અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દિલીપ ઝવેરી/કવિતા વિશે કવિતા (એક અંશ) (ક્યારેક એવું બને)

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કવિતા વિશે કવિતા (એક અંશ) (ક્યારેક એવું બને)

દિલીપ ઝવેરી

ક્યારેક એવું બને
કાગળને કલમ અડે
ને તારા કૂદે
ઝાકળ ન ઊડે
પાંદડાંની નસોમાં વહેતી લીલાશ ને તરસ્યા તડકાના કણ
હરણનાં ટોળાંની જેમ ઘેરી વળે
શાહી મોરનાં પીંછાં બને
સફેદીઓ અરીસા બને
અરીસામાં પૂર્વજોના ચહેરા
ધૂળમાં ઓળકોળામણે રમતાં બાળકોના કલબલાટ પહેરી
પોરસાતા રહે
બરફ ઓઢીને સૂતેલી સુંદરી અધ્ધર ઊંચકાય
મનમાં ધારી રાખેલ કોઈ આંકડો
વરસગાંઠનો દહાડો બની દિવાળીનાં ફૂલઝરી આકાશ અજવાળતી
બાજીગરની ગુલછડીમાં ઝળહળી જાય
ફોટો પાડવાનો ફ્લૅશ બુઝાતાં
રાતાચોળ તરંગોનાં ઝડપી કૂંડાળે અસલી કાળાશ ઘેરાતી જાય
ઊતરતા અંધારાને સોંસરવી વીંધતી ગોળીઓ
કોઈ અસ્પષ્ટ દૈવી નામોચ્ચારથી ઝબકેલાં પારેવડાં બની જાય
કોરા-કાળાની સંતાકૂકડીમાં
સદાને માટે ક્યાંના ક્યાં ખોવાઈ જવાય
ખોવાતાં ખોવાતાં
યાદ પણ ન રહ્યું હોય એવું પોતાનું જ એવું તો કંઈ અણજાણ્યું જડી જાયઃ
બાગમાં બાંકડે કરેલો પ્રેમ
ગુલાબકુંડાળી બારીમાં
મોગરાઓછાડ પથારીમાં
આખરે ભીંતે લટકતી સુખડફ્રેમમાં
સનાતન બની જાય
જોતાં જોતાં આંગળીના નખ વધે
ચહેરે કરચલી વધે કપાળ માથે ચળકાટ વધે આંખે ઝાંખપ વધે
જાત દેખાતી બંધ થાય
હાથમાંથી લસરી તણાઈને તળિયે ગયેલું સાચ
ધસી આવતી ભરતીનાં મોજાંમાં બારે શઢે ફૂલ્યા વહાણ જેવું પાછું આવે
ત્યારે
ભૂલવું નહીં
કે આ જાદૂગરી કવિતાની છે
અને તારાઝાકળઋતુઓસાચજૂઠપ્રેમ
પછી આંધળા ચીતરે પાંગળા નાચે વેંતિયા તાડાગોળા તોડે
એ બધું એક ખેલ છે
એવા કામણને વશ થઈ ગયા
તો પતી ગયું પડદો પડી ગયો
છતાં
જે તાળી પાડ્યા વિના
ખેલખતમના ડંકા પછી પણ બેસી રહે
એને
હળવેથી ઇશારો કરી
પડદો હટાવી
કવિતા ઓળખાણ કરાવે
પડદા પછવાડે
કરામત કારીગરી કસરત કરતા
અક્ષરો સાથે

કવિતાની ના-અટક નાદાર નાટકકંપનીમાં
બેતરાશ બેતલબ બેસબબ બેવકર બેતકબ્બુર બેવતન
અક્ષરો સિવાય
બીજું કોણ બેકારમાં બદનામ બરબાદ થવા જાય?
(શબ્દસૃષ્ટિ, મે)