અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચંદ્રકાન્ત દેસાઈ/સંતની દૃષ્ટિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
સંતની દૃષ્ટિ

ભાનુપ્રસાદ ત્રિવેદી

આણી પારે પેલી પારે અમને સર્વ રૂપાળું,
શિશિર હોય કે ગ્રીષ્મ ભલે હો અમને સૌ રઢિયાળું —

ગાત્ર અમારાં અકળ શૂળીએ આરપાર વીંધાણાં;
પીઢ થયા સતધારે ઝાઝાં ખેલીને ધિંગાણાં, —
અમને ખરબચડું ના કંઈયે,
અમને સર્વ સુંવાળું... આણી પારે.

પળમાં કંટક પળમાં ફૂલડાંની કેડીએ ભમવું,
પળમાં ઊંચે ઊડવું, પળમાં ગહન પાણીડે ડૂબવું;
આમ ઉરમાં સુખદુઃખ સંપીને
જીવતર જીવતાં ન્યારું... આણી પારે.

મૃગલાં શાં મનમસ્ત બનીને ભરીએ અનહદ ફાળો,
આજ હિમાલય કાલ ગિરિતલ નિત નિત નવ રહેઠાણો;
અમ કાજે પથરાયું ચોગમ
વ્હાલું વિશ્વ વિશાળું... આણી પારે.

ધખધખ લાગે લ્હાય ભલે ને આગળ પાછળ ઉપર,
વરસે તાતાં તીર ભલે ને વ્યોમ થકી આ તન પર;
અલક તોય ના ચળે, અમારે
રામ તણું રખવાળું... આણી પારે.

(ઊર્ધ્વોન્મેષ, ૨૦૦૧, પૃ. ૪૪)