અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉષા ઉપાધ્યાય/આષાઢ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


આષાઢ

ઉષા ઉપાધ્યાય

આકાશી આંબાને આવ્યો મૉર અને છે જળબિલ્લોરી,
ચાંદાની આંખોમાં છલક્યો તૉર અને છે જળબિલ્લોરી.

આ વાદળનાં પાનાં ખોલી કોણ પઢાવે અમને નિશદિન,
ઠોઠ નિશાળી ફોરાં કરતાં શોર અને છે જળબિલ્લોરી.

ઘનઘોર ઘટાના મેળામાં જ્યાં વાગી ઢોલે થાપ જરી, કે—
આકાશી નટ રમતો બીજલ દોર અને છે જળબિલ્લોરી.

ધરતીના ખાંડણિયે નભની નાર કયું આ ધાન છડે છે!
ઝીંકાતા આ સાંબેલાનું જોર અને છે જળબિલ્લોરી.

વરસાદે ભીંજાતાં-ન્હાતાં છોરાં શો કલશોર મચાવે,
કે ન્હાવા આવે તડકો થૈને ચોર અને છે જળબિલ્લોરી.