અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/આત્માનાં ખંડેર સૉનેટમાલા: ૧૭. યથાર્થ જ સુપથ્ય એક

From Ekatra Wiki
Jump to navigation Jump to search


આત્માનાં ખંડેર સૉનેટમાલા: ૧૭. યથાર્થ જ સુપથ્ય એક

ઉમાશંકર જોશી

ન રાવ, ફરિયાદ ના, ફિકર ના, અજંપાય ના,
ન કે પ્રબલ કોઈ સત્ત્વ થકી શક્તિની યાચના.
ન ઘેલી લગનીય વા ગગનચુંબી આદર્શની
ભમાવતી અસત્યચક્ર રચી રમ્ય ભ્રાન્તિ તણાં.
જગે દુરિતલોપની ઉર અશક્ય ના વાંછના,
ન વા ધગશ સૃષ્ટિના સકલ તત્ત્વસંમર્શની;
ડગેડગ વધારતી વજન શૃંખલા કાલની,
દમેદમ પધારતી નિકટ શાશ્વતી યામિની.

ન શાંતિ-ચિતસૌખ્ય-કાજ જગ ડ્હોળવાં મંથને,
ભરી યદિ અશાંતિ ચોગમ સમુલ્લસંતી જ તો.
મને અસુખ ના દમે વિતથ સૌખ્ય જેવાં કઠે;
સુખો ન રુચતાં, યથા સમજ માંહી ઊતર્યાં દુખો.
યથાર્થ જ સુપથ્ય એક, સમજ્યાં જવું શક્ય જે.
અજાણ રમવું કશું! સમજવું રિબાઈય તે.

મુંબઈ, ૯-૯-૧૯૩૫
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૨૪૦ – ૨૪૯)



ઉમાશંકર જોશી • આત્માનાં ખંડેર: સૉનેટમાલા • કવિના સ્વમુખે કાવ્યપઠન: