અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉષા ઉપાધ્યાય/મુક્તિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મુક્તિ

ઉષા ઉપાધ્યાય

નળ કરે છળ
તો ત્યજી શકે દમયંતી,
રામ કહે “બળ”
તો છોડી શકે સીતા;
રચાશે પૃથ્વી પર જ્યારે
એવી સંહિતા
ત્યારે
આકાશગંગાની નક્ષત્રમાલામાં શોભતા
સપ્તર્ષિ નક્ષત્રને છેવાડે
રાવજીની પાછલી રવેશ જેવો
ઝાંખું ઝાંખું પ્રકાશતો
અરુંધતીનો તારો
ખીલી ઊઠશે બટમોગરાની જેમ
તેજે છલકાતો...