અર્વાચીન કવિતા/(૩) પ્રાસંગિક કૃતિઓ
કુદરતી આફતો
ચાલુ બનાવો
પ્રશસ્તિઓ અને વિરહો
હવે આપણે આ સ્તબકના ત્રીજા વર્ગના લેખકો તરફ વળીએ. એ લેખકોનું કાર્ય એટલું વિપુલ કે સમૃદ્ધ નથી કે જેથી તે દરેક કાર્યનું વ્યક્તિગત અવલોકન જરૂરી બને. તેમની કૃતિઓમાંથી એકાદ કૃતિ યા તો એ કૃતિનો અમુક ભાગ જ કંઈક ગુણવાળો જોવા મળે છે. આવી કૃતિઓ મોટે ભાગે કોક પ્રાસંગિક ઘટનાની આસપાસ લખાયેલી હોય છે. આવાં પ્રાસંગિક કાવ્યોમાં પહેલો પ્રકાર કુદરતી આફતોનાં કાવ્યોનો છે. ગુજરાતમાં આવેલી મહામારીઓ, લીલા કે સૂકા દુકાળ, કે ‘વીજળી’ જેવી આગબોટનું ડૂબી જવું, એવી વ્યાપક અસરોવાળા કરુણ બનાવોએ લેખકોને કવિતા કરવા પ્રેર્યા છે. આ કરુણ ઘટનાઓનાં કાવ્યોમાં ખાસ ધ્યાન ખેંચે એવું તત્ત્વ એ છે કે તેમાં વિષયને લેખકોએ કરુણ કરતાં હાસ્યની રીતે વિશેષ પ્રમાણમાં નિરૂપ્યો છે. આ વિષયોનાં નાનાંમોટાં બધાં કાવ્યોમાંથી જે ગણનાપાત્ર છે તેમનામાંથી અહીં જરૂરી ઉલ્લેખો લીધા છે. ૧૮૭૨માં આવેલી ટૂંટિયાની મહામારીએ જન્માવેલી પંક્તિઓમાંથી કેટલીક આવી વિનોદભરપૂર પંક્તિઓ મળી આવે છે :*[1]
આવ્યું બિચારા બેલને ટૂંટિયું, ગળીયું થઈ બેઠું હેઠ,
દડી પડ્યા શેઠ દડાની માફક, ચગદાયું છાતી ને પેટ.
...ખાટ ખૂણે નાખી મુસલમાનો લે છે ખુદાતાલા નામ,
ઘાટથી બચવા ઘણાક હિંદુઓ માળ લઈ ભજે રામ,
પણ પક્ષ કોનો ન ટૂંટિયે કીધો સર્વને આપ્યો પ્રસાદ,x[2]
કોઈને ગડદો લાપટ ઝાપટ રહેશે ભવોભવ યાદ.
બીજા કવિએ પણ ટૂંટિયાને જીવંત વ્યક્તિ તરીકે વર્ણવ્યું છે :
કોઈને રખડતા ઝાલ્યા રાનથી, કોઈને ઝાલ્યા તે જાતાં વાટ જો,
ચોરે ને ચકલેથી ઝાલ્યા કોઈને, એ રીતે એણે ઠરાવ્યો ઠાઠ જો.
વેદિયા વૈદને રે વાલંદતણા ટુંટિયે મુકાવ્યા અંકોર જો,
વ્યાસ ને વકીલો જોઈ વિસ્મે થયા, દાકતરને તો કર્યા પાંસરા દોર જો.
વણીક ને વણઝારા ઝાલ્યા વેગથી, વેશ્યાઓને બહુ કરી હેરાન જો,
નાવું ને ધોવું મુકાવ્યું ટુંટિયે, મુકાવ્યાં દેવતણાં દરશંન જો,
કરમાં રે ઝલાવી કૌવત લાકડી, તુરિયા જેવાં કરી નાંખ્યાં તંન જો.*[3]
ટૂંટિયાની આપત્તિનો ભોગ થનારાંની ગણતરીમાં કવિ વેશ્યાઓને પણ શમાવી શક્યો છે એ તેની આખા સમાજને નજરમાં લેતી ઝીણી દૃષ્ટિ બતાવે છે. અને છેલ્લી ઉપમા પણ કેટલી સચોટ છે! કેવળ વર્ણનની રીતે પણ આ પંક્તિઓ સુંદર છે. તે પછી ચોત્રીશાના અને છપ્પનના દુકાળનાં પણ બે સુંદર કાવ્યો મળી આવે છે. ચોત્રીશામાં અલોપ થયેલા વરસાદને કવિ કહે છે :
...તારાં નગારાં નિશાંન ક્યાં બુડી ગયાં રે,
તારા ગાજ્યાના ક્યાં ગયા ગગડાટ?
