અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દત્તાત્રય ભટ્ટ/ગઝલ (મારામાં ઊગ્યું ...)

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગઝલ (મારામાં ઊગ્યું ...)

દત્તાત્રય ભટ્ટ

મારામાં ઊગ્યું ઘાસ આ રોમાંચ એનો મઘમઘે,
મારામાં દૂઝ્યા ચાસ આ રોમાંચ એનો મઘમઘે.

તારી સભામાં કેટલા મિત્રો હતા હાજર છતાં,
મુજને ગણ્યો તેં ખાસ આ રોમાંચ એનો મઘમઘે.

આંખો કરીને બંધ જ્યાં યાત્રી થયો હું ભીતરી,
ખૂલતો ગયો અજવાસ આ રોમાંચ એનો મઘમઘે.

એ ગામને છોડી ગયો વરસો થયાં છે તે છતાં,
ચરણોને એની પ્યાસ આ રોમાંચ એનો મઘમઘે.

ગોવાળ, ગોપી, રાધિકે ને શ્યામસુંદર આજ પણ,
મારામાં રમતાં રાસ આ રોમાંચ એનો મઘમઘે.
(નવનીત સમર્પણ, એપ્રિલ)