અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દિનેશ કોઠારી/અઢળક ઢળિયો રે શામળિયો
Jump to navigation
Jump to search
અઢળક ઢળિયો રે શામળિયો
દિનેશ કોઠારી
ચપટી તાંદુલ વેર્યા ત્યાં તો મબલખ મોલે લળિયો!
ખુલ્લાં ખાલીખમ ખેતર તે
આજ ઝૂમતાં ડૂંડે,
લુખ્ખી જે લયહીન હવા તે
ગુંજન કરતી હૂડે,
જર્જર શુષ્ક ધરાને ફરીથી જોબન-અવસર મળિયો!
ઊંચે આભ નીચે જલથલમાં
આ તે કશી નવાઈ,
જ્યાં જ્યાં નજર ફરે તે સઘળું
સાવ ગયું પલટાઈ,
ભેંકાર હતો જે ભૂત હુંય તે દેવલોકમાં ભળિયો!
(શિલ્પ, ૧૯૬૫, પૃ. ૧૦)