અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઝવેરચંદ મેઘાણી/વિદાય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
વિદાય

ઝવેરચંદ મેઘાણી

અમારે ઘર હતાં, વ્હાલાં હતાં, ભાંડુ હતાં, ને
પિતાની છાંય લીલી, ગોદ માતાની હતીયે;
ગભૂડી બ્હેનના આંસુભીના હૈયાહિંચોળે
અમારાં નેન ઊનાં ઝંપતાં આરામઝોલે.

બધી માયા-મહોબ્બત પીસતાં વર્ષો વીતેલાં,
કલેજાં ફૂલનાં, અંગાર સમ કરવાં પડેલાં:
ઉખેડ્યા જે ઘડી છાતી થકી નિઃશ્વાસ છેલ્લા,
અમારે રોમેરોમેથી વહ્યા'તા રક્તરેલા.

સમય નો'તો પ્રિયાને ગોદ લૈ આલિંગવાનો,
સમય નો'તો શિશુના ગાલ પણ પંપાળવાનો;
સમય નવ માવડીને એટલું કહેતાં જવાનો:
'ટપકતા આંસુને, ઓ મા! સમજજો બાળ નાનો.'

અહોહો! ક્યાં સુધી પાછળ અમારી આવતી'તી
વતનની પ્રીતડી! મીઠે સ્વરે સમજાવતી'તી;
ગળામાં હાથ નાખી ગાલ રાતા ચૂમતી'તી,
'વળો પાછા!' વદીને વ્યર્થ વલવલતી જતી'તી.

બિરાદર નૌજવાં! અમ રાહથી છો દૂર રે'જે;
અમોને પંથભૂલેલા ભલે તું માની લેજે;
કદી જો હમદિલી આવે, ભલે નાદાન કે'જે;
'બિચારા' ક્‌હૈશ ના – લાખો ભલે ધિક્કાર દેજે!

ઓ દોસ્તો! દરગુજર દેજો દીવાના બાંધવોને;
સબૂરી ક્યાંય દીઠી છે કલેજે આશકોને ?
ઇલે શું શું જલે – દેખાડીએ દિલઆહ કોને?
અમારી બેવકૂફીયે કદી સંભારશોને?

અગર બહેતર, ભૂલી જાજો અમારી યાદ ફાની!
બૂરી યાદે દૂભવજો ના સુખી તમ જિન્દગાની;
કદી સ્વાધીનતા આવે, વિનંતી, ભાઈ, છાની:
અમોનેય સ્મરી લેજો જરી, પળ એક નાની!

[૧૯૩૦]



આસ્વાદ: દુનિયા બદલાઈ ગઈ! – હરીન્દ્ર દવે

રિયાઝ ખૈરાબાદીનો એક શેર છેઃ

સદ્સાલા દૌરે ચર્ખ થા સાગરકા એક દૌર
નિકલે જો મયકદેસે તો દુનિયા બદલ ગઈ.

(સુરાપાત્ર આખી મહેફિલમાં એક વખત સૌને પહોંચ્યું એટલા સમયમાં તો જાણે સો વરસનો કાળ વીતી ગયો. અમે સુરાલયની બહાર નીકળ્યા તો જાણે આખી દુનિયા બદલાઈ ગઈ હતી!)

ઝવેરચંદ મેઘામીની આ રચના ‘વિદાય’ વાંચતાં કંઈક આવી લાગણી થાય છે. ‘વિદાય’નું પઠન પૂરું કરીએ અને આસપાસની દુનિયા પર નજર નાખીએ તો દુનિયા બદલાઈ ગયેલી લાગે છે.

કવિતની પરિપાટીની દૃષ્ટિએ જ જુઓઃ કેટલો મોટો ફેર પડી ગયો છે! આજે આવી રચનાઓને આપણા વિવેચકો Loud કહીને અવગણી નાખશે. અને એમની ભાવસૃષ્ટિ ભાષાના ઝઘડા, અરાજકતાનો પથરાટ અને રાષ્ટ્ર પ્રત્યેની સર્વકાળે એક સરખી નિષ્ઠાના અભાવના આ જમાનામાં આ ભાવસૃષ્ટિ પણ જૂના જમાનાની લાગશે.

આ કવિતા Loud છે, પણ જૂઠી નથી, એમાંની ભાવસૃષ્ટિ આજે અપરિચિત છે, પણ એક યુગમાં આ રાષ્ટ્રના એકએક જુવાનના હૈયામાં એ ભાવોની ચિનગારીઓ જાગી ઊઠી હતી.

યુવાનીને કારકિર્દીના શિકાર માટે ત્યારે વૈડફવામાં નહોતી આવતી. જુવાનોએ ખરેખર ઘર, વહાલાં, ભાંડુનો ત્યાગ કરી જાણ્યો હતોઃ પિતાની લીલી છાંય, માતાની ગોદ, બહેનનું હૈત, આટલું જ નહીં પણ સ્વતંત્રતાના સમરમાં ઝુકાવવા માટે નીકળતા એ મતવાલા જુવાનના હૃદય સાથે જડાયેલા પ્રિયજનના નિઃશ્વાસો જેને પોતાની છાતીથી ઉખેડતી વખતે ત્વચા ઉતરડાતી હોય, રોમરોમથી રક્તરેલા વહેતા હોય એવી વેદના અનુભવાઈ હતી.

આ રીતે પણ જુવાનોએ વિદાય લીધી હતીઃ ભગતસિંગે ફાંસીની વરમાળ પહેરી હતીઃ કેટલાય જુવાનોએ જિંદગી કરતાં સ્વતંત્રતાને વધુ વહાલી ગણી હતી. મૃત્યુને રમકડું માની લેતા આ જુવાનોમાં ઇતિહાસના પાનેપાને પડ્યા છે.

એમને પણ ઘર હતાં, વહાલાં હતાં, … એમને પણ કારકિર્દી મળી શકી હોત. પણ એમની આંખોમાં સ્વપ્નનો સૂરમો પણ હતો, એમની છાતીમાં આઝાદીના પંથ પર ફના થવાની તમન્ના પણ હતી.

એ વેળા એમને પંથભૂલેલા કે નાદાન પણ કહેવાતાઃ પણ બધું એમણે સહન કર્યું છે એ વતનપ્રેમી અનોખી દીવાનગી હતીઃ દેશના એ આશકોનાં કલેજાં નિષ્ક્રિયતાને એક ક્ષણ પણ જીરવી શકે એમ ન હતાં.

એ દીવાનગીને આજે આપણે યાદ કરીએ છીએ ખરા? એમના રક્ત પર ચણાયેલી આઝાદીની ઈમારત પર આપણે જે કંઈ વાનરવેડા આજના યુગે કરી રહ્યા છીએ ત્યારે તેઓને એ સવાલ પૂછવાનો અધિકાર છેઃ શું શહીદોનું લોહી આટલું સસ્તું હતું કે એનાથી ખરીદાયેલી આઝાદીને આપણે આ રીતે વેડફી રહ્યા છીએ?

—એ દુનિયા ભલે જુનવાણી રહીઃ ક્યારેક એ તરફ જવા જેવું છે; આ કવિતાને ભલે કોઈ Loud કહેઃ સત્યના બુલંદ રૂપને પણ પામવા જેવું છે. (કવિ અને કવિતા)