલોકન હવે હાલ પૂરતું અહીં જ અટકાવવાનું યોગ્ય થશે. માત્ર તેમ કરવા પહેલાં નવીન કવિતાના પ્રધાન ઉન્મેષો ઉપર એક ઊડતો દૃષ્ટિપાત કરી લઈશું, કે જેથી અભ્યાસીની નજર આગળ નવીન કવિતાના કલાદેહની રેખાઓ પૂરતી સ્પષ્ટતાથી અંકાયેલી બને.
૧ – પદ્યમાં પ્રવાહિતા અને વૃત્તવૈવિધ્ય
નવીન કવિતાનો પહેલો ધ્યાન ખેંચનારો ઉન્મેષ એના પદ્યદેહમાં જોવા મળે છે. સામાન્ય રીતે બને છે પણ એમ જ કે કવિતાની તેમજ બીજી પણ કળાઓની પ્રવૃત્તિમાં થતો નવો ઉન્મેષ પ્રથમ તો તેના બાહ્યાંગમાં નૂતન કલાત્મકતાનું, નવીન અર્થદ્યોતકતાનું, પોતાના ઉપાદાનના નવીન સંયોજનનું કોક નવી ઝલકવાળું, ક્રાન્તિકારી અને સાથે સાથે પરંપરામાંથી પુષ્ટ થતું એવું સ્ફુરણ લઈ આવે છે. આપણે ઉપર જોઈ ગયા તેમ નવીન કવિતાના પદ્યમાં પ્રધાન વ્યાવર્તક લક્ષણ છે છંદની પ્રવાહિતા, જે તેણે ડોલનશૈલીનો જ્ઞાનપૂર્વક પરિત્યાગ કરીને અને ‘અગેય’ પદ્યની વિચારસરણીનો સમજણપૂર્વક સ્વીકાર કરીને વિકસાવી છે. આ પૂર્વે આ પ્રવાહિતાની શક્યતા બળવંતરાય ઠાકોરે પૃથ્વી વૃત્તમાં વિશેષ જોઈ હતી અને અજમાવી હતી. નવીન કવિઓ આ પ્રવાહિતાને લગભગ બધાં રૂપમેળ વૃત્તોમાં લઈ ગયા. જોકે એમાંથી કેટલાંક દૃઢ યતિસ્થાનવાળાં, સ્રગ્ધરા કે મંદાક્રાન્તા જેવાં વૃત્તોમાં તેથી કશી ખાસ કાવ્યક્ષમતા વધતી જણાઈ નથી, પરંતુ નવીનોને હાથે વિકસેલા અને ખૂબ પ્રયોજાયલા વૃત્ત મિશ્રઉપજાતિમાં આ પ્રવાહિતાની શક્યતાઓ ઘણી દેખાઈ. નવીન કવિતાની ઘણીએક લાક્ષણિક રચનાઓ આ વૃત્તમાં થયેલી જોવા મળે છે. નવીન કવિતાના પદ્યદેહનું બીજું અગત્યનું લક્ષણ છે વૃત્તોનું પ્રચુર વૈવિધ્ય. રૂપમેળ ઉપરાંત માત્રામેળ તથા લયમેળ પ્રકારનાં સંખ્યાબંધ વૃત્તો નવા અર્થસંભારવાળી કવિતાનું વાહન બન્યાં છે. એ દરેકમાં કંઈક નવું લયસંયોજન, કંઈક નવનિર્માણ આપણા કવિઓ કરતા રહ્યા છે.
૨ – વિષયોની વિશ્વતોમુખિતા
નવીનોનું પ્રયોગશીલ અને સાહસિક છતાં મૂર્તતાને અને વાસ્તવિકતાને વળગી રહેતું માનસ જેમ એક દિશામાં છંદનાં સ્વાતંત્ર્ય અને બહુવિધતા તરફ વિકસ્યું તેવું બીજી દિશામાં તે કાવ્યના વિષયોની પસંદગીમાં પણ સર્વતોમુખી બન્યું. આ વિષયોનું વૈવિધ્ય પહેલા સ્તબકમાં ઠીક ઠીક હતું, પણ બીજા સ્તબકમાં આપણી કવિતા વધુ ને વધુ આદર્શપરાયણ થઈને વિષયોની અને બાનીની પસંદગીમાં ઉન્નતતા, ઉત્કૃષ્ટતા, વિરાટતા અને સંસ્કારિતાના કંઈક સત્યવાળાં અને કંઈક બાહ્ય આભાસવાળાં તત્ત્વોમાં જ વિચરવાનું પસંદ કરતી હતી. નવીન કવિતાને પણ આખા જગતને બાથમાં લેવું હતું, તેનાં ઉત્તમોત્તમ અને ઉન્નતોન્નત તત્ત્વોને સ્પર્શવાં હતાં, તેનાં ગૂઢતમ સૌંદર્ય અને રસને અધિગત કરવાં હતાં. પરંતુ આ નવીન યુગે જેમ જીવનના સર્વ પ્રદેશોને, સર્વ આવિર્ભાવોને એકસરખા પવિત્ર અને સેવાર્હ માન્યા અને અજ્ઞાન કે મોહ કે અભિમાનમાંથી જન્મેલા વિધિનિષેધોને દૂર કર્યા તે પ્રમાણે નવીન કવિતાએ પણ આ પૂર્વે કાવ્યને માટે અનુચિત કે અશિષ્ટ ગણાતા એવા વિષયોને પણ લેવા માંડ્યા અને તે દરેકની પાછળ માનવતાના, સંસ્કારિતાના, જીવનની ઉન્નત કે ગહન ગતિના, અને છૂપા કે ગૂઢ સૌન્દર્ય અને સત્યના ધબકારા જોવાનો પ્રયાસ કર્યો. તેણે જીવનના પ્રાકૃત અને ભવ્ય, ક્ષણિક અને સનાતન, સ્થૂલતમ અને સૂક્ષ્મતમ, વાસ્તવિક અને વાયવ્ય, કુરૂપ અને સુરૂપ એમ સર્વવિધ આવિષ્કારોને સ્પર્શવાનો, સમજવાનો અને ગાવાનો પ્રયાસ કર્યો.
૩ – બાનીની અનેક છટાઓ
આવા વિશ્વમુખી બનેલા કાવ્યમાનસની બાની પણ અનેકવિધ છટાઓવાળી બની. અશિષ્ટ અને અસંસ્કારી ગણાતા નીચલા થરોની ઘરાળુ લોકબોલીઓથી માંડી ઉપનિષદોની આર્ષ વાણી સુધીનાં વિવિધ ભાષારૂપોને તેણે આવશ્યકતા-અનુસાર નિર્ભીક રીતે ઉપયોગમાં લેવા માંડ્યાં અને પ્રયોગદશામાં તથા ઉત્સાહના અતિરેકમાં આવી જતી અપરૂપતાને બાદ કરતાં બીજે ઠેકાણે તેણે તે દરેક ભાષાવિન્યાસમાંથી કશુંક મનોહર, રમણીય અને નવી સૌન્દર્યછટાવાળું ચારુ કાવ્ય નિપજાવ્યું. તેણે એક બાજુએ બધા અલંકારોને ઉતારી મૂક્યા, શિષ્ટતા અને ઠાવકાઈના વાઘાને દૂર મૂક્યા, શબ્દોની આભડછેટ દૂર કરી તો બીજી બાજુ અલંકારોનું સમુચિત પરિધાન પણ કર્યું અને શિષ્ટ અને મિષ્ટ ઉભયવિધ સ્વરૂપોવાળી સૌષ્ઠવતાભરી સંપૂર્ણ રચનાઓ પણ આપી. વિષયોના અને બાનીના આવા બહુવિધ પ્રયોગવાળાં કાવ્યોમાંથી પહેલા પ્રકારનાં દૃષ્ટાંતલેખે આપણે ઉમાશંકરનાં ‘ચુસાયેલા ગોટલાને’ અને ‘બૅન્ક પાસેનું ઝાડ’, સુન્દરમ્નાં ‘બાનો ફોટોગ્રાફ’ અને ‘૧૩-૭ની લોકલ’, મનસુખલાલનું ‘પીયર્સ સોપ’, ‘શેષ’નું ‘વૈશાખનો બપોર’, બેટાઈનું ‘લટાર” ઇત્યાદિને ગણાવી શકીએ; તો બીજા પ્રકારનાં દૃષ્ટાંત લેખે શ્રીધરાણીનું ‘અવલોકિતેશ્વર’, ઉમાશંકરના ‘નિશીથ અને અન્નબ્રહ્મ’, સુન્દરમ્નાં ‘કાલિદાસને’ અને ‘કર્ણ’, મનસુખલાલનું ‘કુરુક્ષેત્ર’, શેષનું ‘સિન્ધુને આમંત્રણ’ વગેરે સૂચવી શકીએ.