તારાં વીજળી વાકોરણ કયાં વેરાઈ ગયાં રે?
સ્રષ્ટિ વ્રષ્ટી વિનાની બધી વલવલે રે...+[4]
છપ્પનના દારુણ દુષ્કાળને વર્ણવતો કવિ તો બહુ સંસ્કારી ભાષામાં લખે છે :
...વિકશી વસંતમાં ન હરિયાળી, ફળિત ઝાડોની ફુટી ન ડાળી,
જાણે ચોગરદમ અગ્નિ પ્રજાળી રે...*[5]
આ કાવ્યોમાં ‘વીજળી’ આગબોટ ડૂબી ગયાનું કાવ્ય અગત્યનું છે, સુંદર પણ છે :
વીજ છતાં અંધારું તેં કીધું, દીધું વિષતરુ વાવી,
નારી જાતિ મર હોય આનંદી, ફંદી ફાળ પડાવી.
...પાંખમાં ઘાલી ન પ્રાણ છોડાવો, વાલાજી જુવો વિચારી રે,
મુખ બાંધીને અમને ન મારો, કાયામાં છુટે છે કંપારી રે.+[6]
આ જાતનાં બીજાં કાવ્યોની પેઠે કવિએ વિનોદ પણ અમુક ભાગમાં કર્યો છે. પ્રાસંગિક કાવ્યોમાં બીજો પ્રકાર કેટલાક ચાલુ બનાવોનો છે. એમાં સૌથી પહેલું કાવ્ય ‘નામદાર સખાવતે બહાદુર શેઠાણી હરકુંવરબાઈ શ્રી સમેતશિખરની જાત્રાએ સંઘ કાઢી ગયાં’ તેના વર્ણનનું છે.x [7]આબુ, ભરતપુર, આગ્રા, કાશી, કલકત્તા સુધી પગપાળા રહેલા સંઘના પ્રવાસનું આ એક અગત્યનું કાવ્ય છે. વર્ણન સાદું સરળ છે. આવા બનાવોની સમાજના માનસ પર કેવી પ્રભાવક છાપ પડતી તેના ઉદાહરણ રૂપે પણ આવાં કાવ્ય નોંધી રાખવા જેવાં છે. શેઠાણીએ પચાસ હજારનો હીરો ખરીદ્યો તે બીના પણ કવિ નોંધે છે. સમેતશિખરનાં દહેરાંનું વર્ણન ‘ઝલઝલાં ઝલકી, રહ્યાં છે, જાણે કનકની ગારે લીપી.’ જેવી પંક્તિ દ્વારા કરે છે. આ પુસ્તિકાના છેડે કવિએ પોતાની જાણીતી ‘ઊંદર કેર કરે છે’ ની સુંદર વિનોદમય ગરબી મૂકી છે. એ એકલી ગરબી પણ કવિને વિનોદના લેખકોમાં સ્થાન અપાવે તેવી છે. આ કવિમાં પ્રાસાદિક સાદા વર્ણનની સારી હથોટી છે અને વિનોદની પણ સારી શક્તિ છે. ૧૮૬૩ના સટ્ટાની ખોફનાક પાયમાલીમાં સરસ્વતીના ઉપાસક કવિઓ પણ સંડોવાયા વગર નહોતા રહ્યા. દલપત-નર્મદે એ ઘટનાને હાસ્યમિશ્રિત કરુણ ભાવે ગાઈ છે. એમાં બીજા એક કવિની કૃતિ પણ કીમતી ઉમેરો કરે છે. શેરની ઐતિહાસિક ભૂમિકા આપી પિતાપુત્રના સંવાદ રૂપે આખા બનાવની વાર્તા બનાવી રસિક રીતે કવિએ વર્ણવીને એ આખી વિપત્તિની વ્યાપકતાને બરાબર ઉઠાવ આપ્યો છે. કવિની ચિત્ર ઉપજાવવાની શક્તિ પણ સારી છે :
કરમાં ગ્રહીને કાગળો, મૂકી મસ્તકે હાથ જી,
રૂએ જુએ ભૂમિ ભણી, સમરે શ્રી જગનાથ જી.+[8]
મુંબઈમાં ૧૮૭૪માં થયેલા હુલ્લડનાં બે કાવ્યો* [9]મળી આવે છે, જેમાં રામશંકર ગવરીશંકરનું ‘દરગાહી દંગો’ કંઈક સારું છે. આ કવિ નર્મદની અસર હેઠળનો લાગે છે. સંપની લાવણી સારી છે :
સહુ સજો સજ્જનો સંપ, જંપ જડિ જડિને, (૨)
સ્થાપો મળિને સ્થિર સ્થંભ દંભ દળિદળિને.
