અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`સરોદ' `ગાફિલ' મનુભાઈ ત્રિવેદી /ફીણ ઝાઝાં ને —

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ફીણ ઝાઝાં ને —

`સરોદ' `ગાફિલ' મનુભાઈ ત્રિવેદી

વેગીલા બેલી, ફીણ ઝાઝાં ને નીર થોડાં,
         વગદાં ઝાઝાં ને હીર થોડાં;
વેગીલા બેલી, ફીણ ઝાઝાં ને નીર થોડાં.

વેધ વીંધવાને સહુએ પણછું ચડાવી;
         થોથાં ઝાઝાં ને તીર થોડાં :
વેગીલા બેલી, ફીણ ઝાઝાં ને નીર થોડાં.

મનની મનીષા, બેલી, સહુ કોઈ સાધે;
         ચંચળ ઝાઝાં ને થીર થોડાં :
વેગીલા બેલી, ફીણ ઝાઝાં ને નીર થોડાં.

જંગ જીતવાને જાણે સહુ કોઈ હાલે;
         મડદાં ઝાઝાં ને મીર થોડા :
વેગીલા બેલી, ફીણ ઝાઝાં ને નીર થોડાં.

કહે છે સરોદ, દુનિયા નીરખીને જોઈ લો,
         પાણા ઝાઝા ને પીર થોડા :
વેગીલા બેલી, ફીણ ઝાઝાં ને નીર થોડાં.

(સુરતા, પૃ. ૮૭)