૪ – અનેક કાવ્યરૂપો
નવીન કવિતાએ કાવ્યના પ્રકારોમાં ઘણી વિવિધતા સાધી છે. આ ગાળામાં પ્રેમાનંદની દેશીઓ, લોકગીતો, ગરબા, રાસ તથા ભજનોની આપણી પ્રાચીન દૃશ્ય પ્રણાલીમાં અનેક રચનાઓ થઈ છે; સૉનેટો ઊર્મિકાવ્યો અને ખંડકાવ્યોનો અર્વાચીન ઊર્મિકાવ્યની શૈલીનો પ્રકાર ગયા સ્તબક કરતાં વિશેષ પ્રમાણમાં ખેડાયો છે; અંગ્રેજી ‘ઓડ’ પ્રકારનાં લાંબાં અર્થગંભીર કાવ્યો વધારે રચાતાં થયાં છે. બાલશિક્ષણમાં આવેલી નવી જાગૃતિને લીધે તથા બાળકો તરફ આપણી બદલાયેલી મનોવૃત્તિને લીધે બાળકાવ્યો પણ વધારે લખાતાં થયાં છે; સંસ્કૃત પ્રકારનાં મુક્તકો પણ વિશેષ રચાયાં છે. છેલ્લે છેલ્લે મુસ્લિમ લેખકોને હાથે ઉર્દૂ શૈલીની ગઝલો પણ રચાવા લાગી છે; જોકે આ બધા પ્રકારો એકસરખા કાવ્યગુણવાળા બન્યા નથી એ સ્વીકારવું જોઈશે. વળી ખંડકાવ્ય જેવો પ્રકાર ક્રમે ક્રમે લુપ્ત પણ થતો ગયો છે, તો ઠાકોરનાં ‘બુદ્ધ’ અને ‘રાજ્યાભિષેકની રાત્રિ’ તેમજ ઉમાશંકરનાં ‘પ્રાચીના’માંનાં કાવ્યો જેવાં કથાત્મક કાવ્યો, કે સુન્દરમ્નાં ‘દ્રૌપદી’ અને ‘કર્ણ’ જેવાં ચારિત્ર્યરેખાંકનો, કે સ્નેહરશ્મિનું ‘એકોઽહં બહુ સ્યામ્’ અને ઇન્દુલાલની ‘ખંડિત મૂર્તિઓ, રમણલાલ વ. દેસાઈનું ‘જલિયાનવાલા બાગ’ અને સુન્દરમ્નાં ‘પુલના થાંભલા’ કે ‘સળંગ સળિયા પરે’, ઉમાશંકરનું ‘વિરાટ પ્રણય’ અને બેટાઈનું ‘ઇન્દ્રધનુ’, મનસુખલાલનું ‘પાર્વતી’ અને સ્વપ્નસ્થનું ‘માયા’, પ્રબોધ પારાશર્યનું ‘પૂજારી’ અને પ્રહ્લાદ પારેખનું ‘બારી બહાર’ જેવી કોઈ ખાસ વર્ગીકરણમાં ન આવે તેવી પોતપોતાના અનોખા વ્યક્તિત્વવાળી રચનાઓ પણ ઘણી થયેલી છે.
૫ – જીવનસત્ત્વનું નવું સ્પન્દન
નવીન કવિતાનો છેલ્લો અને સૌથી મહત્ત્વનો ઉન્મેષ છે તેના આંતરિક સ્વરૂપનો. એનો જન્મ પણ આ યુગના વિશિષ્ટ પ્રકારના માનસમાંથી જ થયેલો જોઈ શકાય છે. આ આખો યુગ એક નવી અને વિશાળ ઉદાર આદર્શપરાયણતાનો અને સાથે સાથે એટલી જ વ્યાપકતા અને તલસ્પર્શી વાસ્તવિકતાનો રહેલો છે. આ પહેલાંના જમાનાઓમાં ઘણાં મૂલ્યોને આ જમાનામાં નવું સંસ્કરણ મળ્યું છે અને ઘણાં નવાં મૂલ્યો ઉત્પન્ન થયાં છે. અને એ સર્વની પાછળ જીવન વિશે એક નવી જ ગંભીરતા, ધીરતા, પ્રયોગશીલતા, સાહસિકતા આવી છે. વળી જીવનનાં સનાતન ઋત અને શિવ, સૌન્દર્ય અને પ્રણયની ઉપાસના પણ આ વખતે ઘટી નથી. પણ આ પહેલાંનો જમાનો, જે રીતે અલ્પથી સંતુષ્ટ થઈ જતો અને બાહ્ય આચારપ્રધાન નીતિરીતિના વિધિનિષેધોમાં જ જે બધી રીતની સિદ્ધિ જોતો તે સસ્તા અને છીછરા ઉકેલોથી નવા યુગનું માનસ તૃપ્ત થાય તેમ ન હતું. નવીન યુગને પણ પ્રેમ, સૌન્દર્ય, શાંતિ, સર્વજનહિત વગેરે જોઈતાં હતાં, પણ તેની માગણીઓ વધારે ગંભીર, વાસ્તવિકતા ઉપર અને સાથે સાથે નિરામય વિશુદ્ધ સત્ય ઉપર પ્રતિષ્ઠિત હતી. અને તેથી તેણે જીવનના વિસંવાદોનો, સંઘર્ષોનો સમન્વય સાધવાને પોતાની જ રીતે નવા પ્રયત્નો શરૂ કર્યા. વાસ્તવિકતાની પૂરેપૂરી પિછાન સાથે તેણે વિરાટ આદર્શ તરફ ગતિ શરૂ કરી. જૂના જમાના સાથેના આ દૃષ્ટિભેદમાંથી તેની કવિતામાં પણ નવો દૃષ્ટિભેદ આવ્યો, નવીન કવિ પણ પ્રકૃતિનું અને માનવનું નિરૂપણ કરવા લાગ્યો, માનવથી ઇતર સત્ત્વોને પણ સમજવા તે મથવા લાગ્યો, પણ એ સર્વે તેના દૃષ્ટિપટમાં નવો જ ઘાટ લઈને આવવા લાગ્યાં. આ સમન્વયની ખોજ, સત્યની અતલ ક્ષુધા, પુરુષાર્થનું નિઃસીમ ગાંભીર્ય, જીવનનાં સર્વ તત્ત્વોને, સ્થૂલસૂક્ષ્મ આવિર્ભાવોને સમજવા મથતી વ્યાપક પરામર્શક બુદ્ધિ, વાસ્તવિકતા અને રંગદર્શિતા એ બંનેની સરખી અનુભૂતિ અને આરાધના એવાં એવાં તત્ત્વોમાંથી નવીન કવિતાનું પ્રાણતત્ત્વ ઘડાયું. એ ખોજે કાવ્યમાં આજ લગી જે અભિવ્યક્તિ સાધી છે તે હજી ઉત્તમોત્તમ કક્ષાની નહિ હોય, તથાપિ એ પાછળ પ્રાણનો જે ઉચ્છ્વાસ છે તે આ પૂર્વેની કવિતા કરતાં નિઃસંશય વિશાળ અને ગહન સ્પન્દનવાળો છે.
