અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચિનુ મોદી `ઈર્શાદ'/નળ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નળ

ચિનુ મોદી `ઈર્શાદ'

અસ્તાચળમાં જતા
સૂર્યને પૂછું?
નીડ તરફ જતા
પંખીને પૂછું?
નહીં,
બંદીવાન બનતા
ભમતા ગુંજારવને જ પૂછું
કે
મારું વસવાનું ઠામ
તમ જાણો છો?
પણ,
નિસ્તબ્ધ દિશા જેવા
હઠે ચડેલા વામાંગ જેવા
દંતૂશળ ખોયેલા ગજરાજ જેવા
મારા હે મૂક પ્રશ્ન!
પ્રતિસ્પર્ધીએ ફેંકેલી
અને
અનિરુદ્ધ ગતિએ
મારા તરફ ધસતી
સાંગ,
સાંગ મને ડારી શકતી નથી.
પણ, તમે?
પણ, તમે મને
પહાડ પરથી
ધસતાં આવતાં
વરસાદી જળ સામે
તૃણવત્ બનાવો છો.
મૂળસમેત ઉખાડી,
મને સ્થાનચ્યુત કરી,
વિશાળ પૃથ્વીના
બિહામણાપણાનો
પ્રત્યક્ષ પરિચય કરાવો છો.
તોપણ,
ભોંકાયેલી
અને અંદર
ઊંડે ઊંડે
ઊતરી ગયેલી
શૂળ જેમ
તમને,
હું
દૂર કરી શકતો નથી.
હે મૂક પ્રશ્ન!
નહીં અભિવ્યક્ત થઈ
તું મને સારે છે,
તું મને ડારે છે,
વ્રણને કારણે
સતત ઉપસ્થિત રહેતી
વેદના
મારામાં તું ભારે છે.
લાવ,
આ નગરીને છેડે આવેલા
દીર્ઘ આયુષ્ય
ભોગવી રહેલા,
વૃદ્ધ વટવૃક્ષને જ પૂછું
કે
જાણતા હો
તો મને કહો
હે વૃક્ષરાજ!
કે
નિવાસસ્થાન પણ
કાલાધારિત જ છે?
શિશુ અવસ્થા હતી
ત્યારે
એકદા
પુણ્યશ્લોક પિતા સાથે,
રથમાં પસાર, થતાં
મેં
તમને
અહીંયાં જ ઊભેલા જોયા છે.
આજ
મારી પ્રૌઢ વયે પણ
તમને
તો
અહીંયાં જ ઊભેલા જોઉં છું.
કાલાતીત થઈ
તમે તો
અહીંના અહીં જ વસ્યા છો
હે વૃક્ષરાજ!
તો
હું ગઈ કાલે વસતો હતો
એ સ્થાને
આ...જે કેમ નથી?
સમુદ્રના ઉછંગમાંથી
કોરાકટ તટ પર
છીપલાની જેમ
મને મારી ઇચ્છાવિરુદ્ધ
કેમ ફેંકી દેવામાં આવ્યો છે?
સમુદ્રે એમ ઇચ્છ્યું?
મોજાંઓએ
મરુત-આજ્ઞાવશ થઈ
મને તટ પર ફંગોળ્યો?
હું
—સમુદ્રમાં—
પાણીમાં પાણી થઈ
ન વસ્યો
એટલે
ફંગોળાયો છું?
ડાળ પરથી
ચૂંટાયેલા પુષ્પ જેવો
હું
હું હવે ક્યાં જાઉં?
ડાળ પર
મને ફરી મૂકી આપવામાં આવે
તોપણ
હું આગંતુક જ.



ઓ નિષધનગરી!
તારા
રાજમાર્ગો પરથી
રથવિહીન અસ્થામાં
પ્રથમ વાર જ
ચાલતો નીકળ્યો
ત્યારે,
કેવળ
મારાં ચરણને જ
અજાણ્યું અજાણ્યું નહોતું લાગતું,
પણ,
મારા ચરણના પડતા
પ્રત્યેક પગલાંના ધ્વનિ,
પગલાંનાં
મૃત્તિકામાં ચિત્રિત થઈ
અંકિત થતાં ચિહ્ન
રાજમાર્ગના વક્ષસ્થલ.
જનરહિત અટ્ટાલિકાઓ જેવા
અપરિચિત
અને એથી
મારા તરફ
અવજ્ઞા દાખવતા
મને લાગતા હતા.



