અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દુલા ભાયા ‘કાગ’/હાલો હાલો, માનવીઓ! મેળે

From Ekatra Foundation
Jump to navigation Jump to search


હાલો હાલો, માનવીઓ! મેળે

દુલા ભાયા ‘કાગ’

હાલો હાલો, માનવીઓ! મેળે…
હાલો હાલો, મનખડાં મેળે
         મેળામાં મારા મનના માનેલ છે. હાલો.

ઈ રે મેળામાં એક આંટિયાળી પાઘડી
એ…એના ઓડીઆંના ઠાઠ પર તનડાં ઓવારું
         હું મનડાં નિચોવું. — માનવીઓ.

ઈ રે મેળામાં એક ઘોડલાં ઘુમાવતો
એ… એના ડાબલાના તાલ મારાં હૈડાં હસાવે
         મારાં મનડાં નચાવે. — માનવીઓ.

ઈ રે મેળામાં એક મોરલડી વાગતી
એ…એના રાગ મુને વાદણ બનાવે
         કોઈ જોગણ બનાવે. — માનવીઓ.

ઈ રે મેળામાં એક પાવાની ધૂન છે
એ… એના પાવાના સાદ ઘણા મીઠા
         વરસ દીએ દીઠા. — માનવીઓ.

ભોળા શંભુજી! મારી અરદાસું સાંભળો
એ…તમે સાંભળીને ધ્યાનમાં લેજો
         છોરું એવાં દેજો. — માનવીઓ.