અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયદેવ શુક્લ/પુત્રની વિદેશી દોસ્તને પ્રથમ વાર ફોન પર મળ્યા પછી...

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પુત્રની વિદેશી દોસ્તને પ્રથમ વાર ફોન પર મળ્યા પછી...

જયદેવ શુક્લ

તારા કણ્ઠમાંથી
ઊગી નીકળેલો
કુંવારો અજવાસ
મારી સૂની, અન્ધારી ગલીને
પ્રથમ વાર
આછું રણકાવે છે

તારા શબ્દો
મને મૂકી દે છે
વેનેઝુએલાના દરિયાકિનારે રવડતા,
આછા ખારા તડકા વચ્ચે;
જ્યાં તું રેતીનું ઘર બનાવી રહી છે.

તારા શબ્દોનો
રણકાર
આથમતી જતી
ધૂંધળાશમાં
સોનેરી પતંગિયું બની
કાનના અન્ધારમાં
ઝળહળે છે.

તારા શબ્દોનો
ભાવ
ન ચાખેલા-જોયેલા ફળની
જાંબલી તૂરાશભરી મીઠાશથી
ઊંચકી લે છે
ખબર ન પડે એમ,
એક સૂનો ધબકાર
જે મેં ધરબી રાખ્યો હતો.

ઊંડે...ઊંડે...
તારા અવાજના
અજવાળામાં
હું
તને અને મને
ન ઊગેલા દિવસના
બન્ને કાંઠે
જોઈ રહ્યો છું
સજળ આંખે.
નવનીત સમર્પણ, ડિસેમ્બર



આસ્વાદ: સર્જક શુક્લની વ્યાસશૈલી! – રાધેશ્યામ શર્મા

એક સર્જકની ભાવ–સંવેદના, સ્વદેશીય પુત્રથી હટી એની વિ–દેશી મિત્રના દૂરવર્તી ફોનધ્વનિ પરથી કેવી પરિવહી, ટ્રાન્સપૉર્ટ થઈ એનું શબ્દાંકન તે આ લયાન્વિત આકૃતિ. પુત્ર વિદેશમાં, એની દોસ્તનું નામ એ પ્રદેશની યાદ સંકોરતું વેનેઝુએલા. એનો ફોન કવિ–નાયક માટે પ્રથમ વાર આવ્યો અને એનો માત્ર ધ્વનિરણકો અંગત ઇન્દ્રિયવ્યત્યયોમાં કેવો પરિણમ્યો એનો પદાવલિસિદ્ધ આલેખ રસપ્રદ છે.

કૃતિનું શીર્ષક પણ વિષયની અસામાન્યતાના કારણે ચીલે ચાલતી પરમ્પરાથી તદ્દન ભિન્ન અને તેથી વિરલ આભા ધારતું ઊભું છે. ‘પુત્રની વિદેશી દોસ્તને પ્રથમ વાર ફોન પર મળ્યા પછી…’ ‘પછી’ શબ્દ પછી દેખાતાં ત્રણેક ડૅશટપકાં–આગામી વિવિધ શ્રુતિ–દૃશ્ય સાહચર્યોની જાણે આગાહી–એલાન કરે છે.

પૂરેપૂરું કાવ્યપઠન કરતાં ધ્યાનાર્હ બને છે: ‘તારા શબ્દો’ – પદનાં પુનરાવર્તનો.

‘તારા શબ્દો મને મૂકી દે છે…’
‘તારા શબ્દોનો રણકાર…’
‘તારા શબ્દોનો ભાવ…’

પાંચ સ્તબક–શ્લોકમાં વિરેલી રચનાના બીજા–ત્રીજા–ચોથા સ્તબકના આરંભે આવેલા શબ્દોના રણકાર અને ભાવ નાયકકવિને એમની સૂની, અંધારી ગલીમાં મૂકી દે છે.

હવે કાવ્યારમ્ભે તેમ જ કાવ્યાન્તે વિદેશીના કંઠમાંથી રેલાયેલો નિનાદ–ધ્વનિ સાંભળીશું તો સર્જકની ઇન્દ્રિયવ્યત્યય સંરચનાનું કૌશલ્ય અનુભવવિષય બનશે.

પ્રથમ સ્તબકનો પ્રારમ્ભ પ્રમાણીએ:

તારા કણ્ઠમાંથી
ઊગી નીકળેલો
કુંવારો અજવાસ

અહીં શબ્દો નથી, શબ્દોને બદલે કુંવારો અજવાસવર્જિન લાઇટ–ઊગી નીકળ્યો છે. ધ્વનિ નહીં, પ્રકાશ છે. કુંવારો છે. કણ્ઠની ભોમકામાંથી કૌમાર્યસ્નિગ્ધ પ્રકાશ મસૃણ પુષ્પવત્ ઊગ્યો છે! ઑડિયો–વિઝુઅલ–કૉલાજ તો આ જ રીતિએ કાવ્યાન્ત સ્તબકમાં પણ પ્રસરેલ છે:

તારા અવાજના
અજવાળામાં
હું

ભાવક માટે પણ અવાજનો ‘કુંવારો’ ઉજવાસ–અજવાસ આદિથી અંત પર્યન્ત, રસચર્વણાનો વિષય છે.

જયદેવ, મને ઇટાલીના વિખ્યાત કવિવર સાલ્વાદોર ક્વાસિમોદો પાસે અવિલંબ દોરી જાય છે આ પળે: ‘Poetry is the revelation of a feeling that the poet believes to be interior and personal which the reader recognises as his own.’ (New york Times 1960)

ભાવક, રચનાના સંઘટકનું વિ-ઘટન કરી ખાસ પોતાની કાવ્ય–આકૃતિ કંડારે તોય સાધારણીકરણની પ્રક્રિયા અસ્ખલિત અવગમનમાં પરિણમે એનું આ ઉમદા ઉદાહરણ છે.

