અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયન્ત પાઠક/વતનથી વિદાય થતાં
Jump to navigation
Jump to search
વતનથી વિદાય થતાં
જયન્ત પાઠક
એ મૂક્યું વન, એ મૂક્યાં જન, ઘણે વર્ષે મળ્યાં જે ક્ષણ,
મૂક્યાં ડુંગર ને નદી, વતનનાં એ કોતરો, ખેતર;
આંખો બે રહી ભાળતી વળી વળી પાછી, ભીડ્યું એ ઘર
વેચાઈ ગયું ઢોર જેમ તલખે કોઢાર, છોડ્યું ધણ.
કેડી આગળ જાય, પાય અવળા, કેમે કરી ઊપડે,
આંખો જાય ભરાઈ વાટ તરુની કાંટાળી ડાળી નડે;
હૈયું ઉઝરડાય રક્તટશિયા ફૂટે ધીમેથી ઝમે
આઘે વેકુરથી નદીની હજીયે આ આંગળીઓ રમે.
ચાલો જીવ, જવાનું આગળ, નહીં આ કાળના વ્હેણમાં
પાછા ઉપરવાસ શક્ય વહવું, પાણી લૂછો નેણમાં;
ભારો લૈ ભૂતનો શિરે વણપૂછ્યે શા વેઠિયા ચાલવું
સાથે શ્વાન, પૂરી થતાં હદ હવે એનેય પાછા જવું.
આઘે ખેતર જોઉં બે કર કરી ઊંચા મને વારતી —
એ મારી ભ્રમણા? રિસાળ શિશુને બોલાવતી બા હતી?!
(ક્ષણોમાં જીવું છું, પૃ. ૧૯૮)