અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ત્રિભુવન ગૌ. વ્યાસ/ગીરનાં જગંલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ગીરનાં જગંલ

ત્રિભુવન ગૌ. વ્યાસ

ઘોર અતિ વંકી ધરતી ને વંકા પથરાયા બહુ પહાડ,
વિકટ અને વંકા પગરસ્તા, ગીચ ખીચોખીચ જામ્યાં ઝાડ;
ઝરે ઝરણ બહુ નીર તણાં; જો ગાજે જંગલ ગીર તણાં!

ઉતાવળી ને ઊંડી નદીયું સઘન ઘટાથી છાઈ રહે,
કાળાંભમ્મર પાણી એનાં ધસતાં ધમધોકાર વહે;
ઝૂક્યાં તરુવર તીર તણાં; જો ગાજે જંગલ ગીર તણાં!

શિયાળ સસલાં સાબર હરણાં મનગમતી સૌ મોજ કરે,
વાઘ વરુ ચિત્તા પારધી શિકારીઓની ફોજ ફરે;
જીવનસાટાં શિર તણાં; જો ગાજે જંગલ ગીર તણાં!

સિંહ સમા શૂરવીર નરોની દુર્ગમ ધરતી સાખ પૂરે,
ડુંગરની વિકરાળ કરાડ્યું ઊભી મિત્રવિજોગ ઝૂરે,
સ્મરી ધીંગાણાં ધીર તણાં; જો ગાજે જંગલ ગીર તણાં!

અજબ ખંજરી બજે ભયાનક, પ્રચંડ ધોધપછાડ તણી,
ઝીલે તેના પડછંદાઓ પ્રજા અડીખમ પહાડ તણી,
ભીષણ સૂર સમીર તણા; જો ગાજે જંગલ ગીર તણાં!

બહુરંગી વન વ્યાઘ્રચર્મ-શાં અંગ ધરી યોગી ગિરનાર,
બહુ યુગથી બેઠો દૃઢ આસન, પ્રેમભર્યો કરતો સત્કાર;
સાધુ સંત ફકીર તણા; જો ગાજે જંગલ ગીર તણાં!

પુષ્પિત તરુ વનવેલ વસંતે નવપલ્લવ ઘેઘૂર બને,
રૂંઢ ખાખરા ખીલે કેસૂડે, મધુર ગુંજન છાય વને;
કલરવ કોકિલ કીર તણા; જો ગાજે જંગલ ગીર તણાં!

સ્વતંત્રતા ને સ્વાભાવિકતા સુંદરતા સહ રાસ રમે,
ડુંગર ડુંગર દેવ વસે ને વિરાગીઓ અલમસ્ત ભમે,
વીસરી જતન શરીર તણાં; જો ગાજે જંગલ ગીર તણાં!

મોટી ગોળી સરખાં માથાં ઉપર સુંદર કૂંઢાં શીંગ,
કુંજરનાં બચ્ચાંઓ જેવી ભેંશુંની બહુ લઈને ઘીંઘ,
નેસ વસ્યા આહીર તણા; જો ગાજે જંગલ ગીર તણાં!

વર્ષાની ઘનઘટા ચડે નભ, ડુંગર વર વીજળી ઝબૂકે,
મેઘદુન્દુભિ ગડે ગગનમાં, મત્ત બની મોરા ટહુકે;
ત્રાડન કેસરી વીર તણાં; જો ગાજે જંગલ ગીર તણાં!

(ગીતિકા, સંપા. સુરેશ દલાલ, ૧૯૯૦, પૃ. ૮૨-૮૩)



આસ્વાદ: ગીરનાં જંગલ કાવ્ય વિશે – મનસુખલાલ ઝવેરી

ઘોર અતિ વંકી ધરતી ને વંકા પથરાયા બહુ પહાડ,

ગીરનાં આ ભવ્ય ભીષણ જંગલો! ગાજી રહ્યાં છે એ બારે માસ ઝરણાંના કલરવથી, વેગભર વહેતી ઊંડી, જળેભરી નદીઓની ઘુઘવાટીથી, ધોધના પડછંદાથી, વાયુના ભીષણ સુસવાટાથી, પક્ષીઓના કલશોરથી, કેસરી સિંહોની ત્રાડોથી.

