અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કલાપી/વિધવા બહેન બાબાંને

From Ekatra Wiki
Jump to navigation Jump to search
વિધવા બહેન બાબાંને

કલાપી

વ્હાલી બાબાં! સહન કરવું એય છે એક લ્હાણું!
માણ્યું તેનું સ્મરણ કરવું એય છે એક લ્હાણું!
મૃત્યુ થાતાં રટન કરવું ઇષ્ટનું એય લ્હાણું!
આશા રાખી મરણ પછી ને જીવવું એય લ્હાણું!

સંબન્ધીના મરણ પછી ના સર્વ સંબન્ધ તૂટે,
બ્હેની! આંહી વિરહ જ ખરો ચિર સંબન્ધ ભાસે;
તે પ્રેમી જે પ્રણયમયતા જોઈ મ્હાણે વિયોગે,
મીઠું કિન્તુ ક્ષણિક જ નકી સ્વપ્ન સંયોગ તો છે.

છે વૈધવ્યે વધુ વિમલતા, બ્હેન! સૌભાગ્યથી કૈં;
છે ભક્તિમાં વધુ વિમલતા, બ્હેન! શૃંગારથી કૈં;
બાબાં! ત્હારા મૃદુ હૃદયને ઓપ વૈધવ્ય આપી,
ઊંચે ઊંચે તુજ દિલ જશે લેઈ ધીમે ઉપાડી.

ના બોલું આ તુજ હૃદયનાં અશ્રુ હું લૂછવાને,
શાને લૂછું હૃદયશુચિતા આંસુડાં દાખવે જે?
વ્હાલી બાબાં! કુદરતકૃતિ સર્વદા હેતુવાળી,
ઇચ્છે દેવા અનુભવ પ્રભુ સર્વને સર્વ, વ્હાલી!

બાપુ! આ સહુ સુખદુ :ખ તણી વેઠ નાખી નથી કૈં,
આ તો બોજો કુદરત તણો માત્ર કલ્યાણકારી;
આ પ્હાડો જે પથિક સહુને આવતા માર્ગમાં ત્યાં
ચક્ષુવાળાં શ્રમિત ન બને કિન્તુ સૌન્દર્ય જોતાં.

આ કુંડાળું કુદરત તણું કોઈ જોઈ શકે, તો
ના ના જોશે કંઈ વિષમતા કિન્તુ સીધાઈ લીસી;
ટૂંકી દૃષ્ટિ જનહૃદયની અલ્પ ખંડો જ જોતી,
ને તેથી આ સુઘટ સરણી દીસતી ડાઘવાળી.

બાબાં! જોને નયન ભરીને આંસુથી એક વાર!
બાબાં! જોને સુપ્રભ રચના વિશ્વની એક વાર!
વ્હાલા સાથે નિરખતી હતી આજ જો એકલી તું,
બાબાં! ખુલ્લું હૃદય કરી જો, એ જ ઇચ્છ્યું હરિનું.

જોને, બાપુ! તુજ જિગરનો મિત્ર તો ત્યાં વિલાસે,
ત્હારો ચ્હેરો ગત હૃદય એ ત્યાંય ઊભું વિમાસે!
એ રેલાયું ઉદધિ સઘળે કિન્તુ તું બિન્દુ તેનું,
આડું આવ્યું પડ નયનને તોય એ વારિ ત્હારું.

બ્હેની! આવાં પડ પછી પડો આવતાં જાય આડાં,
અન્તે ગાઢાં પડ ચીરી દઈ પાર જાતાં સહુ ત્યાં;
તું ને મ્હારી પ્રિય સખી ત્યજી હુંય જાઉં કદાપિ,
એવું એ કૈં શુભ જ કરવા ઈશ ઇચ્છે કદાપિ —

રે! તો સાથે તમ હૃદયનાં ગાળજો અશ્રુ બન્ને,
જે બાકી તે ભણી લઈ તમે આવજો સાથ બન્ને;
બાબાં! તું એ શીખીશ ફરી આ પાઠ ઔદાર્યનો, ને
મ્હારી ભોળી પ્રિય અબુધને દોરજે આ જ માર્ગે.