અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કૃષ્ણ દવે/ ‘પળી દૂધ ઓછું’ (કવિ શ્રી રમેશ પારેખને શબ્દાંજલિ)

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘પળી દૂધ ઓછું’ (કવિ શ્રી રમેશ પારેખને શબ્દાંજલિ)

કૃષ્ણ દવે

(કવિ શ્રી રમેશ પારેખને શબ્દાંજલિ)

અક્ષરો હેબતાઈ ગ્યા છે!
ભાષા બેભાન થઈને ચત્તીપાટ પડી છે!
કવિતાને ગળે ડૂમો બાઝી ગ્યો છે!
આખ્ખાયે ગઢમાં સોંપો પડી ગ્યો છે!
અરે બાપુ જેવા બાપુ નીમાણા થઈને બેસી ગ્યા છે!
તે ભગલો ક્યે, બેસે જ ને?
આ તો ધણીનોય ધણી, તે બાપુની શી વિસાત?
સૂરજ ક્યે, આજથી ત્રાંસા ત્રાંસા ઊગવાનું બંધ.
પંખીનું ટોળું ક્યે, આજથી કાવતરાં બંધ.
પાંદડી ક્યે, હવેથી મેણાં મારવાનું બંધ.
છોકરાઓ ક્યે, સીટ્ટી મારવાનું બંધ.
છોકરીયું ક્યે હાથમાંથી રૂમાલ પાડવાનું બંધ.
અને બાપુ ક્યે, ખોંખારો ખાવાનુંય બંધ.

હિબકે ચડેલી કીડીયું ક્યે બાપુ! ઈ પગરખાં
સીવી દે તો હા, નકર ના.
ચંદુભાઈ ક્યે, ગઝબ થઈ ગ્યો, મૂળમાંથી
જ ખરી પડ્યો આપણા ખુશાલીયાનો નહિ —
ગુજરાતી કવિતાનો હાથ.

ટપાલટિકિટમાંથી ગાંધીબાપુ બોલ્યા, ચોંટાડ તું તારે
પાણી ને બદલે થૂંક ચોંટાડ.
આજે તને ગોબરો નહીં કહું, આજે તો
ભલભલાનાં પાણી ઊતરી ગ્યાં છે. મારો વાલીડો
છેતરી ગ્યો, આખ્ખાયે મનપાંચમના મેળાને!

ત્યાં તો અચાનક બાપુ તાડૂક્યા, એલા ભગલા! હાજર
કર અટાણે જ ઓલ્યા ભગવાનને,
ભાગ જ જોતો’તો તો ફાટવું’તું ને મોઢામાંથી!
ટપ્પ દઈને મૂકી દેત, આખું રાજ, લેણિયાત સોતું.
અરે દરદ જ દેવાં’તાં તો ટચકિયાં મોકલવાં’તાં ને!
ખમી ખાત મરદની જેમ!
આ દિલના દરદ બહુ વસમા હો,
ઈ તો થાય એને ખબર પડે!
હું મરી ગયો અંતરીયાળ એમ નહીં, હું કરી
ગયો અંતરિયાળ એમ હવે બોલો.

અરે કવિ! એવાં તે કેવાં ગામતરાં? તે
દીકરીનેય કહેવું પડે કે કાલથી
‘પળી દૂધ ઓછું.’
(શબ્દસૃષ્ટિ, જુલાઈ)



