અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચુનીલાલ મડિયા/મરણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
મરણ

ચુનીલાલ મડિયા

મને ન મરવું ગમે છૂટક ટૂંક હફતા વડે
મળે મરણ ગાય-ગોકળ સમું, ધીમું, — વાવરે
યદા કૃપણ સંપદા અસહ લોભથી — ના ગમે

અનેક જન જીવતાં મરણ-ભાર માથે વહી
ભલે હલચલે જણાય જીવતાં, છતાં દીસતાં
મરેલ, શબ શાં અપંગ, જડ, પ્રેત દીદારમાં
અને મનસમાંય — ઓઢત ભલે ન કો ખાંપણ,
મસાણ તરફે જતાં ડગમગંત પંગુ સમાં.

ગણું મરણ માહરું જનમસિદ્ધ શું માગણું,
અબાધિત લખેલ તામ્રપતરે જિવાઈ સમું,
ન કાં વસૂલ એ કરું મનગમંત રીતે જ હું —
કરે કરજ લેણદાર ચૂકતું તકાદા વડે—?

ચહું જ ઉઘરાવવા મરણ એક હફતા વડે;
બિડાય ભવચોપડો, કરજમાં ન કાંધાં ખપે.



આસ્વાદ: ઝિંદાદિલનું ઇચ્છામૃત્યુ – હરીન્દ્ર દવે

આમ તો આ મૃત્યુની કવિતા છે—પણ એક ઝિંદાદિલ માનવીએ કલ્પેલા મૃત્યુની કવિતા.

મૃત્યુ ગોકળગાયની ગતિએ આવે એ કવિને મંજૂર નથી. કંજુસના વપરાતા ધન જેવી ધીમી ગતિએ આવતું મૃત્યુઃ કવિને એવા હપ્તાવાર મૃત્યુમાં પણ રસ નથી. માત્ર ખાંપણ ઓઢવાનું જ બાકી રહે એવી શબવત જિન્દગી જીવનારાઓનો ક્યાં તોટો છે?

પોતાની હયાતીમાં જ પોતાના મૃત્યુના પડછાયાને જિંદગી પર ઢળતો જોનારાની સ્થિતિ અસહ્ય હોય છે. હાલતાં ચાલતાં રહે, છતાં જીવ ન રહ્યો એવી પંગુ સમી સ્થિતિ કવિને મંજૂર નથી.

મરણ એ તો માનવીનું જન્મસિદ્ધ માગણું છે; માણસને તાંબાને પતરે લખી દીધેલ જો કોઈ એક જ અધિકાર ગણવાનો હોય, તો એ મૃત્યુનો અધિકાર છે અને આ માગણું વસૂલ કરવાની કવિની રીત અલગારી છે.

એ ઈશ્વરને કહે છેઃ મૃત્યુ એ તારું મને ચૂકવવાનું કરજ છેઃ મને આ કરજ હફતે હફતે ચુકવાય એમાં રસ નથી. આયુષ્યના ચોપડામાં ઝાઝી મિતિઓ પાડવામાં હું માનતો નથી. હું તો એક જ હપ્તામાં મારું કરજ વસૂલ થાય એમ ઇચ્છું છુંઃ કરજમાં કાંધા ન હોય!

આશાવાદી અભિગમોમાં આ જુદો તરી આવતો અભિગમ છે.

મૃત્યુ માટેનો આ ઝિંદાદિલ અભિગમ છે… એક જીવતા માણસની ઝંખનાને આ કવિતામાં વાચા મળી છે. એ માણસને પૂર્ણ જિંદગી ખપે છે અથવા પૂર્ણ મોત.