પરાથી નગરીમાં
ઊભા કરેલા,
સ્ફટિક પાષાણના
મનુષ્યકદ શિલ્પનો
ચૈતન્યરહિત
દક્ષિણકર હોઉં
એવી
અસહાય સ્થિતિમાં
મૂઢમતિ થઈ
પથ્થરના ધનુષ્યની
ખેંચાયેલી પણછ જેવો
અફળ,
ચિત્રિત
ભાથામાં
તીક્ષ્ણપણાના અભાવે પીડિત
બાણ જેવો
ગતિવિહીન;
મૃત્તવત્ થઈ ઊભો હતો.
ત્યારે
સહસ્ર કિરણો વડે
સૂર્યદેવ
મને બાળતા હતા
પરંતુ,
હે નિષધનગરી!
મારો પડછાયો ઝીલવાની પણ
તારામાં
ક્યાં શક્તિ હતી?
મત્ત થયેલા દરિયામાં
વહાલ વગરનો,
સમરાંગણમાં આયુધ વગરનો,
અંગ ખરું, પણ પડછાયા વગરનો,
હું
ધુરાના ભારરહિત
ખાલી સ્કંધ પર
શ્રમિત ત્રસ્ત વૈદર્ભીની
કોમળ હથેળીનું પંખી
મૂકી ચાલ્યો તો ખરો,
પણ,
હે નિષધનગરી!
આટલા દીર્ઘ કાળના
ગાઢ સહવાસ પછી
તારો છેડો ફાડી
હું જાઉં
તો કેટલે દૂર જઈ શકું?
હે નગરી!
હું નાગર છું.
હું
તારાથી કેમ કરીને
વિખૂટો થઉં?



.....જરાક નીચે
આવ્યાં સખી! વિહગ; નીડ ગણી ધરાને—
છે સ્વર્ણરંગ
વળી, પુષ્ટ;
અને
ક્ષુધા આ —
કોપાયમાન વરસે નહિ મેઘ
ત્યારે,
જેવી ધરા —
ઉદરતપ્ત
તણાય એવું...
તો...
આ વિહંગ નહિ.
— ભક્ષ્ય —
સુવર્ણ પાંખો
ને વર્ણ ચારુ...
લયસિક્ત ઝમે મૃદુ આ
સૂરાવલી —
મરુત થાય સદેહ જેથી
એવાં વિહંગ...
એવાં વિહંગ હણવાં પડશે અમારે?
એવાં વિહંગ હણવાં પડશે અમારે.
અતૃપ્ત, નિત્ય, નિયમે હઠપૂર્ણ ક્રૂર

એ સુધાવશ થઈ?
— ધિક્, જીવવું આ.
આવો વિહંગ, નિજ નીડ ગણી ધરાને.



કિંતુ,
જ્વરની જેમ
ચિત્તની સ્વસ્થતા હરતી;
આકસ્મિક અશ્વગતિ ધારતા,
જળપ્રવાહ જેમ
તટે સ્થિત ન રહેવા દેતી;
સઘન વનમાં પ્રદીપ્ત અગ્નિ જેમ
પ્રજ્વલિત કરવા પ્રસરીને,
હરિત – શુષ્કના ભેદ ભૂંસતી
આ ક્ષુધા;
આ ક્ષુધાઃ મારી સ્વસ્થતા હરે છે
મારા તાટસ્થ્યને હણે છે
મારા વિવેકને...



આ આવ્યા
આ ઊતરી આવ્યા
સાવ લગોલગ
પુષ્ટ દેહના ખગ.
ત્વરા કરો હે હાથ!
આ બે પાંખ,
પાણી જેવી ગ્રીવા પાતળી,
નર્યાં માંસમજ્જાનો દેહ
ચીલગતિથી,
સિંહમતિથી
સાહી લે, સાહી લે
આ વિહંગને;
કિંતુ, પાંખાળાં તો પાંખ વીંઝતાં
ઊડ્યાં... ઊડ્યાં...
પંખી છે તે ઊડે
નૈષધને નેરાશ્ય શોભશે?
ત્વરા કરો હે હાથ!
હાથ,
આ વસ્ત્ર ઉતારો પહેરેલું...
વસ્ત્રનો પાશ બનાવી
આ પંખીને...
અક્ષસમાણી ચાલચાતુરી વિહંગની
તે...
એકમાત્ર જે વસ્ત્ર,
વસ્ત્ર પણ
મને ત્યજીને ગયું
ગયું
ઓ ગયું.



