અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/અશરફ ડબાવાલા/જાદુ કરે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જાદુ કરે

અશરફ ડબાવાલા

મન મહીં ઊઠતાં વમળ જે અંગ પર જાદુ કરે,
અંગ ભીતરને ચડેલા રંગ પર જાદુ કરે.

તું કૃપા મારા ઉપર કરજે તો કરજે એટલી,
દૃશ્ય એવું આપજે કે અંધ પર જાદુ કરે.

આ સફરમાં ચાલનારાં હાર માને એ પછી,
પગ વગરના ઓલિયાઓ પંથ પર જાદુ કરે.

ફૂલ છેલ્લા દમ ભરે છે ધૂળની સાથે અને,
એક નાનકડી લહેરખી ગંધ પર જાદુ કરે.

લાવ ચોસઠ જોગણી સમ લાગણીઓ ટેરવે,
જો કરે કામણ શબદને, છંદ પર જાદુ કરે.