અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ/બાવળ
Jump to navigation
Jump to search
બાવળ
અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
બાવળ,
ઊંચો વધીને આકાશને ચીરી નાખ
તારી હજારો શૂળ વડે,
નક્ષત્રો ને તારાઓનીય પેલે પારથી
તાજી હવા મળે એની રાહ જોઉં છું.
તારી જિજીવિષા આપ મને,
બાવળ, વિષાદના દેવ,
સૂકીભઠ્ઠ ધરતીમાં રોપી શકું મારાં મૂળ
ને ઝઝૂમું ગરમ ગરમ સૂસવાતા વાયરાની સામે.
ના, જીવવાનો ક્યાં છે અર્થ?
અર્થ ને નર્થની લમણાઝીંકમાં
દરિયાનો રસ્તો ભૂલી ગઈ સરસ્વતી.
મારી તરસી આંખોને
ઝાંઝવાનાં પાણીનો કશોય નથી અર્થ.
બાવળ,
આપણે તો વિષાદનો સંબંધ.
નિષાદના બાણથી એકાદ ક્રોંચથી વીંધાય
તોય તારો શોક ક્યાં પામવાનો છે શ્લોકત્વ?
ને તોય લખાવાનું છે એક રામાયણ.