આ પ્રાંસગિક કાવ્યમાં સૌથી ટોચનું કહેવાય તેવું એક નાનકડું કાવ્યx[10] તેના વિષયની વિલક્ષણતાને લઈને ખૂબ ધ્યાન ખેંચે તેવું છે. એમાં એક લાલાની વાત છે. તેણે તથા તેની માશૂક હરકોરે મળી હરકોરના પતિનું ખૂન કર્યું અને બંનેને ફાંસીની સજા થઈ. ફાંસીએ ચડવા પહેલાંના દિવસની બંનેની વાણી આ કાવ્યમાં મૂકી છે. પ્રકાશકે ‘હિમ્મતવાન તથા ફાંકડા સજ્જનોને વાસ્તે’ આ પ્રસિદ્ધ કર્યું છે એવી નોંધ મુખપૃષ્ઠ ઉપર મૂકી છે. આ ઘટના કાલ્પનિક હોય તોપણ આવી રીતે, એ સદ્બોધપરાયણતાના કાવ્યકાળમાં આવા વિષયને સ્પર્શનાર એ અજાણ્યા કવિની હિંમત પણ ઘણી કહેવાય. કાવ્ય સીધુંસાદું છે. ક્યાંક એમાં સરસ ખુમારી આવે છે. અને તે જ આ કાવ્યને તે યુગની કવિતામાં અનોખું સ્થાન અપાવે છે. લાલ કહે છે :
શુરા શ્હેરમાં હું થઈ લાલ મહાલ્યો
ભલા હેતથી મેં હકુ હાથ ઝાલ્યો;
રમ્યાં ને જમ્યાં રે હમે સ્નેહ સાથે,
ઘણાં પાન પાયાં પિધાં હાથહાથે
મ્હને પ્રાણપ્યારો ગળેથી ગણીને
ઉભી મારવા જે બિચારા ધણીને
અને તે છટાથી ઉમેરે છે :
ઘણા ખૂનિયો ફાંસીએ તો ગયા’તા
કહો આટલા લોક ભેગા થયા’તા?
કાવ્યમાં બીજી ખૂબી એ છે કે હકુના મૂળ પતિ તરફ એકેને રોષ નથી. પોતાને રાજાએ ફાંસી આપી એ સામે પણ બંનેને કશી ફરિયાદ નથી. આ તો વિધાતાનું જ નિર્માણ છે એમ તેઓ માને છે. અને તેથી બંને જણ ફાંસીએ ચડે છે એમાં પણ એમને પ્રણયનું અને જીવનનું સાર્થક્ય દેખાય છે. બંને જણ ગર્વથી સંતોષ સાથે મૃત્યુ પામે છે અને કહેતાં જાય છે કે અમે જે રસ માણ્યો છે તે જગતમાં કોઈએ,
નથી ભોગવ્યો ને નથી ભોગવાનો,
જવું જોડ સાથે કહો શોક શાનો?
