અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચંદ્રકાન્ત શેઠ/ચંદ્રકાન્તનો ભાંગી ભુક્કો કરીએ…

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ચંદ્રકાન્તનો ભાંગી ભુક્કો કરીએ…

ચંદ્રકાન્ત શેઠ

ચંદ્રકાન્તનો ભાંગી ભુક્કો કરીએ.
એના મનમાં ખાલી સમય સડે છે.
ચપટી નભ ને ચપટી માટી,
ચપટી વાયુ, ચપટી તેજ,
જરા મળ્યો જે ભેજ,
—બધુંયે વ્યર્થ વ્યર્થ બગડે છે
દેશકાળને દર્પણ એના ડાઘ પડે છે :
ચંદ્રકાન્તનો ચ્હેરો ભૂંસી દઈએ;
એને વેરવિખેર કરીને આ ધરતીમાં ધરબી દઈએ.
ભારેખમ એ ખડક,
નથી ઊછળવાનો મોજાંથી;
વરસે વાદળ લાખ,
છતાં કોરીકટ એની માટી!
વંટોળો ફૂંકાય
છતાંયે એનો સઢ ન હવા પકડતો!
લંગર પકડી એ તો લટક્યા કરતો!
શ્વાસ કરોડો ઢીંચી,
પડછાયા સેવ્યા છે એણે આંખો મીંચી.
ચંદ્રકાન્તના મન પર લીલ ચઢી છે;
એક માછલી, વરસોથી, કો ગલમાં બદ્ધ પડી છે.
કેટકેટલી તરડ પડી છે, જ્યાં જ્યાં એનાં ચરણ પડ્યાં ત્યાં!
ચંદ્રકાન્તથી હવા બગડશે,
જલમાં ઝેર પ્રસરશે.
એનાં જે ખંડેરો — એને ખતમ કરી દો વ્હેલાં પ્હેલાં.
એને અહીંથી સાફ કરી દો વ્હેલાં પ્હેલાં :
એની આંખે સૂર્ય પડ્યા છે ખોટા,
અને ત્યારથી દિવસ પડ્યા છે ખોટા,
ખોટી રાત પડી છે :
ચંદ્રકાન્તને ઝટપટ હળથી ભાંગી ખેતર સપાટ કરીએ,
ચંદ્રકાન્તને ભાંગી કણ કણ ખલાસ કરીએ…