મૃત્યુ માટેના આધ્યાત્મિક વળાંકો તો આપણે બહુ જોયા છે, પણ મૃત્યુને તામ્રપત્ર પર લખી દીધેલા માનવીના માગણા તરીકે કલ્પવામાં કવિ જિંદગીના સાક્ષી બન્યા છે. …

મડિયાએ આ મૃત્યુની કવિતા લખી, ત્યારે એવી કલ્પના ન હતી કે આ ‘ઇચ્છામૃત્યુ’ એમને બક્ષવું જ પડે એટલો પ્રબળ તકાદો એ કરી શક્યા છે! એ જીવતા કલાકાર હતા. એમને માટે બે જ અંતિમો હતાંઃ જિંદગી અને મૃત્યુ. એની વચ્ચેની સ્થિત ક્યારેય ન આવી.

એક પલક પહેલાં એમણે હસીને મિત્રની વિદાય લીધી. એ પછીની ક્ષણ અભાનતાની હતી. આયુષ્યના ચોપડાને એક જ હપ્તામાં બીડી એમણે તો ઇચ્છામૃત્યુ મેળવ્યું, પણ. (કવિ અને કવિતા)



આસ્વાદ: – હસિત બૂચ

શ્લોકબંધની આપણી હજી યે પ્રચલિત રુચિની દૃષ્ટિથી જોઈએ, તો આ રચનાની પહેલી લીટીને છેડે પૂર્ણવિરામ હોઈ એક પંક્તિનો એ બંધ થયો. તો જુએ ચોથી લીટીથી શરૂ થતો અને નવમી લીટીને અંતે વિરમતો એકી સંખ્યાનો પાંચ લીટીનો ગૂંથાયેલો અહીંનો શ્લોકઘાટ. વળી ગોકળગાયને સ્થાને ‘ગાય ગોકળ’, કે આસપાસ રેખની વચ્ચે બે પંક્તિઓમાં વહેંચાતી લીટી ‘વાવરે’/યથા…લોભથી,’ કે ‘તામ્રપતરે’ જેવો યે પ્રયોગ, એવું એવું યે કદાચ લક્ષ દોરે. આવું આવું બધું નિરૂપણ કાવ્ય-સોનેટના ભાવાર્થને જીવંત સ્પર્શ આપનારું થયું છે. માટે જ એનું મહત્ત્વ છે. વાત સોંસરી ફૂટી છે, એવી જ સોંસરી મર્મને અડતી થઈ છે.

આવું મૃત્યુ? ઝટ દઈ ઉપાડી લે એવું! રગશિયું નહિ, ચીલઝડપી! કોણ નથી ઝંખતું એવું મોત? આ રચનાના કવિ એવું મૃત્યુ વર્યા યે ખરા. જાણે આ કાવ્ય થઈ ગયું, એમની સફળ આરત. અહીં તો મુદ્દાની વાત એ થઈ છે, કે એ આરત અહીં સૉનેટ-કાવ્યની રીતે નખશિખ ચોટવાળું નીવડ્યું છે. સળંગ રૂપે ફૂટેલું આ સૉનેટ એ રૂપનેય અહીં પૂરું સાહજિક ઠેરવે છે.

‘છૂટક ટૂંક હફતા વડે’ ‘મને ન મરવું ગમે’ એમ એક જ લીટીએ શ્લોક ઉપાડમાં જ, રચી લેતી આ સૉનેટ કૃતિ, પછીથી બસ એને વેગે જ, એના બળેજ, એની પ્રેરકતાથી જ બાકીનો કલાષ કૌશલથી વિસ્તારે છે; જાણે એક ડાળમાંની ડાળી ડાળીનાં ફૂલ.

