અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચન્દ્રકાન્ત ટોપીવાળા/રિણાવર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રિણાવર

ચન્દ્રકાન્ત ટોપીવાળા

રિણાવર રેલતા આવો ને રૂમઝૂમ વહાણમાં
ઊંચે તાકીને ઊભા ખડકો, ટેકરા
એને વાદળ વિહોણા તડકા આકરા
એણે વહેતા જોવાનો નરદમ કાંકરા
રિણાવર રેલશો તો સોનું રળીશું ખાણમાં.
સૂકાં મોજાંઓ ખખડે છે અહીં પાછલાં,
ઊની રેતમાં તરે છે અહીં માછલાં
ભીનાં સપને જઈ આવે અહીં છીપલાં
રિણાવર રેલશો તો પાણી ચઢશે પહાણમાં.
ભૂરા ઘૂઘવે ખાલીપા એકસામટા,
ધોળા લૂણના ફરકાવે સો સો વાવટા
કાળા પડછાયા ઊડે છેક છાકટા
રિણાવર રેલો તો રાતાં લોહી ઝાણમાં.
(પક્ષીતીર્થ, પ્ર. આ. ૧૯૮૮, પૃ. ૧૦૫)