પ્રાસંગિક કાવ્યોનો ત્રીજો પ્રકાર વ્યક્તિઓના જીવનની કે કાર્યની પ્રશસ્તિઓનો કે તેમના મૃત્યુના વિરહોદ્ગારોનો છે. સ્વાભાવિક રીતે જ તે વખતના દેશી રાજાઓ કે મહાધનિકોનાં જ જીવન કે મરણ આ કાવ્યોનો વિષય બનતાં. આવાં પંદરેક કાવ્ય જીવનપ્રશસ્તિનાં અને વીસેક કાવ્યો મરણનાં તથા વિરહનાં મળી આવે છે, આવા પુરુષોનું સ્તવન પણ કવિને આર્થિક લાભ કરનારું હોઈ આર્થિક લાભ ખાતર કેટલાંક આવાં કાવ્યો રચાતાં અને કાવ્યમાં કશો ગુણ ન હોય છતાં સ્તુત્ય વ્યક્તિની કૃપાથી તેમનાં મોટાં દળદાર થોથાં બહાર પડતાં. આ પ્રકારનાં કાવ્યોમાં પણ દલપતરામની કૃતિઓ, અનેક દેશી રાજાઓ વિશેની, તથા ખાસ તો ‘ફાર્બસવિલાસ’ અને ‘ફાર્બસવિરહ’ પ્રથમ સ્થાન ભોગવે છે. પણ બીજા અલ્પગુણ કવિઓએ પણ કેટલાક રાજવીઓને તથા મહાપુરુષોને કાવ્યમાં અમર કરવા પ્રયાસ કર્યો છે, જેમાંથી થોડાએક નોંધપાત્ર છે, કવેશ્વર ઉત્તમરામ પુરૂષોત્તમે ‘ખંડેરાવ મહારાજનો ગરબો’ (૧૮૫૮) લખ્યો છે. આ લેખકની આ સારામાં સારી કૃતિ કહેવાય. કવિ કલ્પનાની તથા છંદરચનાની સરસ શક્તિ બતાવે છે. કુસ્તીનું ચિત્ર આપતાં તે લખે છે :
મલ્લ કુસ્તીમાં સુગ્રીવવાલી, સામૃથ યોધા યેહ રે,
પેચ લઢ્યા પૃથવી ધુજાવે, કરે કુતુહલ તેહ,
લથોબથ મનબથ ગલે, ભરી બાથ ઝાટકે હાથ રે.
થર્હરે ભોમી દિગપાલ ડગે તે નિરખે રઘુનાથ.
રાજાના મલ્લોનાં, દરબારનાં, લશ્કરનાં, અમલદારોનાં વર્ણન કાવ્યમાં આવે છે. પણ સૌથી સુંદર પ્રસંગ કંપની સરકાર સામે મગન ભૂષણ અને ન્યાલચંદ ઝવેરીએ કરેલા બંડને મહારાજે મદદ આપી શાંત કર્યું તેનો છે. એ પ્રસંગને કવિ એક સુંદર ઉપમાથી ચીતરે છે :
ચોટ કરાવી ચડપ ઝલાવ્યો, જ્યમ તેતરને બાજ,
ખંડેરાવની સવારી અમદાવાદમાં આવી તેનું વર્ણન પણ લેખકે રઘુવંશની રીતિએ કરવા પ્રયત્ન કર્યો છે. મલ્હારરાવ ગાયકવાડના પણ બે ગરબા મળે છે, પણ તે ઘણી સાધારણ કૃતિઓ છે. તેમને અંગે ઠા. ગોવર્ધનદાસ લક્ષ્મીદાસે લખેલું ‘મલ્હારવિરહશતક’ (૧૮૭૫) વિશેષ નોંધપાત્ર છે, કારણ એને ‘જગપ્રખ્યાત કવીશ્વર ક. દ. ડા.એ’ સુધારી આપેલું છે. મલ્હારરાવ પ્રત્યે પ્રજાની લાગણી કેવી હતી તે આમાં જોવા મળે છે :
અચબુચ રાવળ આવીઓ, લઈ જાનકી જ સિધાવીઓ.
ત્યમ નીડ કર્નલ ફાવીઓ, મલ્હારને સપડાવીઓ.
...હિંદુતણો શિરતાજ સ્વતંત્ર થયો પરતંત્ર હવેથી ચળી,
દેશીતણા દિલમાં દુઃખ તેથી થયું, ઉદ્ગાર ગીરા નિકળી.
રેવાકાંઠાના એક ઠાકોર ‘રૂપદેવજીના ગરબા’માં ‘રાજા રૂપદેવ છત્રપતિ, જેસા નથ બીચ મોતી દાના’ જેવી એકાદ સુંદર પંક્તિ મળે છે. દેવગઢ બારિયાના રાજા માનસિંહને અંગે લખાયેલા ‘માનસિંહ ગુણોન્નતિ’માં રાણીના વર્ણન અંગે સંસ્કૃત ઢબે અલંકારો મૂકવાનો પ્રયાસ છે. ભાષા શિષ્ટ અને પદબંધ સારો છે. એક ગોંડલનિવાસી પ્રજ્ઞાચક્ષુ શીઘ્રકવિ શિવદાસ નારણે ભાવનગરનો આખો ઇતિહાસ કવિતા રૂપે ‘ગોહિલ બિરદાવળી’ (૧૮૯૯) નામે દળદાર ગ્રંથમાં બહાર પાડ્યો છે.
