અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કિશોર મોદી/સુરતી બોલીમાં સુંદર રચના

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સુરતી બોલીમાં સુંદર રચના

કિશોર મોદી

– વીહલા, રાજ હાથે સુન્દરકાંડ વાંચી વાંચીને
થાકી ગિયા.
પેલા મોરારી બાપા કેવટનો પરસંગ મલાવી મલાવીને કે’છે.
પણ આપળી હમજણને એવો લૂણો લાગી ગેયલો
છે ને
મગજમાં મારું બેટું કંઈ ઊટરતું નથી.
એ તો વળી એમ પણ કે’છે કે
અમે તો વરડો વરહ વાહણને કલ્લઈ કરવાવાળા છીએ
પણ
એલ્મિનના વાહણને કંી કલ્લઈ થતી ઓહે,
વીહલા?
એલા વિશળિયા,
રોજ રોજ કથામાં સુન્દરકાંડ સાંભળી થાકી ગ્યો.
ફેરવી ફેરવીને મોરારી બાપુ પૂરા વળોટથી કેવટની વાત કરે છે
પણ મગશમાં એવાં બાવાં ઝાળાંનાં કોકડાં બાઝ્યાં છે
કોઈ વાતે બત્તી નથી થતી.
બાપા તો ધરપત પૂરી આપે છે કે
દર દિવાળીએ આપણે માંજીને કલઈ કરવા સાબદા છે.
પણ આપડે ર્યાં એલમોનિયમના
તે એને કાંઈ કલાઈ ચડે ખરી
તું જ બોલ વિશલા?



આસ્વાદ: વીહલા, સુન્દરકાંડ વાંચીને થાકી ગયા – રાધેશ્યામ શર્મા

એક ખ્યાલ છે કે પ્રાદેશિક બોલીમાં કવિતા ઘડી દેવાથી કૃતિ કળાત્મક બની આવશે. ક્યારેક ભ્રમ પણ ભાગ ભજવી જાય. છતાં એમ પણ તથ્ય નિહિત છે કે બોલીમાં વણાયેલી રચના કોઈ એક ક્ષેત્ર–પ્રદેશની સુગંધને અકબંધ રાખી સચોટ અભિવ્યક્તિ સાધી શકે. ‘સ્પીચ–કોમ્યુનિટી’ના લોકો એક જ ભાષા બોલતા નથી, પણ ભિન્ન ભિન્ન જૂથો એમની પ્રદેશની બોલીનો વ્યવહારમાં તેમજ સાહિત્યમાં વિનિયોગ કરી ધાર્યું પરિણામ મેળવી શકે. બોલીના કારણે જ કળાતત્ત્વ નીખરે એવો નિયમ નથી, તેમ બોલીમાં કાવ્યત્વ ના જ પ્રવેશે એવું નથી.

કવિશ્રી કિશોર મોદીએ સુરતી બોલીમાં મુક્ત કવિતા કરવાનો ખતરો માથે લઈ સાહસ કર્યું છે અ–ખતરાનું. સુરતી બોલીમાં કાવ્ય કરવું હતું તો એને ‘સુરતી’ કરતાં ‘હુરતી બોલી’ કહેવું વધુ યોગ્ય નહોતું?

કૃતિની ‘થીમ’ અને ‘ફોર્મ’ની વાત માંડીએ તે પૂર્વે હુરતી બોલીના તથા સામાન્ય બોલીના ઘટક–અંશો તપાસવા ઘટે. ‘વીહલા’ના સંબોધનથી પ્રારમ્ભ કરીને આગળ ઉપર આ સંબોધન ‘એલા વિશાળિયા’ના લહેકા- લયમાં પલટો ખાય છે.

‘રોજ હાંજે, ‘થાકી ગિયા’, ‘પરસંગ’, ‘મારું બેટું કંઈ ઊટરતું નથી’, ‘વાહણને કલ્લઈ કરવાવાળા’, ‘થાકી ગ્યો’, ‘પૂરા વળોટથી’, ‘તું જ બોલ વિહલા’ જેવા ઉક્તિપ્રયોગોમાં સુરતી બોલીનો આંશિક તેમજ ગુજરાતની તળપદી સામાન્ય ભાષાનો અધિક ઉપ-યોગ માણી શકાય.