વિવિધ પરંપરાઓનું અનુસંધાન
આ રીતે નવીન કવિતાનો ઊગમ થયો છે, તેનું સ્વરૂપ બંધાયું છે અને તેના ઉન્મેષો વિકસ્યા છે. ભૂતકાળની દૂરસુદૂર વેદકાલીન આર્ષ બાનીવાળી કવિતાથી માંડી, શિષ્ટ સંસ્કૃત રીતિની તથા આપણા પ્રાચીન અને અર્વાચીન કવિઓ સુધીની આપણી પોતાની એતદ્દેશીય કવિતાના તથા યુરોપની અને અમેરિકાની અદ્યતન કાળ સુધીની કવિતાના સંસ્કારોને આત્મસાત્ કરીને તથા આજ લગી જીવનમાં વિકસેલાં અને વિકસી રહેલાં વિચાર, ભાવના અને આદર્શોનાં તત્ત્વોને ઝીલીને તથા યથાશક્તિ પચાવીને તેણે જીવનને કાવ્યનો વિષય કરવા માંડ્યું છે. આજની કવિતામાં વેદનું ‘પૃથિવીસૂક્ત’ અનુવાદ રૂપે પણ ગુજરાતી ભાષામાં એ આર્ષતાની છટા લઈ આવ્યું છે, ‘અન્નબ્રહ્મ’ જેવી કૃતિઓ ઉપનિષદની વાણીને પાછી જગાડવા લાગી છે, ‘ચંદ્રદૂત’ કાલિદાસના યુગની છટાને ઝીલવા મથ્યું છે, ‘લોકલીલા’ અને ‘કડવી વાણી’ તથા ‘સિન્ધુડો’નાં ગીતો આપણા પ્રાચીન કવિઓ અને લોકસાહિત્યના સ્વરોને પાછા જાગ્રત કરવા મથ્યાં છે, પતીલ અને શયદાની ગઝલો ફારસીશાહી રંગને, અને સ્નેહરશ્મિ અને ઉપવાસીનાં ગીતો બંગાળી લઢણને પકડી લાવ્યાં છે. આપણી અર્વાચીન કવિતાની લઢણો આ કરતાં યે વિશેષ મૂર્ત રૂપે નવીન કવિતામાં સંક્રમણ પામી છે. એક વખત અકવિત્વભરી ગણાયેલી દલપતશૈલીમાં પણ જે અમુક કલાક્ષમતાનું તત્ત્વ હતું તે નવીનોએ ઝીલ્યું છે. ચંદ્રવદન મહેતાનાં ‘ઇલા’ કાવ્યોમાં એ શૈલીનો વધારે કલ્પનારસિત પુનર્જન્મ થયો છે. રમણલાલ સોનીનાં બાળકાવ્યોમાં અને સુન્દરમ્નાં કટાક્ષપ્રધાન હળવાં કાવ્યોમાં એ શૈલી જીવિત બની રહી છે. બાલાશંકરના ‘ક્લાન્ત કવિ’ની છટાઓ સુન્દરમ્ના ‘માયાવિની’માં તથા રસિકલાલ પરીખ – ‘મૂસીકાર’ના હજી જોકે અપ્રસિદ્ધ રહેલા શતકમાં પ્રગટી છે. નવીન કવિતાના ઉપર આમ તો કશી ખાસ ઘટનાત્મક અસર ન નિપજાવનાર નરસિંહરાવ અને ખબરદારની રીતિ પણ તેમના શિષ્યો અને પ્રશંસકો રહેલા કવિઓમાં ઊતરી આવી છે, ગજેન્દ્ર, બેટાઈ, બાદરાયણ, કાણકિયા, રમણ વકીલ વગેરેની અમુક અમુક રચનાઓમાં નરસિંહરાવની સૌમ્ય મધુર શૈલી અનુસંધાન પામી છે. ‘કોલક’ જેવાનાં કાવ્યોમાં ખબરદારની મુક્તધારા તથા ગીતોની શૈલી ફરી પ્રગટી છે. ન્હાનાલાલની છંદો અને ગીતોમાં પ્રગટેલી ઉત્કૃષ્ટ સમલંકૃત ધીરગંભીર વાણીને ઉમાશંકરે પોતાની રીતે પુનઃ પ્રયોજી છે. ઇન્દુલાલ ગાંધીએ ન્હાનાલાલની શૈલીના કેટલાક રંગોને વધારે ઘેરા બનાવ્યા છે. ઠાકોરની અરૂઢ રીતિને તેના રુક્ષ અને ક્લિષ્ટ અંશોનો પરિહાર કરીને વધુ પ્રાસાદિક રૂપે ચંદ્રવદને ‘રતન’માં વિસ્તારી છે.
નવીનતર કવિઓ
આ નવીનોની રસળતી અને અરૂઢ, પ્રાસાદિક અને અર્થઘન, અનલંકૃત અને સાલંકૃત, વાસ્તવિક અને રંગદર્શી, સ્વસ્થ અને મત્ત એવી કાવ્યરીતિના સંસ્કારો ઝીલીને નવીનોના નૂતન વિકાસ જેવી નવીનતર કવિતા પણ રચાવા લાગી છે અને પોતાનું વ્યક્તિત્વ પ્રકટ કરવા લાગી છે. છેલ્લાં આઠદસ વરસમાં જ જેમની કવિતા ખીલી છે એવા લેખકોમાં હરિશ્ચંદ્ર ભટ્ટ, મુરલી ઠાકુર, નાથાલાલ દવે જેવા કેટલાક તો નવીનોના સમવયસ્કો જેવા છે, અને એ નવીન જ શૈલીના પ્રવાહને પુષ્ટ અને સમૃદ્ધ કરનારા છે; તો પ્રહ્લાદ પારેખ, અરાલવાળા, સ્વપ્નસ્થ, તનસુખ ભટ્ટ, મુકુન્દ પારાશર્ય, પ્રબોધ ભટ્ટ, પ્રજારામ રાવળ, સ્વ. ગોવિંદ સ્વામી, અશોક હર્ષ, મહેન્દ્રકુમાર જેવા લેખકો વયમાં અનુજો જેવા છે અને એ પોતપોતાની રચનાઓમાં વિશિષ્ટ તાજગી અને કુમાશભરેલું વ્યક્તિત્વ લઈ આવ્યા છે. આ નવીનોમાં પુષ્પા ર. વકીલ અને ઊર્મિલા દવે જેવી સ્ત્રી-લેખિકાઓ પણ જોવા મળે છે કે જેમણે નવીન શૈલીને પ્રશસ્ય રીતે ઝીલી છે અને કેટલીક મનોહારી રચનાઓ આપી છે.
નવીનતરોનો નવો ઉન્મેષ
આ નવીનતર કવિતાનો પણ એક નવો ઉન્મેષ છે. કાવ્યરૂપમાં વિવિધ રીતે પ્રયોગ અને મન્થનો કરતી રહેલી નવીન કવિતાના શ્રમનો પાક હવે જાણે બેસવા લાગ્યો છે. કાવ્યનાં અંગઉપાંગો, શૈલીઓની વિવિધતાઓ, તત્ત્વદૃષ્ટિનાં ઘમસાણો આદિ વિવિધ પ્રકારોમાં નવીન કવિતાને હાથે જે પ્રયોગ રૂપે કેટલુંક અપક્વ, અકલાયુક્ત, રુક્ષ કામ અનિવાર્ય રીતે થયેલું, તે કરવાની કઠોર આવશ્યકતામાંથી આ નવીનતર કવિતા બચી ગઈ છે અને વિશેષ સંવાદ અને માધુર્યના વાતાવરણમાં તે પોતાનું કાવ્ય રચવા લાગી છે. ‘સ્વપ્નસ્થ’ અને ‘ઉપવાસી’ જેવાઓ નવીનોની પ્રયોગાત્મકતાનો તંતુ આગળ પણ લંબાવી રહ્યા છે. કાવ્યબાનીમાં બળકટતા, નવતા અને અર્થવાહકતાનાં તત્ત્વો તેઓ નવી રીતે સાધવા મથી રહ્યા છે, વળી તેમની રક્તરંગી સોવિયેત રશિયાની જીવનદૃષ્ટિને પણ તેમણે અનન્ય ભાવે અને જરા વિશેષ મુગ્ધતાથી કવિતામાં સાકાર કરવા માંડી છે. પ્રહ્લાદ પારેખ, તનસુખ, પારાશર્ય અને પ્રબોધ જેવાઓમાં જીવનનું શાંત ઊર્મિવાળું અભિસરણ વધારે માધુર્ય અને લાલિત્યથી પ્રગટવા માંડ્યું છે. આમ નવીન અને નવીનતર બનેલી કવિતા થોડા કાળે નવીનતમ પણ બનશે. જગતના આદિથી સ્ફુરતો રહેલો માનવવાણીનો સ્પન્દ વળી નવા ઉન્મેષો લાવશે અને આ નવીનોના નવા ઉન્મેષો કંઈ સ્થિર રૂપ લઈ ‘નવીન’ કરતાં કોઈ વધારે તત્ત્વાનુસારી અભિધાન પામશે. એ અભિધાન કયું હશે, તેઓ રાષ્ટ્રીય જાગૃતિના કવિઓ કહેવાશે કે સાંસ્કૃતિક જાગૃતિના કવિઓ કહેવાશે એનો અત્યારે ક્યાસ બાંધવાની ઉતાવળ કરવાની જરૂર નથી. અત્યારે તો હવે વર્તમાનની આ ક્ષણ ઉપર જ સ્થિર થઈ જઈને એ કવિતાની થોડીક મર્યાદાઓ અને ભાવી શક્યતાઓનો વિચાર કરી લઈએ અને આ જરા પક્ષપાતપૂર્વક લંબાયેલી લાગે એવી વિચારસરણીનું પૂર્ણવિરામ લાવીએ.
