અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઝવેરચંદ મેઘાણી/નીંદરભરી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
નીંદરભરી

ઝવેરચંદ મેઘાણી



(પહેલી પંક્તિ લોકગીતની છે)

નીંદરભરી રે ગુલાલે ભરી,
બેનીબાની આંખડી નીંદરભરી રે.
નીંદરને દેશ બેની નત્ય નત્ય જાતાં,
અંકાશી હીંચકાની હોડી કરી. – બેનીબાની.
દોરી તાણીને વીર મારે હલેસાં,
હાલાં વાયાં ને હોડી વેગે ચડી. – બેનીબાની.
નીંદર બેઠી છે નીલ સમદરના બેટમાં,
કેસરિયા દૂધના કટોરા ધરી. – બેનીબાની.
નીંદરનો બાગ કાંઈ લૂંબે ને ઝૂંબે,
કળીઓ નીતારીને કચોળી ભરી. – બેનીબાની.
સીંચ્યાં એ તેલ મારી બેનીને માથડે,
નાવણ કરાવે ચાર દરિયાપરી. – બેનીબાની.
છીપોની વેલડીને જોડ્યા જળ-ઘોડલા,
બેસીને બેન જાય મુસાફરી. – બેનીબાની.
સાતે સિંધુને તીર સફરો રે કીધી,
સૂરજ ઊગ્યો ને બેન આવ્યાં ફરી. – બેનીબાની.

(1928)