મોરારી ‘બાપા’ અને ‘બાપુ’ વિશે બે વાર થયેલ ઉલ્લેખમાં તેઓ કેવટનો પ્રસંગ ‘મલાવી મલાવીને કે ‘છે’ તથા ‘ફેરવી ફેરવીને પૂરા વળોટથી કેવટની વાત કરે છે’ – એવા વર્ણનમાં બાપુની કથાશૈલી વિશે હેતમઢ્યો પણ ગર્ભિત વ્યંગ છે. આ પંક્તિમાં એનો પરચો સુજ્ઞ ભાવકને મળી જાય:

‘બાપા તો ધરપત પૂરી આપે છે કે દર દિવાળીએ આપણને માંજીને કલઈ કરવા સાબદા છે.’

આગળ ઉપર એક મજાની કડી, બાપુના કરુણામિશ્ર ઉદ્ગાર સાથે રમતી મેલાઈ છે તે જુઓ: ‘અમે તો વરહો વરહ વાહણને કલ્લઈ કરવાવાળા છીએ!’ ગુજરાતી ભાષામાં, કપટ કરી બનાવી ગયો હોય એવી વ્યક્તિ માટે પ્રચલિત પ્રયોગ છે, ફલાણો ‘કલઈ કરી ગયો!’ પણ એવા અપ–પ્રયોગને કર્તાએ ‘પૉઝિટિવ ટર્ન’, વિધેયાત્મક વળાંક દીધો. બાપુઓ જેવા–ગમે તેટલા કેવટ પરસંગની મલાવી ફુલાવી કથાઓ કરે, શ્રોતાજન રોજ હાંજે સુન્દરકાંડ વાંચે પણ ‘હમજણને એવો લૂણો લાગી ગયો છે’ કે મગજમાં કંઈ કે’તાં કંઈ ઊટરતૂં નથી’, કેમ કે ‘મગશમાં એવાં બાવાં ઝાળાંના કોકડાં બાઝ્યાં છે’ તેથી ‘બત્તી થતી નથી.’ કારણ? કાવ્યનાયકનું દૃઢમૂળ કન્ફેશન’ છે: ‘એલ્મિનના વાહણને કંઈ કલ્લઈ થતી ઓહે’, ‘પણ આપડે ર્યા એલમોનિયમના’! રામકૃષ્ણ પરમહંસે, ધોધમાર વરસાદના ધાધુડા નીચે મુકાયેલો પિત્તળનો લોટો ઊંધો જ પડ્યો હોય તો વર્ષાનું એક ટીપું પણ અંદર પેલી લેશ પણ અસર કરી શકતું નથી! – એવી વાત કરી છે. અહીં ઍલ્યુમિનિયમના વાસણની વાત છે તો જ્ઞાની પુરુષ તોતાપુરી અને પરમહંસના એક સત્સંગમાં સોનાના લોટાની વાત યાદ આવે છે. પરમહંસે પૂછેલું કે સાધનામાં તો રોજેરોજ વાસણ માંજવાનું જરૂરી છે ને? તો તોતાપુરીએ ચોટદાર ઉત્તર દીધેલો: પણ સોનાના લોટી–પાત્રને કાટ લાગતો નથી એટલે રોજ ધો ધો કરવાની જરૂર નથી! જ્યારે આ કૃતિમાં તો એલ્મિનના વાસણને કલ્લઈ નહીં ચડવાના કારણે સુરતી બોલી પ્રમાણે ‘કોઈ વાતે બત્તી’ નહિ થાય. અહીં ‘સિનિઝમ’ અને નૈરાશ્યનું વાદળછાયું વાતાવરણ છે.

કિશોર મોદીએ સુંદરકાંડમાંથી ખોદી ખોદીને મનુજ ચેતનાનું અ–સુંદર ઉત્ખનન પ્રદેશગત બોલીમાં સુપેરે કરી બતાવ્યું છે. ઉપદેશના બોધભર્યા કટોરા નિષ્ફળ જવાનાં બહુવિધ કારણોમાં એક કારણનો સંદર્ભ, બ્રિટિશ લેખકના આ વિચારણીય વિધાનમાં ઝળકી ઊઠ્યો છે:

To impose good, whether through force or through some technique….is evil. To act evilly is better than to have good imposed.

– ANTHONY BURGESS

(રચનાને રસ્તે)