અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દલપત પઢિયાર/રાજગરો
Jump to navigation
Jump to search
રાજગરો
દલપત પઢિયાર
રમતાં રમતાં રોપ્યો, રડજી રાજગરો!
હરતાં ફરતાં ટોયો, રડજી રાજગરો!
કોણે રંગ ઉમેર્યા?
ક્યાંથી અમથું અમથું લ્હેર્યા?
સૈયર! અજાણતાં ઉછેર્યો રડજી રાજગરો!
રાજગરાને વણછે વધતો રોકો જી,
રાજગરાને ભોંય બરાબર રાખો જી.
રાજગરાનાં પાન
રણમાં તરતાં નીકળ્યાં કોણ?
સૈયર! લ્હેર્યો મ્હોર્યો લીલુંકંચન રાજગરો!
રાજગરો તો કેડ-કમ્મર ફાલ્યો જી,
રાજગરાનો અઢળક ઢળિયો છાંયો જી,
રાજગરાનાં ફૂલ
રાતી ચણોખડીનાં મૂલ
સૈયર! ર્હેતા ર્હેતાં રગ રગ રેલ્યો રાજગરો!
રાજગરાને આરણ-કારણ રાખો જી
રાજગરાને વેરણ-છેરણ નાખો જી
રાજગરાનો છોડ
અમને ઘેન ચડ્યું ઘનઘોર
સૈયર! ઝરમર ઝરમર વરસ્યો ઝેણું રાજગરો!
(ભોંયબદલો, પૃ. ૧૦૭-૧૦૮)