ગોકળગાય જેવું ધીમું, તેય જાણે કોઈ કંજૂસ પોતાની સંપત્તિ અસહ્ય લોભપૂર્વક વાવરે–આછી આછી વેરે એવું ધીમું મરણ તો ખરે જ ‘ના ગમે’. ઉપમા બે રેખા વચ્ચે મોતીની જેમ ઝળકી છે. કવિનું સાહજિક આલેખનબળ હવેના પંચપંક્તિ-શ્લોકમાં મૂર્ત થયું છે. એમ તો ‘ઘણાંય જન જીવતાં મરણ-ભાર માથે વહી’ એમ શરૂ થતી પાંચ લીટીઓ જુઓ. ‘હલચલે’ જીવતાં લાગે, છતાં મરેલ જ દેખાય છે આવાં ‘જન–’ ‘શબ શાં અપંગ.’ દીદારે તો ઠીક, મનથી પણ પ્રેત જેવાં અને જડ લાગે છે એ સૌ. ભલે ને એ ઓઢતાં ન હોય ખાંપણ-કફન!’ ‘ડગમંગત પંગુ’ જેવાં એ બધાં તો જતાં જ હોય છે ‘મસાણ તરફે’ ‘હફતા’નો ‘પ’ તે ‘ફ’ જેમ, તેમ ‘તરફ’ વાચિક કવિસૂઝની પ્રતીતિ કરાવે એમ છે જ.

હવે પછીની બે લીટીમાં કવિતામાંની વક્રોક્તિનું હીર ઝગી ઊઠ્યું અનુભવાય છે. કલ્પનાની સળીએ એ ઝગારો જગાડ્યો છે. મૃત્યુ? હા, એ તો ‘જનમસિદ્ધ શું માગણું’ ગણાય છે જ. પરંતુ ‘શું (–સમું)નો પ્રયોગ ‘ગણું’ સાથે જોડાતાં મૃત્યુની અદબ જળવાઈ છે. તે પણ ભાવક કળે એમ છે જ. માણસની સાચી સમજણ જ એમાં ઇંગિતાઈ છે. તામ્રપત્ર પર ‘જીવાઈ’–(‘જિ’ જરૂરી)–જીવનનિર્વાહ માટેની નિયમ રકમરૂપે ‘અબાધિત’–રોકટોક ન નડે એવી જિવાઈરૂપે લખાએલું એ તો માગણું છે. આમાંની ખુમારી કહો, આમાંનું લાડ કહો, એજ આકર્ષક છે. જો આમ જ છે, મૃત્યુ તે તામ્રપત્ર પર લખી અપાયેલું જન્મસિદ્ધવત્ માંગણું છે, તો ‘ન કાં વસુલ એ કરું મનગમંત રીતે જ હું?’ — આ ઉદ્ગાર સ્વાભાવિક રીતે જ બળવાન થઈ પ્રગટ્યો છે. કોઈ કણદાર તકાદાઓ-ભારપૂર્વક માગણી-ઉઘરાણી કરી કરીને સામનું કરજ વસૂલ કરવાનું પસંદ કરે? એ તો એકસામટું જ બધું ભરપાઈ થાય એમ યત્ને. તેથી’સ્તો, કવિનો ઉદ્ગાર છેઃ ‘ચહું જ ઉઘરાવવા મરણ એક હફતા વડે.’ આ ભવનો ચોપડો આમ બિડાઈ જાય, કોરે કરાય, ફરી ફરી ઉથલાવવો ન પડે એ જ ઇચ્છા. સૉનેટની છેલ્લી પંક્તિનો ઉત્તરાર્ધ આ ઇચ્છાને ભારે બળૂકી છટાથી વ્યક્ત કરે છે. ‘કરજમાં ન કાંધાં ખડ’–કરજની વાતે હપતે હપતે ચૂકવવાની રકમની કોઈ વાત મંજૂર નથી જ. ‘કરજ’ અને ‘મરણ’ની આમ દેખાડતી કડી માર્મિક થઈ છે.

ઉદ્ગારછટા, સહજ શિલ્પ, રેખાંકન, ભાવવેગી લયપ્રવાહ, સૉનેટ, સમગ્રની સળંગ ઘનતા, વાતાવરણરૂપ થયેલી કાવ્યભાવની સાત્ત્વિક મસ્તી, આ સૉનેટને આપણા મૃત્યુવિષયક કાવ્યોમાં ખૂબ હકપૂર્વક આગળ કરે એમ છે. (‘ક્ષણો ચિરંજીવી'માંથી)