અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`મરીઝ'/ઇશારે ઇશારે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઇશારે ઇશારે

મરીઝ

જીવનભરનાં તોફાન ખાળી રહ્યો છું,
         ફક્ત એના મોઘમ ઇશારે ઇશારે.
ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું
         છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે.

અહીં દુ:ખની દુનિયામાં એક રંગ જોયો,
         ભલે સુખનું જગ હો પ્રકારે પ્રકારે.
સુજનની કબર કે ગુનેગારની હો,
         છે સરખી ઉદાસી મઝારે મઝારે.

હૃદય મારું વ્યાપક, નજર મારી સુંદર,
         કલા મારી મોહક વિચારે વિચારે.
નથી આભને પણ કશી જાણ એની,
         કે મેં ચાંદ જોયા સિતારે સિતારે.

અમારાં બધાં સુખ અને દુ:ખની વચ્ચે,
         સમયના વિના કંઈ તફાવત ન જોયો.
બધી યે મજાઓ હતી રાતે રાતે,
         ને સંતાપ એનો સવારે સવારે.

નથી ઝંખના મારી ગમતી જો તમને,
         તો એનું નિવારણ તમારું મિલન છે.
તમે આમ અવગણના કરતા જશો તો,
         થતી રહેશે ઇચ્છા વધારે વધારે.

અમસ્તો અમસ્તો હતો પ્રશ્ન મારો,
         હકીકતમાં કોની છે સાચી બુલંદી.
જવાબ એનો દેવા ઊઠી આંગળીઓ,
         તમારી દિશામાં મિનારે મિનારે.




`મરીઝ' • જીવનભરનાં તોફાન ખાળી રહ્યો છું • સ્વરનિયોજન: પુરુષોત્તમ ઉપાધ્યાય • સ્વર: પુરુષોત્તમ ઉપાધ્યાય