અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉશના (દેવેન્દ્ર પાલેજા)/કાફિયો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કાફિયો

ઉશના (દેવેન્દ્ર પાલેજા)

કોણે જલાવી આંગળી પ્રગટાવિયો આ કાફિયો?
કમળપૂજા કરી આરાધિયો આ કાફિયો?

કોણે ઉછાળ્યો ગગનમાં ગેડીદડો આ શબ્દનો?
કોણે ફણીધર નાગ જેવો નાથિયો આ કાફિયો?

સદીઓની પેલે પારથી કોણે ફરી કરતાલમાં,
પરભાતિયાના સૂરમાં આલાપિયો આ કાફિયો?

કોણે રચાવી રાસલીલા ગઝલના તટ પર ભલા?
ઝૂમે રદીફની તાળી પર દઈ તાલિયો આ કાફિયો!

કોણે પીધો આ દૃશ્યનો આસવ ભરીને આંખમાં?
ઘેઘૂરે ઘૂમે ગહનમાં લો, સાકિયો આ કાફિયો!

વાઘા સજી લય-છંદના, સાફો શબદનો શીશ પર;
કોને પરણવા નીકળ્યો વરણાગિયો આ કાફિયો?

પરબ, નવેમ્બર