પીરશ્યાં ભાણાં પડી રહ્યાં, ને થઈ રુધિરની રેલ,
તગતગતી તરવાર તણો ત્યાં મચિયો ખાસો ખેલ.
જેવી થોડીક જ પંક્તિઓ આ નર્યા પદબંધમાંથી મળે છે. એ જમાનાના મહાજનોમાં સર જમશેદજી, પ્રેમચંદ રાયચંદ, કાબરાજી તથા દાદાભાઈને અંગેનાં કાવ્યો ધ્યાન ખેંચે તેવાં છે. ‘પ્રેમચંદચરિત્ર’ (૧૮૬૬)નો લેખક કાવ્યના નાયકને બુદ્ધનો અવતાર જણાવે છે. એની પ્રતિજ્ઞા તો ભગવાનની જ કવિતા કરવાની હતી, પણ તેને રાત્રે અંબાએ સ્વપ્નમાં આજ્ઞા કરી એટલે તેણે આ કાવ્ય લખ્યું છે એ આ કાવ્યનો તથા કાવ્યના નાયકનો મહિમા છે! લૉર્ડ મેયો, હંસરાજ, કરસનદાસ, વિલ્સન, માહેશ્વર, નર્મદ, મહીપતરામ, દલપતરામ, ઝંડુ ભટ્ટજી, મણિભાઈ જશભાઈ વગેરે મહાજનોનાં મૃત્યુના પ્રસંગો પણ ‘વિરહ’રૂપે કાવ્યબદ્ધ થયા છે. સામાન્ય કોટિના પદબંધ, નાયકના જીવનના પ્રસંગો, તથા તેના મૃત્યુથી મનુષ્ય જાતિની જ નહિ પણ કુદરતની પણ કેવી શોકાકુલ વ્યગ્ર દશા થઈ, એ બધું આ કાવ્યમાં વર્ણવાયું છે. જતે દિવસે તો શોકની તીવ્રતા બતાવવાની આ રીત પણ રૂઢ બની જાય છે. આમાંથી જે કોઈની રચના નોંધપાત્ર છે તેનો ઉલ્લેખ તે કવિની બીજી કૃતિઓ સાથે યથાસ્થાને કરી લીધો છે.
- ↑ * ટૂંટિયું કદી જીવલેણ ન નીવડતું, અને માણસને વિચિત્ર કરી મૂકતું તે આનું કારણ હોય. સાંભળ્યું છે કે એ રોગ માણસને ઊંટ જેવું કરી મૂકતો માટે તેને ટૂંટિયું કહેતા. પણ ‘ટૂટિયું’ વાળીને સૂવું એ પ્રયોગ છે, તે પણ બેડોળ દર્શન છે. રંગીલું અને ટૂંટિયું બે જુદા રોગો હતા, પણ એક જ વખતે પ્રસરેલા એટલે લોકોનાં મનમાં કદાચ ગોટાળો હશે. રંગીલામાં માણસ શરીરે રાતો થઈ જતો અને શીરો ખાવાથી મટે છે એમ ગણાતું, તેનાથી પણ કદી મરણ નીપજતું નહિ. રા. વિ. પાઠક
- ↑ X ‘રંગીલાનો રંગ’ (૧૮૭૨), કર્તા કવિ બુલાખીરામ ચકુભાઈ
- ↑ * ટૂંટિયાનો રાસડો’ (૧૮૭૧), ભાવસાર કેવળદાસ અમીચંદ
- ↑ + ‘ચોત્રીસાના દુકાળની દશા’ (૧૮૭૭), વ્યાસ ઇચ્છાશંકર અમથારામ
- ↑ * દુકાળદર્પણ અથવા છપનાની છાપ’ (૧૯૦૦), કવિ શીવલાલ ખુશાલભાઈ બ્રહ્મભટ્ટ
- ↑ + ‘વિજળીવિલાપ’ (૧૮૯૯), જોષી ભીખાભાઈ શવજી
- ↑ x વ્યાસ ઇચ્છારામ અમથારામ કૃત (૧૮૬૪)
- ↑ + ‘સટ્ટાપરિણામદર્શક’ (૧૮૬૬), રતનશી શામજી
- ↑ * ‘મુંબઈમાં જાગેલું દીન’ (૧૮૭૪), નરભેરામ કાશીરામ દવે
‘દરગાહી દંગો’ (૧૮૭૪), રામશંકર ગવરીશંકર કવી - ↑ x ‘વિધાત્રાનો વાંક’ (૧૮૭૧) પ્ર. ભગવાનલાલ રણછોડદાસ બાદશાહ