નવીન કવિતાની મર્યાદાઓ : ૧ – અસફલ પ્રયોગો
હા, નવીન કવિતાને પણ મર્યાદાઓ રહેલી છે, પણ તે આપણા કેટલાક અર્ધદગ્ધ અને અનભિજ્ઞ વિવેચકો દ્વારા જે રૂપમાં અને જે પ્રમાણમાં બતાવાય છે તેવી અને તેટલી નથી. નવીન કવિતાનો વિચાર કરતાં સૌથી પહેલાં એ વાત લક્ષ્યમાં રાખવાની છે કે ગુજરાતી કવિતા આ સમયે આ પૂર્વે કદી ન હતી એવી પ્રયોગાત્મક વિકાસદશામાંથી પસાર થઈ રહી છે. કાવ્યને વધારેમાં વધારે કલાક્ષમ કરવા માટે તે કાવ્યના છંદ, બાની વિષય વગેરે પ્રત્યેક અંગઉપાંગમાં નવાં સંયાજનો, નવી ઝાંયો, નવી છટાઓ અજમાવે છે. નવીન કવિતાની જે કેટલીક ઊણપો છે તે આ પ્રકારના અસફલ રહેલા પ્રયોગોની છે. દા. ત. નવીન કવિતામાં અર્થઘનતા કે અર્થક્લિષ્ટતા કે અર્થસંદિગ્ધતા છે, પણ નવીન કવિતાનાં બધાં કાવ્યોમાં તેવી રચનાઓનું પ્રમાણ કેટલું છે? શેષ, મેઘાણી, શ્રીધરાણી, સ્નેહરશ્મિ, બેટાઈ, મનસુખલાલ, સુન્દરમ્, ઉમાશંકર, કે નવીનતરોમાં પ્રહ્લાદ, પ્રબોધ કે પારાશર્યની બધી કૃતિઓ જોઈ જતાં તેમની એકંદરે છાપ કેવળ અર્થઘન કે ક્લિષ્ટ, સંદિગ્ધ કે વિરસ તરીકે ખરેખર પડે છે? ઊલટું, આ અને બીજા ઘણાએ લેખકોને હાથે પ્રસાદમધુર, સંગીતક્ષમ, તરલ લાલિત્યવાળી કેટલી યે કૃતિઓ રચાઈ છે. નવીન કવિતાએ અજમાવેલા છંદોના અખતરા, અરૂઢ ભાષાપ્રયોગો, કાવ્ય માટે અસ્પૃશ્ય મનાયેલા વિષયો અંગેની રચનાઓ એ પ્રત્યેકમાં છંદનો સંવાદ, શબ્દનું કલાત્મક નિયોજન કે રસનું ઔચિત્ય એકસરખું સર્વત્ર પ્રકટ થયું નથી, પરંતુ પ્રયોગનાં આ બધાં અનિવાર્ય જોખમો છે અને તે ખેડ્યા સિવાય બીજો ઇલાજ નથી.
૨ – કાવ્યના સર્જનાત્મક સ્વરૂપની પરખમાં કંઈક મંદતા
નવીનોની જે ખરી મુશ્કેલી છે અને જે લગભગ દરેક નાનામોટા કવિની પણ રહેલી છે તે આ છે. ઉત્તમ કાવ્યસર્જનની જે વિશિષ્ટ પ્રક્રિયા છે, છંદ શબ્દ અને અર્થ તથા ધ્વનિનું જે સર્જનાત્મક રૂપે નિબંધન છે તેની તલગામી પરખ અને તેનો સત્યનિષ્ઠાપૂર્વક સદા જાગ્રત રહીને થવો જોઈતો નિયોગ, એ બંને તત્ત્વો અવારનવાર અને કોક વાર વધારે પ્રમાણમાં નવીન કવિમાંથી લુપ્ત થતાં દેખાય છે. કાવ્યને કાવ્ય બનાવનારનું તત્ત્વ છે તેનાં અંગઉપાંગોની વિવિધ સામગ્રીને સાધન યા આલંબન બનાવીને પ્રકટ થતો જીવનના કશાક સંવેદનનો, તત્ત્વનો, ઊર્મિનો, વિચારનો કે ભાવનો કશીક લોકોત્તરતા, અપ્રાકૃતતા અને અનનુભૂતની તાત્ત્વિક ચમત્કૃતિવાળો વ્યક્તિત્વસંપન્ન સર્જનાત્મક આવિર્ભાવ. જીવનના આ સર્જનાત્મક નૂતન આવિર્ભાવ વિના કાવ્યત્વનું નિર્માણ નથી બનતું. એ નૂતન આવિર્ભાવની જે મૂલ સૂક્ષ્મ ચમત્કૃતિ છે તેમાંથી કાવ્યના છંદ, શબ્દ, અર્થ, ધ્વનિ વગેરેની રસવત્તા નિર્માય છે. મંદપ્રતિભાવાળા કવિને હાથે યા તો પ્રતિભાવાળો કવિ હોય તોપણ તેની અહંપ્રધાન કે બીજાં વિવિધ કારણોસર તિમિરાવૃત્ત બનતી ક્ષણોમાં તેને હાથે પણ આ તત્ત્વની ઉપેક્ષા થાય છે. અને તેનું જે એક સર્વસામાન્ય પરિણામ આવતું રહેલું જોવામાં આવ્યું છે તે એ છે કે છંદ શબ્દ અર્થ કે વિષય કે ધ્વનિને જ કાવ્યત્વનાં સર્જક તત્ત્વો ગણી લેવાય છે.
૩ – કાવ્યનાં સ્થૂલ અંગોની ઐકાન્તિક ઉપાસના
નવીન કવિતાને હાથે પણ આ પ્રમાણેની ક્ષતિઓ થઈ છે. તેને છંદોની પ્રવાહિતાનું તત્ત્વ મળ્યું, તો એટલા માત્રથી જ કવિતાનું બધું તત્ત્વ હાથ આવી ગયું એમ માની કેટલીક પ્રવૃત્તિ થવા લાગી. છંદમાં પ્રવાહિતા હોવા છતાં તેવી રચના અકાવ્ય હોઈ શકે છે. ગુજરાતી ભાષામાં મહાકાવ્ય નથી તેનું એક કારણ એમ પણ કેટલાકને લાગતું રહ્યું છે કે અંગ્રેજી મહાકાવ્યના જેવો ‘બ્લૅન્ક વર્સ’ છંદ આપણે ત્યાં નથી. પરંતુ એ બ્લૅન્ક વર્સવાળી અંગ્રેજી ભાષામાં પણ મિલ્ટન પછી કેટલાં મહાકાવ્યો રચાયાં તેનો વિચાર આપણે કર્યો નથી. આપણાં સંસ્કૃત મહાકાવ્યો તો ઉપજાતિ અને અનુષ્ટુપ એ બે જ છંદોમાં રચાયાં છે. અને એ છંદો તો પરાપૂર્વથી આપણે ત્યાં છે છતાં વ્યાસ કે વાલ્મીકિ કે કાલિદાસ પછી કેટલાં મહાકાવ્યો રચાયાં છે? અર્થાત્, છંદ એ મહાકાવ્યનું યા હરકોઈ પ્રકારના કાવ્યનું સર્જક તત્ત્વ નથી. પદ્ય, પછી તે ગમે તે રૂપનું હો, તે પ્રવાહી હો વા શ્લોકબદ્ધ, તે સંગીતક્ષમ હો વા પઠનક્ષમ, પણ તેટલા માત્રથી તે કાવ્યનું નિર્માતા નથી થઈ શકતું. છંદની પ્રવાહિતાની આવી એકાંગી ઉપાસના, અને તેની ગુણવત્તાના આવા ભ્રામક અને ભ્રમપૂર્ણ બની જતા એવા પ્રયોગ તરફ એ પ્રવાહિતાના નિર્માતા બળવંતરાય ઠાકોરે જ નવીન કવિઓને ચેતવ્યા છે એ એમની છંદમાં પ્રવાહિતા લાવવા જેટલી જ કીમતી સેવા છે. આવી જ સ્થિતિ છંદોના બીજા પ્રકારો, કાવ્યની પદાવલિ, શૈલી, સાલંકૃતતા કે વિષયો પરત્વે બની છે. અમુક વૃત્તોમાં કે અમુક ઢાળોમાં લખવું; અમુક રસળતી કે ગંભીર, અરૂઢ કે ખરબચડી ભાષા વાપરવી; અલંકારપ્રધાન કે તદ્દન અલંકાર વિનાની, ઓજસવાળી કે નર્યા લાલિત્યવાળી શૈલી વાપરવી; અમુક જ ઉક્તિલઢણો, પછી તે લોકબોલીની હોય, લોકકાવ્યની હોય, શિષ્ટ ભાષાની કે શિષ્ટ સાહિત્યની હોય, બાલગમ્ય હોય કે પ્રૌઢગમ્ય હોય, તેને જ ઘૂંટ્યા કરવી; અમુક જ વિષયોને લેવા, કોકિલા ચંદ્ર કે આકાશ, વિરાટ ભવ્ય કે સનાતનનું જ કાવ્ય કરવું, યા તો રુક્ષ, ગ્રામીણ, સ્થૂલ, અસંસ્કારી, દરિદ્ર દીન જીવનને જ કાવ્યમાં લેવું; આ અને આવાં બીજાં એકાંગી, સ્થૂલપ્રધાન વલણો ગયા સ્તબકમાં હતાં અને આ ત્રીજા સ્તબકમાં પણ છે. ન્હાનાલાલ અને ખબરદાર જેવા, મહાકાવ્યો લખવાનો મહા ઉત્સાહ ધરાવનારા આપણા કવિઓ પોતાનાં લખેલાં યા લખાતાં કાવ્યોનું મહાકાવ્યત્વ જણાવવા તે તે કાવ્યની કેટલા હજાર પંક્તિઓ લખાઈ છે તેના આંકડા આપણને જણાવે છે. કવિએ કેટલાં કાવ્યો લખ્યાં, કેટલી પંક્તિઓ લખી, કેવી ભાષા વાપરી, કેવા વિષયો લીધા, તેનાં કેટલાં પુસ્તકો પ્રસિદ્ધ થયાં અને કેટલી આવૃત્તિઓ થઈ એ ઉપરથી કવિની કવિતાને મૂલવવાના પ્રયત્ન હજી પણ આપણે ત્યાંથી નામશેષ થયા છે એમ નહિ કહેવાય. આવી એકાંગી દૃષ્ટિ, સ્થૂલપ્રધાન વલણો, કાવ્યના એકાંશનું અને તે ય વિશેષે કોઈ સ્થૂલ અંશનું જ ઐકાન્તિક અનુસરણ નવીનોમાં પણ છે. હજી પણ છંદને ખાતર છંદ, પ્રાસને ખાતર પ્રાસ, અલંકારને ખાતર અલંકાર, શૈલીને ખાતર શૈલી કે વિષયને ખાતર વિષય પ્રયોજાય છે; કાવ્યના એકાદ અંગનો નિતાન્ત અતિરેકભર્યો પ્રયોગ થાય છે. નવીનોમાં પ્રાયઃ દરેકની કોઈ ને કોઈ કૃતિમાં આવી કોઈ ને કોઈ ક્ષતિ આવેલી છે. અને તેટલે અંશે હજી આપણી કવિતાની દૃષ્ટિ તલગામી અને સમજભરેલી નથી થઈ એમ કહેવું પડશે.
