અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચંદ્રકાન્ત શાહ/એક વર્ચ્યુઅલ કવિતા
ચંદ્રકાન્ત શાહ
લ્યો!
વાંચો હવે!
વર્ચ્યુઅલ કવિતા!
છાપાંઓ, મેગેઝિનો, ફરફરિયાં, પત્રિકાઓ
બધાં વર્ચ્યુઅલ થઈ ગયાં,
મનુષ્યો પણ!
રીઅલ રીઅલ બહુ રમ્યા, સર્રીઅલ પણ!
જીવને બહુ રમાડ્યો,
ચકડોળે બેફામ ચગાવ્યો
જ્યાંત્યાં ભડકે બાળ્યો
તડફડાવ્યો, ફળફળાવ્યો, ટળટળાવ્યો
હોવાપણાંની પણ હયાતી છે કે નહીં?
એવા પ્રશ્નાર્થે ટીંગાવ્યો–
મોક્ષ પામવા સુધીના બધા વિકલ્પો
એક પછી એક લાઇનબંધ હાજરાહજૂર હતા–
છતાં–
આ ચૈતન્યસ્વરૂપ – પરમતત્ત્વને–
બ્રહ્મજ્ઞાનનાં સાધનોથી સંપન્ન
જીવડાને સાક્ષાત્કાર કરાવવા કરતાં
જીવજીવની રમત વહાલી થઈ ગઈ–
અને અચાનક
રીઅલ રીઅલ રમતાં રમતાં વર્ચ્યુઅલ થઈ ગયા
અને પછીથી–
એક ઝાટકે – રીઅલ થઈ ગયા–
શહેરી કોલાહલે જેને આવકાર્યા નહિ–
એ વીજળીના તારો પર ઝૂલતાં પંખીડાઓ–
અને હવે–
કેમિકલ છાંટી કીડિયારાંઓ પૂરતાં
એવી કીડીને પછી કણ
વાઇલ્ડ સફારીના વાઇલ્ડપણાથી રંજાડ્યા
એ હાથીને પણ મણ
એ બે વચ્ચેનાં સૌ ભૂચરોને પણ!
સાથે સાથે
માછલિયુંથી – બ્લૂ વ્હેલ સુધીનાં જળચરોને પણ ગણ!
જંગલકાપી ફાર્મહાઉસ બનાવ્યાં–
સ્કાયસ્ક્રેપરની પાછળ મેઘધનુષો ઢાંક્યાં–
કૂવા, ઝરણાં, તળાવ, નદીનાં પાણીની બોટલ
બિસ્લેરીઓ ભરીભરીને વેંચ્યાં–
જમીન પરથી લીધું દીધું, લીધું દીધું,
પતી ગયું ત્યાં–
ક્ષિતિજની પણ દુકાન ખોલી
સૂર્યોદય, સૂર્યાસ્ત પછી તો પડીકાંભેર વેંચ્યા
આકાશો, અવકાશો પર પણ શાખા ખોલી–
સ્ક્વેરફૂટના ભાવે લીધાં દીધાં ગ્રહો–ઉપગ્રહો–
નક્ષત્રોના પણ ભાવતાલ કરવાનાં માર્કેટયાર્ડ ઉઘાડ્યાં
ક્લાઇમેઇટ ચેઇન્જની ઐસી તૈસી
પીગળતા ગ્લેશિયર્સના ટુકડા
બરફ તરીકે એક પેગ વિસ્કીમાં નાખ્યા
વર્ચ્યુઅલ જેનોસાઇડનું કલંક ક્યારેય નહીં ભૂંસાય
હવે–
વર્ચ્યુઅલ છો–
તો
વર્ચ્યુઅલ ર્યો–
અને વાંચો ફરી–
આ વર્ચ્યુઅલ કવિતા–
(નવેમ્બર, 2020, નવનીત સમર્પણ, પે. 147)