અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચંદ્રકાન્ત શેઠ/આટલું જ થઈ શકે એમ લાગે છે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


આટલું જ થઈ શકે એમ લાગે છે

ચંદ્રકાન્ત શેઠ

પ્રેમને અમે જોયો નથી. એના વિશે સાંભળ્યું છે ઘણું.
પ્રેમ કેવો હશે?
ગુલાબી? લીલોછમ? કેસરી? મધ જેવો મીઠો? ચંચળ ઝરણા-શો?
સુરીલો? સુંવાળો? રૂપાળો? હસમુખો?
હશે તો ખરો જ કોઈક રીતે કોડીલો ને કામણગારો!
શી રીતે એને પકડી શકાય સ્વપ્નના દોરથી?
કહે છે કે પ્રેમ તો કાંટામાંય દેખાડે ગુલાબો;
પહાડોય અધ્ધર કરી આપે પલકમાં;
હશે...
પણ અમારી સરહદમાં તો છે નર્યા કાંટા, નર્યા પહાડ,
કંઈ કાળથી કરીએ છીએ પ્રતીક્ષા કોઈક પ્રેમ-નામી જણની
પણ નિષ્ફળ,
હાથણી થાકી ગઈ ભર્યોભર્યો કળશ ઉપાડીને.
નાખી નજર પહોંચે ત્યાં સુધી જોઉં છું, મને લંબાવીને,
મને નખશિખ ખંખેરીનેય જોઉં છું;
ક્યાંય એકાદ ગુલાબની કળીયે શેની જડે?
આ ખારો પટ, આ ખાલીપો, આ ખવાયેલાં ખોરડાં,
આ તૂટેલા રસ્તા ને ઊખડેલા ઉંબર,
ભવની ભવાઈની આ ભોપાળા-શી ભટકણો,
આ અંધાપાની અટકણો
— અમારા એકેએક ટેકા હતા અંદરથી સડેલા,
અમારી અડીખમતા વસ્તુતઃ હતી બિનપાયાદાર,
અને કોની વચ્ચે રહ્યા આજ લગી
ને કોને માન્યાં અમે અમારાં જણ?
અમારા પીંજરામાં મેના નહોતી, ને મેના નહોતી તો શું હતું?
ગઢના કાંગરા ખરતા જાય છે,
તડકાય ટાઢા લાગે છે;
ને પેલી હથેલીઓની ઉષ્માભરી વાત?
ભાઈ, શેખચલ્લી, નરી શેખચલ્લી.
અમને જુઓ તો ખરા, જરા નજીકથી જુઓ:
કાંટાળા છીએ, એકલા છીએ, થોર છીએ,
પણ ઉજ્જડતા આકંઠ પીને અણનમ ઊભેલા એકલવીર છીએ!
અમે તૈયાર છીએ ઘુવડનેય માટે
ભલે ને આવે અહીં ભેંકારતાનું પોટલું લઈને.
અમે હવે શું ઊંઘવાના હતા?
વળી વળીને ગાંઠ વળી જાય છે શ્વાસની.
અમારાથી સપનાંય બનાવી શકાતાં નથી મનગમતાં,
અમને સખત લાગે છે અમારા હોવાની ગૂંગળામણ,
આપ અમને મદદ ન કરો?
આ જીર્ણ કોટની થોડી ઈંટો ન ખેંચી આપો?
અમારા પવિત્ર દિવસોમાંથી
થોડા આપ કપાવી ન આપો?
અમને એક પ્યાલી તાજી હવાતો પિવડાવો, ભલા!
પ્રેમ ભલે ન અપાય, થોડું આશ્વાસન... થોડુંક...
નહીં, આશ્વાસન પણ શા માટે?
થોડુંક મીઠું મીઠું મોત... હૂંફાળું હૂંફાળું મોત..
તાજી હવામાં ભેળવીને આપી શકાય એવું
થોડુંક સરસ મઘમઘતું મોત...
અમે સમજી ગયા છીએ ટૂંકાણમાં કે
અમારે કોઈનીય સાથે હાથ મિલાવ્યા વગર,
પૂરી અદબ સાથે,
આપનો લાડકો પ્રેમ જરાય નારાજ ન થાય એમ,
સમજપૂર્વક, શાંતિથી અહીંથી ચાલ્યા જવાનું છે...
ને જવાબદાર સદ્ગૃહસ્થ તરીકે અમે આપને
વિશ્વાસ આપીએ છીએ.
અમે એમ જ કરશું,
કેમ કે અમારાથી હવે આટલું જ થઈ શકે
એમ અમને હાડોહાડ લાગે છે.
(પડધાની પેલે પાર, ૧૯૮૭, પૃ. ૧૭-૧૯)