૪ – મૂલ્યોમાં સંદિગ્ધતા અને વિકૃતિઓ
કાવ્યના સ્થૂલ બહિરંગમાં જ આમ અટવાઈ રહેવું એ કાવ્યત્વની સમજનો સહેજ સાવધાનીથી અને થોડીક સાચદિલીથી સરળતાથી નિવારી શકાય એવો દોષ છે, પરંતુ એથી યે વિશેષ દુર્વાર એક બીજું તત્ત્વ છે જે નવીન કવિતામાં જણાય છે. એ આપણા આજના માનસનું જે પ્રતિબિંબ છે. અને આપણા ઘડતર સાથે તે એટલું સંકળાયેલું છે કે તેનું નિવારણ એટલું સરળ લાગતું નથી. આપણે જોયું કે આ યુગ ક્રાન્તિનો અને બદલાયેલાં અને બદલાઈ રહેલાં મૂલ્યોનો છે. એ સંક્રાન્તિકાળની દશામાં જૂનાં મૂલ્યો તરફ વિમુખતા, ઉપેક્ષા અને સંશય જન્મે છે; નવાં મૂલ્યોનો વધારે પડતા ઉત્સાહથી અને ઓછી સમજબુદ્ધિથી સ્વીકાર થાય છે; પોતપાતાની માન્યતાઓ અને ભાવનાઓ પ્રત્યે આસક્તિ અને મમતા જાગે છે, સત્યનું શોધન કરવા જતાં અસત્ય પણ હાથ આવે છે; અસત્યનો પરિહાર કરવા જતાં ઘણુંએક સત્ય છોડી દેવાય છે; જૂનામાં નવું સંસ્કરણ કરવા જતાં તેમાં વિકરણ અને વિકૃતિ પ્રગટે છે. જીવનનાં તેમજ કાવ્યકળાનાં મૂલ્યાંકનોમાં પણ આમ સંદિગ્ધતા અને વિકૃતિઓ અને અજ્ઞાનભરેલા ખ્યાલો અને અતિઆગ્રહો આ ગાળામાં રહ્યા છે. કાવ્યની વિચારપ્રધાનતા કે સર્વજનભોગ્યતા, પુણ્યની પાળો અને શિષ્ટતાની સીમાઓ, ઉચ્છિષ્ટનો સમાહાર અને તિરસ્કૃતનો આત્મભાવ, એવાં એવાં તત્ત્વો આ ગાળાની કવિતાના આંતરસત્ત્વમાં જોવામાં આવે છે. વિકાસને માર્ગે સહૃદયતાપૂર્વક આગળ વધતાં જે જે અવસ્થાઓમાંથી અનિવાર્યપણે પસાર થવું પડે તેવી અવસ્થાઓમાંથી આવાં જે જે વલણો જન્મ્યાં છે તે સમજી શકાય તેવાં છે, અને તે સહાનુભૂતિનાં પાત્ર પણ છે. નવીન કવિતા હજી વિકસતા માનસની કવિતા છે. એની પાસેથી સર્વસમન્વિત પૂર્ણ સંવાદમય સર્વગ્રાહી જીવનદર્શનની કે કવનની અપેક્ષા હજી અકાળે છે. આપણા કેટલાક વિચારકો અને કવિઓ કરતા આવ્યા છે તેમ જીવનમાંથી પોતે સમજબેસમજમાં તારવેલાં ગણ્યાંગાંઠ્યાં, ઉપરછલ્લાં અને પૂર્ણતાના આભાસવાળાં તત્ત્વોની નાનીમોટી રકમોનો સાચોખોટો સરવાળો કરીને આપી દેવો એ કંઈ જીવનનું દર્શન ન ગણાય. પૂર્ણ સમન્વયયુક્ત અને તલગામી દર્શન આપણી પ્રાચીન કે અર્વાચીન કવિતાને કદી મળ્યું છે કે કેમ એ પણ પ્રશ્ન છે.
ભવિષ્યનું કાર્ય : મૂલ્યોનું સંસ્કરણ
નવીન કવિતાનું ભવિષ્ય ભવિષ્ય જેટલું જ અનંત છે, નિરવધિ છે, અને આકાર વિનાનું પણ છે. આપણું જીવનતત્ત્વ કઈ રીતે વિકસશે એના ઉપર કવિતાના વિકાસનો આધાર છે. અત્યારે બહુબહુ તો આપણી કવિતા પાસે જે પ્રશ્નો અને કાર્યો પડેલાં છે તેમાં તેણે જે જે કંઈ મેળવ્યું છે અને હજી મેળવવાનું છે તે પ્રત્યે માત્ર આંગળી ચીંધી શકાય. સૌથી પ્રથમ તો આપણાં મૂલ્યાંકનો, ભાવનાઓ અને આદર્શો ફરીથી તપાસણી માગી લે છે. તાજેતરમાં પૂરા થયેલા વિશ્વયુદ્ધે આપણી ભાવનાઓ અને આદર્શોની ઘણીઘણી કસોટી કરી છે અને તેમાં જે જે કાર્યક્ષમતા અને તત્ત્વની અંતિમાંતિમતા આપણને પહેલાં દેખાતી હતી તેવી હવે દેખાતી નથી. જીવનને પ્રેરનારું અને ઘડનારું કોક વધારે કર્મબળવાળું અને સૂક્ષ્મત્તર તત્ત્વ માનવજાતિએ હજી જાણવાનું છે અને મેળવવાનું છે. ગુજરાતનો મહાકવિ જે વસન્તનાં ગાન ગાયા કરે છે તે હજી આવવાની છે. ગુજરાતી કવિતાએ ‘વસન્તોત્સવ’ ઊજવી લીધો હોવા છતાં જગત હજી ધીખતી ધરાની દશામાં રહ્યું છે. સર્વસમન્વય અને વિશ્વશાંતિનાં દર્શનની ઝંખના છતાં સંઘર્ષ અને સંહાર એ માનવજીવનના વિકાસનાં આલંબન રહ્યાં છે. આ બધી દિગ્મૂઢતાઓમાંથી નીકળીને સ્થિર ધ્રુવ તત્ત્વપ્રકાશની અને જીવનવિધાયક શક્તિની પ્રાપ્તિ કરાવે તેવું જીવનદર્શન આપણે પ્રાપ્ત કરવાનું છે. આપણો નવીન કવિ હવે કેવળ ‘ગુજરાતી’ રહ્યો નથી. આપણા મહાકવિઓ કૃષ્ણ અને રામ જેવી વિરાટ વ્યક્તિત્વવાળી વિભૂતિઓને આજ લગી ‘શુદ્ધ ગુજરાતી’ બનાવતા રહ્યા છે એ સ્થિતિમાંથી નીકળી જઈ, નવીન કવિએ પોતાનું દૃષ્ટિવર્તુલ કેવલ હિંદવ્યાપી જ નહિ પણ જગદ્વ્યાપી વિચારશીલતાની ભૂમિકા લગી વ્યાપક કરવાનું છે; માનવસંસ્કૃતિના વેદકાળથી શરૂ થતા પ્રાચીનતમ આવિર્ભાવોથી માંડી આજ સુધીના નવીનત આવિર્ભાવોને સમજવાના છે; હિંદે વિકસાવેલી સૂક્ષ્મ જીવનસાધનાઓ, માનસવિદ્યાઓ, તંત્રરચનાઓ, શક્તિપ્રયોગોનાં રહસ્યોથી માંડી પશ્ચિમે સાધેલા જડતત્ત્વના પ્રચંડ શક્તિસ્ફોટને તથા સ્થૂલ જીવનના વિરાટ સામુદાયિક સંયોજનને સમજવાનાં છે. જો તે જોઈ શકે તો તેણે માનવના ભાવિ વિકાસની પણ કંઈક સત્યપ્રતિષ્ઠિત એવી ઝાંખી કરવાની છે અને એ સર્વમાંથી પોતાનું કાવ્યનું નિર્માણ કરવાનું છે.
