અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/અનિલ જોશી/કીડીએ ખોંખારો ખાધો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કીડીએ ખોંખારો ખાધો

અનિલ જોશી

ક્રાઉં ક્રાઉં કાગડાથી ખીચોખીચ લીમડામાં કીડીએ ખોંખારો ખાધો,
તમને નથી ને કાંઈ વાંધો?

માખીએ મધપૂડા છોડી દીધા ને હજી આંખ આડા કાન કરે સંત?
લીમડા ઉપરથી ઊતરતી કીડીનો ગુંદરના ટીપામાં અંત?
ખરી જતાં પાંદડાંને ફરી પાછા ડાળીએ ગુંદરથી જાવ હવે સાંધો.
ક્રાંઉં ક્રાંઉં…

આંબાની ડાળીએ લીંબોળી ઝૂલતી ને લીમડાની ડાળીએ કેરી?
તરસી કીડીને માથે ગાગર ઢોળાય છતાં પંડિતની આંખ હજી બ્હેરી?
કીડીના પછવાડે જંગલ ઢંકાઈ ગયું જાવ હવે તડકાને બાંધો!

ક્રાંઉં ક્રાંઉં કાગડાથી ખીચોખીચ લીમડામાં કીડીએ ખોંખારો ખાધો,
તમને નથી ને કાંઈ વાંધો?