અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/અમૃત `ઘાયલ'/લિજ્જત છે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


લિજ્જત છે

અમૃત `ઘાયલ'

ગભરુ આંખોમાં કાજળ થઈ, લહેરાઈ જવામાં લિજ્જત છે,
ચર્ચાનો વિષય એ હોય ભલે, ચર્ચાઈ જવામાં લિજ્જત છે!

વેચાઈ જવા કરતાંય વધુ વહેંચાઈ જવામાં લિજ્જત છે,
હર ફૂલ મહીં ખુશ્બો પેઠે ખોવાઈ જવામાં લિજ્જત છે.

પરવાના પોઢી જાયે છે ચિર મૌનની ચાદર ઓઢીને,
હે દોસ્ત, શમાની ચોખટ પર ઓલાઈ જવામાં લિજ્જત છે.

દુ :ખ પ્રીતનું જ્યાં ત્યાં ગાવું શું? ડબલે પગલે પસ્તાવું શું?
એ જોકે વસમી ઠોકર છે પણ ખાઈ જવામાં લિજ્જત છે.

જે અંધ ગણે છે પ્રેમને તે આ વાત નહીં સમજી જ શકે;
એક સાવ અજાણી આંખથી પણ અથડાઈ જવામાં લિજ્જત છે!

બે વાત કરીને પારેવાં થઈ જાયે છે આડાંઅવળાં,
કૈં આમ પરસ્પર ગૂંથાઈ, વીખરાઈ જવામાં લિજ્જત છે!

સારાનરસાનું ભાન નથી પણ એટલું જાણું છું `ઘાયલ',
જે આવે ગળામાં ઊલટથી એ ગાઈ જવામાં લિજ્જત છે.

(આઠોં જામ ખુમારી, પૃ. ૩૬૮)




અમૃત `ઘાયલ' • લિજ્જત છે • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: પાર્થ ઓઝા