અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/તૌફિક ‘પ્રીતમ’/— (તિમિરમય રાતને કાજળની...)

From Ekatra Wiki
Jump to navigation Jump to search


— (તિમિરમય રાતને કાજળની...)

તૌફિક ‘પ્રીતમ’

તિમિરમય રાતને કાજળની ઉપમા હું નહીં આપું,
જીવનનાં શૂળને બાવળની ઉપમા હું નહીં આપું.

હૃદય-જંગલ મહીં નિશ્ચય ભયંકર આગ લાગી છે,
છે ઠંડી આગ, દાવાનળની ઉપમા હું નહીં આપું.

છે મારાં અશ્રુમાં સૌરભ બળી કોઈનાં સ્મરણોની,
શું કે’શે લોક જો શતદળની ઉપમા હું નહીં આપું?

કોઈના રૂપનાં ઓજસ કોઈથી ક્યારે સમજાશે?
યદિ આ પુષ્પને ઝાકળની ઉપમા હું નહીં આપું!

રૂપક સુંદર છે કિન્તુ એમની ફોરમનું શું થાશે?
તમારા કેશને વાદળની ઉપમા હું નહીં આપું.

યદિ સૌંદર્ય તારું સાંપડી જાયે મને, ‘પ્રીતમ!’
જીવનને ઝાંઝવાનાં જળની ઉપમા હું નહીં આપું.