અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઘનશ્યામ ઠક્કર/મળવાનું મન પ્હોંચ્યું (રાધાના ગુસ્સાનું ગીત)

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મળવાનું મન પ્હોંચ્યું (રાધાના ગુસ્સાનું ગીત)

ઘનશ્યામ ઠક્કર

મળવાનું મન પ્હોંચ્યું જોજનવા દૂર તોય ખેંચાતી જાઉં છું પછીતે!
ગોકુળમાં ઓળખેલ શ્યામ, તને દ્વારિકામાં ઓળખી શકીશ કઈ રીતે?

ઝાંઝર-શાં ઝણઝણતાં ડોલતાં કદંબ, આજ ડોલે તો રણકે છે હીરા!
વનરા તે વન મહીં કાંટાળી બોરડીને ભેટતાંય પડતા'તા ચીરા?
કોને ક્હૌં, સમણામાં તારા એ આરસના ચોકમાંય ચાલતાં શું વીતે?

તારી સંગાથ ગ્રહ્યો ગોવર્ધન, આજ તારાં પીંછાંનો ભાર પણ ખમાય ના.
ધગધગતો હેમરસ વ્હેતો દેખાય એવી જમનાને કાંઠે બેસાય ના!
છેવટે જો રણશિંગાં ફૂંકવાં હતાં તો કેમ વીંધી'તી વાંસળીના ગીતે?

ગોકુળમાં ઓળખેલ શ્યામ, તને દ્વારિકામાં ઓળખી શકીશ કઈ રીતે?
મળવાનું મન પ્હોંચ્યું જોજન-વા દૂર તોય ખેંચાતી જાઉં છું પછીતે.
(ભૂરી શાહીના કૂવાકાંઠે, ૧૯૮૭, પૃ. ૩૬)