આસ્વાદ: કાવ્યભાષાની સાંપ્રત મુદ્રા – વિનોદ જોશી

આધુનિકતાનું આક્રમણ માનવજીવન અને માનવ-વ્યવહારો પર થયું છે તેમ કલાઓ પર પણ થયું છે. સાંપ્રતની પ્રત્યેક કલાઓમાં તેનું પ્રતિબિંબ જોવા મળશે. તેને કલાઓના વિકાસ કહેવા કરતાં ઉત્ક્રાંતિ કહીએ તો ઠીક હશે. પ્રત્યેક યુગમાં કલાઓ તે યુગનો ચહેરો લઈને પ્રગટ થતી હોય છે. કાવ્યકલા પણ તેમાંથી બાકાત નથી. કાવ્યકલાનું માધ્યમ ભાષા છે. ભાષાની સાંપ્રત મુદ્રા કાવ્યની ભાષામાં પણ દેખાય છે તે સ્વાભાવિક છે અહીં પસંદ કરવામાં આવેલી રચના ભાવ અને ભાષા બન્નેની નવીનતમ છટા દેખાડે છે. અગાઉની કાવ્યરચનાઓમાં આવતા સંદર્ભો કેવા નકામા કે અપ્રસ્તુત થઈને ખરી પડ્યા છે અને અહીં તેની જગ્યાએ કેવી નવી સામગ્રી આવીને સ્થિર થઈ ગઈ છે તે અહીં જોઈ શકાય છે. આ કાવ્ય અગાઉની પેઢી અને વર્તમાન પેઢી વચ્ચેનું અંતર બહુ લાક્ષણિક રીતે દર્શાવી આપે છે; એટલું જ નહીં, પ્રકૃતિની રમ્ય લીલાઓથી વાછૂટી મનુષ્ય વ્યવહાર — જગતની કેવી તાબેદારીમાં સપડાઈ ગયો છે તેનું કરુણ ચિત્ર પણ આલેખે છે. પહેલી જ પંક્તિથી આદેશ વછૂટે છે. ફૂલોએ યુનિફૉર્મમાં આવવાનું છે અને પતંગિયાંએ સાથે દફતર લાવવાનું છે. નિસર્ગની મોકળાશ પરનું નિયંત્રણ પહેલે જ ધડાકે કવિ સૂચવી દે છે. બધાં ફૂલ એકસરખા રંગનાં હોય તો કેવું લાગે? રંગોની વૈવિધ્યભરી સૃષ્ટિ પર જાણે કટોકટી લાદી દેવાઈ હોય તેમ એમણે યુનિફૉર્મમાં આવી જવાનું હોય તે સ્થિતિ કેવી હોય? અને ઇચ્છા અનુસાર આમથી તેમ હળવીફૂલ ઊડાઊડ કરનારાં પતંગિયાંને દફતર પકડાવી દેવામાં આવે તો એ ભાર એમનાથી સહન થાય ખરો? બહુ સ્પષ્ટ છે કે આ વાત કંઈ ફૂલો અને પતંગિયાની નથી. લાક્ષણિક રીતે તો કવિ આજના બાળકની શાળાએ જતી વખતની દયનીય સ્થિતિને તાકે છે. એના નૈસર્ગિક રંગો વિલાઈ ગયા છે અને એને યુનિફૉર્મ નામનો એક એવો વાઘો પહેરાવી દેવામાં આવ્યો છે. જેમાં એની વ્યક્તિગત ઓળખ કે મૌલિકતાનો આવિષ્કાર ઢંકાઈ ગયો છે. એની હળવીફૂલ દોડાદોડમાં હવે પતંગિયાની ગતિ રહી નથી પણ દફતરનો બોજ આવી ગયો છે અને એટલે એને હાંફ ચડી ગયો છે. ભાર વિનાનું ભણતર તો ક્યારનુંયે લુપ્ત થઈ ગયું છે. કૃત્રિમતાએ સભ્યતાના નામે એ હદે આપણને પ્રભાવિત કરી દીધા છે કે હવે નદીના પ્રવાહમાં અનુભવાતો પાણીનો ગતિશીલ સ્પર્શ છાંડી દઈને આપણે સ્વિમિંગપુલની બંધિયાર જળક્રીડાનો કહેવાતો આહ્લાદ લેતા થઈ ગયા છીએ. કવિ માછલીઓના બહાને આ વાત કરે છે. મન ફાવે ત્યાં તરતી માછલીઓને સ્વિમિંગપુલના નિયમો પ્રમાણે તરવાનું હોય તો તે તરી શકે ખરી? જીવી શકે ખરી? માત્ર માણસ જ આવાં સમાધાન કરી શકે! વૃક્ષની કઠણ ડાળીઓને ફાડીને તેમાંથી ફૂટતી કૂંપળ કોઈ શક્તિવર્ધક ઔષધોનું સેવન કરતી નથી. છતાં પ્રગટી શકે છે. કવિ ઉદયન ઠક્કરની રચનામાં આવી પંક્તિઓ છેઃ

‘કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે? 
કૂંપળની પાસે શું કુમળી કોઈ હથોડી છે?’

