અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઝવેરચંદ મેઘાણી/શિવાજીનું હાલરડું

From Ekatra Wiki
Jump to navigation Jump to search
શિવાજીનું હાલરડું

ઝવેરચંદ મેઘાણી

આભમાં ઊગેલ ચાંદલો, ને જીજીબાઈને આવ્યાં બાળ —
         બાળુડાને માત હીંચોળે :
         ધણણણ ડુંગરા બોલે!
         શિવાજીને નીંદરું ના’વે :
         માતા જીજીબાઈ ઝુલાવે.

પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ-લખમણની વાત —
         માતાજીને મુખ જે દીથી,
         ઊડી એની ઊંઘ તે દીથી. — શિવાજીને.

પોઢજો રે, મારા બાળ! પોઢી લેજો ભેટ ભરીને આજ—
         કાલે કાળાં જુદ્ધ ખેલાશે :
         સૂવાટાણું ક્યાંય નૈ ર્‌હેશે. — શિવાજીને.

ધાવજો રે, મારા પેટ! ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ—
         ર્‌હેશે નહિ, રણઘેલૂડા!
         ખાવા મૂઠી ધાનની વેળા. — શિવાજીને.

પ્હેરી-ઓઢી લેજો પાતળા રે! પીળાં-લાલ-પીરોજી ચીર—
         કાયા તારી લોહીમાં ન્હાશે :
         ઢાંકણ તે દી ઢાલનું થાશે. — શિવાજીને.

ઘૂઘરા, ધાવણી, પોપટ-લાકડી ફેરવી લેજો આજ —
         તે દી તારે હાથ રહેવાની
         રાતી બંબોળ ભવાની. — શિવાજીને.

લાલ કંકુ કેરા ચાંદલા ને ભાલે તાણજો કેસર-આડ્ય —
         તે દી તો સિંદોરિયા થાપા
         છાતી માથે ઝીલવા, બાપા! — શિવાજીને.

આજ માતા ચોડે ચૂમીયું રે, બાળા! ઝીલજો બેવડ ગાલ—
         તે દી તારાં મોઢડાં માથે
         ધૂંવાધાર તોપ મંડાશે. — શિવાજીને.

આજ માતાજીની ગોદમાં રે, તુંને હૂંફ આવે આઠ પ્હોર —
         તે દી કાળી મેઘલી રાતે
         વાયુ ટાઢા મોતના વાશે. — શિવાજીને.

આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડાં કેરી સેજ—
         તે દી તારી વીર-પથારી
         પાથરશે વીશ-ભુજાળી. — શિવાજીને.

આજ માતાજીને ખોળલે રે, તારાં માથડાં ઝોલે જાય—
         તે દી તારે શિર ઓશીકાં
         મેલાશે તીર-બંધૂકાં. — શિવાજીને.

સૂઈ લેજે, મારા કેસરી રે! તારી હિંદવાણું જોવે વાટ—
         જાગી વ્હેલો આવ, બાળુડા!
         માને હાથ ભેટ બંધાવા. — શિવાજીને.

         જાગી વ્હેલો આવજે, વીરા!
         ટીલું માના લોહીનું લેવા!

         શિવાજીને નીંદરું ના’વે :
         માતા જીજીબાઈ ઝુલાવે.

         બાળુડાને માત હીંચોળે :
         ધણણણ ડુંગરા બોલે.

(સોના-નાવડી, પૃ. ૨૭૩-૨૭૫)