સર્જનવ્યાપાર
આવા વિશાળ કાર્ય માટે કવિએ પોતાની પ્રતિભાને કળાશક્તિની વિવિધ સામગ્રીથી સજ્જ કરવાની છે. અને એથી યે વિશેષ કાવ્યની બહિરંગી અને સ્થૂલપ્રધાન દૃષ્ટિમાંથી, તે રીતની એકાંગી અને મુગ્ધ ઉપાસનામાંથી નીકળી જઈ કાવ્યની સ્થૂલસૂક્ષ્મ સામગ્રીનું જેને લીધે રસત્વ સધાય છે તે સર્જકતાની અંદર સ્થિત થવાનું છે. આ સર્જકતા-સર્જનવ્યાપાર-કવિચિત્તની અતીન્દ્રિય સંવેદન-અવસ્થા, કે જેના સ્ફુરણને બળે જે કાવ્યનું કાવ્યત્વ બંધાય છે, જેનું સ્ફુરણ એ વિશ્વમાં પ્રવર્તતી સર્જકશક્તિની કોટિનું, કહો કે તેના જ એક અંગરૂપ છે, અને જેના પ્રત્યેક સ્ફુરણ સાથે સૌન્દર્ય અને રસનું અમૂર્ત એવું તત્ત્વ કોક વિશિષ્ટતાવાળા ઘાટમાં સાકાર બને છે; જેનું સ્ફુરણ જગતની સ્થૂલસૂક્ષ્મ સામગ્રીને ઉપાદાન રૂપે લઈ કે કદી નવી જ સામગ્રીનો આશ્રય લઈ, તેમાં પોતાને અનુસ્યૂત કરી દઈ પોતાના નવીન પ્રાદુર્ભાવની સૌન્દર્યમુદ્રા એ આખી રચનાના આંતરબાહ્ય એક એક અંશ ઉપર મૂકી આપે છે; એ સર્જકતાની અગમ્ય રહેતી છતાં કવિના અનુભવમાં કોક વાર તો અવશ્ય આવી જતી અવસ્થા સાથે કવિએ અનુસંધાન સાધવાનું છે, તેના પ્રત્યે ઉન્મુખ થઈ તેમાં યથાશક્ય સ્થિતિ પ્રાપ્ત કરવાની છે. એ અવસ્થામાં દૃઢ થતાં કાવ્યનાં અંગઉપાંગોનું નવવિધાન, તેના નવાનવા આવિર્ભાવો, તેમની નવીન શક્યતાઓ આપોઆપ પ્રકટ થવા લાગશે. કાવ્યનો છંદ તેનામાં સ્ફુરેલા સર્જકતાના સ્પન્દમાંથી આપોઆપ સ્પન્દિત થશે; જેમ વાલ્મીકિનો શોક એનું શ્લોકત્વ સાથે લઈને જ જન્મ્યો હતો તેમ કવિનો આંતરભાવ, તેનો ચિત્તક્ષોભ, તેની પ્રેરણા, તેની ચેતનાનું સ્ફુરણ આપોઆપ છાંદસ સ્વરૂપ પામશે, વીસરાઈ ગયેલા, ઉપેક્ષિત બનેલા કે ક્ષમતા વિનાના જણાયેલા છંદોમાં નવી કાર્યક્ષમતા જણાઈ આવશે. છંદની માફક કાવ્યનો શબ્દ પણ એવી રીતે પોતાની અર્થવ્યંજકતા લઈને આવશે. માનવવાણીનાં બધાં શબ્દરૂપો એ સર્જકતાના સ્પર્શથી એકસરખી સૌન્દર્યમયતા ધારણ કરશે. પછી શિષ્ટ અને ઉચ્છિષ્ટના, ગ્રામીણ અને નાગરિકના, અજ્ઞાન કે અહંકાર પર ઊભા થયેલ સ્થૂલ ભેદ નહિ રહે; ઊલટું, સર્જકતાની સરાણ ઉપર ઘસાતી રહેતી ભાષા શબ્દશક્તિના કંઈક અવનવા સ્ફુલિંગો ઝબકાવશે. કાવ્યના વિષયો પણ એવી રીતે જીવનના સર્વવિધ આવિર્ભાવના અંતસ્તમ ધબકારા સાથે પોતાનું અનુસંધાન પ્રાપ્ત કરીને કાવ્યક્ષમતા મેળવશે. સરજનહારની સૃષ્ટિમાં બધું જ સૃષ્ટ તત્ત્વ તેના અસ્લુસૂલ તત્ત્વ સાથે કંઈ ને કંઈ અનુસંધાન જાળવે છે. વિશ્વના પ્રાકટ્યમાં વિવિધતા છે, ભેદો છે, કક્ષાઓ છે, વિકાસની ઊંચીનીચી ભૂમિકાઓ છે, કેટલાંક વિકાસને અનુકૂલ અને કેટલાંક પ્રતીપગામી એવાં વહનો છે, વૃત્તિઓ છે; છતાં એ બધાં મળીને એક વિરાટ આયોજનનો સંવાદી સ્પન્દ બને છે. આ વૈવિધ્ય અને બહુતાના પ્રત્યેક અંશનું સત્ય અને એ સર્વને ટેકવી રહેલા અને ધારી રહેલા પૃષ્ઠભૂ જેવા એકત્વનું સત્ય એ બંનેના સમ્યક્ ગ્રહણમાંથી કવિતાની સૃષ્ટિ બનશે. અને આમ જીવનના પ્રત્યેક સ્થૂલસૂક્ષ્મ તત્ત્વને, જડઅજડ આવિર્ભાવને સૌન્દર્યમંડિત અને છંદોમય શબ્દ દ્વારા કાવ્યનાં વિવિધ રૂપોમાં સાકાર કરતી કવિતા પોતાના પ્રત્યેક સ્ફુરણમાં એ બધાની પાછળ રહેલા નિગૂઢ તત્ત્વની અભિવ્યક્તિ સાધશે. એ તત્ત્વની આનંદમયતા, ચિન્મયતા અને સન્મયતા કવિતામાં પણ પ્રકટ થશે. કવિતા સત્ ચિત્ અને આનંદનો ઉદ્ગાર બનશે. આ વિશ્વના નિત્યપ્રવૃત્ત સર્જનવ્યાપારમાં કવિતા પણ પોતે એ જીવતી સર્જનાત્મકતાનું એક સર્જનાત્મક મનોહારી અંગ બનશે, વિશ્વની સર્જકશક્તિના બૃહત્ કલાકલાપમાંની એક રમણીય કલા બની રહેશે.