વૃક્ષ પરથી તો ઠીક, અહીં તો પથ્થરને તોડીને ફૂટતી કૂંપળની વાત છે. કઈ તાકાતથી કૂંપળ આવી જડતાને પણ અતિક્રમી જાય છે? સખ્તાઈનો સામનો કરી શકે! કવિ કૃષ્ણ દવે તો કહે છે કે હવે આવી નૈસર્ગિક તાકાત ધરાવતી કૂંપળોએ મશીનની માફક વર્તવાનું છે, ફરજિયાત કમ્પ્યૂટર શીખવાનું છે. આજે કમ્પ્યૂટરગ્રસ્ત થઈ ગયેલી માનવજાત મશીનને વશ થઈ જઈ પોતાની નૈસર્ગિક શક્તિઓને કેવી કો ગુમાવી બેઠી છે તેનો કટાક્ષયુક્ત નિર્દેશ કવિ અહીં કરી જાય છે. ઝરણું કદી સીધી લીટીમાં વહી શકે ખરું? ગટર કે કૅનાલની બાબતે એ કદાચ સાચું હોઈ શકે પણ ઝરણું તો એની મસ્તીભરી ચાલને કદી છોડી ન શકે. અતંત્ર વહેવું એ જ ઝરણાની ઓળખ. એને બાંધી દઈએ એટલે એની એ ઓળખ ચાલી જાય. સીધી લીટીમાં વહેતું ઝરણું આહ્લાદ આપી ન શકે. કવિ અહીં ઝરણાને માટે સીધી લીટીમાં ચાલવાનો આદેશ જારી કરે છે. કુદરતના ધર્મોથી વિપરીત એવું જે કંઈ જિવાઈ રહ્યું છે તેનું સમર્થન કરી લાક્ષણિક રીતે તેનો પ્રતિવાદ કરે છે અને આપણે આધુનિક વિજ્ઞાનના માળખામાં ફસાઈ જઈ આપણી નૈસર્ગિક મુદ્રાનો કેવો પરિહાર કરી દીધો છે તેનું કારણ બયાન કરે છે. એટલે તો તેઓ કોયલને પણ ભરબપોરે નહીં ટહુકવાનું ફરમાન કરે છે, જેનો ટહુકો રૂંધાય છે એનું કશું બચતું નથી. સંસ્કૃતિએ આપણને પહેલેથી સભ્યતાનો સિક્કો મારી દીધો પણ તેની સામે નૈસર્ગિક સ્વાતંત્ર્યનું ભારે મોટું મૂલ્ય આપણે ચૂકવવું પડ્યું તેનો ભારોભાર વિષાદ કવિની કાવ્યપંક્તિઓમાં છલકાય છે. ખુલ્લા આકાશમાં સ્વેચ્છાએ પ્રવેશી જતી રમતિયાળ વાદળીઓને કવિ અટકાવે છે. કહે છે કે આ રીતે એડમિશન ન અપાય. ડોનેશનમાં ચોમાસું અને એ પણ આખ્ખેઆખ્ખું ચૂકવવું પડશે. આપણે સહેલાઈથી સમજી શકીએ તેવો કટાક્ષ અહીં મુખરિત થાય છે. જ્ઞાન મેળવવા પરના સકંજાઓ પણ કેવા મજબૂત છે! પ્રકૃતિમાંથી જ મળતું શિક્ષણ પૂરતું નથી તે આપણી સામેના સમયની એક વાસ્તવિકતા છે. અને જે કંઈ નથી શીખવું તે જ શીખવા માટે કોઈ પણ પ્રકારના પ્રપંચ કરવા આપણે તૈયાર થઈ જવું પડે તે મજબૂરી કોને કહેવી? આ વાસ્તવિકતા એવી તો વરવી છે કે તેને સ્વીકારી નથી શકાતી તેમ તેને છોડી પણ નથી શકાતી. ‘આઉટ ડેટ થયેલો વડલો’ ભૂલો કાઢે છે તેમ કહી કવિ અગાઉના સમયના પ્રહરીઓ તેમની જૂની આંખે જે કંઈ નવું જોઈ રહ્યા છે અને તેમાંની નબળાઈઓને ચીંધી રહ્યા છે તેને કોઈ મહત્ત્વ આપતા નથી અને ખુમારીપૂર્વક કહી દે છે કે આવી તો એક નહીં પણ અનેક સ્કૂલો ચાલે છે. ભૂલો કાઢનારા કરી કરીને શું કરવાના છે? આ કાવ્યની ખૂબી એ વાતમાં છે કે અહીં સભ્યતાનો, આધુનિક આવિષ્કારોનો, વૈજ્ઞાનિક પ્રગતિનો કે વર્તમાન પ્રણાલીઓનો દેખીતી રીતે સ્વીકાર કરવામાં આવ્યો છે અથવા તો તેનું સમર્થન કરવામાં આવ્યું છે. પણ હકીકતે તો એ બધું કેવું તો વાહિયાત છે તેવું કહેવાનો આશય જ સ્પષ્ટ થાય છે. મનુષ્યજાતની મજબૂરીનો ઘેરો ચિતાર આપતા આ કાવ્યમાં પ્રયોજાયેલા શબ્દો પણ આધુનિક વ્યવહારની ભાષામાંથી લીધેલા છે. એને કવિની મજબૂરી પણ સમજી શકાય. અંગ્રેજીમાં ‘બ્લેક હ્યુમર’ નામે એક સંજ્ઞા છે. વાત હસી કાઢવાની હોય પણ હકીકતે તેમાં ઘેરી કરુણતા સમાયેલી હોય છે. અહીં આ કાવ્ય ઉપરછલ્લી રીતે હસવાનું કે કટાક્ષનું નિમિત્ત બને તેવું છે પણ તેમાં ઊંડે ઊંડે જે કરુણતા ધરબાઈને પડી છે તે જ કવિનું ખરું કથયિતવ્ય છે. કવિતા પમાય છે ત્યારે તેની ભાષા કે તેના અર્થો પમાતા નથી, પરંતુ તેની પછવાડે રહેલું કાવ્યાત્મક સત્ય કે સૌંદર્ય પમાય છે. કવિની કલમ તેને પમાડવા માટેનો કેવો વિચિત્રતાભર્યો છતાં આરપાર ઊતરી જાય તેવો કીમિયો કરતી હોય છે તે આ કાવ્યમાંથી સમજાશે.