અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દિલીપ ઝવેરી/સપનાં
દિલીપ ઝવેરી
સપનાં પૂછીને નથી આવતાં
અડધાં પડધાં
આડેધડ
વારેઘડીએ
વળી એનાં એ જ
છતાંય ઝાઝાં તો યાદ પણ ન રહે
ક્યારેક આખેઆખાં લાંબી વારતા જેવું ભુલાય પણ નહીં
કદીક ઇશારો માત્ર કરીને સદાયનાં ગાયબ
મને ગોબરા સંડાસમાં હંગવાનાં સપનાં વખતોવખત આવે
ગરદીમાં લૂગડાં વિના પકડાઈ ગયાનાં
મેટ્રિક અને ઇન્ટરની પરીક્ષાના દિવસોમાં રોજ સ્વપ્નદોષ થાય
છોકરીઓના પ્રેમમાં પડતો ત્યારે
સર્કલના ઝૂલે સ્લો મોશનમાં ચળકતા સિતારા ઝાલીને
રબરની ભોંય પર કૂદી મારી ફરી ઊછળતો
એમના વારંવાર નકાર પછીય સપનામાં એમની ટપાલ આવતી
અને આસમાની કાગળ પર લખેલા અક્ષર દેખાતાં પહેલાં આંખ ઊઘડી જતી
સપનામાં ઓળખીતાં અજાણ્યાં સગાંવહાલાં દવલાં ભૂત ચુડેલ સૌ આવે
આ ઉંમરે પહોંચતાં ત્રણ-ચાર ઘર તો બદલ્યાં હશે
પણ પહેલાંનું એકાદું ઘર એવું ને એવું
બારી બારણાં રસોડું અભેરાઈ મોરીના નળ સિક્કે બદલાયા વગરનું પોતાનું
ચિબાવલી બહેન અને કજિયાળી બાયડી સરખેસરખાં દેખાય
બાપને ઠેકાણે દીકરા પાસે કરગરું
દાળના વઘારની વાસ અને ખમણઢોકળાંનો પીળો રંગ હજીય આબેહૂબ
ટાલિયા માથાના વાળમાં દાંતિયો ફેરવી અરીસામાં પાંથી દેખતાં
બાળપણમાં બટકેલો દાંત અચૂક ખટકે ને ઊંઘ ઊડી જાય
બીડી પી પીને કૅન્સરથી મરવા પડેલ બાપે
મહિનાના મહિના મોંઘી હૉસ્પિટલમાં છેવટના દિવસ લગી
પહેરણના ખીસામાં મને નિશાળ-કૉલેજમાં ભણાવ્યાના હિસાબની કાપલી
સાચવી રાખેલી જલારામબાપાના ફોટાની સાથોસાથ
એમને ચંદનવાડીમાં જલાવી આવ્યા પછીય
કૉલેજમાં હાજરી પુરાવી છેવટના બાંકડેથી સરકી
સિનેમા જોવા ગયાનાં સપનાંના ઇન્ટરવલની ઘંટડી વાગે
ટેલિફોનની જેમ કહેવાને કે યોર ફાધર ઇઝ નો મોર
માને ધોળા સાડલા અબખે ચડતા પણ ઝખ મારીને
બધાં તીરખ કરાવ્યાં કાશમીર દેખાડ્યું
અથાણાં ઊંધિયાં મસાલા ડોસા ભેળપુરી પાવભાજી
પિઝાપાસ્તાફાલુદાના શોખ
પૂરા કરાવ્યા
પણ ડાયાબિટીસ દાવ છોડે?
દાગીના દીકરીના નામે કરી
રેશમી સાળુ પચરંગી પાનેતર અને સાચી જરી ભરેલી ચૂંદડી
ઠાઠડીએ બંધાવી
મસાણમાં અસલી ઘી અને સુખડને લાકડે આગને વળગી
સપનાંમાં બેઉ આવે.
એતદ્, જાન્યુ.-માર્ચ