નવીન કવિતા પાસેના પ્રશ્નો : છંદ, પદ અને બાની
નવીન કવિતા આ બધું કંઈક સ્પષ્ટ અને કંઈક અસ્પષ્ટ રૂપે સમજી રહી છે અને કરી રહી છે. તેના છંદોમાં, શબ્દોમાં, બાનીમાં, કાવ્યપ્રકારોમાં અને જીવનની સમજમાં સૌન્દર્ય અને સંવાદનાં તત્ત્વો વધવા લાગ્યાં છે, અને હજી વધશે. ગણબદ્ધ વૃત્તો ઉપરાંત માત્રામેળ અને લયમેળ વૃત્તોની શક્યતાઓ વધારે જણાવા લાગી છે. છંદના ગાણિતિક સ્વરૂપ કરતાં તેની પાછળ સૂક્ષ્મ લયતત્ત્વ ઉપર કવિઓની નજર વધુ ચોટવા લાગી છે. પ્રત્યેક વૃત્તના આ કેન્દ્રગત લયને પકડી લીધા પછી તેનાં અનેકવિધ સંયોજનો, પંક્તિઓ અને કડીઓનાં યથેચ્છ અને યથાવશ્યક કદ અને લંબાણ રચી શકાય છે. કાવ્યની ભાષામાં પણ પ્રત્યેક શબ્દની અર્થવ્યંજકતા, તેનું વિશિષ્ટ વાતાવરણ, તેની ઓજસ કે માધુર્ય કે પ્રસાદને વ્યક્ત કરવાની સંકેતશક્તિ તથા વર્ણઘટના એ હજી વધારે ઝીણવટભરેલો, ભાષાજ્ઞાન અને રસદૃષ્ટિ એ બંને ઉપર સારી રીતે પ્રતિષ્ઠિત બનેલો એવો અભ્યાસ માગી લે છે. અને એથી યે વધારે, કાવ્યમાં એનો પ્રયોગ કરવામાં પૂરતી સાવધાનતા અને સાથેસાથે હિમ્મતની જરૂર છે. કાવ્યની બાની એ બધા કરતાં ય વધારે ઝીણો અને નિયમોમાં ન બાંધી શકાય તેવો વિષય છે. કવિનું વ્યક્તિત્વ, તેની જ્ઞાનસંપત્તિ, તેની મનોવૃત્તિ તથા કાવ્યનો વિષય, કાવ્યનું લક્ષ્ય, તેમાંનો રસ તથા તે વખતના દેશ અને કાળ એ બધાંમાંથી પ્રત્યેક કાવ્યની બાની નિર્માણ પામે છે. દરેક યુગની કાવ્યબાની જુદી હોય છે. વળી એ યુગના દરેક કવિમાં એ બાની પાછી જુદી જુદી છટા લેતી હોય છે, અને કવિની કૃતિએ કૃતિએ પણ બાની જુદી જુદી બને છે. એમાં કોઈ સર્વસામાન્ય નિયમ જો આપવો હોય તો તે ઔચિત્યનો આપી શકાય. જે લક્ષ્યપૂર્વક, જે રસ માટે, જે વર્ગને ઉદ્દેશીને રચના થઈ હોય તો તેનો પૂર્ણ ઔચિત્યપૂર્વક નિર્વાહ કરી શકે, અને પોતાનું કશુંક વ્યક્તિત્વ, ચારુત્વ અને નવત્વ નિપજાવતી રહે : આથી વધારે બાની માટે કહેવું મુશ્કેલ છે.
કાવ્ય-રૂપો
કાવ્યના પ્રકારોમાં ઘણાએક પ્રકારો આપણે ખેડ્યા છે એમાં સૌથી સફળ પ્રકાર અર્વાચીન રીતિના ઊર્મિકાવ્યનો છે. પણ હજી આપણે ત્યાં ગીત, આખ્યાન, કથાકાવ્ય-નાટક અને પ્રબંધાત્મક રચનાઓ વિકસવાની જરૂર છે. આપણા ગીતનું જે તળપદું અને વિશિષ્ટ ચારુત્વ છે, વિષયનિરૂપણની એની જે લાક્ષણિક રીતિ છે, અને એમાં જે માધુર્ય છે તે હજી અર્વાચીન કવિતાએ સિદ્ધ કરવાનું છે. ઊર્મિકાવ્ય સિવાયની બીજી વસ્તુપ્રધાન રચનાઓ આખ્યાન, ખંડકાવ્ય, કથાકાવ્ય, કાવ્ય-નાટક કે પ્રબંધ એવા વિવિધ અભિધાનવાળા પ્રકારોમાં વહેંચાય છે. અર્વાચીન કવિએ કેવળ ઊર્મિમાંથી નીકળી જીવનના વિશેષ પ્રકારના નિરૂપણ તરફ વળવાની પણ જરૂર છે. એમાં આ બધા પ્રકારોનો યથારુચિ યથાશક્તિ અને નિષ્ફળતા માટે તૈયાર રહીને, પ્રયોગને ખાતર પણ, પ્રયોગ કરવો જોઈએ. આપણા પ્રાચીન કવિઓનાં જેવાં આખ્યાનો, લોકગીતોના રાસડા, ‘બૅલડ’ કે પ્રશસ્તિઓ જેવાં કથાકાવ્ય, ખંડકાવ્યોની રીતે યા બીજી અનુકૂળ રીતે અર્વાચીન જીવનને સ્પર્શતા વસ્તુના પ્રબંધની શક્યતા અજમાવવા જેવી છે. ખંડકાવ્યોનો પ્રકાર આપણે ત્યાં શરૂ થઈને પછી એકાએક અટકી ગયો છે એ કેમ બન્યું તે તપાસવા જેવું છે. આપણા ગદ્યમાં વાર્તા, નવલકથા તથા નાટકના વિકાસને લીધે આ બધી વસ્તુપ્રધાન રચનાઓ ઓછી થઈ છે. એક રીતે એ સારું થયું છે. કવિતાને માથેથી કેટલોક ભાર વધારે સમર્થ વહનશક્તિવાળાં રૂપો ઉપર ચાલ્યો છે, છતાં આ કાવ્યપ્રકારોની ઉપયુક્તતા હજી નિર્મૂળ થઈ ગઈ છે કે કેમ તે પ્રયોગ કર્યા વિના સ્વીકારી ન લેવું જોઈએ. યુરોપ-અમેરિકામાં આ રીતના પ્રયોગો ચાલે છે. આ વસ્તુપ્રધાન વિષયોને કાવ્ય પોતાની રીતે નિરૂપતાં તેમાં કશુંક વિશિષ્ટ રસત્વ, ચારુત્વ અને સાર્થકતા લાવી શકે છે કે કેમ તે હજી આપણે નાણી જોવાનું છે.
કાવ્ય-નાટક
કાવ્ય-નાટક એ યુરોપના સાહિત્યનું વિશિષ્ટ અંગ છે. આપણું સંસ્કૃત નાટક પદ્ય અને ગદ્યનું લાક્ષણિક મિશ્રણ છે. એ રૂપ પણ અજમાવવા જેવું છે. ‘રાઈનો પર્વત’ ‘કાન્તા નાટક’ અને બીજી થોડી અજાણી કૃતિઓ પછી આ પ્રકાર આપણે ત્યાં ખેડાયો નથી. વળી કેવળ કાવ્ય કરતાં નાટ્યનું સંવિધાન એક નવી અને વિશિષ્ટ પ્રકારની શક્તિ માગી લે છે. આખું નાટક છંદમાં લખવું એ વળી એક બીજા પ્રકારના પ્રશ્નોની હારમાળા ઊભી કરે છે. પરંતુ પ્રત્યેક નાટકકારમાં કવિની શક્તિ હોવી જરૂરી છે, અને હોય છે; તે મુજબ પ્રત્યેક કવિમાં, ખાસ કરીને વિશેષ પ્રતિભાશીલ કવિમાં વસ્તુનિરૂપણની નાટ્યાત્મક રીતિ પર કાબૂ હોવો જરૂરી છે. કવિ નાટક લખે કે ન લખે એ જુદી વાત છે, પણ વસ્તુપ્રધાન કવિતાનું નિરૂપણ પણ, તે જ્યારે અસરકારક બને છે ત્યારે તેમાં નાટ્યાત્મકતાના તત્ત્વે જાણ્યેઅજાણ્યે મોટો ભાગ ભજવ્યો હોય છે જ. નાટકને માટે આપણી આગળ છંદની પણ શોધ બાકી છે. ડોલનશૈલી કે પૃથ્વીછંદ એ માટે યોગ્ય નથી જણાયાં. નાટકમાં આવતી અનેકવિધ પાત્રસૃષ્ટિની અનેકવિધ ભાવવૃત્તિઓને એકસરખી ઝીલી શકે એવો મુલાયમ અને લયવાહી છંદ આપણે જોઈએ છે. અને તે માટે વનવેલી જેવા અક્ષરમેળવૃત્ત કરતાં ઓછા તાલપ્રધાન અને વધારે લયપ્રધાન એવા હરિગીત સવૈયા કટાવ કે લાવણીના પ્રયોગો પણ કરવા જોઈએ. વળી એક જ વૃત્તની કલ્પનાને ન વળગી રહેતાં એક કરતાં વધારે વૃત્તોને પણ અજમાવી જોવાં જોઈએ. આ દિશામાં કેટલાક પ્રયોગો થયા છે, પણ હજી વધારે વસ્તુપ્રધાન બનીને એ પ્રયોગો થવાની જરૂર છે.