ઊડ્યાં પંખી, વસન લઈને,
નગ્ન હું, નગ્ન છું હું;
પાછાં જાઓ, સરિત જળ હે!
પ્હાડમાં જાવ, પાછાં.
અદ્રિ જેવાં તરુવર! પધારો
તમે, મૂળ પાસે,
આભે પાછાં, જળસભર હે વાદળો!
જાવ પા...છાં.
જન્મક્ષણે હતો
એવો જ હું
વિવસ્ત્ર
થઈ ગયો છું
પાછો.
ક્યારેય નહોતો
એવો અશસ્ત્ર
થઈ ગયો છું.
કરુણાર્દ્ર માતાનું
સદ્યસ્મરણ
મને કેમ થઈ આવે છે?
જન્મક્ષણે હતો
એવો જ હું
વિવસ્ત્ર
થઈ ગયો છું,
ત્યારે;
પ્રિયે, માતા પેઠે વસન અમને આપ ધરશો?
ફરી પાછી ભાષા અવશ કરનારી શીખવશો?
મરેલાં મત્સ્યોને સજીવન કરી, એ જ જળમાં
ધકેલીને પાછા, અવિરત તરે, એમ કરશો?
ફરી એ સૌ શાને? પુનરપિ, વળી, એ જ ક્રમમાં?
તડાકે તોડું આ વિકટ સરખાં બંધન... તદા,
નહીં દોરાયેલાં, પણ, સમયના ભાવિ પટ પે
હવે અંકાનારાં, વિધવિધ બધાં ચિત્ર ઊપસેઃ
કુરરી પક્ષિણી જેમ ચિત્કાર કરતી,
બાણથી વીંધાવાના ભયથી
વ્યાકુલ હરિણી જેમ દોડતી;
અશોક વૃક્ષ પાસે થોભતી;
આમ છતાં શોકરહિત અવસ્થા
ન પ્રાપ્ત થતાં, ખિન્ન બનતી;
અંગ પર અર્ધવસ્ત્ર હોવાથી
લજ્જા અનુભવતી;
વયોવૃદ્ધ એવા ગિરિવરને
ઊર્ધ્વશિખરનાં નેત્રોથી
ચોપાસ જોવા વીનવતી;
ઋષિગણ પાસે જલ્પતી;
અગ્નિ જેવા વિરહથી દગ્ધ એવી
આ...
આ તો ભીમકતનયા...
હૃદયદ્વિતી...
જોઈ શકાશે વિજનવન મધ્યે
ભયવ્યાકુલને આમતેમ અટવાતી?
છેદી શકાશે આ રમણીય વસ્ત્રને?
ક્યારેય નહોતો એવો
હું અશસ્ત્ર થઈ ગયો છું.
અને આ...
ઉછંગે જેના હું શિશુવત્ રમી, યૌવન વિશે
થયો સ્વામી, તે આ નિષધનગરી—વત્સલપ્રિયા—
દિનાંતે યુદ્ધાંતે રણભૂમિ પરે, પુત્ર-પતિનાં
શબો પામી, નારી જડવત્ બને; એમ મૂઢ છે;
દિશાનાં વસ્ત્રોમાં પરિચિત હતું, એય ગૂઢ છે.



અપરિચિત વન્ય પુષ્પોની
પરિચિત થવા પ્રયત્ન કરતી
તીવ્ર ગંધ જેવા આ સંબંધ —
અલ્પશ્રવા ને પાછા અંધ.



અરણ્યમાંનું સળગાવાયેલું એક વૃક્ષ,
કેવળ નૈકટ્યને લીધે,
અન્ય વૃક્ષને સળગાવે
એવા આ સંબંધ —
અલ્પશ્રવા ને પાછા અંધ.



આમ, હરિતવર્ણ અરણ્યને
નૈકટ્યનો શાપ
ભસ્મીભૂત કરે
એ પહેલાં —
દાંત ભીડી,
મુઠ્ઠી વાળી,
નાસી છૂટું
નાસી છૂટું ક્યાંક.



ત્યજું મ્હોરેલી આ નગરી, કુમળી વેલ બળતી
ત્વચાથી બાળું એ પ્રથમ, સઘળાંને ત્યજી દઉં.
સ્વીકારું શાપેલું બૃહદ-ગુરુ એકાંત અ-ચલ,
ભલે એના ડંખે—અનલવિષથી—ના રહું નલ.



(‘બાહુકમાંથી’ બે ભાગ પસંદ કર્યા છે.)