અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કલ્યાણજી મહેતા/તમારી આત્મશ્રદ્ધા તો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
તમારી આત્મશ્રદ્ધા તો

કલ્યાણજી મહેતા

દીવાલો દુર્ગની ફાટે તમારા કેદખાનાની;
તૂટે જંજીર લોખંડી તમારી આત્મશ્રદ્ધા તો.

તમારા માર્ગમાં ઊભા પહાડોયે ખસી જાશે;
બિયાબાં માર્ગ દઈ દેશે તમારી આત્મશ્રદ્ધા તો.

ઊતરવા સાત સાયર જો તમારા પથ્થરો તરશે;
વિના નૌકા સફર થાશે તમારી આત્મશ્રદ્ધા તો.

જવું આકાશમાં ધારો, ન વાયુ-યાન પાસે છો,
વિના પાંખે ઊડી જાશો તમારી આત્મશ્રદ્ધા તો.

થશે વિદ્યુત ને વાયુ, તમારા દાસ અગ્નિયે,
વરસશે મેહ માગ્યા જો તમારી આત્મશ્રદ્ધા તો.

હજારો રોગની જ્વાળા દવાના બુંદ પણ વિના,
બુઝાશે શાંતિ સિંચાશે તમારી આત્મશ્રદ્ધા તો.

દિગંબર સાધુના ચરણે સિકંદર શાહ નામે છે,
ગળે સૌ ગર્વ ભૂપતિના તમારી આત્મશ્રદ્ધા તો.

જીગરની બાળહઠથી તો વિઠોબા દૂધ પીએ છે,
પ્રકટશે પથ્થરે પ્રભુજી તમારી આત્મશ્રદ્ધા તો.

પ્રભુ પ્રહ્‌લાદને માટે વસેલા લોહને થંભે,
સદા સાન્નિધ્યમાં રહેશે, તમારી આત્મશ્રદ્ધા તો.

મદોન્મત્ત સિંહ ને વ્યાઘ્રો ઋષિના ચરણ ચાટે છે,
તજે હિંસારી હિંસાને તમારી આત્મશ્રદ્ધા તો.

ઝરંતા ઝેર ભુજંગો ફણાને છત્ર શી ધરશે,
તજી દે ઝેર કાતિલો તમારી આત્મશ્રદ્ધા તો.

ઊભી રહી હાથ બે જોડી વિજયદેવી ધરી વરમાળ,
તમારે કંઠ આરોપે તમારી આત્મશ્રદ્ધા તો.

(હૃદય-મન્થન, ૧૯૧૯, પૃ. ૪-૫)