બીજો સ્તબક, વેનેઝુએલાની પ્રાદેશિક ભૂગોળમાં કલ્પેલી ગૃહનિર્માણક્રિયાનું વર્ણન અર્પે છે: ‘દરિયાકિનારે રવડતા, આછા ખારા તડકા વચ્ચે; જ્યાં તું રેતીનું ઘર બનાવી રહી છે.’ દરિયાની ખારાશ કવિએ તડકામાં આછાશથી આરોપી છે! રેતીનું ઘર બનાવતી હોવાની ધારણા, વેનેઝુએલાની શૈશવીલીલા સાથોસાથ દરિયાનાં મોજાં રેતીના ઘરને ક્ષણભંગુરતામાં પલટી દેવાની મૃદુ દહેશત પણ સંકેતે…

પ્રથમ સ્તબકની ‘લોન્લી’ સૂની અન્ધારી ગલી, હવે ત્રીજા તબક્કામાં ‘કાનના અન્ધાર’માં ઝળહળે છે! મારી પસંદીદી પંક્તિઓ ત્રીજા ને ચોથા સ્તબકમાં મોતીઓની જેમ ચળકી રહી છે:

આથમતી જતી
ધૂંધળાશમાં
સોનેરી પતંગિયું બની
કાનના અન્ધારમાં
ઝળહળે છે.

નાયકના વાર્ધક્યનો અહેસાસ ‘આથમતી જતી ધૂંધળાશ’માં પરોવાયો હજુ અનુભવીએ ત્યાં તો દૂરધ્વનિ શબ્દોનો રણકાર સોનેરી પતંગિયું બની કર્ણગુહામાં ઝળહળ…ભાળીએ છીએ. પતંગિયું મહ્દઅંશે સોનેરી, સુનહરું હોય પણ કર્તાએ કાનના અન્ધારના વિરોધમાં ઝળહળાવી દાદ મેળવી છે.

ચોથા તબક્કામાં શબ્દોના રણકાર, ‘ભાવ’માં પ્રગટ્યા છે: ‘ન ચાખેલા-જોયેલા ફળની જાંબલી તૂરાશભરી મીઠાશથી ઊંચકી લે છે ખબર ન પડે એમ, એક સૂનો ધબકાર જે મેં ધરબી રાખ્યો હતો – ઊંડે… ઊંડે…’

કવિકુલગુરુ કાલિદાસે ‘અનાઘ્રાત’-તાનો સ્વાદ ચખાડેલો, અહીં અજ્ઞાત ફળની જાંબલી–વાયોલેટ–તૂરાશભરી મીઠાશ–ભેળો પે…લો ધરબાયેલો એક ‘સૂનો ધબકાર’ પણ ભાવકને, નાયકની જેમ ખબર પડે – ન પડે એમ ઊંચકી લે છે. ધન્ય થઈ જવાય સ્વાદેન્દ્રિયવૈભવથી, અગાઉ ‘આછા ખારા તડકા’નો અને હવે અનાઘ્રાત અજાણ્યા ફળની ‘જાંબલીવર્ણી તૂરાશભરી મીઠાશ’નો નેત્ર–જિહ્વાહામૈત્રક સંગમ… ક્યા કહીએ?

કાવ્યનાયકનો શૂન્યાવકાશથી સૂનો ધબકાર, જે ઊંડે ઊંડે સંયતપણે ધરબી રાખેલો તે એના અ–પ્રજ્ઞાત ચિત્તનો સૂક્ષ્મ ઍરોટિક કલ્પન–જલ્પન અધ્યાસ સૂચવે…

‘અવાજના અજવાળા’નો પરસ્પરિત પ્રયોગ પણ અન્તે કવિ–નાયકના અદ્વૈત હર્ષાદ્રિ શાન્ત ભાવમાં પરિણમેલા દૃશ્યાંશને કારણે રસોત્કર્ષ બન્યો છે: ‘હું / તને અને મને / ન ઊગેલા દિવસના / બન્ને કાંઠે / જોઈ રહ્યો છું / સજળ આંખે.’

‘બન્ને કાંઠે’, ‘ન ઊગેલા દિવસના’ સંદર્ભથી ભાવિગર્ભ અને બન્ને પેઢી વચ્ચેના અકથ્ય અવકાશને વૅનેઝુએલાના શબ્દપ્રકાશમાં નીરખવાનું પ્રચ્છન્ન નિમંત્રણ કૃતિની સંકુલશ્રી ‘જનાન્તિક’ જેવી એકાન્તિક નથી રહી; તેમ નથી રાખી કવિશ્રી જયદેવ શુક્લે.

કવિતાનું સૌંદર્ય અને રહસ્ય સંગોપિત રાખવામાં સર્જકે શુક્લશૈલી નહીં પણ વ્યાસશૈલી–સર્કમલોકેશનનો વિનિયોગ કર્યો લાગે. પ્રથમ દૃષ્ટિએ તો પાત્રાનુલક્ષી પ્રવર્તન લાગે, પણ સૂક્ષ્મ રીતે જોતાં ઇચ્છિત, વિવક્ષિત ભાવ–અર્થને સીધીસટ રીતે ના નિરૂપતાં હેરવીફેરવી રજૂ કરવાની રીતિ લક્ષણા-વ્યંજનોનો સફળ સંકર હોય એવી પ્રતીતિ કરાવી શકી.

વાસ્તે જયદેવજીને સહૃદય સાધુવાદ. (રચનાને રસ્તે)