અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`સરોદ' `ગાફિલ' મનુભાઈ ત્રિવેદી /અમને ગુરુ મળ્યા છે ગરવા
Jump to navigation
Jump to search
◼
મનુભાઈ ત્રિવેદી `સરોદ' `ગાફિલ' • અમને ગુરુ મળ્યા છે ગરવા • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: અમર ભટ્ટ
◼
અમને ગુરુ મળ્યા છે ગરવા
`સરોદ' `ગાફિલ' મનુભાઈ ત્રિવેદી
અમને ગુરુ મળ્યા છે ગરવા —
એના શબદ ગયા સોંસરવા :
અમને ગુરુ મળ્યા છે ગરવા.
આભ અવાકની વાણ સુણાવી,
ઝમ્યા નેહ મેઘરવા;
ટીપે ટીપે ધાર ઝવી, એને
ઝીલી થયા અમે નરવા. —
અમને ગુરુ મળ્યા છે ગરવા.
અંબરથીય અતિ અતિ ઊંચે
બાંધ્યા ચિત્ત ચંદરવા;
મન માંડવડે મનહર જ્યોતિ
જળી રહી તમ હરવા. —
અમને ગુરુ મળ્યા છે ગરવા.
શબદ સોંસરવા સર્યા મૌનમાં,
મોંઘે મોત એ મરવાં;
સદ્ગુરુ, અમને જુગતિ બતાવો
પંડ પાર પરવરવા. —
અમને ગુરુ મળ્યા છે ગરવા.
(સુરતા, પૃ. ૧૩)
મનુભાઈ ત્રિવેદી `સરોદ' `ગાફિલ' • અમને ગુરુ મળ્યા છે ગરવા • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: અમર ભટ્ટ