મહાકાવ્ય
વસ્તુપ્રધાન રચનાઓના પ્રકાર વર્ણવતાં મેં ‘મહાકાવ્ય’ શબ્દને જાણી-જોઈને એમાં મૂક્યો નથી. કાવ્યના સ્થૂલ રૂપની રીતે જોઈએ તો આ પ્રબંધાત્મક રચનાઓ મહાકાવ્યની લગભગ નજીક જઈ બેસે છે. અને કાવ્યત્વની રીતે જોઈએ તો તેની રચના આયોજનનું અને દર્શનનું અસાધારણ સામર્થ્ય ધરાવતી પ્રતિભા ઉપર જ કેવળ અવલંબે છે. વળી જગતનાં જે જે કાવ્યો ‘મહાકાવ્ય’ તરીકે સ્વીકારાયાં છે તેના અંતસ્તમ તત્ત્વમાં જીવનનો વિરાટ કોટિનો ઉચ્છ્વાસ અને સૃષ્ટિના જેવું વૈશ્વિક સ્ફુરણ જોવામાં આવે છે. છતાં દેશ અને કાળ પરત્વે એનાં બાહ્ય સ્વરૂપ પલટાતાં રહ્યાં છે. રામાયણ અને મહાભારત તથા રઘુવંશ અને કિરાત એ બંને એકસરખી કોટિનાં કાવ્યો નથી. રામાયણ મહાભારત અને તેના જેવા જ વિસ્તાર અને વસ્તુવાળાં પુરાણો અને ભાગવત વચ્ચે પણ ફેર છે. યુરોપનાં ‘ઇલિયડ’ અને ‘પૅરેડાઇઝ લૉસ્ટ’ વચ્ચે પણ ફેર છે. હવેનું મહાકાવ્ય પણ છેક જુદા ઘાટવાળું બને તો તે તદ્દન સંભવિત છે. પણ એ ઘાટ ગમે તે હોય, તેમાં ગમે તે રીતનો છંદપ્રયોગ હોય, ગમે તે રીતનું તેનું વસ્તુ હોય તો પણ તેની પાછળ આ મહાકાવ્યોનો જે ધબકાર છે, જે ધબકાર આજે આપણે મહાન નવલકથાઓમાં જોઈએ છીએ, તે તો હોવો જ જોઈએ, જીવનનાં ગહન તલોમાં એ કાવ્યે પહોંચવું જોઈએ, એ કાવ્યે પર્યાપ્ત રીતે વ્યાપક પણ થવું જોઈએ, અને સૃષ્ટિનો કોક રહસ્યભર્યો પટ ઉકેલાતો હોય, દૃશ્યઅદૃશ્ય તત્ત્વોની લીલાઓ છતી થતી હોય, અને તેની પાછળ અવિરોધ્ય એવાં ઋત અને ચિત્તનું પ્રવર્તન પ્રત્યક્ષ થતું હોય એવું એવું, જે ઊર્મિકાવ્યને માટે શક્ય નથી, લાંબાં કે ટૂંકાં કથાકાવ્યો કે પ્રબંધોમાં જે શક્ય નથી તેવું કંઈક અસાધારણ લોકોત્તર વિરાટ નિર્માણ થવું જોઈએ.
કાવ્યનિર્મિતિ
થવું જોઈએ? નિયતિકૃતનિયમરહિતા એવી કવિતાએ અમુક કરવું જ, અમુક ન જ કરવું એમ ખરેખર કહી શકાય? અને એવા એવા કેવળ બુદ્ધિએ નિપજાવેલા આદેશો નીકળ્યા કરે તો પણ, વિશ્વમાં ચાલી રહેલી નિગૂઢ સર્જનક્રિયા જેવી આ કાવ્યસર્જનની નિગૂઢ સ્ફુરણાવાળી પ્રવૃત્તિ પણ આવા આદેશો પ્રમાણે જ વિકસશે એમ કેમ કહેવાય? આ બધા કાવ્યપ્રકારો ભવિષ્યની સર્જનવૃત્તિને જરૂરી લાગશે જ એમ કહેવું મુશ્કેલ છે. ‘મહાકાવ્ય’ની રચના પણ હવેના જીવનમાં શક્ય બનશે જ નહિ એમ નહિ કહી શકાય. બને તો તે વળી કેવું રૂપ લેશે એ પણ આજે કલ્પી ન શકાય. કાવ્યનું નિર્માણ જો બુદ્ધિથી નિયમિત નથી થતું, તેની અધિષ્ઠાત્રી શક્તિ અનન્યપરતંત્રા અને સર્વથા સ્વાયત્ત અને સ્વૈરગામિની છે, તો પછી એ સર્જનશક્તિના પોતાના લોકોત્તર સ્ફુરણ ઉપર જ એ વાત છોડવાની રહે છે, માત્ર વિવેચકે જ નહિ, પણ કવિએ પોતે પણ. જીવનના કોક અધિક આલોકિત, અધિક સમૃદ્ધ પ્રદેશમાંથી કાવ્યનું સ્ફુરણ કવિમાં થાય છે, અને પ્રધાનતઃ તે કાવ્ય પોતાનાં આંતરિક બળ અને તેજમાંથી પોતાનો ઘાટ ઘડે છે. સર્જનની ઉત્તમ ક્ષણોમાં કવિ નિઃસ્પન્દ બનેલા કરણ જેવો હોય છે. તેનાં અર્ધઆલોકિત નિમ્ન કરણોની દખલ જેટલી ઓછી તેટલું પેલી સર્જનની ઊર્ધ્વ સરવાણીનું વહન વધારે નિર્બંધ અને સૌન્દર્યસંપન્ન. કવિની જાગ્રત પર્યેષક બુદ્ધિ એ સૌન્દર્યને સમજે, અને એનામાં જે પ્રગટતું હોય તે જો સાચા અને વિશુદ્ધ મૂલમાંથી નહિ પણ બીજા કોઈ સ્થળેથી અપરૂપ વિરૂપ કે કુરૂપ બનીને આવતું હોય તો તેવા સર્જનનો ઇન્કાર કરે કે શક્ય હોય તેટલું તેનું સંસ્કરણ કરે. ગમે તે રીતે કાવ્યનું નિર્માણ થાય, તે ગમે તે ઘાટ લે, નાનો કે મોટો, કવિએ અને કાવ્યકળાના ભક્તે એટલું જ જોવાનું છે કે, કાવ્ય એ જીવનસત્ત્વનું સૌન્દર્ય અને આનંદના સ્વરૂપમાં થતું સ્ફુરણ છે, તો પછી એવા સ્ફુરણ માટે તેણે પોતાની રસવૃત્તિને અને સર્જનશક્તિને સજ્જ કરવાની છે, અને આ પ્રાકૃત લોકમાં સૌન્દર્ય અને આનંદની એ અપ્રાકૃત લોકોત્તર ચમત્કૃતિ જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે સધાય ત્યારે એની કૃતજ્ઞતાપૂર્વક અર્ચના કરવાની છે.
- ↑ * દા. ત. જ્યારે ચંદ્રવદન મહેતાએ ‘યમલ’માં પૃથ્વી છંદનો ચોટદાર પ્રયોગ કર્યો ત્યારે સુન્દરમ્ને એ છંદનું જ્ઞાન ન હતું, અને સુન્દરમે જ્યારે ઠીકઠીક કાબૂથી એ છંદ વાપરવા માંડ્યો ત્યારે ઉમાશંકર જોશી એ ‘પ્રભુત્વ’થી આશ્ચર્યમુગ્ધ થઈને પોતાની એવા છંદ લખવાની અશક્તિથી દિલગીર થયા હતા. બીજી બાજુ બીજા સ્તબકની કવિતાના પર્યેષણાયુક્ત અધ્યાપનમાં જેમનો ઘણો ગુપ્ત છતાં કીમતી ફાળો છે તે રા. વિ. પાઠક – ‘શેષ’ ૧૯૨૨થી કાવ્ય લખતા હતા, પણ તેમનું કાવ્ય ૧૯૩૪ પછી, ઘણાખરા નવીન કવિઓની કૃતિઓ ગ્રંથસ્થ બન્યા પછી, વધારે મહોર્યું છે અને ઠેઠ ૧૯૩૮માં ગ્રંથસ્થ બન્યું છે. વસ્તુતઃ આવી સ્થૂલ અજ્ઞતા કે સર્જનની પૂર્વાપરતા એ અશક્તિનું ચિહ્ન નથી હોતું. ચંદ્રવદન, સુન્દરમ્, ઉમાશંકર વગેરેએ પોતાના કસબનાં હથિયારો પર ઘણી સરળતાથી ઘણા ઓછા વખતમાં કાબૂ મેળવી લીધો હતો.