એની ઘોર ને ઊંચીનીચી ધરતી ને ચોમેર પથરાયેલી એની વાંકીચૂંકી ગિરિમાળા, નીચે જોઈએ તો ચક્કર આવે તેવી એની વિકરાળ કરાડો, ને વચ્ચેની ખીણો એટલી ઊંડી ને એટલી ગીચ વનસ્પતિવાળી કે એને તળિયે સૂર્યનું તેજ કદી પહોંચવા જ ન પામે.

ને એનો ગિરનાર, વિવિધવરણાં વનરૂપી વ્યાઘ્રચર્મ ધારણ કરીને, યુગોના યુગથી દૃઢ આસન વાળીને બેઠેલા કોઈ યોગી જેવો; સાધુ, સંત, ફકીરને ઉદાર ભાવે આશ્રય આપતો.

એના ડુંગરે ડુંગરે દેવનાં દેવ ને શરીરની દરકાર રાખ્યા વિના ભમતા અલમસ્ત વૈરાગીઓ.

એનાં કલરવતાં ઝરણાં, વૈગભર ધમધોકાર ધસતી ઊંડી, બેય કાંઠે છલકાતી નદીઓ, પ્રચંડ ધોધના પછડાટ ને એના ભયંકર પડછંદા.

એની નદીઓને બેય કાંઠે ઝૂકતી તરુવરોની સઘન ઘટા, વસંતનો સ્પર્શ થતાં રતુંબડાં નવાં પલ્લવોથી અને રંગબેરંગી પુષ્પોથી ઘેઘૂર બની જતાં એનાં વૃક્ષો ને એની લતાઓ, ને લાલચટક કેસુડાંથી ખીલી ઊઠતાં સૂકાં ને ખરી પડેલાં પાંદડાંવાળાં ખાખરાનાં ઝાડ.

એનાં પશુપંખીઓ, શિયાળ, સસલાં, સાબર, હરણાં, વાઘ, વરૂ ને ચિત્તા, મોટી મોટી ગોળી જેવાં માથાં ને માથા પર સુંદર વાંકડિયાં શિંગડાંવાળી, હાથીનાં બચ્ચાં જેવી ભેંશોનાં ટોળાં, ને વર્ષામાં વાદળ ઘટાટોપ જામ્યાં હોય, વીજળી સળાકા લેતી હોય, ને આકાશમાં મેઘનાં દુંદુભિ ગગડી રહ્યાં હોય ત્યારે ગર્જનાઓ કરી કરીને વનને થથરાવી મૂકતા કેસરી સિંહો, ગડૂડતા મેઘની સામે ડોકના ત્રણ ત્રણ કટકા કરીને મગેકારા કરતા મોરલા, ને વસંતમાં પોતાના ગુંજારવથી આખા વનને ગુંજાવી ઊઠતા મધુકરો, અને કલશોર કરી મૂકતાં કોયલ ને પોપટ.

ને એનાં માનવી, સિંહ જેવાં શૂરવીર ને પહાડ જેવાં અડીખમ. પ્રેમ અને ધર્મ, ભૂમિ અને વચનને ખાતર એમણે ખેલેલાં ધીંગાણાંની સ્મૃતિ આજે પણ નથી વિસરાઈ કે નથી વાસી થઈ.

ગીરનાં આ જંગલ છે, સ્વતંત્રતા, સ્વભાવિકતા અને સુંદરતાની ભૂમિ. અહીં પશુ, પંખી ને મનુષ્ય, બધાં મુક્ત છે, અહીં નગરજીવનની નથી કૃત્રિમતા કે નથી દંભ, અને અહીં નથી કશું અસુંદર કે અભદ્ર.

આ કાવ્યમાં કેટલીક પંક્તિઓનો વર્ણવિન્યાસ અત્યંત મનોહર છે, કેટલાંક ચિત્રો સુંદર છે, તો કેટલીક પંક્તિઓ ગદ્યાળવી છે.

(‘આપણો કવિતા-વૈભવ’)