અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`ઓજસ' પાલનપુરી/ચાંદની ફેલાઈ ગઈ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ચાંદની ફેલાઈ ગઈ

`ઓજસ' પાલનપુરી

મારી હસ્તી મારી પાછળ એ રીતે વીસરાઈ ગઈ;
આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ.

આગમન એનું સુણીને ઊર્મિઓ હરખાઈ ગઈ;
ચાંદ ઊગ્યો પણ નહીં ને ચાંદની ફેલાઈ ગઈ.

દર્દમાં ઠંડક, દિલાસામાં જલન, અશ્રુમાં સ્મિત,
પ્રેમનો ઉત્કર્ષ થાતાં ભાવના બદલાઈ ગઈ.

આત્મા પરમાત્માને, દેહ માટીને દીધો,
જે મતા જેની હતી એને બધી સોંપાઈ ગઈ.

ભેટવા એને હતો હું એટલો વ્યાકુળ કે
ખુદ કજા મારો ધસારો જોઈને ગભરાઈ ગઈ.

વાસ્તવમાં વિરહ પણ છે એક મૃત્યુનો પ્રકાર,
એ મરણના મુખ મહીં પણ જિંદગી જિવાઈ ગઈ.

મુજને `ઓજસ'ના સ્વરૂપે આ જગત જોતું રહ્યું,
આંખ સૌની `એને' ઓળખવામાં ઠોકર ખાઈ ગઈ.